Essays Archives

ભારતીય સંસ્કૃતિએ વિશ્વને આપેલી અનેક ભેટોમાં સત્‌શાસ્ત્રોનું નામ અગ્રેસર છે. જીવનના ગહનમાં ગહન પ્રશ્નોની અદ્‌ભુત છણાવટ કરતા ભારતીય ધર્મગ્રંથો જેવા અધ્યાત્મસમૃદ્ધ કે વિચારમંથનથી ભરપૂર ધર્મશાસ્ત્રો, વિશ્વની અન્ય કોઈ પણ સંસ્કૃતિએ ક્યારેય આપ્યાં નથી. પરંતુ ભૌતિકવાદના વાયરાઓ આપણા આ અમૂલ્ય વારસા તરફ નવી પેઢીમાં અરુચિ પેદા કરી રહ્યા છે. પશ્ચિમીઓએ બતાવેલા છીછરા તર્ક અને પલટાતી વૈજ્ઞાનિક સાબિતીઓના જાળામાંથી સત્‌શાસ્ત્રોને જોવાની અને મૂલવવાની જાણે ફેશન બની છે. શાસ્ત્રોમાં અશ્રદ્ધા રાખવી એ જાણે બૌદ્ધિકતાનું લક્ષણ ગણાવા લાગ્યું છે. 'સ્વામિનારાયણ પ્રકાશ' આ અંકથી, આપણા સત્‌શાસ્ત્રના એ સમૃદ્ધ વારસાની અદ્‌ભુત પરિચયયાત્રા વિદ્વાન સંતોની કલમે કરાવવાનું શરૂ કરે છે. ભારતીય અધ્યાત્મ ગ્રંથોના સારરૂપે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં માન્ય કરેલાં આઠ સત્‌શાસ્ત્રોની પરિચયાત્મક યાત્રાપૂર્વે આ શાસ્ત્રો પ્રત્યેની શ્રદ્ધાને મૂલવીએ...

શાસ્ત્રોમાં અશ્રદ્ધાનાં કારણો અને શ્રદ્ધાના ઉપાયો :
શ્રીજીમહારાજ નાસ્તિકપણા(અશ્રદ્ધા)નાં કારણો સમજાવતાં વચનામૃત ગ.પ્ર.૬૮માં કહે છે, 'નાસ્તિકપણાના હેતુ તો નાસ્તિકના ગ્રંથ સાંભળવા એ જ છે અને નાસ્તિકના ગ્રંથને વિષે જેને પ્રતીતિ હોય તેનો જે સંગ તે પણ નાસ્તિકપણાનો હેતુ છે. અને વળી કામ, ક્રોધ, લોભ, અહંકાર, માન અને ઈર્ષ્યા એ પણ નાસ્તિકપણાના હેતુ છે; કેમ જે એ માંયલો એકે સ્વભાવ વર્તતો હોય ત્યારે નારદ-સનકાદિક જેવા સાધુ વાત કરે તો ય પણ મનાય નહિ.' અહીં શ્રીજીમહારાજ નાસ્તિકપણામાં મુખ્ય બે કારણો બતાવે છે.
(૧) બાહ્ય કુસંગ (૨) કામાદિક વિકારો અર્થાત્‌ આંતરિક કુસંગ

(૧) બાહ્ય કુસંગ :
શ્રીજીમહારાજે વચનામૃત ગ.પ્ર. ૪૮માં ચાર પ્રકારના બાહ્યકુસંગીઓ જણાવ્યા છે. શુષ્કવેદાંતીઓ, કુડાપંથીઓ, શક્તિપંથીઓ અને નાસ્તિકો. આ ચારેય પ્રકારના કુસંગીઓના યોગથી તેમનાં રચેલાં શાસ્ત્રોનાં વાંચન યા શ્રવણથી સચ્છાસ્ત્રોમાં કુશંકા-કુતર્ક ઊઠે છે. અશ્રદ્ધા ઉત્પન્ન થાય છે અને કલ્પિત ગ્રંથોમાં શ્રદ્ધા જન્મે છે. તેથી જીવના આત્યંતિક કલ્યાણના ઉપાયરૂપ ભગવાનની ઉપાસનાના માર્ગથી અને ભગવાનની પ્રસન્નતાના સાધનરૂપ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિમાર્ગથી પડી જવાય છે. તેમાંય ખાસ કરીને તો આજના કહેવાતા કેટલાક આધુનિક બૌદ્ધિકો, સાહિત્યકારો યા લેખકોનાં તર્કબદ્ધ લેખો, પુસ્તકો યા પ્રવચનોમાં આપણી પ્રાચીન સંસ્કૃતિમાં સનાતન સચ્છાસ્ત્રોમાં અશ્રદ્ધા નિપજાવનારા ભારોભાર તર્કો-કુતર્કો, સંશયાત્મક પ્રશ્નો હોય છે. સતત તેમના યોગથી ગમે તેવા શ્રદ્ધાળુના દિલમાં પણ કુશંકાના કીડા સળવળવા માંડે છે. પરમ આસ્તિક પણ નાસ્તિક શિરોમણિ બની જાય છે.
તેથી શ્રીજીમહારાજ અને વચનામૃતો (પ્ર. ૪૮, પ્ર. ૪૨, કા. ૧૦, લો. ૬, મ. ૧૮, મ. ૧૯, મ. ૩૫, વ. ૧૨, વ. ૨૦, અં. ૨૮, અં. ૩૬)માં આવા કુસંગીઓ કે તેનાં લેખો-પુસ્તકો અને પ્રવચનોથી તો ડરતા રહીને દૂર રહેવાનું જ આગ્રહપૂર્વકનું સૂચન કરે છે. આવા કુસંગથી દૂર રહીએ તો જ શાસ્ત્રોમાં શ્રદ્ધા ટકી રહે છે.

(૨) કામાદિક વિકારો અર્થાત્‌ આંતરિક કુસંગ :
જ્યારે મનુષ્યમાં વિષયો ભોગવવાની લાલસા-તૃષ્ણા તીવ્ર બને છે ત્યારે પુણ્ય-પાપ, ધર્મ-અધર્મ, સ્વર્ગ-નરક, જન્મ-મરણની લખચોરાશી, કર્મસિદ્ધાંત, બંધન-મુક્તિ, એ બધું જ ગપ્પાં લાગે છે. Eat, drink and be merry. ખાઓ, પીઓ અને મોજમજા કરો એવા સિદ્ધાંતવાદીઓને શાસ્ત્રોમાં શ્રદ્ધા ક્યાંથી હોય ? દિલમાં જ્યારે કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, લોભ વ્યાપે કે અહંકાર વ્યાપે ત્યારે સાક્ષાત્‌ ભગવાન કે એવા પવિત્ર અનુભવી સંતો પ્રત્યક્ષપણે સમજાવે છતાં એ કોઈનું માનવા તૈયાર ન થાય તો પછી પરોક્ષ શાસ્ત્રોમાં તો ક્યાંથી શ્રદ્ધા રહે ? કામથી વ્યાકુળ રાવણ કે લોભ અને સત્તાના મોહથી વ્યાકુળ દુર્યોધનને સમજાવવામાં કેવા કેવા ધુરંધરો નિષ્ફળ ગયા ? એમને શાસ્ત્રોના વિધિ-નિષેધની શ્રદ્ધા અને પરવા ક્યાંથી હોય ?
આ કામાદિક વિકારો-દોષોનો અર્થાત્‌ આંતરિક કુસંગનો ત્યાગ કરવાનો પ્રામાણિક પ્રયત્ન કરવામાં આવે તો ધીરે ધીરે શાસ્ત્રોમાં શ્રદ્ધા દૃઢ થતી જાય છે.
વચનામૃતના આધારે નાસ્તિકપણાનાં ઉપરોક્ત બે મુખ્ય કારણો ઉપરાંત બીજાં પણ કેટલાંક કારણો જોવા મળે છે.

(૩) પોતાની લૌકિક બુદ્ધિનું ડહાપણ :
આજના યુગમાં શાસ્ત્રોમાં અશ્રદ્ધા જન્માવનારું આ મુખ્ય પરિબળ છે. વિજ્ઞાનની પાંખે ઊડનારા અને તેની દૃષ્ટિથી જોનારા બુદ્ધિજીવીઓને તર્કથી, બુદ્ધિથી, ગાણિતિક ગણતરી(mathematical calculations)થી કે પ્રયોગ-શાળામાં પ્રયોગથી જ બધું સિદ્ધ કરવું ગમે છે. એ રીતે જે સિદ્ધ થાય તે જ માન્ય કરે છે અને બીજાનો તો છેદ જ ઊડાડી દે છે. 'એ બધું ક્યાં દેખાય છે ? કોણે જોયું છે ? અમને દેખાડો તો માનીએ આવો મિથ્યા પ્રલાપ કરનારાને શાસ્ત્રોની વાતો તો કેવળ ગપ્પાં જ લાગે છે.
અહીં એ યાદ રાખવું ઘટે કે અધ્યાત્મનો પ્રત્યેક વિષય બુદ્ધિની ક્ષમતાની બહારનો છે. જો કે બુદ્ધિથી ભૌતિક જગતને સમજવાનો પ્રામાણિક પ્રયત્ન કરનારા મોટા મોટા વૈજ્ઞાનિકો પણ કબૂલ કરે છે કે ભૌતિક જગતનો તાગ પણ બુદ્ધિથી મેળવી શકાતો નથી. કેવળ સ્થૂળ બુદ્ધિથી, પછી એ ગમે તેટલી તીવ્ર કે તીક્ષ્ણ હોય તો પણ આ જગતના રહસ્યને પામી શકાય તેમ નથી.
સર આર્થર એડિંગ્ટન તેના 'The Philosophy of Physical Science' પુસ્તકમાં કહે છે કે વૈજ્ઞાનિક અવલોકનની પદ્ધતિ ઇન્દ્રિયો ઉપર આધાર રાખતી હોવાથી તે સ્થૂળ ભ્રાન્તિઓ દ્વારા આપણને દગો કરવાની ક્ષમતા ધરાવે છે.
એવી જ રીતે જે બ્રોનોવ્સકી તેના ‘The Ascent of Man’ પુસ્તકમાં લખે છે, 'ભૌતિક વિજ્ઞાનોનો એક હેતુ ભૌતિક જગતનું ચોક્કસ ચિત્ર આપવાનો રહ્યો છે. વીસમી સદીના ભૌતિક શાસ્ત્રની એક સિદ્ધિ 'આ હેતુ અસાધ્ય છે' એમ સિદ્ધ કરવાની રહી છે.' ક્ષતિવિહીન જ્ઞાનની પ્રાપ્તિની માનવીની શક્તિની મર્યાદાને સ્પષ્ટ કરતાં તે કહે છે કે માનવ જ્ઞાનની પ્રકૃતિ સાથે દૂર નહીં થઈ શકે એવી રીતે ક્ષતિઓ વણાઈ ગયેલી છે.
પ્રખ્યાત વિજ્ઞાની સર જેઈમ્સ જીન્સ આધુનિક વિજ્ઞાનની સ્થિતિની વાત કરતાં કહે છે : 'ભૌતિક વિજ્ઞાન દ્રવ્ય અને વિકિરણના જગતનો અભ્યાસ કરવાને નીકળ્યું, અને તેને હવે સમજાય છે કે તે પોતાની સમક્ષ પણ, આ બે પૈકી એકને પણ વર્ણવી કે ચિત્રિત કરી શકતું નથી. બાળકને અક્ષર ગણિત શીખવાના પહેલા દિવસે જેટલા અર્થહીન x y z લાગે લગભગ તેટલા જ અર્થહીન ભૌતિકશાસ્ત્રને માટે ફોટોન, ઈલેક્ટ્રોન અને પ્રોટોન બન્યો છે. હાલની ઘડીએ તો આપણે વધુમાં વધુ એટલી આશા રાખીએ કે x y z શું છે તે જાણ્યા વિના તેમનો દોરીસંચાર કરવાના રસ્તા શોધવા, પરિણામે જ્ઞાનની પ્રગતિ એક અગ્રાહ્યમાંથી બીજું અગ્રાહ્ય તરીકે જેને આઈન્સ્ટાઈને વર્ણવી છે તેવી નિમ્ન કક્ષાએ પહોંચી ગઈ છે.'
સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક 'ફ્રિત્જોફ કાપ્રા'એ પોતાના પુસ્તક 'The Tao of Physics'માં ગણિતશાસ્ત્રના નિયમો અને વાસ્તવિકતા વિષે આઈન્સ્ટાઈનના આ કથનનો ઉલ્લેખ કર્યો છે. 'ગણિતશાસ્ત્રના નિયમો જેટલે અંશે વાસ્તવિકતાને સ્પર્શે છે તેટલે અંશે તેઓ નિશ્ચિત નથી અને જેટલે અંશે તેઓ નિશ્ચિત હોય છે, તેટલે અંશે તેઓ વાસ્તવિકતાને સ્પર્શતા નથી.'
અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટીના વિજ્ઞાની લિંકન બાર્નેટ, વિજ્ઞાન ભૌતિક જગતની કેવી સમજ આપે છે તે વિષે 'The Universe and Dr. Einstein' પુસ્તકમાં આ પ્રમાણે રજૂઆત કરે છે, 'જે જગતમાં આપણે રહીએ છીએ તેનું વર્ણન કરવાનો અને તેને સમજાવવાનો વિજ્ઞાનનો હેતુ છે... તેમ છતાં, વાસ્તવિકતાની ખોજમાંના માનવીના દરેક સોપાન સાથે 'સમજાવવું' શબ્દનો અર્થ સંકોચાતો જાય છે. વિજ્ઞાન હજુ સુધી વિદ્યુત, ચુંબકત્વ અને ગુરુત્વાકર્ષણને ખરેખરી રીતે 'સમજાવી' શકતું નથી; તેમની અસરોની માપણી અને આગાહી થઈ શકે છે.
પરંતુ તેમના અંતિમ સ્વરૂપ વિશે તો, ઈ. પૂ. ૫૮૫ના અરસામાં ચેમ્બરના વૈદ્યુતીકરણ ઉપર પ્રથમ ધારણા કરનાર મિલેટસના થેલ્સના કરતાં આધુનિક વિજ્ઞાની વધુ જાણતો નથી. આ રહસ્યમય બળો 'વાસ્તવ'માં શું છે તે માનવી કદાપિ શોધી શકશે તે ખ્યાલને મોટાભાગના સમકાલીન વિજ્ઞાનીઓ નકારે છે.'
ક્વોન્ટમ સિદ્ધાંતની વૈજ્ઞાનિક જગતને ભેટ આપનાર મહાન જર્મન વિજ્ઞાની મેક્ષ ટલેન્ક જણાવે છે કે 'વિજ્ઞાન પ્રકૃતિના અંતિમ રહસ્યને ઉકેલી શકે નહીં કારણ કે અંતિમ વિશ્લેષણમાં આપણે પોતે જ પ્રકૃતિના ભાગ બની જઈએ છીએ અને તેથી જેને ઊકેલવા મથીએ છીએ તે રહસ્યના ભાગ હોઈએ છીએ.'
આમ, ચોક્સાઈ, વસ્તુલક્ષિતા અને ગણિતશાસ્ત્ર ઉપર મદાર રાખતી વૈજ્ઞાનિક પદ્ધતિ ભૌતિક જગતનું પણ સ્પષ્ટ ચોક્કસ અને વસ્તુલક્ષી ચિત્ર આપી શકવાની નથી. વિજ્ઞાનની અર્થાત્‌ માનવબુદ્ધિની પણ મર્યાદા નિશ્ચિત છે. લિંકન બાર્નેટ કહે છે, 'વૈજ્ઞાનિક વિચારની ઉત્ક્રાંતિમાં એક તથ્ય બહુ પ્રભાવક રીતે સ્પષ્ટ થયું છે : ભૌતિક જગતનું કોઈપણ રહસ્ય એવું નથી કે જે તેની પારના રહસ્ય પ્રત્યે અંગુલિનિર્દેશ નહિ કરતું હોય. બુદ્ધિના સર્વ ધોરી માર્ગો, સિદ્ધાંત અને ઉતાવળિયા અભિપ્રાયની સર્વ ગલીઓ છેવટે તો એવી ઊંડી ગર્તા તરફ દોરી લઈ જાય છે કે જેનો તાગ માનવીનો બુદ્ધિવૈભવ કદાપિ પામી શકવાનો નથી, કારણ કે માનવી તેના અસ્તિત્વની, તેની પરિસ્થિતિની, તેના અંતપણાની અને પ્રકૃતિમાંની તેની સંડોવણીની બેડી વડે જકડાયેલો છે.'
આમ, વિશ્વભરના સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિકો કે બુદ્ધિના બેતાજ બાદશાહો પણ કબૂલ કરતા હોય કે ભૌતિક વસ્તુઓ પણ બુદ્ધિથી શાશ્વત સિદ્ધાંતરૂપે સમજી શકાતી નથી તો પછી અગમ્ય આધ્યાત્મિક ક્ષેત્રમાં બુદ્ધિ અને ઇન્દ્રિયો અંતઃકરણ વડે સમજી શકાય જ કઈ રીતે ? જેમ વ્યક્તિનું વજન સ્પીડોમીટરથી, ઉષ્ણતામાન વજનકાંટાથી કે બે શહેરનું અંતર થર્મોમીટરથી ન મપાય, કારણ કે તેનાં તે સાધનો નથી, તેમ અધ્યાત્મના વિષયોને જાણવાના કે સમજવાના સાધનો બુદ્ધિ, વૈજ્ઞાનિક પ્રયોગો કે ગણિતશાસ્ત્રના નિયમો નથી પણ 'શ્રદ્ધા' જ છે.
પોતાની સગી આંખે જોયેલું પણ ક્યાં સાચું હોય છે ? દૂરથી નાનો દેખાતો ચંદ્ર શું ખરેખર નાનો જ છે ? પોતાની સગી આંખે દેખાતાં ઝાંઝવાનાં જળ શું વાસ્તવિક પાણી છે ? અને જે સગી આંખે નથી દેખાતું તેવાં તત્ત્વો - બેક્ટેરિયા, વાયરસ કે પરમાણુઓનું અસ્તિત્વ શું નકારી શકાય તેમ છે ? વૈજ્ઞાનિકોએ શોધેલા નેપ્ચ્યુન અને પ્લૂટો વગેરે ગ્રહોનું અસ્તિત્વ તેમની શોધ પહેલાં શું ન હતું ?
આમ, આંખથી દેખાય કે બુદ્ધિથી સમજાય તે જ માનીએ એ મિથ્યા બકવાસ છે. આવા બકવાસથી કશું જ હાથમાં નથી આવતું. માટે બુદ્ધિના ડહાપણનો ત્યાગ કરીને અધ્યાત્મ વિષયોમાં વાસ્તવિકતાનો ખ્યાલ કરીને શાસ્ત્રોમાં અતિ દૃઢ શ્રદ્ધા રાખવી જોઈએ.
તેથી સંત ઓગસ્ટાઈન કહે છે, 'Faith is to believe what we do not see, and the reward of this faith is to see what we believe.' અર્થાત્‌ શ્રદ્ધા એટલે જે આપણે જોતા નથી તે માનવું અને તેનું ફળ છે - જે આપણે માનીએ છીએ તેનું દર્શન.
(૧) માનવ દૃષ્ટિએ જણાતી શાસ્ત્રોની કેટલીક અસંભવિત અશક્ય બાબતો પણ નાસ્તિકતાનો હેતુ બને છે.
દા.ત.
૧. અગસ્ત્ય મુનિ સમુદ્રનું પાણી અંજલિથી પી ગયા.
૨. સ્વર્ગમાંથી ગંગાનું અવતરણ.
૩. સગરરાજાના ૬૦,૦૦૦ પુત્રો.
૪. ચિત્રકેતુને કરોડ સ્ત્રીઓ હતી.
૫. શ્રીકૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત તોળ્યો.
૬. ગોકર્ણનો ગાય થકી જન્મ.
૭. પ્રહ્‌લાદે માતાના ગર્ભમાં સાંભળેલ નારદની કથાવાર્તા.
૮. નચિકેતા યમરાજાના દ્વારે પહોંચ્યો.
૯. શુકદેવજી બાર વર્ષે માતાના ઉદરમાંથી જન્મ્યા અને જન્મતાં વેંત ઓરભેર ભાગ્યા.
વેદો, ઉપનિષદો, પુરાણો અને મહાભારત જેવા ઇતિહાસોમાં આવાં ઘણાં પ્રસંગો - આખ્યાનો છે કે જે માનવબુદ્ધિથી ઐતિહાસિક ઘટનાની દૃષ્ટિએ તદ્દન અશક્ય જેવાં જ લાગે, તેથી આવાં આખ્યાનો વાંચીને તેથી સાથે સાથે શાસ્ત્રોની બીજી વાતોમાં પણ શ્રદ્ધા રહેતી નથી.
(૨) શાસ્ત્રોમાં કેટલીક વિરોધાભાસી વાતોથી માણસના મનમાં દ્વિધા ઉદ્‌ભવે છે અને અશ્રદ્ધાનાં બીજ રોપાય છે. જેમ કે શાસ્ત્રોમાં ક્યાંક ભગવાન સાકાર છે તેવો નિર્દેશ છે તો ક્યાંક નિરાકાર છે તેવા નિર્દેશ જોવા મળે છે. વળી, કલ્યાણ માટે પણ ક્યારેક તપ તો ક્યાંક જપ, ક્યાંક દાન તો ક્યાંક યજ્ઞ, તો ક્યારેક સર્વ સાધનોનો નિષેધ કરીને ભગવાનનો આશરો એમ વિવિધ ઉપાયોનો નિર્દેશ છે. આવી જુદી જુદી વાતો વાંચવાથી કે સાંભળવાથી સામાન્ય મનુષ્યોને તેમજ બૌદ્ધિકોને પણ શાસ્ત્રો પ્રતિ અશ્રદ્ધા અને સૂગ ઉત્પન્ન થાય છે.
ઉપરોક્ત બન્ને રીતે શાસ્ત્રો પ્રતિ ઉદ્‌ભવતી અશ્રદ્ધાને ટાળવા અને શ્રદ્ધાને દૃઢ કરવા માટે એક વસ્તુ સમજવાની ખાસ જરૂરિયાત છે કે શાસ્ત્રોની ભાષા ગૂઢ રહસ્યમય છે તેથી તેનો બધી જગ્યાએ ફક્ત વાચ્યાર્થ કે શબ્દાર્થ જ લેવાનો નથી હોતો પણ લક્ષ્યાર્થ કે તાત્પર્યાર્થ પણ લેવાનો હોય છે.


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS