સમગ્ર બ્રહ્માંડમાં અનંત યુગોથી સૂર્ય, ચંદ્ર, તારા, ૠતુઓ આવે છે અને જાય છે. કોણ આનું સંચાલન કરે છે? મનુષ્યો, પશુઓ, પક્ષીઓ, જળચરો, કીટાણુઓ પ્રત્યેકને પોતાનું આગવું જીવન છે, આગવી શક્તિ છે. કોણ આના પ્રેરક છે? મનુષ્યમાં જ જોઈએ તો હૃદય ધબકે છે, આંખ પલકારા મારે છે, હાથ હલે છે, પગ ચાલે છે. કોણ છે આ શક્તિના પ્રદાતા? આવી કેટલીય જિજ્ઞાસાઓનો સચોટ ખુલાસો એટલે કેન ઉપનિષદ!
પરિચય
'કેન ઉપનિષદ' સામવેદમાં સમાયેલું છે. સામવેદમાં ચાર અધ્યાયવાળું 'તવલકાર' નામનું બ્રાહ્મણ (પ્રકરણ) આવેલું છે. એ 'તવલકાર' બ્રાહ્મણના ચોથા અધ્યાયમાં આવેલ દશમો અનુવાક્ અર્થાત્ તેનું પેટા પ્રકરણ એ જ આ કેન ઉપનિષદ! આ ઉપનિષદનો આરંભ ‘केन?’ 'કોના વડે?' એવા પ્રશ્નાર્થ વડે થયો હોવાથી તેને કેન ઉપનિષદ કહેવામાં આવે છે. ગુરુ-શિષ્યના સંવાદરૂપ આ ઉપનિષદ ચાર ખંડોમાં વહેંચાયેલું છે. ચારેય ખંડોના કુલ મંત્રોની સંખ્યા ૩૫ છે.
કેન ઉપનિષદની પૂર્વે આવેલા વેદભાગમાં કર્મોનું વિસ્તૃત નિરૂપણ કરવામાં આવ્યું છે. એ કર્મના પ્રેરકની વાતનો જ્યાંથી પ્રારંભ થાય છે ત્યાંથી કેન ઉપનિષદનો પ્રારંભ થાય છે.
શિષ્યની જિજ્ઞાસા
શિષ્યની જિજ્ઞાસા આ ઉપનિષદને ઉદ્ઘાટિત કરે છે - ‘केनेषितं पतति प्रेषितं मनः केन प्राणः प्रथमः प्रैति युक्तः। केनेषितां वाचमिमां वदन्ति चक्षुः श्रोत्रं क उ देवो युनक्ति॥’ (કેન ઉપનિષદ - ૧/૧) આ મંત્રનાં પ્રત્યેક વાક્યોને ધ્યાનથી સમજવા જેવા છે :-
‘केनेषितं पतति प्रेषितं मनः।’ મનન કરે તે મન. મન અંતઃકરણ(આંતરિક સાધન) છે. એટલે મન શબ્દથી અહીં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ ચારેય અંતઃકરણનો બોધ કરાવવામાં આવ્યો છે. તેથી 'હે ગુરુદેવ! આ ચારેય અંતઃકરણને મનન-ચિંતવન વગેરે પ્રવૃત્તિનું સામર્થ્ય આપનાર પ્રેરક તત્ત્વ કોણ છે?' એમ અહીં જિજ્ઞાસા છે.
‘केन प्राणः प्रथमः प्रैति युक्तः।’ પ્રાણ વાયુવિશેષ છે. એ સમગ્ર શરીરને ધારણ કરનાર છે. માતાના ઉદરમાં હોઈએ ત્યારથી જ પ્રાણવાયુની જરૂર પડે છે. આપણને ખબરેય ન પડે અને પ્રાણનો સંબંધ થઈ જાય! આપણા કોઈ પણ સંચાલન વગર શ્વાસોચ્છ્વાસ ચાલ્યા કરે! આમ પ્રાણસંબંધ જ જીવનનો પર્યાય બની ગયો. જેના પ્રાણ ગયા તેનું જીવન ગયું ગણાય. વળી, શરીરની દરેક સ્થૂળ ક્રિયાઓને ધક્કો મારનાર પણ આ પ્રાણ છે. હાથને હલાવે પ્રાણ. પગને ચલાવે પ્રાણ. આંખ જોઈ શકે પણ પાંપણ ઉઘાડે પ્રાણ! આમ શરીરમાં પ્રાણનું મહત્ત્વ અદકેરું છે. અહીં પણ પ્રાણ શબ્દથી પ્રાણ, અપાન, વ્યાન, સમાન અને ઉદાન એવા પાંચેય પ્રાણોનો બોધ કરાવવામાં આવ્યો છે. આવા મહિમાવંત પ્રાણનો સંબંધ આ જીવન સાથે કોણ કરાવી આપે છે? અને જીવનને ઝીલી રાખવાની શક્તિ અર્પનાર કોણ છે? એમ પ્રાણશક્તિના પણ પ્રેરકની અહીં જિજ્ઞાસા છે.
‘केनेषितां वाचमिमां वदन्ति।’ વાગિન્દ્રિય કહેતાં વાણીની અહીં વાત છે. સૃષ્ટિમાં ઠેર ઠેર વાણી સાંભળવા મળે છે. પક્ષીઓ કલરવ કરે, પશુઓ ત્રાડ પાડે, હણહણે, ચિત્કાર કરે કે પછી ભાંભરે. તમરાઓ પણ બોલે છે. મનુષ્ય પાસે તે વિશેષ રૂપે છે. વિવિધ રાગ-રાગિણીઓમાં ગાવું કે વિવિધ ભાષાઓમાં વાર્તાલાપ વગેરે આપણે કરી શકીએ છીએ. અહીં પણ વાણી દ્વારા વાક્, પાણિ, પાદ, પાયુ અને ઉપસ્થ એમ પાંચેય કર્મેન્દ્રિયોનો બોધ કરાવ્યો છે. તો હે ગુરુદેવ! આ વાણી વગેરે પાંચ કર્મેન્દ્રિયોની શક્તિના પ્રેરક કોણ છે? એમ જિજ્ઞાસા છે.
‘चक्षुः श्रोत्रं क उ देवो युनक्ति।’ ‘चक्षुः’ એટલે આંખ. નેત્રેન્દ્રિય. વિવિધ પદાર્થોને એ જોઈ શકે. તેના રંગોને પારખી શકે. પદાર્થોના આકાર, સંખ્યા કે પછી દૂર-નજીકના અંતરો પણ પ્રત્યક્ષ કરી શકે છે. આવી તો ઘણી શક્તિઓ નેત્રેન્દ્રિયમાં છે. કહેવાય છે કે આપણી નેત્રેન્દ્રિયમાં ૮૦ લાખ રંગો પારખવાનું સામર્થ્ય છે. ‘श्रोत्र’ એટલે કાન. શ્રવણેન્દ્રિય, કે જેમાં ૩૦,૦૦૦ સંવેદનશીલ કેન્દ્રો આવેલાં છે. અને જે ૩ લાખથી પણ વધુ અવાજો પારખી શકવાનું સામર્થ્ય ધરાવે છે. અહીં પણ ચક્ષુ અને શ્રોત્ર દ્વારા રસના અને ત્વચા સહિત પાંચ જ્ઞાનેન્દ્રિયોનો બોધ કરાવ્યો છે. તો ચક્ષુ, શ્રોત્ર વગેરે પાંચ જ્ઞાનેન્દ્રિયોની આ અદ્ભુત શક્તિનો મૂળ સ્રોત ક્યાં છે? કોણ આવું આયોજન કરે છે? એમ પ્રશ્ન છે.
આમ, પ્રથમ મંત્રમાં શિષ્ય દ્વારા જિજ્ઞાસામૂલક પ્રશ્નની રજૂઆત થઈ છે.
હવે ગુરુએ આપેલો જવાબ જાણીએ.
ગુરુનો જવાબ
‘श्रोत्रस्य श्रोत्रं मनसो मनो यद् वाचो ह वाचं स उ प्राणस्य प्राणश्र्चक्षुषश्र्चक्षुः।’ (કેન ઉપિનષદ્ - ૧/૨) હે વત્સ! એ સર્વશક્તિ પ્રદાતા પરમાત્મા છે. કેવા છે એ પરમાત્મા? તો 'मनसो मनः’ મનનું પણ મન છે. કહેતાં મનને પણ મનનરૂપ વ્યાપારની શક્તિ આપનાર છે. ‘प्राणस्य प्राणः’ પ્રાણના પણ પ્રાણ છે. કહેતાં પંચ પ્રાણોને શરીર ધારણ કરવા રૂપ શક્તિને પ્રેરે છે. ‘चक्षुषश्र्चक्षुः’ નેત્રના પણ નેત્ર છે. કહેતાં બધાનાં નેત્રોમાં દર્શનશક્તિ મૂકનાર એ છે. ‘श्रोत्रस्य श्रोत्रम्’ કર્ણના પણ કર્ણ છે. કહેતાં કર્ણેન્દ્રિયમાં શ્રવણશક્તિ મૂકનાર એ છે.
આમ, અહીં સર્વની જ્ઞાનશક્તિ, ઇચ્છાશક્તિ કે ક્રિયાશક્તિનો મૂળ પ્રેરણા સ્રોત પરમાત્મા છે. પરમાત્મા જ પાંચેય જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો કે અંતઃકરણને કાર્યાન્વિત કરે છે. એવો સિદ્ધાંત સ્પષ્ટ કર્યો.
આ જ વાત પરબ્રહ્મ શ્રીસ્વામિનારાયણ ભગવાને પણ પોતાના ઉપદેશોમાં કહી - 'ભગવાન જીવને સુષુપ્તિમાંથી જગાડીને એની સર્વે ક્રિયાનું જ્ઞાન આપે છે. તેને જ્ઞાનશક્તિ કહીએ. અને એ જીવ જે જે ક્રિયાને વિષે પ્રવર્તે છે તે ભગવાનની જ ક્રિયાશક્તિ તેનું અવલંબન કરીને પ્રવર્તે છે. અને એ જીવ જે જે કોઈ પદાર્થની ઇચ્છાને પ્રાપ્ત થાય છે તે પરમેશ્વરની ઇચ્છાશક્તિને અવલંબને કરીને પ્રાપ્ત થાય છે.' (વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ૬૫)
મૂળ અક્ષરમૂર્તિ શ્રીગુણાતીતાનંદ સ્વામીએ પણ કહ્યું - 'સર્વકર્તા તો ભગવાન છે. હમણાં આપણે ઊંઘમાં જવું હોય તો જવાય નહીં ને ઊંઘમાં ગયા હોઈએ ને પછી ચોર આવીને લૂંટી જાય પણ આપણાથી જગાય નહીં. માટે સર્વકર્તા તો ભગવાન છે.' (સ્વામીની વાતો ૧/૨૦૧)
હવે આ જ અનુસંધાનમાં આગળ બીજી વાત કરે છે.
પરમાત્મા સ્વતઃસિદ્ધ અનંત શક્તિમાન
કોઈને અહીં એમ આશંકા થાય કે જેમ નેત્ર, શ્રોત્ર, મન વગેરે ઇન્દ્રિયો-અંતઃકરણમાં શક્તિ પૂરનારા પરમાત્મા છે તેમ એ પરમાત્મામાં પણ શક્તિ ક્યાંથી આવી? એ શક્તિનો પૂરનારો પણ કોઈ બીજો છે કે નહીં? તો આવી આશંકાનો અહીં સ્પષ્ટ શબ્દોમાં ખુલાસો અપાયો છે - ‘यन्मनसा न मनुते येनाऽऽहुर्मनो मतम्’ (કેન ઉપિનષદ - ૧/૫), ‘यत्व्चक्षुषा न पश्यति येन चक्षूंषि पश्यन्ति’ (કેન ઉપનિષદ - ૧/૬), ‘यत्व्छ्रोत्रेण न शृणोति येन श्रोत्रमिदं श्रुतम्’ (કેન ઉપનિષદ - ૧/૭), ‘यत्प्राणेन न प्राणिति येन प्राणः प्रणीयते’ (કેન ઉપનિષદ - ૧/૮).
ભાવાર્થ એવો છે કે જેમ આપણે જોવું, સાંભળવું કે મનન કરવું હોય તો સાધનરૂપે નેત્ર, શ્રોત્ર કે મનની જરર પડે જ. શ્વાસ લેવો હોય તો સાધનરૂપે પ્રાણની જરૂર પડે જ. આ બધું ન હોય તો જોઈ, સાંભળી, વિચારી, જીવી ન શકાય. આમ આપણે પરાધીન છીએ પણ પરમાત્મા પરબ્રહ્મને એવું નથી. એમની શક્તિ કોઈને પરાધીન નથી. ભગવાનનું સ્વરૂપ સર્વ અવયવે સંપૂર્ણ છે છતાં જોવું, સાંભળવું વગેરે જેવી બાબતો માટે તેઓને નેત્ર, શ્રોત્ર વગેરેનો આપણી જેમ સાધન તરીકે પરવશ ભાવે ઉપયોગ નથી. તેઓ ધારે તો આંખ વગેરે ઇન્દ્રિયોનો ઉપયોગ કર્યા વિના પણ જોઈ શકે, સાંભળી શકે કારણ કે તેઓ સર્વસમર્થ છે. જોકે તેઓ તો સર્વજ્ઞ છે. જે બધું જ જાણે છે તેને જાણવાનું શું હોય? તેઓ નિત્ય અનંત શક્તિમાન છે. સ્વતઃસિદ્ધ આશ્ચર્યમય અપાર સામર્થ્યનો વૈભવ કાયમ ભોગવે છે. સમજવાનું તો એ છે કે અસંખ્ય જીવ-ઈશ્વરોને જોવા-સાંભળવા જેવી ક્રિયા કરવા માટેનાં નેત્ર, શ્રોત્ર વગેરે સાધનો આપી તેમાં જોવા-સાંભળવાની શક્તિ તેમણે આપી છે. આટલું આપવા છતાં એમનો એ શક્તિનો ખજાનો ખૂટે એમ નથી. અનંતમાંથી ગમે તેટલું અપાય, અનંત તો અનંત જ રહે! પરમાત્મા અનંતશક્તિપ્રદ છે અને છતાં અનંતશક્તિમાન જ રહ્યા છે.
આ રીતે પરમાત્મા જ સર્વકર્તા છે એવી સમજણ અહીં પ્રધાનપણે ઉપદેશવામાં આવી છે.
આમ પુરુષોત્તમનારાયણ સર્વકર્તા હોવા છતાં તેમને કર્તા ન માને અને અભિમાન વશ થઈ ગાડાની નીચેના કૂતરાની જેમ પોતાનું જ કર્તાપણું માની લે તો તે અજ્ઞાન છે, મૂર્ખામી છે. એ સમજાવવા આ ઉપનિષદમાં દેવતા-યક્ષના સંવાદરૂપે એક ઉપાખ્યાન રજૂ થયું છે. તેને જાણીએ.