Essays Archives

આપણે હિન્દુ છીએ. સનાતન ધર્મી હિન્દુ છીએ. મંદિર આપણી એક સનાતન ઓળખ છે, આપણી શાન છે, આપણી અસ્મિતા છે, આપણી પરંપરા છે, સૌથી વિશેષ તો આપણી સંસ્કૃતિનો આધારસ્તંભ છે. આપણી આ સનાતન વિરાસતને મિટાવી દેવાનો પ્રયાસ સદીઓથી ચાલતો આવ્યો છે, આજેય ચાલતો રહ્યો છે. પૂર્વેનાં અને આજનાં હથિયાર ભલે જુદાં હોય, માધ્યમો ભલે બદલાયાં હોય, પદ્ધતિ ભલે અલગ હોય, પરંતુ આશય એ જ છે- મંદિરોને કે તેના ગૌરવને નષ્ટ કરવાનો, હિન્દુઓને અસ્મિતાશૂન્ય ખોખલા બનાવવાનો.
વિશ્વના અનેક ધર્મો પોતાના વિસ્તાર માટે પોતાનાં ધર્મસ્થાનો વિશ્વભરમાં વિસ્તારે છે- અબજો ડોલર્સના ખર્ચે. હિન્દુઓએ પણ મંદિરો બાંધ્યાં છે, પરંતુ અન્ય ધર્મીઓનું ધર્મપરિવર્તન કરવા નહીં, પોતાની જ નવી પેઢીને પોતાની જ ઉપાસના પરંપરાની ભેટ આપવા માટે. હિન્દુઓએ મંદિરો રચ્યાં છે, પોતાની પરસેવાની કમાણીમાંથી, કોઈનુંય ગૌરવ હણીને નહીં. કોઈ સ્પર્ધાથી નહીં, પરંતુ નિઃસ્વાર્થ ભક્તિભાવથી આ મંદિરો રચાયાં છે. હિન્દુઓની પ્રત્યેક પેઢી મંદિર સાથે આસ્થાના તંતુથી જોડાતી રહી છે. તમે ગમે તે સંપ્રદાય કે મતના અનુયાયી હિન્દુ હોઈ શકો છો, તમારી ઉપાસના પદ્ધતિ તમારી ગુરુપરંપરાએ પ્રવર્તાવેલા સિદ્ધાંત અનુસાર અલગ હોઈ શકે છે, પરંતુ એક સનાતની હિન્દુ તરીકે મંદિરની અનિવાર્યતા કે આવશ્યકતા વિશે તમે ક્યારેય બેમત હોઈ શકો નહીં, તમારા મનમાં શંકા કે દ્વિધા હોઈ શકે નહીં. મંદિરોની અનિવાર્યતા ન હોત તો, અદ્વૈત સિદ્ધાંતના પ્રવર્તક શ્રીમદ્‌ આદિ શંકરાચાર્ય જેવા પ્રખર ‘intelectual giant’ છેક બદરિનાથ સુધી જઈને બદરિનાથના મંદિરની સ્થાપના ન કરત. મંદિરની જરૂરિયાત ન હોત તો આજીવન અકિંચન રહીને ભારતભરનું પરિભ્રમણ કરનાર ભગવાન સ્વામિનારાયણે માથે પથરા ઊંચકીને મંદિરો બાંધ્યાં ન હોત. 'ગરીબ' ભારતના કલિંગ પ્રદેશના નિર્વસ્ત્ર પરિવારને જોઈ રડી ઊઠનાર ગાંધીજીએ ભારતની ગરીબી હટાવવા પ્રણ લીધું અને જીવનભર પોતડીભર વસ્ત્રે રહીને એ પ્રણ નિભાવ્યું હતું. ભારતની પ્રજાના હિત માટે આટલી હદે ચિંતિત અને પ્રખર સુધારાવાદી અને ક્રાંતિકારી ગાંધીજીને મંદિરોની જરૂરિયાત ન સમજાઈ હોત તો, એમણે આ શબ્દો ઉચ્ચાર્યા ન હોતઃ 'આપણે સાવ પૃથ્વીના પાર્થિવ માનવો જ છીએ. હું તો કહું છુ _ કે તમે મંદિરમાં જાવ. મંદિર એ અંધશ્રદ્ધાનું સ્થાન નથી. આપણે નમ્રતા અને પશ્ચાત્તાપની ભાવનાથી મંદિરમાં જવું જોઈએ. ભક્તોના મનમાં મંદિર અને મૂર્તિઓ પથ્થરની ઈમારત નથી પરંતુ તેમના મનમાં તો આ ચૈતન્ય તત્ત્વ છે. મંદિરોને તોડવાં (કે તેના ગૌરવને હણવું) એ તો આપણા ધર્મનો જ વિનાશ છે, કારણ કે મંદિર એ આપણી ધાર્મિક સભ્યતાનું સંગ્રહસ્થાન છે. લાખો-કરોડો હિન્દુઓ આ મંદિરો દ્વારા આશ્વાસન અને શાંતિ પામે છે, આ મંદિરોને જમીનદોસ્ત કર્યા પછી જો જો કે, કેવાં ભયાનક પરિણામો આપણને પ્રાપ્ત થાય છે.'
ગાંધીજીનું આ કથન માત્ર કહેવા ખાતર નહોતું. ગાંધીજીએ સને ૧૯૩૯માં રચાવેલું દિલ્હીનું બિરલા મંદિર તેનું સાક્ષી છે. તેમની પ્રેરણા અને માર્ગદર્શન ન હોત તો શેઠ ઘનશ્યામદાસ બિરલાએ ભારતભરમાં મંદિરોની શૃંખલા રચી ન હોત.
યુગ આદિ શંકરાચાર્યનો હોય, ભગવાન સ્વામિનારાયણનો હોય, ગાંધીજીનો હોય કે ૨૧મી સદીનો હોય, કોઈપણ યુગમાં, કોઈપણ સ્થિતિમાં, પૃથ્વીના કોઈપણ ભૂખંડમાં- જ્યાં સનાતન ધર્મી હિન્દુ વસે છે, ત્યાં મંદિરની અનિવાર્યતા વિશે દ્વિધા ન જ હોઈ શકે.
સદીઓ પૂર્વે ભારત પર ચઢી આવેલા આક્રમણકારો પણ, હિન્દુઓની આ સનાતન જડને ઓળખી ગયા હતા, એટલે જ એમણે એના પર પ્રહારો કર્યા. પરંતુ ખેદની વાત એ છે કે આજે આક્રમણકારો ભૌગોલિક સીમાની બહારથી નથી આવતા, અંદરથી જ ઉદ્‌ભવી રહ્યા છે. હિન્દુઓનાં હૃદયમાંથી મંદિરોના ગૌરવને નષ્ટ કરવાનો એમનો પ્રયાસ નિતનિત નવલા આકાર ધારણ કરી રહ્યો છે. તાજેતરમાં જ એવો એક મિથ્યા પ્રયાસ થઈ રહ્યો છેઃ મંદિરને બદલે હવે શૌચાલયો બાંધો!
મંદિર અને શૌચાલયની તુલના માત્ર, મંદિરના ગૌરવને નષ્ટ કરવાની હીન અને બર્બર વૃત્તિનો જ પડઘો આપે છે. આપણી નવી પેઢીને ગુમરાહ કરવાનો જ આમાં ઈરાદો છે કે શું? એક સનાતની હિન્દુ તરીકે આપણે ખરેખર સમજવું જોઈએ- આ હીન વૃત્તિનું ગણિત. ચાલો, મંદિરના થોડાક પ્રાચીન ઇતિહાસથી આપણી મંદિર પરંપરા અને આ કુઠારાઘાતને સમજવાનો પ્રયાસ કરીએ.
૧૦,૦૦૦ વર્ષ પુરાણી પરંપરા
વેદકાળથી વહેતી હિંદુ પરંપરામાં બ્રહ્મ-પરબ્રહ્મનાં સાક્ષાત્કારને પામવા અનેક આધ્યાત્મિક સાધનોનો યુગે યુગે વિસ્તાર થતો રહ્યો છે. એ પૈકી સૌથી સબળ માધ્યમ તરીકે ભક્તિમાર્ગ આર્યાવર્તની રજેરજમાં સૌથી વધુ છવાઈ ગયો. પરબ્રહ્મની આરાધના કરવામાં ભક્તિ-માર્ગનું એક વિલક્ષણ પાસું ઊપસી આવ્યું : મૂર્તિપૂજા અને મંદિર. મૂર્તિપૂજા અને મંદિરો એ ભારતીય સંસ્કૃતિની વિશ્વને એક અમૂલ્ય દેણ છે.
ઇતિહાસની દૃષ્ટિએ જોઈએ તો મંદિર-મૂર્તિપૂજાના સૌ પ્રથમ દસ્તાવેજ ૠગ્વેદમાંથી મળી આવે છે. ૠગ્વેદને માનવજાતિના અસ્તિત્વ જેટલો જ જૂનો માનવામાં આવે છે. પશ્ચિમી સંશોધકોને અનુસરતાં કેટલાક વિવેચકો એમ માને છે કે ભારતમાં મંદિરોની પ્રથા ઈસુની પહેલી સદીથી વધારે જૂની નથી. પરંતુ હકીકતે વૈદિક કાળથી જ મંદિરોનું અસ્તિત્વ ભારતમાં હતું. મંદિરો, મૂર્તિઓ તથા મૂર્તિઓનાં પોષાક, વાહન, વેદી, વગેરેનાં પુષ્કળ પ્રમાણો વેદોમાંથી મળી આવે છે.
કેટલાક વિદ્વાનોનો તર્ક છે કે વૈદિક કાળમાં સંસ્કૃતિ યજ્ઞપ્રધાન હતી. એ સમયે મૂર્તિપ્રજાને બદલે યજ્ઞો જ પ્રચલિત હતા, એટલે જ વૈદિક કાળનાં મંદિરોના કોઈ પુરાતત્ત્વીય પુરાવાઓ પણ નથી. પરંતુ એ વખતે મંદિરોનું અસ્તિત્વ હતું જ. વાસ્તુવિદ્યાના પ્રસિદ્ધ વિદ્વાન ડૉ. આનંદકુમાર સ્વામી જણાવે છે : 'એ સમયે વિશેષે કરીને લાકડાંનાં મંદિરો બનતાં હોઈને તે કાળક્રમે નષ્ટ પામ્યાં. પરિણામે તેના અવશેષ ઉપલબ્ધ થતા નથી.' (એ.કે. સ્વામી, હિસ્ટરી આૅફ ઇન્ડિયન એન્ડ ઇન્ડોનેશિયન આર્ટ, ન્યૂયોર્ક, ૧૯૬૫, પૃ. ૪૬-૪૮)
ઈ. સ. પૂર્વે ૨૫૦૦નો સમય ધરાવતા હરપ્પા અને મોહેંજોદરોમાં મૂર્તિપૂજાનું સમર્થન કરતા અવશેષો મળી આવ્યા છે - એનો અર્થ એ નથી કે આ સંસ્કૃતિ અને મૂર્તિપૂજા એ સમયમાં જ પ્રચલિત થઈ હતી. અલ્હાબાદ યુનિવર્સિટીના પ્રૉ. ગોવર્ધનદાસ શર્માએ બાગોર નામના સ્થળે કરેલા પુરાતત્ત્વીય ખોદકામને લીધે, ભારતમાં ઈ.સ. પૂર્વે ૭૦૦૦-૮૦૦૦ વર્ષ પહેલાં મૂર્તિપૂજા અને મંદિર પરંપરા હોવાનું સિદ્ધ થયું છે. પ્રસિદ્ધ પુરાતત્ત્વવિદû ડૉ. હસમુખ સાંકળિયાએ પણ તેનું અનુમોદન કર્યું છે. (પથિક, મે, ૧૯૮૪, પૃ. ૮)
ઈ.સ. પૂર્વે બીજી સદીના બેસનગર ગરુડ-સ્તંભના શિલાલેખમાં જણાવ્યું છે કે ત્યાં શ્રી વાસુદેવ(કૃષ્ણ)નું મંદિર હતું. એનાથી ૪૦૦ વર્ષ પૂર્વે પાણિનિએ પણ વાસુદેવની પૂજા થતી હોવાનો નિર્દેશ કર્યો છે. ગ્રીક અભ્યાસી હિલિયાડોરાએ તક્ષશિલામાં ઈ.સ. પૂર્વે ૫૦૦માં વાસુદેવના માનમાં ગરુડ અને મૂર્તિયુક્ત ધ્વજદંડની સ્થાપના કરી હતી - એવો પણ ઉલ્લેખ આ શિલાલેખમાં જોવા મળે છે.
ઈ.સ. પૂર્વે ૨૦૦માં ભારતથી ભાગી ગયેલા બે સામન્તોએ યુફરેટ્‌સના ઉત્તર ભાગમાં જઈને કૃષ્ણ મંદિર સ્થાપ્યું હતું. જેને પાછળથી સને ૩૦૪માં સેંટ ગ્રેગરીએ ધ્વસ્ત કર્યું. ગ્રીક તથા ઇજિપ્તવાસીઓને ઈ.સ. પૂર્વે ૧૪૦માં ઓર્કલીઝ õ મૂર્તિપૂજાનો ત્યાગ કરવા ફરમાન કર્યું હતું. પરંતુ ત્રીજી શતાબ્દીમાં ત્યાં અનેક પ્રકારની મૂર્તિઓ પૂજાતી હતી. આવી ઘણી બધી ઘટનાઓ વિશ્વ ઇતિહાસમાં નોંધાયેલી છે અને તે મૂર્તિપૂજા અને મંદિરોના પ્રાચીન સમર્થન માટે મહત્ત્વની છે.
મંદિરનિર્માણનો એક સુવર્ણયુગ છેલ્લાં બે હજાર વર્ષમાં આવી ગયો. સમ્રાટ વિક્રમાદિત્યના સમય પછીનાં ૧૧૦૦ વર્ષોમાં પથ્થરનિર્મિત ભવ્ય મહાલયો સમાં મંદિરોનાં નિર્માણનો એક સિલસિલો ચાલ્યો. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ - આર્યાવર્તના ખૂણે ખૂણે મંદિરો સ્થપાવા લાગ્યાં. વૈદિક આધાર પર રચાયેલાં સ્થાપત્યશાસ્ત્રો, રચનાની દૃષ્ટિએ અનેકવિધ પ્રકારનાં મંદિરો દર્શાવે છે. અને એ ભાતભાતની આશ્ચર્યકારક અનેકવિધતા ઇતિહાસકાર, કલાકાર અને મુમુક્ષુ એ ત્રણેયને આકર્ષે એવાં ભવ્ય મંદિરોનાં સ્થાપત્યમાં મ્હોરી ઊઠી !
વિશ્વની અજાયબી સમું ઈલોરાનું ભવ્ય કૈલાસ મંદિર, સમયનાં ચક્રો પર દોડતું કોણાર્કનું સૂર્યમંદિર, મદુરાઈના મીનાક્ષી મંદિરનાં ભવ્ય મહાદ્વારો, રામેશ્વરની કલાત્મક પરિક્રમા, વિષ્ણુપુર(બંગાળ)નાં ટેરાકોટાનાં મંદિરો, બેલુર-સોમનાથપુરનાં કલાપ્રચુર નાજુ ક મંદિરો, ભુવનેશ્વર-જગન્નાથપુરીનાં ગગનચુંબી મંદિરો, ચિદંબરમû કે તિરુપતિ બાલાજીનાં આસમાનને આંબતાં વિજયશિખરો, આસામનું કામાખ્યા મંદિર કે ગુજરાતનું દ્વારિકાધીશ મંદિર, મહારાષ્ટ્રનાં એલિફન્ટા ગુફામંદિરો કે હિમાલયની ટોચ પર આવેલા બદરી-કેદારનાં મંદિરો, ગ્વાલિયરનું સહસ્રબાહુ મંદિર કે વૃંદાવનનું ગોવિંદદેવ મંદિર - આ બધાં જ મંદિરો ભારતીય સંસ્કૃતિની યશકલગી સમાં છે.
રામજન્મભૂમિ, કૃષ્ણજન્મભૂમિ, કાશીવિશ્વનાથ, પશુપતિનાથ, સોમનાથધામ કે કેદાર-બદરીધામથી લઈને નાના ગામડામાં નાના સરખા દેરા સુધીના પ્રત્યેક મંદિર સાથે હિંદુઓની આસ્થાનો અતૂટ તંતુ જોડાયેલો છે. મંદિર જાણે આદિકાળથી હિંદુઓના જીવનનું કેન્દ્ર જ નહીં, સનાતન ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભ સમું બની રહ્યું છે.
આથી, જ્યાં જ્યાં ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાઈ ત્યાં ત્યાં મંદિરોની ધ્વજાઓ ફરકવા માંડી. 'બૃહદ્‌ ભારત'ની ભૌગોલિક સીમાઓ ઉપરાંત, પૂર્વમાં શ્રીલંકા, બ્રહ્મદેશ(મ્યાનમાર), થાઈલેન્ડ, કંબોડિયા, વિયેટનામ, ઇન્ડોનેશિયા અને છેક જાપાન સુધી ભારતીય સંસ્કૃતિની સુવાસ મંદિરો રૂપે વિસ્તરી હતી. તો મધ્ય એશિયામાં અફઘાનિસ્તાન, રશિયા અને ચીનથી લઈને છેક દક્ષિણ અમેરિકા સુધી ભારતીય સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે.
ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ રહી છે કે, તેનો પ્રસાર આક્રમણ દ્વારા નહીં, પ્રભાવક મૂલ્યો દ્વારા થયો હતો. તેનો પ્રભાવ જ એવો હૃદયસ્પર્શી હતો કે જુદી જુદી સંસ્કૃતિના લોકો સહજતાથી ભારતીય સંસ્કૃતિના પ્રવાહમાં આકર્ષાયા. ભારતની તત્કાલીન જાહોજલાલીથી આકર્ષાઈને હૂણ, કુષાણ વગેરે અનેક જાતિઓના આક્રમણકારો ભારત પર ચઢી આવ્યા. પરંતુ અંતે, ભારતીય સંસ્કૃતિના ચાહક બનીને એ આક્રમણકારો ભારતીય થઈને અહીં વસી ગયા. સમ્રાટ કનિષ્ક તેનું ઉત્તમ ઉદાહરણ છે.
તે સમયે ભારતમાં મંદિરોની જાહોજહાલી કેવી હતી?
સને ૬૩૦થી ૬૪૪ દરમિયાન ભારત આવેલા ચીની યાત્રી હ્યુ-એન-ત્સંગે ૯૫ મઠમંદિરોમાં નિવાસ કર્યો હતો. જેની યાદીમાં અફઘાનિસ્તાનના ગઝ નીથી લઈને પુષ્પકલાવતી, તક્ષશિલા, શ્રીનગર અને છેક ગુજરાતમાં ભરૂચ, જુનાગઢ અને વલ્લભીપુર સુધીના સ્થળોનો સમાવેશ થાય છે. હ્યુ-એન-ત્સંગ લખે છે તે મુજબ, આ એવાં મઠમંદિરો હતાં કે જ્યાં સરેરાશ ૧૦૦૦થી ૧૦,૦૦૦ સુધીની સંખ્યામાં સાધુઓ-ભિક્ષુઓ વસતાં હતાં. હ્યુ-એન-ત્સંગે કાશ્મીરમાં ૫૦૦૦ સાધુઓથી ભરેલી ૫૦૦ ધર્મશાળાઓ નીરખી હતી. એ મઠમંદિરો કેવાં વિશાળ હશે! (Sita Ram Goel, Let the Mute Witnessess Speak, Hindu Temples, What Happened to them. New Delhi. 1990. Pp. 63-64.) ભારતમાં ઠેર ઠેર આવાં મહાન મઠ-મંદિરોની શૃંખલા રચાઈ હતી. પરંતુ ઇતિહાસવિદો પૂછે છેઃ આટલાં બધાં એ દેવસ્થાનો અચાનક કેવી રીતે અદૃશ્ય થઈ ગયા?

Other Articles by સાધુ અક્ષરવત્સલદાસ


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS