૧૯૭૦માં યોગીજી મહારાજ સાથે પૂર્વ આફ્રિકા અને ત્યાંથી ઈંગ્લેન્ડ જવાનું થયું ત્યારે સ્વામીશ્રી સાથે હતા. તે વખતે લંડનમાં યોગીજી મહારાજ તથા તેઓશ્રીના હજૂરી સેવામાં રહેલા સંતોનો ઉતારો ડૉલીસ હિલમાં અરવિંદભાઈને ત્યાં હતો. હું ત્યારે રસોડાની સેવામાં હતો. એક દિવસ એક હરિભક્તને ત્યાં બપોરે યોગીબાપા અને સંતો ઠાકોરજી જમાડવા પધાર્યા. ત્યારે સમયના અભાવે કારપેટ ઉપર કાગળ પાથરી તેના ઉપર ડીશ-વાટડી ગોઠવવાની પૂર્વતૈયારી હું કરી શકેલો નહીં. રસોઈ પણ તૈયાર થઈ ન હતી. તે સેવા પણ હું જ કરતો હતો. એટલે ઘડીકમાં રસોડામાં તો ઘડીક બહાર વ્યવસ્થા કરવા આંટા મારતો. સ્વામીશ્રી મને જોઈ ગયા. પરિસ્થિતિ સમજી ગયા. અને પોતે જાતે ડીશો ગોઠવી, પાથરણાં પાથર્યાં વગેરે વ્યવસ્થા કરવા તેઓ મંડી પડ્યા અને મને રસોઈ સંપૂર્ણ બનાવી લેવા જણાવ્યું. તે વખતે તેમણે ધાર્યું હોત તો બીજા યુવક/સંતોને પણ તે સેવા સોંપી શક્યા હોત પરંતુ તેમ ન કરતા જાતે મંડી પડ્યા. પોતાના હોદ્દાનું, સ્થાનનું, સ્હેજ પણ અનુસંધાન નહીં, સેવકપણાનું જ અનુસંધાન!
એક વખત સ્વામીશ્રી બહારગામથી સાંજના સમયે અટલાદરા પધારવાના હતા. મેં વડોદરાના એક હરિભક્તને ત્યાં રાત્રે ઠાકોરજી જમાડવાનો કાર્યક્રમ ગોઠવ્યો. તે વિસ્તારના અમુક હરિભક્તોએ તેમના નવા મકાનોમાં સ્વામીશ્રીની પધરામણી કરાવવા મને ઘણીવાર વાત કરેલી એટલે ઠાકોરજી જમાડ્યા બાદ તેઓને ત્યાં સ્વામીશ્રીની પધરામણીનો કાર્યક્રમ નક્કી કર્યો. સંજોગવશાત્ સ્વામીશ્રીને વડોદરા પધારતાં જ ઘણું મોડું થયું. ઠાકોરજી જમાડતી વખતે હું મનમાં ચિંતા કરતો હતો કે હરિભક્તોએ સ્વામીશ્રીની પધરામણી માટે તૈયારી કરી રાખી હશે અને આ બાજુ ઘણું મોડું થયું છે. માટે વાત કેવી રીતે કરવી? ઠાકોરજી જમાડ્યા બાદ પૂજનવિધિ પતાવીને, આશીર્વાદ આપીને વિદાય લેતા સમયે જ્યારે બારણાં સુધી પહોંચ્યા કે તુરત પાછા ફરીને મને પૂછ્યું કે બીજો કોઈ કાર્યક્રમ છે? એટલે મેં જે કાર્યક્રમ ગોઠવ્યો હતો તેની વાત કરી. સહેજ પણ અણગમો કે થાકનાં ચિન્હો બતાવ્યાં વિના તુરત જ સહમત થઈ ગયા!
ગામડાંઓમાં તેઓશ્રીની સાથે વિચરણ દરમ્યાન પણ આવા કેટલીય વાર પ્રસંગો બનતા. તે વખતે તો જાણે નિત્યક્રમ જેવું બની ગયું હતું કે બપોરના દોઢ-બે વાગે ઠાકોરજી જમાડવા; થોડો આરામ કરી રાત્રે મોડે સુધી પધરામણી, સભા, નગરયાત્રામાં જોડાવું વગેરે તેઓશ્રીના ભોજનના - આરામના સમયમાં સહેજ પણ નિયમિતતા જળવાતી નહીં. સ્વામીશ્રીને જ્યાં પહોંચવાનું હોય તે પહેલાં રસ્તામાં બે-ત્રણ ગામોમાં પધરામણી, સભા વગેરે કાર્યક્રમ ગોઠવાઈ જાય. આપણે આગળથી સમય અનુસાર કાર્યક્રમ નક્કી કરી રાખ્યો હોય પરંતુ હરિભક્તોને રાજી કરવા સ્વામીશ્રી પાછીપાની કરતા નહિ, તેથી સમયનો મેળ રહેતો નહિ. જોકે પોતે તો પોતાની રીતે ખૂબ જ ખટકો રાખતા.
દરેક મનુષ્યને ભોજન કરતી વખતે એક પ્રકારનું સુખ અનુભવાતું હોય છે. હરકોઈ વ્યક્તિ ભોજન વેળા વાનગીઓનો સ્વાદ માણવામાં આનંદ અનુભવતી હોય છે. જ્યારે સ્વામીશ્રી તો વાનગીઓમાં બિલકુલ રસ જ ધરાવતા નથી. સવારે-બપોરે-રાત્રે ત્રણેય સમય સ્વામીશ્રી આગળ શ્રીહરિકૃષ્ણ મહારાજને થાળમાં ધરાવવામાં આવેલ વિવિધ વાનગીઓનો થાળ મૂકવામાં આવે છે. કેટલીયવાર, તેઓશ્રી જમી રહ્યા હોય ત્યારે સન્મુખ બેસવાનો લહાવો મળ્યો છે અને મેં ખાસ ચીવટ રાખી જોયું છે કે તેઓશ્રી બહુધા તો ખાખરાના કે શેકેલા પાપડ-પાપડીના ટુકડા મોંમાં મમળાવી સમય પસાર કરતા હોય છે. ક્યારેક સેવક સંત કોઈક વાનગી પત્તરમાં પીરસે તો તેને રાજી કરવા સહેજ ટુકડો જ મોઢામાં મૂકે અને પ્રવાહી હોય તો ચમચી જ ગ્રહણ કરે છે. તેઓશ્રી તો ભોજન સમયે સંતો-યુવકો જે કોઈ અહેવાલ રજૂ કરતા હોય તો તે સાંભળવામાં અગર તો તે સમયે વંચાતી કથામાં જ વિશેષ ધ્યાનમગ્ન રહે છે, પરંતુ ભોજન કરવામાં તો બિલકુલ નહિ.