Essays Archives

૩. અક્ષરબ્રહ્મ અક્ષરધામમાં મૂર્તિમાન સેવકરૂપે

એક જ અક્ષરબ્રહ્મ તત્ત્વનાં જુદાં જુદાં સેવા કાર્યો આપણાં સનાતન શાસ્ત્રો ખૂબ જ સ્પષ્ટ અને સરળ રીતે સમજાવી રહ્યાં છે. અક્ષરબ્રહ્મ એક દિવ્ય સ્થાન રૂપે, અક્ષરધામરૂપે પરબ્રહ્મ તથા અનંતકોટિ મુક્તોને ધરી તો રહ્યા જ છે, પરંતુ સાથે સાથે તે જ સ્થાનમાં તેઓ મૂર્તિમાન થકા પરબ્રહ્મ પુરુષોત્તમ-નારાયણની સેવામાં બિરાજી રહ્યા છે. તે વાત પણ શાસ્ત્રોમાં એટલી જ પ્રસિદ્ધ છે.
અહીં મુંડક ઉપનિષદનો દાખલો લઈએ. મહર્ષિ અંગિરા શિષ્ય શૌનકને આ અક્ષરબ્રહ્મ તત્ત્વને જ વિવિધરૂપે સમજાવી રહ્યા હતા. તેમાં તેમણે એમ કહ્યું, ‘महत्पदम् अत्र एतत् समíपतम्। एषत् प्राणन्निमिषत्व्च... तदेतद् अक्षरं ब्रह्म’ (મુંડક ઉપનિષદ, ૨/૨/૧-૨) અર્થાત્ 'હે શૌનક! ખરેખર, આ અક્ષરબ્રહ્મ ‘महत् पदम्’ કહેતાં 'એક મહાન સર્વોત્કૃષ્ટ સ્થાનરૂપે છે.' અને એટલું જ નહીં પણ ‘अत्र एतत् समíपतम्’ એટલે કે ‘अत्र’ અર્થાત્ એ જ અક્ષરધામમાં ‘एतत्’ એટલે એ જ અક્ષરબ્રહ્મ ‘समíपतम्’ એટલે કે 'પુરુષોત્તમનારાયણની સેવામાં સમર્પિત છે.' વળી 'હૈ શૌનક! પરબ્રહ્મની પરમ સેવામાં પરાયણ એવું આ અક્ષરબ્રહ્મ ‘एषत्’ એટલે કે હાલે-ચાલે છે, ‘प्राणत्’ એટલે કે શ્વાસ લે છે. અને ‘निमिषत्’ એટલે કે આંખો પટપટાવે છે.' કહેવાનું તાત્પર્ય એ છે કે અક્ષરધામમાં પુરુષોત્તમનારાયણની સેવામાં રહેલું તે અક્ષરબ્રહ્મ નિરાકાર નથી, પરંતુ સદા સાકાર અને દિવ્ય કરચરણાદિક સકળ ઇન્દ્રિયે યુક્ત જ છે. એટલે જ એ જ મુંડક ઉપનિષદમાં આગળ જતાં મહર્ષિ અંગિરાએ આ અંગે ફરી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું ‘दिव्ये ब्रह्मपुरे ह्येष व्योम्न्यात्मा प्रतिष्ठितः। मनोमयः प्राणशरीरनेता’ (મુંડક ઉપનિષદ, ૨/૨/૯) 'દિવ્ય બ્રહ્મપુર, કહેતાં અક્ષરધામમાં સકળ જીવપ્રાણીઓના આત્મા સમાન આ જ અક્ષરબ્રહ્મ વિરાજમાન છે. તે પણ મૂર્તિમાન થકા છે. દિવ્ય મન, પ્રાણ, શરીર વગેરે સર્વાંગ સંપૂર્ણ છે.'
અક્ષરબ્રહ્મના આ સ્વરૂપની વાત ગઢડા પ્રથમ પ્રકરણના ૨૧મા વચનામૃતમાં કરી છે, 'અને એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમનારાયણની સેવામાં રહે છે.'
આ રીતે અક્ષરબ્રહ્મના એક વિશિષ્ટ આકાર સ્વરૂપનો આપણને શાસ્ત્રો ખ્યાલ આપે છે.
આવા સર્વાંગ સંપૂર્ણ મૂર્તિમાન અક્ષરબ્રહ્મની સાથે જ અક્ષરધામમાં રહીને મુક્તિ અવસ્થાને પામેલા મુક્તાત્મા પણ પરમાત્માના પરમ આનંદને ભોગવે છે. આવી વાત તૈત્તરીય ઉપનિષદના 'આનંદવલ્લી' પ્રકરણમાં કરી છેઃ
‘सोऽश्नुते सर्वान् कामान् सह ब्रह्मणा विपश्र्चितेति’ (તૈત્તિરીય ઉપનિષદ આનંદવલ્લી, ૧)
આમ વિવિધ સ્વરૂપે અક્ષરબ્રહ્મનો અલૌકિક મહિમા સમજાય છે. પરંતુ આ રીતે સર્વકારણરૂપે, સર્વવ્યાપકરૂપે કે સર્વાધારરૂપે રહેલા આ ચિદાકાશ અક્ષરબ્રહ્મને અનુભવવા સહેલા નથી. વળી, અક્ષરધામરૂપે કે તે ધામમાં પરમાત્માના પરમસેવકરૂપે બિરાજતા અક્ષરબ્રહ્મને જોવા કે જાણવા તે પણ, આપણે બ્રહ્મરૂપ થઈએ તે પહેલાં શક્ય નથી. આ બધું તો ત્યારે જ  અનુભવી શકાય, જો તે અક્ષરબ્રહ્મ પોતે જ આ આપણા લોકમાં મનુષ્યરૂપે અવતરે, આપણને સૌને દૃષ્ટિગોચર થાય અને આપણે તેમનો પ્રસંગ કરી શકીએ. તો શું આ શક્ય છે? આવો અપ્રતિમ મહિમા ધરાવતા અક્ષરબ્રહ્મ શું માનવરૂપે અવતરે? આપણી વચ્ચે વિચરતા હોય? તો આવી જિજ્ઞાસાઓ સામે આપણાં શાસ્ત્રોનો પ્રત્યુત્તર છે, હા. હા, અક્ષરબ્રહ્મ આ લોકમાં અવશ્ય પધારે જ છે. મનુષ્યરૂપે અવતરે જ છે. અને આપણે તેમનો પ્રસંગ પણ જરૂરાજરૂર કરી જ શકીએ. આ જ તો અક્ષરબ્રહ્મનું સર્વલોકોપયોગી દિવ્ય સ્વરૂપ છે. આવો, તે અંગે શાસ્ત્રો દ્વારા માર્ગદર્શન મેળવીએ.


૪. અક્ષરબ્રહ્મ બ્રહ્મસ્વરૂપ ગુરુરૂપે

આ લોકમાં આપણા સૌની વચ્ચે વિચરતા પ્રત્યક્ષ ગુણાતીત ગુરુ એ અક્ષરબ્રહ્મનું મનુષ્યસ્વરૂપ છે. પ્રગટ અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુરુના આશરે જઈ તેમનો પ્રસંગ કરવાથી જ આપણા આત્મામાં એ બ્રહ્મના ગુણ આવી શકે, આપણે બ્રહ્મરૂપ થઈએ, પરબ્રહ્મનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય સિદ્ધ થાય અને પરમાત્માના પ્રગટપણાનો અનુભવ પણ થાય. એટલે જ ઉપનિષદે તો સિદ્ધાંત જ કરી આપ્યો છે કે ‘तद् विज्ञानार्थं स गुरुमेवाभिगत्व्छेत् समित्पाणिः श्रोत्रियं ब्रह्म निष्ठम्।’ (મુંડક ઉપનિષદ, ૧/૨/૧૨) 'જો બ્રહ્મવિદ્યાનો સાક્ષાત્કાર પામવો હોય તો ગુરુ પાસે જવું જ પડે.' અને એ ગુરુ પણ કેવા તો, ‘श्रोत्रियम्’ એટલે કે સર્વશાસ્ત્રના રહસ્યોના સાક્ષાત્કારને પામેલા હોય, ‘ब्रह्म’ એટલે કે પોતે સાક્ષાત્ અક્ષરબ્રહ્મ હોય અને ‘निष्ठम्’ એટલે કે પરબ્રહ્મ પરમાત્મામાં અનન્ય સ્થિતિ ધરાવતાં હોવા જોઈએ. પરમાત્માની પરમભક્તિમાં પરાયણ હોવા જોઈએ.
આ રીતે અક્ષરબ્રહ્મ મનુષ્યરૂપે અવતરી ગુરુરૂપે દર્શન દે છે તે અહીં જાણવા મળે છે. ભગવદ્ ગીતામાં ‘तद् विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया। उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदíशनः॥’ (ગીતા, ૪/૩૪) એમ કહી 'અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુરુ'ને જ જ્ઞાની અને તત્ત્વદર્શી કહ્યા છે. તેમને નમન, પરિપ્રશ્ન અને સેવા દ્વારા પ્રસન્ન કરી બ્રહ્મવિદ્યાના સાક્ષાત્કારને પામવાનો નિર્દેશ કર્યો છે.


અક્ષરબ્રહ્મ ગુરુ ભવજલતારક સેતુ - નૌકા

આવા અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુરુની શિષ્યના જીવનમાં આધ્યાત્મિક માર્ગે શી ભૂમિકા છે? તે ઉપનિષદોમાં વિવિધ ઉપમાઓ દ્વારા સરળતાથી સમજાવ્યું છે.
કઠ ઉપનિષદમાં યમરાજનાં વચન છે : ‘यः सेतुरीजानानामक्षरं ब्रह्म यत्परम्। अभयं तितीर्षतां पारं नाचिकेतš शकेमहि॥’ (કઠ ઉપનિષદ્, ૩/૨) અર્થાત્ 'સંસારમાયાની ભારે ભમરીઓ અને જળપ્રવાહોને તરી જવા ઇચ્છતા મુમુક્ષુ માટે અક્ષરબ્રહ્મ 'સેતુ' સમાન છે.' સેતુ જેમ નદીના એક કિનારાથી બીજા કિનારે સહેલાઈથી પહોંચવાનું માધ્યમ બની જાય છે, તેમ અક્ષરબ્રહ્મ પણ ગુરુરૂપે પધારી સેતુની ભૂમિકા ભજવે છે. આપણને માયામાં ડૂબતાં બચાવે છે, તેમને માયા પાર લઈ જાય છે અને પરમાત્માના ધામને પમાડી પરમાત્માનો મેળાપ કરાવી આપે છે. આ જ વાત મુંડક ઉપનિષદ્માં અંગિરા નામના ૠષિએ શૌનક નામના શિષ્યને સમજાવી છે. ત્યાં કહ્યું, ‘अमृतस्यैष सेतुः’ (મુંડક ઉપનિષદ્, ૨/૨/૫) 'આ અક્ષરબ્રહ્મ અમૃતસ્વરૂપ પરમાત્માને પામવાનો સેતુ છે.'
આ જ ભાવની વાત એક જુદા દૃષ્ટાંતથી શ્વેતાશ્વતર ઉપનિષદમાં સમજાવવામાં આવી છે : ‘ब्रह्मोडुपेन प्रतरेत विद्वान् स्रोतांसि सर्वाणि भयावहानि’ (શ્વેતાશ્વતર ઉપનિષદ, ૨/૮) 'બુદ્ધિશાળી મનુષ્યે અક્ષરબ્રહ્મરૂપી નૌકાનો આશરો લઈ આ ભયંકર માયાના પ્રવાહોને તરી જવું.' આ નૌકા એટલે પ્રગટ બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ.
આમ સેતુરૂપે કે નાવરૂપે અક્ષરબ્રહ્મ આપણા ગુરુપદે બિરાજી આપણને સદાય માયા પાર રહેલા પરમાત્માનો મેળાપ કરાવી આપે છે.


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS