Essays Archives

આમૂલ પરિવર્તનના કસબી

નૈતિક્તાની સહસ્ત્રાબ્દિઓ જૂની વહેતી ધારાને 19મી સદીના પૂર્વાર્ધમાં વધુ પ્રભાવક બનાવી હતી ભગવાન શ્રી સ્વામિનારાયણે. એમાંય ખાસ કરીને જે નિમ્નવર્ણના લોકો પર નૈતિક્તાની આળ કાયમની બની હતી તેવા લોકોને પોતાના ખોળે લઈને ભગવાન સ્વામિનારાયણે તેમનામાં નૈતિક્તાના ઝળહળતા રત્નો પકાવ્યા. ભગવાન સ્વામિનારાયણે સમાજમાં આણેલા આમૂલ પરિવર્તનથી પ્રભાવિત થતાં તેમના જીવનકાળ દરમ્યાન જ સન 1823માં લંડનથી પ્રકાશિત ‘એશિયાટિક જર્નલે’ તેમજ સન 1827માં બિશપ રેજિનાલ્ડ હેબરે તેમની એ સિદ્ધિને બિરદાવી છે. તો તત્કાલીન બ્રિટિશ ઇતિહાસ-લેખક હેન્રી જ્યોર્જ બ્રિગ્સ પણ ભગવાન સ્વામિનારાયણને હૃદયપૂર્વક ભાવાંજલિ અર્પે છે.
ભગવાન સ્વામિનારાયણે તત્કાલીન કથિત નિમ્નવર્ણના લોકોમાં આણેલા આમૂલ પરિવર્તનની નોંધ લેતાં ‘History of Gujarat’ નોંધે છે : Sahajanand alias Swaminarayan played an important role in eradicating social evils and religious malpractices from among backward classes.’ એટલે કે, સહજાનંદજી એટલે કે શ્રી સ્વામિનારાયણે પછાત વર્ણોમાંથી અસામાજિક તત્ત્વોને અને અધાર્મિક-અનૈતિક પ્રવૃત્તિઓને દૂર કરવામાં અગત્યનો ફાળો આપ્યો છે.
પ્રસિદ્ધ ઇતિહાસલેખક પ્રિન્સ હોપકિન્સે ગુજરાતમાં શાંતિ સ્થાપવા માટે ભગવાન સ્વામિનારાયણના અમૂલ્ય પ્રદાનને, એમણે કરેલાં આમૂલ પરિવર્તનને આ રીતે વર્ણવ્યું છે : ‘...his message had a revolutionary effect on the personal lives and character of thousands of people in a very lawless period. Members of martial and criminal tribes gave up meat and drink; they renounced the use of opium and tobacco, to both of which most of them were very much addicted. ’
એટલે કે ભગવાન સ્વામિનારાયણના સંદેશે પછાત વર્ણોના હજારો લોકોનાં જીવન અને ચારિત્ર્ય પર એક ક્રાંતિકારી અસર પેદા કરી હતી. તેમના પ્રભાવથી લડાયક તથા ગુનાખોર જાતિઓના લોકોએ માંસાહાર તેમજ શરાબ છોડી દીધા, એટલું જ નહીં, તેમણે અફીણ ને તમાકુ પણ છોડ્યા કે જેના તેઓ અત્યંત વ્યસની હતા.
‘A comprehensive History of India’માં વિદ્વાન ઇતિહાસકાર કે. કે દત્તા નોંધે છે :  ‘સંપ્રદાયે સામાજિક સુધારાના ક્ષેત્રમાં અદ્‌ભુત કાર્ય કર્યું. એણે વર્ણભેદને અવગણ્યો, નિમ્ન વર્ણના લોકો પ્રત્યે સહાનુભૂતિપૂર્વક તથા માયાળુતાથી વર્ત્યો, અને અત્યાર સુધી જે અધિકારોથી એમને વંચિત રખાયા હતા એ અધિકારો એણે તેમને આપ્યા. ઘણો ખરો કારીગર, મજૂર અને નિમ્ન સ્તરનો વર્ગ આ સંપ્રદાયમાં જોડાયો. સહજાનંદજીના પ્રભાવ હેઠળ તેઓએ દારૂ પીવાની, જુગારની, માંસભક્ષણની ધૂમ્રપાનની કુટેવો છોડી દીધી અને પોતાનું નૈતિક ધોરણ ઉન્નત કર્યું. સહજાનંદજીએ લોકોને સાદાઈથી જીવવા માટે કામનાઓને અંકુશમાં રાખવા અને પવિત્ર, પ્રભુમય જીવન જીવવાનો આગ્રહપૂર્વક ઉપદેશ આપ્યો. સહજાનંદજીના પ્રભાવથી કેટલીક ગુનાહિત જાતિઓએ તેઓનો ચોરી અને ધાડ પાડવાનો ધંધો પણ મૂકી દીધો હતો અને તેઓ સારા નાગરિક બન્યા.’

