ભગવાન બ્રહ્માંડની જેમ આપણા જીવનનું પણ સંચાલન કરે છે
જો ભગવાનમાં સાચી શ્રદ્ધા હશે અને ભગવાન છે એવી દૃઢતા હશે તો કોઈ દિવસ મન પાછું નહીં પડે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને અખૂટ, અખંડ શ્રદ્ધા છે. અમદાવાદનો એક પ્રસંગ છે. અમદાવાદમાં એક સમયે સામાજિક અશાંતિનું વાતાવરણ સર્જાયું હતું ત્યારે અમુક પત્રકારો મંદિરમાં આવ્યા હતા અને તેમણે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને પૂછ્યું કે ‘આ વાતાવરણમાં આપ શું કરો છો?’ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે કહ્યું, ‘અમે પ્રાર્થના કરીએ છીએ કે સમાજમાં શાંતિ પ્રસરે.’ તેઓએ તરત જ કટાક્ષથી પ્રતિપ્રશ્ન કર્યો કે ‘પ્રાર્થનાથી શું થશે?’ ત્યારે સ્વામીશ્રીએ દૃઢતાથી, શાંતિથી જવાબ આપ્યો કે ‘અમને શ્રદ્ધા છે કે ભગવાન અમારી પ્રાર્થના સાંભળે છે અને જરૂર શાંતિનું વાતાવરણ સર્જાશે.’ સામાન્ય લોકો તો પ્રશ્નથી ડગી જાય, પણ જો ભગવાનમાં અખૂટ શ્રદ્ધા હોય અને વિશ્વાસ હોય તો પ્રાર્થનામાં હિંમત અને બળ વધશે, ઘટશે નહીં.
ભગવાનનો ભક્ત જ શંકા કરે કે ભગવાન પ્રાર્થના સાંભળશે તો ખરાને? હવે આવી કાચી-પોચી શ્રદ્ધા ન ચાલે, અતૂટ-અખંડ-અપાર શ્રદ્ધાની જરૂર છે. ઘણી વાર એવું જોવા મળતું હોય છે કે ભક્તો મંદિરમાં આવે અને ભગવાન જોડે વાર્તાલાપની શરૂઆત કરે ત્યારે પોતાની જ વાત કરીને જતા રહે અને હજુ ભગવાન કંઈક કહેવા જાય ત્યાં તો એ મંદિરમાંથી બહાર જતા રહે.
આવી ઘટના બને ત્યારે લાગે કે આપણામાં હજુ પૂર્ણ શ્રદ્ધા અને ધીરજનો અભાવ છે. જ્યારે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને તો ભગવાનમાં અખૂટ શ્રદ્ધા અને અપાર ધીરજ હતી.
વર્ષ-૧૯૮૫નો પ્રસંગ છે. સ્વામીશ્રીને ભારતથી લંડન કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા માટે આવવાનું હતું. એ અરસામાં તા. ૨૩ જૂન, ૧૯૮૫ની સવારે એરઇન્ડિયાનું વિમાન ‘182 Emperor Kanishka’ને આતંકવાદીઓએ બોમ્બ દ્વારા ૩૧,૦૦૦ ફૂટ ઊંચે એટલાન્ટિક ઓશન મધ્યે ઉડાવી દીધું હતું. આ કરુણ ઘટનામાં પ્લેનના તમામ ૩૨૯ મુસાફરો મૃત્યુ પામ્યા. આ પ્લેનની ઘટના બાદ આતંકવાદીઓએ ધમકી આપી હતી કે એરઇન્ડિયાની તમામ ફ્લાઇટ ઉપર જોખમ રહેશે. હકીકતમાં ત્યારપછી મહિનાઓ સુધી એરઇન્ડિયામાં મુસાફરી કરવાનું લોકોએ ટાળ્યું.
ઘટના અને સમાચારથી ગભરાઈ લંડનના હરિભક્તોએ વિચાર્યું કે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ એરઇન્ડિયાના પ્લેનમાં લંડન ન આવે તો સારું. કેમ કે આતંકવાદીઓએ એવી ધમકી આપી છે કે અમે એરઇન્ડિયાનાં તમામ પ્લેનમાં બોમ્બ મૂકીશું. આ વાત નાછૂટકે લંડન સત્સંગમંડળના ચેરમેન સી.એમ. પટેલ અને ભક્તોએ સ્વામીશ્રીને કરી. ‘સ્વામીશ્રી! આપ એરઇન્ડિયાના પ્લેનમાં ન આવો તો સારું, કેમ કે આતંકવાદીઓએ ધમકી આપી છે કે અમે દરેક એરઇન્ડિયાના પ્લેનમાં બોમ્બ મૂકીશું અને એરઇન્ડિયાનાં પ્લેનમાં આતંકવાદીઓ બોમ્બ મૂકે એવો ભય છે.’
ત્યારે કોઈપણ પ્રશ્ન કર્યા વગર સ્વામીશ્રીએ સ્વસ્થચિત્તે કહ્યું કે ‘અમે તો એરઇન્ડિયાનાં પ્લેનમાં જ લંડન આવીશું. તમને આતંકવાદીના વચનમાં વિશ્વાસ છે પણ ભગવાનના વચનમાં વિશ્વાસ નથી? રક્ષા કરનાર ભગવાન છે અને સમગ્ર બ્રહ્માંડમાં એનું ધાર્યું જ થાય છે!’
સ્વામીશ્રી જુલાઈના પહેલા અઠવાડિયામાં એરઇન્ડિયાના પ્લેન દ્વારા જ લંડન પધાર્યા.
કોણ બોમ્બની ધમકીવાળા વાતાવરણમાં પ્લેનમાં બેસવા તૈયાર થાય? સામાન્ય વ્યક્તિ તો હલી જાય અને કદાચ યાત્રા કેન્સલ પણ કરી દે. આપણી દૃઢતા ભગવાનમાં અફર રહેતી નથી, પણ સ્વામીશ્રીની દૃઢતા ભગવાનમાં અફર હતી.
સ્વામીશ્રી કહેતા કે ‘ભગવાનમાં શ્રદ્ધા રાખો, સંતના વચનમાં વિશ્વાસ રાખો. ભગવાનનું કામ તમે કરશો એટલે શ્રદ્ધા વધશે, નિયમ-ધર્મનું પાલન કરશો એટલે શ્રદ્ધા વધશે, સત્સંગ કરશો એટલે શ્રદ્ધા વધશે, શાસ્ત્રોનો અભ્યાસ કરશો એટલે શ્રદ્ધા વધશે.’
પણ શ્રદ્ધા ઉપરાંત બુદ્ધિથી મનુષ્ય વિચારે તોય ભગવાનમાં દૃઢતા થાય.
‘જેણે રચ્યું આ જગત જોને જુજવી જાતનું રે,
જોતાં મૂંઝાઈ જાય મન એવું કર્યું ભાતભાતનું રે...’
જગત સામે દૃષ્ટિ કરીએ તો આકાશમાં વરસાદ-પાણી અધ્ધર રહે છે. ટેકા વગર તારામંડળ આકાશમાં ટકે છે અને ચમકે છે, સૂર્યની-ચંદ્રની ગતિ અસ્ત-ઉદય થાય છે, પાર વગરનો સમુદ્ર તેની મર્યાદા ઓળંગતો નથી, એવાં અનેક આશ્ચર્ય, પંખીમાંથી પંખી, પશુમાંથી પશુ, મનુષ્યમાંથી મનુષ્ય, એક જળના બિંદુમાંથી એક સમગ્ર માનવ ઉત્પન્ન થાય છે. સમગ્ર સૃષ્ટિ સામે જો દૃષ્ટિ કરશો તો આપોઆપ સમજાશે કે તેના રચયિતા કોઈક હશે જ.’’
કેનોપનિષદમાં પણ આ જ વાત કરી છે કે –
केनेषितं पतति प्रेषितं मन: केन प्राण: प्रथम: प्रैति युक्त:।
केनेषितां वाचमिमां वदन्ति चक्षु:श्रोत्रं क उ देव युनक्ति।।
કોઈ પ્રશ્ન કરે કે સૃષ્ટિની શરૂઆત કેવી રીતે થઈ? વિશ્વ શેનાથી ચાલે છે? તો આપોઆપ ભગવાનની શક્તિનો ખ્યાલ આવશે. પણ આપણે તો પ્રશ્ન જ પૂછતા નથી. અને જો પ્રામાણિકતાથી પૂછીશું તો સાચી વાત સમજાશે કે આ બ્રહ્માંડની અંદર સૂર્યનું સ્થાન, ચંદ્રનું સ્થાન, ગ્રહોનું સ્થાન, બ્રહ્માંડોનું સ્થાન કોઈ ટેકા વગર ટકી રહ્યું છે અને એટલું સુસજ્જ રીતે ગોઠવાયું છે કે મોટા વૈજ્ઞાનિકો પણ આશ્ચર્ય પામી ગયા છે.
એક વાર અમદાવાદની અંદર ગરમીનું ટેમ્પરેચર વધ્યું હતું ત્યારે એવું કહેવાતું હતું કે જો ૫૦ ડિગ્રીમાંથી ૫૫ ડિગ્રી થઈ જાય તો? આપણા શરીરમાં બળતરા થવા લાગે અને મગજ કામ કરતું બંધ થઈ જાય. વૈજ્ઞાનિકો સમજાવે છે કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર ૯૩ મિલિયન માઇલ્સ છે. આ અંતર જરાક નજીક હોત તો પૃથ્વી સંપૂર્ણ બળીને ભસ્મ થઈ જાત અને જરાક દૂર હોત તો થીજીને બરફ થઈ જાત. ક્યારેક આપણે તાપણું કરવા બેઠા હોઈએ અને ઝાળ લાગી જાય તો તે સામાન્ય ઝાળ પણ દઝાડી દે છે. ત્યારે આ સૂર્ય જેનું આંતરિક ટેમ્પરેચર ૨૭ મિલિયન ડિગ્રી ફેરનહાઇટ છે અને જેનું બાહ્ય ટેમ્પરેચર ૧૦,૦૦૦ ડિગ્રી ફેરનહાઇટ છે, તેની એક લહેર આવી જાય તો પૃથ્વીનું શું થાય? પણ ભગવાન આવું થવા દેતા નથી. ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર ૩,૮૪,૪૦૦ કિલોમીટર છે. આ અંગે વૈજ્ઞાનિકો કહે છે કે આ આદર્શ અંતર છે. જો ચંદ્ર થોડો પણ નજીક હોત તો સમુદ્રમાં એટલી ભરતી આવે કે પૃથ્વી પાણીમાં ડૂબેલી હોત!
એટલે ભાઈસાબ! તમે રમતમાં પણ નાનાં બાળકોને કહેતા નહીં કે ચાંદામામા અહીં આવો કે નજીક આવો. આ અંતરમાં મીનમેખ ફેર થાય તો ગરબડ સર્જાય. આ અંતર કોણે નક્કી કર્યું બુદ્ધિશાળી વૈજ્ઞાનિકોએ? આપણે? ના, એ ભગવાનની રચના છે. બ્રહ્માંડના આવા તો અનેક કાયદા-કાનૂન છે, જે વૈજ્ઞાનિકો સમજાવી શકતા નથી અને સહજ સ્વીકારે છે. આમ, સર્વ કર્તા-હર્તા, સર્વ શક્તિમાન એવા ભગવાન જે બ્રહ્માંડનું સંચાલન કરે છે તો તે આપણા જીવનનું પણ સંચાલન કરશે, માટે શંકા, અવિશ્વાસ કે ભયનો આશરો લીધા વગર કેવળ ભગવાનમાં વિશ્વાસ અને શ્રદ્ધા રાખીશું તો ગમે તેવાં સંકટો કે સમસ્યામાંથી ભગવાન આપણી રક્ષા કરશે અને માર્ગ સુઝાડશે.