Essay Archives

પ્રાચીનકાળમાં મહાભારત જેવું વિશ્વયુદ્ધ થવાનું એક મુખ્ય કારણ હતું- ભગવત્ ગીતાના પહેલા જ શ્લોકમાં ઉચ્ચારાયેલ શબ્દ- मामका:. ધૃતરાષ્ટ્રની માફક જ્યાં જ્યાં મમત્વ એટલે કે ‘આ મારાં‘-પણાની ભાવના રાજ કરે છે ત્યાં ત્યાં અનર્થ ઉપજે છે. અમેરિકામાં એક મહિલાએ મમત્વને વશ થઈને વીલ કરીને પોતાના પાળેલા કૂતરાને લાખો ડોલરની સંપત્તિનો વારસદાર જાહેર કર્યો હતો. આમાં કાંઈ શાણપણ લાગે છે?
મમત્વ એ માયાનું સ્વરૂપ છે, આથી જ્યારે સામાન્ય જીવો મમત્વના કોકડામાં ગૂંચવાય છે ત્યારે ઉપાધિ નોતરે છે. પરંતુ ભગવાન અથવા ભગવાનનો સાક્ષાત્કાર પામેલ સંત, જેમને પોતાને કોઈ અહમ્-મમત્વ હોતાં નથી, તેઓ જ્યારે પોતાને માનવાવાળા તરફ મમત્વ દાખવે છે ત્યારે તેમનો ઇરાદો કેવળ લોકોનું ભલું કરવાનો જ હોય છે. શ્રીકૃષ્ણ ભગવાને પાંડવો પ્રત્યે દાખવેલ પક્ષપાત मामका: જેવો જ લાગશે, પણ એ કલ્યાણકારી નીવડ્યો. ભગવાન સ્વામિનારાયણ ‘વચનામૃત‘માં આ રીતે શુભકારી મમત્વ દાખવતાં કહે છે “ જે જે મારા કહેવાયા છો એમાં મારે એક તલમાત્ર કસર રહેવા દેવી નથી. જો હું ખટકો રાખીને તમને વર્તાવું નહીં અને તમે કાંઈક ગાફલપણે વર્તો તે અમારા થકી દેખાય નહીં.”
આ જ વચનોના ચીલેચીલે ચાલીને જેમ પિતા સંતાનોની પ્રગતિની જવાબદારી લે એ રીતે પ્રમુખસ્વામી મહારાજે પોતાના આશ્રિતો સન્માર્ગ થકી ફંટાઈ ન જાય એની જીવનભર કાળજી લીધી હતી, કારણકે એ લોકોનું પતન તેમનાથી દેખી શકાતું નહોતું. લંડનનો એક યુવાન ખોટા રવાડે ચડી ગયેલો. પણ પછી પસ્તાવો થતાં એ સ્વામીશ્રી આગળ આવ્યો અને ફરી નિયમબદ્ધ થતાં બોલ્યો ‘હવે મને ખરેખર દુઃખ થાય છે.‘ ત્યારે સ્વામીશ્રી કહે ‘તને દુઃખ થાય છે તેના કરતાં વધુ દુઃખ મને થાય છે.‘
એક સત્સંગી પરિવારનો નબીરો ધંધો કરવાના નામે આડેધડ પૈસા ઉડાડતો થઈ ગયેલો. એણે ઘરમાં કહ્યા વગર ખેતી માટેની પાણીની મોટર એક વિધર્મીને વેચી મારી. પ્રમુખસ્વામી મહારાજને આ વાતની જાણ થઈ કે તરત જ એમણે સંતોને પેલા યુવકના ગામે મોકલીને પેલા વિધર્મી પાસેથી મોટરના પૈસા મંગાવી લીધા. પેલા નબીરાને ગમ્યું નહિ. એવામાં સ્વામીશ્રીએ એને મળવા બોલાવ્યો અને કહ્યું ‘જો આ રહ્યા તારા પૈસા. અમારે જોઈતા નથી. પણ અમે તારા હાથમાં આપવાના નથી. તારા બાપુજીને આપી જઈએ છીએ. તું કાંઈક વ્યવસ્થિત કામકાજ શરૂ કરીશ ત્યારે તારા બાપુજી તને આપશે.‘ આ જ રીતે વડોદરાના એક ઉડાઉ યુવકને મિલકતના ભાગ પડતાં પૈસા મળવાના હતા. ત્યારે સ્વામીશ્રીએ એવી વ્યવસ્થા કરાવેલી કે એ રકમ બારોબાર એક તટસ્થ વડીલ પાસે જાય અને પેલા યુવકને ત્યારે જ પૈસા મળે જ્યારે એ સરખી રીતે જીવન જીવવાની ખાત્રી કરાવી આપે. આ રીતે કેટલાંય કુટુંબોમાં એમના કુળદીપકોને સારે રસ્તે ચલાવવાની એક વડીલ કરતાંય અદકેરી જવાબદારી સ્વામીશ્રીએ નિભાવી હતી.
૧૯૭૭માં પ્રમુખસ્વામી મહારાજના લેસ્ટર (ઇંગ્લેન્ડ)ના રોકાણ દરમ્યાન દરરોજ સવારે એમની પ્રાત:પૂજા માટે તાજાં ફૂલો લાવવાની જવાબદારી ત્યાંના બાળકોને સોંપવામાં આવી હતી. આ માટે બાળકોએ ત્યાંના સ્થાનિક બ્રિટિશ રહેવાસીઓનો સંપર્ક સાધી એમના બગીચામાં ઉગતાં તાજાં ફૂલો રોજ સવારે ચૂંટી જવાની પરવાનગી લીધી હતી. એ રીતે ફૂલો આવતાં હતાં. પરંતુ પછીથી ફૂલોની જરૂરિયાત વધતાં બાળકો હવે વાત થયા કરતાં વધારે ફૂલો તોડી લાવવા લાગ્યાં. સ્વામીશ્રીને આ વાતની જાણ થતાં એક દિવસ તેઓએ પોતાની પ્રાતઃપૂજામાં ‘શિક્ષાપત્રી‘ના વાંચન દરમિયાન સુનીલ નામના બાળકને પાસે બોલાવ્યો. અને એને ‘શિક્ષાપત્રી‘માંથી જ શ્લોક બતાવી કહ્યું ‘જો સ્વામિનારાયણ ભગવાને લખ્યું છે કે ધણીને પૂછ્યા વગર એક પુષ્પ પણ ન તોડાય. તે ચોરી કહેવાય. મારી પૂજામાં ફૂલો નહીં હોય તો ચાલશે પણ મારે આવાં ફૂલો જોઈતાં નથી.‘
મે,૧૯૮૩માં સ્વામીશ્રીને હાર્ટએટેક પછી વડોદરાના પાદરા રોડ ઉપર આવેલ ‘એઈમ્સ ઓક્સિજન‘ના સંકુલમાં આરામ માટે લાવવામાં આવ્યા હતા. એ વખતે દર્શન માટે આવેલ સંતો અટલાદરા મંદિરે રોકાતા. ત્યાંથી સ્વામીશ્રી આગળ જવા માટે સંતો ‘એઈમ્સ‘ના સંકુલની પાછળના ભાગમાં આવેલા એક છીંડાંનો ઉપયોગ કરતા, કારણકે તે રસ્તે જવાથી દસેક મિનિટનો ચકરાવો મટી જતો. આ જાણતાં સ્વામીશ્રીએ ટકોર કરી કે ‘શિક્ષાપત્રીમાં લખ્યા પ્રમાણે આપણે ચોર માર્ગે પેસવું-નિસરવું નહીં. એટલે છીંડાંનો ઉપયોગ ન કરતાં મુખ્ય માર્ગે આવવું, ભલે ૧૦ મિનિટ વધુ ચાલવું પડે.‘
૧૯૯૪માં લંડનના યુવાનોએ સ્વૈચ્છિક રીતે મોજશોખ ઉપર કાપ મૂકી કેટલાંક નિયમો લીધા હતા. એની યાદીનો કાગળ સ્વામીશ્રી આગળ રજૂ કરતાં ચંદ્રેશે લાડથી કહ્યું ‘અમે નિયમ લીધા પણ તમે સાક્ષી તરીકે સહી કરો.‘ સ્વામીશ્રીએ સહી કરીને આશીર્વાદ લખી આપ્યા. અને પછી બોલ્યા ‘નિયમ લખ્યા છે તે શ્યોર (ચોક્કસ) છે ને? જોજે, કોઈ દા‘ડો ભૂલ ન થાય, નહીં તો મારે ઉપવાસ કરવો પડશે !‘ - જ્યારે ગુરુ શિષ્યો માટે આટલી હદે ભોગ આપવા તત્પર હોય ત્યારે શિષ્યો પણ વચનપાલન માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય એમાં શી નવાઈ !
પોતાના આશ્રિતો નાનામાં નાનો નિયમ ન તોડે એ માટે પ્રમુખસ્વામી મહારાજ પોતે જ સજાગ રહેતા. કારણકે તેઓ જેમને પોતાના માનતા, એમનામાં તલમાત્ર પણ કસર રહે એ તેઓ દેખી શકતા નહોતા. પરિણામે એમના અંતરમાંથી જે પ્રેમનું અમૃત ઝરતું હતું તે માનવીની હૈયાભૂમિના કણેકણમાં પ્રસરીને અંત:કરણનાં રજકણોને બદલી નાખતું હતું.

© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS