અત્યારે આપણે જે યુગમાં વસી-શ્વસી રહ્યા છીએ તે યુગ માટે એવું કહી શકાય કે - ‘We are living in an age of energy.’ અત્યારે આપણે શક્તિયુગમાં જીવી રહ્યા છીએ. આમ કહેવાનું કારણ એટલું જ છે કે આ યુગમાં મનુષ્યે કૃત્રિમ કે કુદરતી શક્તિઓનો વિકાસ અને વિનિમય જેટલા પ્રમાણમાં કર્યો છે તેટલો અગાઉના યુગમાં ભાગ્યે જ કર્યો છે.
આજે મનુષ્ય સૌરશક્તિ દ્વારા ઘરના કૂકરમાં રસોઈ કરવાથી માંડીને મોટાં મોટાં યંત્રો ચલાવવા લાગ્યો છે. મુક્તપણે વહેતા વાયરાને પવનચક્કીના ચાકડે ઘુમાવી વાતશક્તિ પણ ઉત્પન્ન કરી દીધી છે. વિશાળકાય બંધ બાંધી જલશક્તિ પણ મેળવી લીધી છે. નરી આંખે ન દેખાય તેવા અણુને તોડીને મનુષ્યે અણુશક્તિનો ખજાનો પણ હાથ કરી લીધો છે.
આવા તો કૈંક શક્તિના સ્રોત આ યુગના માનવીએ શોધી કાઢ્યા છે. તે દ્વારા પોતાનાં અનેક કાર્યોની સિદ્ઘિ માનવ પ્રાપ્ત કરી રહ્યો છે, પરંતુ કાર્યસિદ્ઘિ માટે શક્તિનો સૌથી મોટો સ્રોત કયો ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં એક અદ્ભુત વાત ઉચ્ચારાઈ છે કે - ‘The greatest force in whatever work you are doing is to take pride in whatever work you are doing.’
- કોઈ પણ કાર્ય કરવામાં સૌથી મોટો પ્રેરણાસ્રોત હોય તો તે છે એ કાર્ય પ્રત્યેની આપણી ગૌરવભાવના.
જે કાર્ય હાથમાં લીધું હોય તે કાર્ય પ્રત્યે આપણા હૈયામાં કેવો ગૌરવભાવ છે તે કાર્યસિદ્ઘિ માટેનો નિર્ણાયક શક્તિસ્રોત છે. કાર્ય પ્રત્યેના ગૌરવભાવવાળી વ્યક્તિ પાસે કદાચ બાહ્યસ્રોતની ઊણપ હશે તોય તે કાર્ય સિદ્ઘ કરી બતાવશે અને કાર્ય પ્રત્યે ગૌરવહીન વ્યક્તિને અનેક બાહ્યસ્રોતોની છત હશે તોય કાર્યસિદ્ઘિ દૂરની દૂર રહેવા સંભવ છે.
બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ કહેતા : ‘મારો જન્મ જ મંદિરો બાંધવા માટે થયો છે.’ તેઓનું આ કાર્ય હતું, પરંતુ તેઓ પાસે આ કાર્યસિદ્ઘિ માટેની પ્રાથમિક જરૂરિયાતો સમા દાણા-નાણાં-પાણા-માણા(માણસો)નો અભાવ હતો. છતાં શાસ્ત્રીજી મહારાજ 45 વર્ષમાં પાંચ ગગનચુંબી મંદિરો બાંધી ઇતિહાસ સર્જી ગયા, કારણ કે તેઓ પાસે કાર્યસિદ્ઘિના બાહ્યસ્રોતોની ઊણપ તો હતી, પરંતુ કાર્યસિદ્ઘિ માટેનો ‘The Greatest Force’ - મહાન સ્રોત - કાર્યગૌરવ ‘આ ભગવાનનું કાર્ય છે.’ તે છલોછલ હતો.
સમગ્ર વિશ્વમાં વત્તે-ઓછે અંશે આધિપત્ય જમાવી બેઠેલા અંગ્રેજોનો પગદંડો ભારતમાંથી ઉખાડી નાખવા ગાંધીજી પાસે કોઈ વિશેષ બાહ્યસ્રોતો ઉપલબ્ધ નહોતા; પરંતુ કાર્યસિદ્ઘિ માટેનો ‘The Greatest Force’ મહાન સ્રોત તેઓ પાસે પ્રચુર માત્રામાં હતો, કાર્યગૌરવ. તે દ્વારા ચાલીસ કરોડ ભારતવાસીઓમાં રાષ્ટ્રગૌરવની ચિનગારી ચાંપી અને અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢ્યા.
આમ, કાર્યગૌરવ એ કાર્યસિદ્ઘિ માટેની અનિવાર્ય શરત છે. કાર્ય પ્રત્યેનું આ ગૌરવભાન એ જ અસ્મિતા.
અસ્મિતાની અર્થછાયા
ગુર્જર સાહિત્યમાં ‘અસ્મિતા’ શબ્દને વિશેષ પ્રચલિત કરનાર સાહિત્યકાર શ્રી કનૈયાલાલ મુનશી અસ્મિતાને સમજાવતાં કહે છે : ‘અસ્મિતા જે મનોદશા સૂચવે છે તેમાં બે અંગ છે : ‘હું છું અને હું ‘હું’ જ રહેવા માંગું છું.’ એમાં એકમાં વ્યક્તિત્વની સુરેખ કલ્પના અને બીજામાં એ વ્યક્તિત્વને હસ્તીમાં રાખવાનો સંકલ્પ બંને રહ્યાં છે.’
કવિ ઉમાશંકર જોષીએ પણ ‘અસ્મિતા’ને સમજાવતાં કહ્યું છે કે ‘અસ્મિ’ એટલે ‘હું છું.’ અસ્મિતા એટલે ‘હું છું એવું ભાન.’ પોતાપણા અંગે જાગ્રત ખ્યાલ. આ અભિમાનની લાગણી ન હોય. પોતાની કેવી જવાબદારીઓ છે એ અંગેનું આત્મજ્ઞાન એમાં (અસ્મિતામાં) હોય.’
આમ, અસ્મિતામાં ગર્વ ન હોય પણ ગૌરવ હોય. મિથ્યા ગર્વમાંં તો અસ્મિતાનું શીર્ષાસન થઈ જાય છે. અન્યને મિટાવીને પોતાના અસ્તિત્વનો જયજયકાર કરવો તે અસ્મિતા નથી, પણ અન્યને સ્વીકારવા છતાં પોતાના અસ્તિત્વની આગવી ઓળખ ટકાવવી તે અસ્મિતાના પરિઘમાં આવતી બાબત છે.
આવી અસ્મિતા કુળની, ધર્મની, દેશની, સંપ્રદાયની, પક્ષની, ગુરુની એમ અનેક પ્રકારની હોઈ શકે. જેમકે,
‘હું હિંદુ છું’ અને ‘હું હિંદુ જ રહીશ’ તે હિંદુધર્મની અસ્મિતા.
‘હું ભારતીય છું’ અને ‘હું ભારતીય જ રહીશ’ તે ભારતની અસ્મિતા. ‘હું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું, હું બી.એ.પી.એસ.નો છું’ અને ‘હું બી.એ.પી.એસ.નો જ રહીશ’ તે બી.એ.પી.એસ.ની અસ્મિતા.
આવી અસ્મિતા અનેકવિધ સદ્ગુણોની જનની છે.
આવી અસ્મિતા અનેકવિધ શક્તિસ્રોતની ગંગોત્રી છે.
આવી અસ્મિતામાં વ્યક્તિત્વવિકાસની ચાવી છે.
તે વિગતો જોતાં પહેલાં આ અસ્મિતાનું અવતરણ જીવનમાં કેવી રીતે થાય તે જોઈએ.
અસ્મિતાના અવતરણનો હેતુ
પોતે જે છે, પોતે જેનો છે, પોતા પાસે જે છે, પોતે જે કરી રહ્યો છે, પોતે જેના માટે કરી રહ્યો છે તેની સ્પષ્ટતા, ઓળખ જેટલી વધુ તેટલી અસ્મિતા અંતરમાં પ્રગટે છે. પોતાને પ્રાપ્ત થયેલા વારસાનું જ્ઞાન મૂળ(Root) છે અને અસ્મિતા તેનું ફળ(Fruit) છે.
કવિ નર્મદ કહે છે :
‘પૂર્વજ નામ સમર્યા થકી, વધે શરીરમાં જોમ;
શૌર્ય પરાક્રમ તેમનાં, ધ્રુજાવી ખીલવે રોમ.’
આમ, જે મળ્યું છે તેની વિશેષતાઓનું જ્ઞાન અસ્મિતાને પ્રગટાવે છે. જે દેશભક્તો દેશ માટે ખપી ગયા છે તેઓ માટે દેશ એ કોઈ અમુક ચોક્કસ કિ.મી. જમીનનો ટુકડો નથી હોતો પણ એ દેશનો પ્રત્યેક કંકર તેઓ માટે શંકર જેટલું મહત્ત્વ ધરાવે છે.
દેવજી મોઢા લખે છે :
‘આભને ટેકો દૈને જેના પ્હાડ ખડા, તે દેશ છે મારો;
ઓત્તરાદા અરિહુમલા ખાળે હિમ જેનાં, તે દેશ છે મારો;
ત્રણ બાજુએ સિંધુ પખાળે પાય જેનાં, તે દેશ છે મારો;
ચંદ્ર વડે જેના રમવા ચાહ્યું શિશુ રામે, તે દેશ છે મારો;
ઊંચક્યો પહાડ ગોવર્ધન અદ્ઘર ઘનશ્યામે, તે દેશ છે મારો...’
દેશના પથ્થર, પર્વતથી માંડીને દેશમાં પ્રગટેલી વિભૂતિઓની વિશેષતાનું જ્ઞાન-ભાન વ્યક્તિના રોમરોમમાં અસ્મિતા પ્રગટાવી દે છે.
‘કાગડાના-કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ્ય લીધા વિના પાછો નહીં ફરું.’ બોલનાર ગાંધીજી કે ‘દેશ માટે મારા મનમાં જે અરમાનો હતાં, તેમાંનો એક હજારમો ભાગ પણ હું પૂરો કરી શક્યો નથી’ કહી માભોમ માટે ફાંસીના માંચડે લટકી જનાર વીર ભગતસિંહના મનમાં ભારત દેશ એટલે કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી ઓરિસ્સા સુધી પથરાયેલી જમીનમાત્ર નહોતી. તેઓને ભારતની ભવ્યતા અને આ સંસ્કૃતિની સત્યતાનો કંઈક અલગ અંદાઝ હતો.
‘આઝાદ હિંદ ફોજ’ના સ્થાપક અને નખશિખ દેશભક્ત સુભાષચંદ્ર બોઝે તે સમયમાં ઇંગ્લૅન્ડ જઈ ICS (ઇન્ડિયન સિવિલ સર્વિસીઝ)ની પરીક્ષા પાસ કરી હતી. ભારતમાં તેઓ તેની લેખિત પરીક્ષા આપવા બેઠેલા. તેઓને અપાયેલા પ્રશ્નપત્રમાં એક અંગ્રેજી વાક્યનું ભાષાંતર કરવાનું હતું : ‘Indian soldiers are generally dishonest.’
ભારતીય સૈનિકોને અપ્રામાણિક ચિતરનારું આ વાક્ય વાંચતાં જ સુભાષચંદ્ર ઊભા થઈ ગયા અને તે વાક્ય પ્રશ્નપત્રમાંથી કાઢી નાંખવા પરીક્ષકને વાત કરી. પરીક્ષકે કહ્યું : ‘જે લખ્યું છે તેમાં ફેરફાર કરવો શક્ય નથી. તમે ઉત્તર નહીં લખો તો નોકરીથી વંચિત રહી જશો.’
સુભાષચંદ્રે આ સાંભળતાં જ પરીક્ષકની નજર સમક્ષ પ્રશ્ન-પત્રના ટુકડેટુકડા કરી નાખ્યા અને ‘આ પડી રહી તમારી નોકરી’ કહી, પરીક્ષાખંડ છોડી ચાલી નીકળ્યા. તેઓ અસ્મિતાનો આ જયઘોષ જગાવી ગયા, કારણ કે તેઓને ‘ભારત શું છે ?’ તેનો કંઈક વિશેષ ખ્યાલ હતો.
વેદોની સત્યતા પુરવાર કરવા પર્વત પરથી ઝંપલાવવા તૈયાર થનાર વિખ્યાત મીમાંસક કુમારીલ ભટ્ટ માટે વેદો એ કેવળ કાગળ પર ટપકાવાયેલા અક્ષરમાત્ર નહોતા. વેદોના જ્ઞાનની કંઈક જુદી વિશેષતાઓ તેઓના મનમાં ઘર કરી ગયેલી. તેમાંથી અસ્મિતાનો એવો પ્રવાહ છૂટ્યો કે તેઓ વેદની સત્યતા માટે પર્વત પરથી પડવા પણ થનગની રહ્યા.
‘ચીડિયા સે મૈં બાજ ગિરાઉં, બિલ્લી સે મૈં શેર મરાઉં;
સવા લાખ પે એક ચડાઉં, તબ ગોવિંદસિંહ નામ ધરાઉં.’ -ની
પ્રતિજ્ઞા સાથે શીખધર્મની ધુરા સંભાળનાર ગોવિંદસિંહના બે પુત્રો હતા. એકની ઉંમર હતી પાંચ વર્ષ અને બીજાની હતી સાત વર્ષ. તે બંનેને મુસલમાનોએ કેદ કર્યા અને ધર્મપરિવર્તન નહીં કરો તો મારી નાંખવાની ધમકી આપી. ધમકી આગળ ન ઝૂકતાં એ બંને સિંહબાળોએ સાફ સાફ સુણાવી દીધું કે ‘જાન ખાતર ધર્મ બદલવાનું કામ કાયરોનું છે.’
તેઓના આવા પ્રતિકારથી વિધર્મીઓ વધુ છંછેડાયા. તેઓએ બંનેને જીવતા મારી નાંખવા તેઓની ફરતે દીવાલ ચણવાની શરૂઆત કરી. જ્યારે દીવાલ ચણાતી ચણાતી નાના ભાઈના ગળા સુધી આવી ગઈ ત્યારે મોટો ભાઈ ઝુંઝારસિંહ રડવા લાગ્યો. તે જોઈ એક યુવાને પૂછ્યું : ‘કેમ, થઈ ગયું ને શૂરાતનનું સૂરસૂરિયું ? બીક લાગી એટલે રડવા માંડ્યો ને ?’
ત્યારે તે સાત વર્ષના બાળકે કહ્યું : ‘મોત ભાળીને રડે કે ડરે એ બીજા. હું તો એટલા માટે રડું છું કે મારો જન્મ નાના ભાઈ કરતાં પહેલાં થયેલો, છતાં ધર્મ માટે મરવાનું સૌભાગ્ય તેને પ્રથમ મળ્યું!’
આ બાળકો માટે શીખધર્મ કિરપાણ, કંગન, કેશ, કાંસકી અને કચ્છ એ પાંચ કક્કાથી કંઈક વિશેષ હતો. વિશેષતાના એ જ્ઞાને તેઓમાં એવી અસ્મિતા પ્રગટાવી કે હસતાં મોંએ ધર્મ માટે આહુતિ આપી ગયા.
ટૂંકમાં, જે મળ્યું છે, જે છીએ, જેના માટે છીએ, તેને જેટલું ઓળખીએ તેટલી અસ્મિતા જાગે છે. આગવી ઓળખના આ જ્ઞાન અને અસ્મિતાને નાળસંબંધ છે.