અનેકની ચૌર્યવૃત્તિને ચોરી લેનાર

જ્યાં શાસનની પકડ ઢીલી હતી, રજવાડાંઓ પોત પોતાના સ્વાર્થમાં અંધ બન્યાં હતાં, ‘મારે તેની તલવાર અને હાંકે તેની ભેંસ’ જેવી દશા ન્યાય અને કાયદા વિષયે બની હતી, એવા સમયે સત્તા કે શસ્ત્રોના આધાર વિના ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રજામાં નૈતિક્તાનો જે સૂર્ય ઝળહળાવ્યો હતો તેનાથી દેશ અને વિદેશના ઇતિહાસ-લેખકો ખૂબ પ્રભાવિત હતા.
ભારતીય નૈતિક્તાની ભાગીરથીનો પ્રવાહ બળવત્તર બનાવવામાં 19મી સદીમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે જે અમૂલ્ય પ્રદાન આપ્યું હતું તેની ઘણી વિગતો આપણે પૂર્વે જોઈ ચૂક્યા છીએ.
ધણીને પૂછ્યા વિના પડેલું દાતણ પણ ન લેવાના નૈતિક સંસ્કાર જગાડનાર, જીવનના અતિ કપરા સંજોગોમાંય પડેલી વસ્તુ હાથે ન ઝાલવાનું ખમીર પ્રગટાવનાર હતા ભગવાન સ્વામિનારાયણ. તેમણે શીખવ્યું હતું : ‘સદાચાર એ જ ધર્મ.’ તેમણે સામાન્ય ગ્રામીણ પ્રજાના રોમરોમમાં ઉતાર્યું હતું : નૈતિકતા વિનાનો ધર્મ, તે ધર્મ જ નથી. નૈતિકતા વિના આધ્યાત્મિકતા સંભવી શકે નહીં અને આધ્યાત્મિકતા વિના નૈતિકતા ટકી શકે નહીં. તેમના વ્યક્તિત્વે અને આ ઉપદેશે કેવી ક્રાંતિ કરી હતી ? જૂનાગઢનો ગોવિંદ ભંગી, છાણીના તેજાભાઈ વણકર, ઉપલેટાના વેરાભાઈ અને એવાં અનેક ઉદાહરણો સાથે 19મી સદીનો ઇતિહાસ તે વિશે જે કાંઈ નોંધે છે, તે એક સ્વતંત્ર અધ્યયન માગી લે છે.
ગુજરાતના પ્રસિદ્ધ ચિંતક આનંદશંકર બાપુશંકર ધ્રુવ ભગવાન સ્વામિનારાયણે કરેલાં આવાં પરિવર્તનોની નોંધ લેતાં લખે છે કે ‘સહજાનંદ સ્વામીના ઉપદેશથી ગુજરાત-કાઠિયાવાડની ઘણી ક્રૂર અને લઢકારી જાતો કોમળ અને શાંત થઈ છે તથા પ્રભુ તરફ વળી છે.’
ઝાલાવાડના સ્વામિનારાયણીય સત્સંગી સગરામ વાઘરીને એક દિવસ સ્થાનિક મહારાજાએ પોતાના મહેલમાં બોલાવીને પૂછ્યું : ‘સ્વામિનારાયણે તને શો પરચો બતાવ્યો કે તું એમને ભગવાન માને છે?’
સગરામ મહારાજા સામે એક વેધક નજર માંડીને બોલ્યા : ‘મારા જેવા સામાન્ય માણસને મહારાજા પોતાના અંગતખંડમાં નિમંત્રણ આપીને તેડાવે અને ખાનગીમાં બેસાડી ભગવાન વિશે વાતો પૂછે, એ શું નાનો અમથો પરચો છે?’ અને એટલામાં મહારાજા ઘણું સમજી ગયા.એક સમયે, જે લોકોને સમાજ પોતાના આંગણામાં પણ પ્રવેશ આપવા તૈયાર નહોતો એ લોકો ભગવાન સ્વામિનારાયણના પ્રયત્નોથી કેવા આબરૂદાર અને રુઆબદાર નાગરિક બન્યા હતા!
જૂનાગઢના ગોવિંદ ભંગીને નવાબના બગીચામાં વાળતાં વાળતાં બેગમની સોનાની સાંકળી મળી આવી અને બેગમને તે પાછી આપી ત્યારે ‘અમે સ્વામિનારાયણના છીએ, અમારાથી ન લેવાય’ એ ખુમારી તેણે દર્શાવી હતી. સ્વામિનારાયણીય આચાર-વ્યવહારની તત્કાલીન સમાજ પર ઘેરી અસર હતી એનું આ અવિસ્મરણીય ઉદાહરણ છે. કિશોરલાલ મશરૂવાળા સહજાનંદ સ્વામી મહારાજની આ સિદ્ધિને અંજલિ આપતાં લખે છે કે - ‘અનેકની ચૌર્યવૃત્તિઓને ચોરી લેનાર સહજાનંદ સ્વામી હતા.’

નૈતિકતાની જ્યોત હજુ જલે છે...

ભગવાન સ્વામિનારાયણ અને તેમના આધ્યાત્મિક અનુગામી ગુરુવર્યોએ ભારતીય નૈતિકતાની મશાલ જીવતી રાખવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. સમાજના સામાન્ય વર્ગમાં ખોવાયેલી નૈતિકતાને પુનઃ તેની ગરિમા સાથે સ્થાપિત કરવામાં ભગવાન સ્વામિનારાયણનો પુરુષાર્થ અનન્ય હતો. તેમાંય ખાસ કરીને આ સંપ્રદાયની વિશેષતા એ હતી કે અહીં સવર્ણો જેટલી માત્રામાં રહ્યા છે, તેટલી જ માત્રામાં નિમ્ન કહેવાતા વર્ણના લોકો પણ આદરપૂર્ણ સ્થાન પામ્યા છે. એક તલસ્પર્શી અભ્યાસપૂર્વક દેશ-વિદેશના અનેક વિદ્વાનોએ તેની નોંધ લીધી છે. ગુજરાતી વિશ્વકોશના સંપાદક અને પ્રસિદ્ધ સાક્ષરરત્ન શ્રી ધીરુભાઈ ઠાકર નોંધે છે : ‘સમાજના નીચલા થરોની નૈતિક સુધારણા કરનાર આત્મશોધક બળ તરીકે આ પંથ ખરે જ હિંદુ ધર્મના ઇતિહાસમાં અજોડ છે.’
કોઈ કહી શકે, પૂછી શકે :આ તો બધી જૂની વાતો થઈ, દોઢ-બે સદી પહેલાંની વાતો થઈ. પરંતુ આજે આપણા નૈતિક ઘડતરની શી હાલત છે ? આજે ક્યાં ઊભા છે સંસ્કારોની અસ્મિતાના વારસદારો ?
એક સમયે આચાર્ય મનુ હિન્દુઓને સંબોધીને એક લક્ષ્ય શીખવતા હતા :
‘स्वं स्वं चरित्रं शिक्षरेन् पृथिव्यां सर्व-मानवाः’ પોતાના ઉજ્જ્વળ ચરિત્રથી સમસ્ત જગતને ચારિત્ર્યનું - નૈતિકતાનું શિક્ષણ આપો.
અને આજે ? ભારતના શિક્ષણમાં જ નૈતિકતાનું શિક્ષણ પ્રશ્નાર્થોથી ઘેરાયેલું છે, ત્યારે શું હજારો વર્ષોના આ ઉજ્જ્વળ નૈતિક ઘડતરનાં અજવાળાં ખરેખર વિલાઈ જશે ? પરંતુ સામે પ્રતિપ્રશ્ન એ છે કે શું ખરેખર વાતાવરણ ખરેખર એટલું બધું નિરાશાજનક છે ?
ના. આજેય પ્રામાણિકતાની - નૈતિકતાની પવિત્ર જ્યોતિ ચોક્કસ જલે છે. પરંતુ જરૂર છે એક સામુદાયિક અભિયાનની, કે જેના દ્વારા એ નૈતિકતાની જ્યોતનાં અજવાળાં વધુ ને વધુ લોકો સુધી પહોંચાડી શકાય. ભગવાન સ્વામિનારાયણે પોતાના વૈદિક સિદ્ધાંતો પર 200 વર્ષ પૂર્વે એ દિવ્ય કાર્ય કર્યું હતું, આજે પૂજ્ય  પ્રમુખસ્વામી મહારાજ જેવા મહાન સંતો એ કરી રહ્યા છે.
ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યો માટે સમર્પિત થઈ જનાર અમેરિકી વિદ્વાન ડેવિડ ફ્રોલી કહે છે : ‘પ્રમુખસ્વામી મહારાજ પાસે લોકોને પ્રેરિત કરવાની સૌથી પ્રચંડ શક્તિ છે. વગર બોલ્યે એક મહાન આત્મા હજારોને શાંતિ, નિઃસ્વાર્થ સેવા અને પ્રેમના વાતાવરણમાં અસાધારણ સર્જન કરવા પ્રેરી શકે છે, એ જ સૂચવે છે કે એમનામાં અસામાન્ય વિવેક, પ્રેમ અને ભગવત્‌સાક્ષાત્કાર હોવો જોઈએ, આ મહાન આત્મા પાસે પર્વતોને હલાવવાની શક્તિ છે, માનવજાતને હલાવવાની શક્તિ છે, સંસ્કૃતિઓ બદલી નાખવાની શક્તિ છે.’
પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે પોતાના વ્યક્તિગત જીવનના આદર્શ દ્વારા આધુનિક વાલિયાઓનું રૂપાંતરણ કરીને કેવી રીતે વાલ્મીકિઓ પ્રગટાવ્યા છે, તેનો એક દીર્ઘ ઇતિહાસ છે. તેનો પ્રત્યેક અધ્યાય રોમાંચક છે, પ્રેરણાઓના પવિત્ર આંદોલન સમાન છે. (ક્રમશઃ)


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS