નદી-તળાવ-સરોવર કે સમુદ્રમાં સ્નાન કરવાનું હોય ત્યારેય પ્રથમ ઠાકોરજીને સ્નાન કરાવે, પછી જ સ્વામીશ્રી સ્નાન કરે. 1988માં મોરેશિયસના દરિયાકાંઠે ત્યાંના ભક્તોએ વનોત્સવ યોજ્યો હતો. સમુદ્રસ્નાન કરી રહેલા હરિભક્તોએ સ્વામીશ્રીને સમુદ્રસ્નાન માટે નિમંત્ર્યા. સ્વામીશ્રી પધાર્યા. પરંતુ સ્વામીશ્રીએ પ્રથમ ઠાકોરજી મંગાવ્યા. ખૂબ પ્રેમથી તેમને સ્નાન કરાવ્યું. પછી જ સમુદ્રસ્નાન કરવા માટે તૈયાર થયા!
ભગવાનના સંબંધેયુક્ત તીર્થજળનું એમને અનન્ય માહાત્મ્ય. તીર્થોમાં નદી-તળાવ-કુંડમાં કમરથી વાંકા વળી ઠાકોરજીને સ્નાન કરાવે. પછી ઠંડા, સ્થિર કે વહેતાં પ્રાસાદિક જળમાં અવશ્ય સ્નાન કરે. સ્નાન શક્ય ન હોય, સમય ન હોય તો તીર્થજળ અવશ્ય માથે ચઢાવે, અન્યના મસ્તક પર પણ ચઢાવે. ઝાઝો સમૂહ હોય તો પોતે જાતે ખોબે ખોબે જળ ઉછાળે..
ગમે તેવી બીમારીમાંય સ્વામીશ્રીને ઠાકોરજીનું અનુસંધાન ક્યારેય ઓછું થયું નથી. ગોલબ્લેડર કે ટ્યૂમરનાં આૅપરેશનોમાં, તાવ કે હૃદયરોગના ગંભીર હુમલાની પળોમાં, કોઈને કલ્પનાય ન આવી શકે એવી ક્ષણે તેઓ ઠાકોરજીની સેવા-સરભરાની ખેવના કરે.
1980માં બોસ્ટનમાં સ્વામીશ્રીને આંખનું ઓપરેશન કરાવવાનું હતું ત્યારે ઓપરેશન થિયેટરમાં જતાં પહેલાં ઠાકોરજીનાં દર્શન કર્યાં. આંખનાં ઓપરેશન બાદ સ્વામીશ્રીને સ્ટ્રેચર દ્વારા ઓપરેશન થિયેટરમાંથી બહાર લવાયા કે તરત સેવક સંતોને પૂછ્યું : ‘ઠાકોરજીને પોઢાડ્યા?’
ઠાકોરજીની સેવામાં કંઈ અપરાધ થાય ત્યારે એમની આંખમાં અચૂક આંસુની ભીનાશ પથરાઈ જાય. ઠાકોરજીને જમાડવામાં, જગાડવામાં, જળ પાવામાં, આરતી કરવામાં વિલંબ થાય તે સ્વામીશ્રી માટે અસહ્ય હોય. આમ છતાં સ્વામીશ્રી તો એમ જ માને કે ‘હું ઠાકોરજી માટે કશું જ કરતો નથી. ઠાકોરજી આપણું લાલન-પાલન કરે છે. આપણે એમની સંભાળ રાખનારા કોણ! સંભાળ તો એ આપણી રાખે છે.’
1980માં બીજી સપ્ટેમ્બરે સ્વામીશ્રી મોતિયાની તપાસ કરાવી બોસ્ટનથી ન્યૂયોર્ક જઈ રહ્યા હતા. રાતની મુસાફરી હતી. કેરેવાન સડસડાટ જઈ રહ્યું હતું. સ્વામીશ્રી અને સંતો આરામ કરી રહ્યા હતા. જન્માષ્ટમીનો નિર્જળા ઉપવાસ હતો. શાંતિ હતી. ઉપરની બર્થ પર ઠાકોરજીને પેટીમાં પોઢાડ્યા હતા. ઠાકોરજીની પેટી સરકતી સરકતી સીટની ધાર પર ક્યારે આવી તેનો ખ્યાલ ન રહ્યો ! જ્યારે પેટી નીચે પડતાં અવાજ થયો કે તરત જ સ્વામીશ્રી સફાળા બેઠા થઈ ગયા. નક્કી ઠાકોરજી પડ્યા ! તરત ગાડી એક બાજુ લેવડાવી. સંતો પણ જાગી ગયા. સેવક સંતે માવજતપૂર્વક પેટી લઈને જોયું, અંદર ઠાકોરજી પડખાભેર થઈ ગયા હતા.
સ્વામીશ્રી પેટી નીચે પડી ત્યારથી ગમગીન થઈ ગયા હતા. ગળગળા થઈ પ્રાર્થના કરવા લાગ્યા. આંખો ભીની થઈ ગઈ. વારંવાર દંડવત્ કરવા લાગ્યા. કેરેવાનમાં જ 25 દંડવત્ કરી નાખ્યા. પ્રાર્થના કરતા જાય : ‘માફ કરજો મહારાજ ! અપરાધ થઈ ગયો, ક્ષમા કરજો.’ હજુ મન માન્યું ન હતું. ઠાકોરજીને રીઝવવા પ્રેમથી થાળ ધર્યો. તે પછી આખે રસ્તે સૂનમૂન બેસીને ઠાકોરજી સમક્ષ સ્વામીશ્રીએ સતત માળા જ ફેરવી. જાણે મોટી કસૂરની માફી માગતાં કાકલૂદી કરી રહ્યા હતા !
આવો જ પ્રસંગ વીરસદમાં બન્યો. તા. 28-2-1990ના રોજ સાંજે ‘શ્રીજી કોલ્ડ સ્ટોરેજ’ના ઉદ્ઘાટન નિમિત્તે સ્વામીશ્રી બોચાસણથી પધાર્યા. ભગવત્ચરણદાસ સ્વામીએ ઠાકોરજી લીધા હતા. સ્વામીશ્રીએ ઠાકોરજીને આગળ રાખી ઉદ્ઘાટનની રીબીન કાપી, કોલ્ડ સ્ટોરેજનું ઉદ્ઘાટન કર્યું. ઠાકોરજી સાથે સ્વામીશ્રી અંદર પગલાં કરવા પધાર્યા. લાકડાની પટ્ટીઓનો ફ્લોર હતો. સાવચેત ન રહે તો તેમાં પગ ભરાઈ જવાની પૂરી શક્યતા હતી.
સ્વામીશ્રી પુષ્પો છાંટતાં આગળ વધી રહ્યા હતા. ઠાકોરજી લઈને ચાલતા ભગવત્ચરણદાસ સ્વામીનો પગ લાકડાની નબળી પટ્ટી પર આવી ગયો. પટ્ટી તૂટી. તેમણે સમતુલા ગુમાવી દીધી અને પડ્યા. ઠાકોરજીને પડવા ન દેવાનો પ્રયત્ન કર્યો પણ વ્યર્થ. સ્વામીશ્રીની દૃષ્ટિ સામે જ આ બન્યું. તેમનું મુખારવિંદ મ્લાન થઈ ગયું. અંગોઅંગ વેદના ઊપડી. ચિત્રવત્ બની ગયા. તેમની આંખો ઠાકોરજી સાથેની આત્મીયતા છતી કરતી હતી. તરત પગે લાગીને સ્વામીશ્રીએ ઠાકોરજીની માફી માગી. સ્થિર દૃષ્ટિએ હાથથી પંપાળી રહ્યા, ઘડીભર સૌ આ નીરવ સંવાદ જોઈ રહ્યા. પુષ્પો છાંટવાનાં હતાં એટલે આગળ વધ્યાં પણ સૂનમૂન. અહીંથી નીકળ્યા પછી રસ્તામાં ઠાકોરજીને પોતાની સન્મુખ ફેરવ્યા. વારંવાર પગે લાગતા જાય, વીનવતા જાય, આર્દ્રભાવે પ્રાર્થના કરતા જાય... શબ્દો ત્રુટક સંભળાતા હતા કે ‘મહારાજ ! સાક્ષાત્ શ્રીજીમહારાજ ! દયાળુ ! માફ કરજો. આપને વાગ્યું હશે... ક્ષમા કરજો...’
સ્વામીશ્રીની આ પ્રાર્થનામાં સઘળું વિલોપાઈ ગયું હતું. તાદાત્મ્ય બે વચ્ચેનું જ રહ્યું હતું.
સ્વામીશ્રી બોચાસણ પધાર્યા ત્યારે ત્યાં સભા ચાલુ હતી. સૌ સ્વામીશ્રીના આવવાની રાહ જોઈ રહ્યા હતા. સ્વામીશ્રી સભામાં પધાર્યા. વિવેકસાગરદાસ સ્વામીએ પ્રવચન પૂરું કર્યું અને સ્વામીશ્રીને આશીર્વચન આપવાનો વારો આવ્યો. પણ સ્વામીશ્રી માંડ બે-ત્રણ મિનિટ બોલી શક્યા. તેમનો કંઠ રૂંધાઈ ગયો હતો. માઇકનો દાંડિયો હાથ વડે દૂર કરી દીધો. સભાજનોને ક્યાં ખબર હતી કે સ્વામીશ્રીના અંતરમાં ઊંડો જખમ થયો છે ! સભા પૂરી થઈ ! ‘શામળિયો સનેહી મુને પ્રાણથી પ્યારો...’ આ કીર્તન આપણે ફક્ત ગાઈએ છીએ, પણ સ્વામીશ્રીને એની સાક્ષાત્ અનુભૂતિ હતી.