મઘરાતે રાજમાતાએ ભક્તિનો આસ્વાદ લીધો...
ભક્તિથી રાજીપો...
ભક્તિ એટલે પરમાત્મામાં અનન્ય પ્રેમ. ભગવાન સ્વામિનારાયણ એવા ‘ભક્તિપ્રિય’ હતા.
તેઓ કહે છે : નારદજી જેવો ગુણવાન હોય તો પણ ભક્તિ વિના તે પ્રભુને મન વસી જતો નથી. પ્રેમ સહિત નવ પ્રકારે ભક્તિ કરનાર ભક્તની ભક્તિ કરતાં સ્વયં શ્રીહરિને હૈયે ઉલટ આવે છે અને તેઓ તેના પર પ્રસન્ન થઈ ઓવારી જાય છે. અહીં શ્રીહરિની મૂર્તિમાં વૃત્તિને એકાકાર કરી દઈને ભક્તિનંુ અદ્ભુત ઉદાહરણ આપનાર એક પ્રેરક સ્મૃતિ પ્રસ્તુત છે...
સંવત 1872નો શિયાળો વહી રહ્યો હતો.
ભગવાન સ્વામિનારાયણના ઉચ્ચકોટિનાં મહિલાભક્ત અને ધર્મપુર રાજ્યનાં 500 ગામના સમૃદ્ધ રજવાડાનાં વયોવૃદ્ધ રાજમાતા કુશળકુંવરબાના મહેલમાં સન્નાટો છવાયો છે. જીવમાત્ર મીઠી નીંદર માણે છે. એવે ટાણે એ જ મહેલમાં અક્ષરનો નાથ પડખાં ફેરવે છે. ઊંઘ નથી આવતી. આજ મોડી રાત સુધી રાજના મુસલમાન ગવૈયાઓએ તથા વૃદ્ધ દેવાનંદ મુનિએ ગાવણું કરેલું તેમાં આખી સભા મંત્રમુગ્ધ બની ગઈ હતી. મધરાત થઈ તેનો પણ ખ્યાલ ન રહ્યો. મહારાજને પોઢવાનું મોડું થયેલું. મહારાજે બાજુમાં સૂતેલા બ્રહ્મચારીને બૂમ મારી જગાડ્યા ને કહ્યું : ‘ભૂખ લાગી છે.’
‘મહારાજ ! મહેફિલ વખતે જ યાદ કરાવેલું પણ તમે તો ટાળી જ દીધું. હવે આટલી મધરાતે જમવાનો ક્યાં મેળ પડે !’
‘તમે રાણીવાસમાં જાવ, ત્યાં મહારાણી જાગતાં હશે.’ અંતર્યામીએ કહ્યું.
બ્રહ્મચારી ગયા. રાજમાતાના આવાસમાં દીવો બળતો હતો. હજુ હમણાં જ જીવુબા-રામબાઈનો સત્સંગ કરી રાજમાતા આવ્યાં હતાં. બ્રહ્મચારીએ બારણું ખખડાવ્યું. દાસી આવી. જોયું તો બ્રહ્મચારી. રાજમાતા ઊભાં થયાં : ‘બ્રહ્મચારી ! અત્યારે કેમ ?’
‘મહારાજને ભૂખ લાગી છે, કંઈક આપો.’
રાજમાતા તો રાજીનાં રેડ થઈ ગયાં. ઝટપટ બાજરાના રોટલા ઘડી કાઢ્યા ને તેમાં ઘી ભર્યું. અથાણાં ને દહીંની માટલી સાથે લેવડાવી અને જાતે મહારાજને ભક્તિભાવથી જમાડવા દોડ્યાં. આજે મહારાજ કુશળકુંવરબાના ભક્તિભાવને આરોગતા હતા ! રાતના બે વાગે ! મધરાતના આ ભોજનમાં જાણે રાજમાતાની ભક્તિનો જ સ્વાદ આવતો હોય તેમ મહારાજ તેમની સામે હાસ્ય રેલાવતા ચતુરાઈથી જમતા હતા. રાજમાતા પણ પ્રભુની આ મૂર્તિને અંતરમાં જડી દેવા માંગતા હોય તેમ પ્રેમથી, મહિમાથી અને એકાગ્રતાથી દર્શન કરતાં રહ્યાં. એ જ વખતે તેમણે પોતાના અંતરમાં આ મૂર્તિને સ્થિર કરવા એક પ્રશ્ન પૂછ્યો : ‘પ્રભુ ! પત્રમાં આપે અનિર્દેશથી લિખાવિતંગ લખ્યું તે ‘અનિર્દેશ’ શું છે ?’
રાણીને પ્રશ્ન પૂછી જ્ઞાન પ્રાપ્ત કરવું નહોતું, પણ પ્રાણપ્રિય પ્રભુની મૂર્તિને અંતરમાં કાયમ માટે જડી દેવી હતી. તેથી મહારાજે જવાબ આપવો શરૂ કર્યો : ‘મા, આ તમારો ગઢ છે તે નિર્દેશ કહેવાય, પણ વિસ્તરેલું રાજ અનિર્દેશ ગણાય. તેમ રાજ નિર્દેશ ને પૃથ્વી અનિર્દેશ કહેવાય... આમ ગણાવતાં પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્ત્વ, પ્રધાનપુરુષ, પ્રકૃતિપુરુષ - બધાં એક એકથી મોટાં છે ને નિર્દેશ-અનિર્દેશ છે. પ્રકૃતિ-પુરુષથી અનંતગણું પર, અધો-ઊર્ધ્વ ને પ્રમાણે રહિત એવું અમારું અક્ષરધામ છે તે અનિર્દેશ છે. અમે ત્યાંના વાસી છીએ, એ અનિર્દેશ એટલે કે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની ઓળખાણથી તમને અમારી પૂરી ભાળ મળી ને અમારો સંબંધ તમને પાકો થઈ ગયોે.’
આમ, શ્રીહરિએ ખૂબ વિસ્તારથી વાત માંડી. કુશળકુંવરબા અપલક નજરે એ મૂર્તિને નિહાળી રહ્યાં, અંતરમાં ઉતારતાં રહ્યાં. વાત પૂરી થઈ ત્યાં સુધીમાં એ મૂર્તિ એમણે હૈયે ધરી લીધી હતી ! એમની એ ભક્તિથી શ્રીહરિ પણ પ્રસન્નતા વરસાવી રહ્યા હતા.
પ્રગટ પ્રભુની મૂર્તિને હૃદયમાં ઉતારવારૂપી ભક્તિએ મહારાજના અંતરમાં પણ સદાને માટે સ્થાન પ્રાપ્ત કરી લીધું ! ક્યારેય પણ ભક્તિની વાત નીકળે ને શ્રીહરિને કુશળકુંવરબાના નામનો ઓડકાર આવી જતો કે ‘જેમ ધરમપુરમાં કુશળકુંવરબાઈ હતાં, તે અમારાં દર્શન કરતા જતાં હતાં અને દૃષ્ટિ પલટાવીને મૂર્તિને અંતરમાં ઉતારતાં; તેમ દર્શન તો મને યુક્ત દૃષ્ટિને એકાગ્ર રાખીને કરવા.’ (વચ. સાંરગપુર 2)
મહારાજ ધર્મપુરમાં પંદર દિવસ રોકાયા. તે દરમ્યાન રાજમાતાએ બે વાર તો હાથી ઉપર બેસારીને મહારાજની સવારી કાઢી હતી ! વળી, મહારાજ માટે જાતે કમોદ ફોલી અણીશુદ્ધ ચોખા કાઢીને મોકલતાં.
કાઠિયાવાડના દરબારોને રાજની સાહ્યબી સ્વર્ગ જેવી લાગી. મોટીમસ ઘોડશાળ, જાતજાતના ઘોડાઓ, વિરાટ શસ્ત્રાગાર, શત્રુઓને માત કરે એવા કિલ્લાઓ... રાણીએ આ બધું શ્રીહરિને હોંશે હોંશે બતાવ્યું. અને પછી તાંબાના પતરા પર આખું રાજ્ય શ્રીહરિને સમર્પણ કરું છું તે ભાવનો લેખ અર્પ્યો, ત્યારે સૌ નતમસ્તક થઈ ગયા. જોકે શ્રીહરિએ ફક્ત તેમની ભક્તિ સ્વીકારીને કહ્યું, ‘અમે રાજ્ય કરવા નથી આવ્યા. એ તમે કરજો પણ હૃદયમાં અમારી મૂર્તિ અખંડ રાખજો.’ રાજમાતાએ આ શબ્દો અંતરમાં અંકિત કરી લીધા. શ્રીહરિની દિવ્યમૂર્તિમાં ભક્તિપૂર્વક પોતાના હૈયાના તારને જોડી દીધો અને શ્રીહરિની અપાર પ્રસન્નતા પામીને છતી દેહે મુક્તપદવીને પામી ગયાં.