કોઈ પોતાના જીવન કરતાં પણ વધુ તમને ચાહે, એ નિઃસ્વાર્થ પ્રેમ
જેમ જીવનમાં પ્રેમ ખૂબ જરૂરી છે તેમજ એકબીજાની લાગણી સાચવવી તે વધુ જરૂરી છે. કેમ? કારણ, લાગણીઓ વિશ્વની સંસ્કૃતિ પ્રમાણે પરિવર્તિત થતી હોય છે.
આ વિશ્વ કેટલું વિશાળ છે! ચિત્ર-વિચિત્ર છે. એક સંસ્કૃતિમાં જેને સન્માન ગણે તે જ બીજી સંસ્કૃતિમાં અપમાનજનક કહેવાય છે. ઈસ્ટ આફ્રિકાના કેન્યા દેશની અંદર એક આદિવાસીની જાતિ છે - મસાઈ. તેમાં એક વિચિત્ર પ્રથા છે. ત્યાં કોઈ બાળક જન્મે ત્યારે તેના ઉપર સૌ થૂંકે છે! કોઈ વડીલ સાથે તમે હાથ મિલાવો ત્યારે સન્માનરૂપે હાથમાં થૂંકીને હાથ મિલાવવાનો હોય છે! મસાઈમાં થૂંક તે આશીર્વાદ ગણાય છે, જ્યારે આપણે ત્યાં તે અપમાન છે.
દુનિયામાં જેટલી સંસ્કૃતિ છે એટલાં વિધિ-વિધાન અને પ્રથાઓ છે. સાઉથ અમેરિકાની માયન સંસ્કૃતિમાં માનવ બલિનો રિવાજ હતો. એવું મનાતું કે રોજ સાંજે સૂર્યાસ્ત સમયે સૂર્ય લાલ હોય છે, કારણ તે યુદ્ધે ચડે છે. આખી રાત યુદ્ધ કરી, ઘાયલ બની સવારે લોહીથી લથબથ લાલઘૂમ ઉદય થાય છે. તેને લોહી પૂરું પાડવા નિત્ય સૂર્યોદય સમયે નરબલિનો રિવાજ હતો.
પ્રજામાંથી એક સુંદર અને સ્વસ્થ નરને પસંદ કરી વાજતે-ગાજતે ઉત્સવ મનાવી, પિરામિડ ઉપર બલિ ચઢાવવામાં આવતો. બીજું માયન કેલેન્ડર પ્રમાણે 2012ની અંદર પૃથ્વીનો અંત આવી જવાનો હતો, કારણ કે કેલેન્ડર પૂરું થાય છે. સમયનો અંત હતો છતાં પણ આપણે બધા જીવીએ છીએ.
ઇિજપ્શિયન સંસ્કૃતિની અંદર કહે છે કે માણસ મરે અને ફરી જીવે છે, એટલે મમી કરવાની પ્રથા પ્રચલિત થઈ. કુદરતી વનસ્પતિ અને દવાઓ ચોપડી, કપડાથી વીંટી મૃતદેહને પધરાવવામાં આવતો. કાલ ઊઠીને સ્વર્ગમાં કે પછી પાછો પૃથ્વી ઉપર જીવંત થઈ શકે છે!
કદાચ વધુ આશ્ચર્ય થશે - એસ્કિમોઝની પ્રથાથી. જે સર્વે ઉત્તર ધ્રુવના બર્ફીલા પ્રદેશમાં રહે છે. એ એસ્કિમોઝની પ્રથા બહુ ભયંકર છે. કોઈ માણસ વૃદ્ધ થાય અને ખૂબ બીમાર પડે અને એનો કોઈ ઇલાજ ન હોય તો બરફની એક શિલા ઉપર જીવતો એને મૂકી દે અને બરફને સમુદ્રમાં તરતો મૂકી દે. એને તેઓ ખાનદાન અને માનભેર મૃત્યુ ગણે છે.
એક સંસ્કૃતિમાં જે ધિક્કારાય છે, તે જ અન્ય સંસ્કૃતિમાં આવકારાય છે. વેનેઝ્યુએલા અને બ્રાઝિલના વિસ્તારમાં એક ટ્રાઇબ છે. એ ટ્રાઇબનું નામ છે યાનો મામી. તેમાં એક મહા, મહાવિચિત્ર પ્રથા પ્રચલિત છે. તમારા અતિ નજીકના સગાંવહાલાં હોય, જેને તમે ખૂબ ચાહતા હો, તે મૃત્યુ પામે તો તેને અગ્નિદાહ દઈ અને એની જે ભસ્મ વધે એ ભસ્મનો સૂપ બનાવી પીવો પડે. આમ સૂપ પીવાથી તમારા અતિ નજીકનાં સ્નેહીઓ ક્યારેય તમારાથી દૂર જતા નથી.
જેટલી સંસ્કૃતિ, જેટલા લોકો એટલા જ જીવનના ખ્યાલો અને હૃદયની લાગણીઓ બદલાતી રહે છે. પણ સર્વે વાતનો સાર એક જ છે - આપણી પરિવર્તિત પૃથ્વી ઉપર સતત સંઘર્ષમય સંસારમાં મનુષ્યમાત્ર સુખ, શાંતિ અને પ્રેમ શોધે છે.
પ્રેમ માટે સતત ભિખારી થઈને ફરે છે. વ્યક્તિ તણાવમાં આવી જાય ત્યારે હૂંફ માટે તે સાચા પ્રેમને શોધે છે, પણ માનવપ્રેમ એક કે બીજાના સ્વાર્થથી જોડાયેલો હોય છે. નિ:સ્વાર્થ પ્રેમ એટલે શું? ભગવાન અને સંતની પાસે કોઈ માણસ આવે ત્યારે પણ કોઈ ને કોઈ સ્વાર્થ હોય છે. આપણી લાગણી અને માંગણીમાં સ્વાર્થ છુપાયેલો રહે છે.
થોડા સમય પહેલાં એક હરિભક્ત સંતો પાસે દોડતાં-દોડતાં આવ્યા કે મારા પિતા મરણ પથારીએ છે, તમે પ્રાર્થના કરો કે તે બચી જાય. સંતોએ દિલથી પ્રાર્થના કરી અને ભગવાને પણ એવું કર્યું કે તે હરિભક્તના પિતા જીવી ગયા. અને તેમની સેવા કરવાનો વારો આવ્યો. ફરીથી એ હરિભક્ત પાછા આવ્યા અને સંતોને કહ્યું કે હવે તમે પ્રાર્થના કરો કે મારા પિતાને ભગવાન ધામમાં લઈ જાય. તેઓ ખૂબ પીડાય છે. પણ આ ઘટનામાં અમે ઊંડા ઊતર્યા અને તપાસ કરાવી તો જાણ થઈ કે પહેલાં પિતા બચી જાય એવી પ્રાર્થના કરાવી, કારણ વસિયતનામું કરવાનું બાકી હતું. અને પછી ઉપર પહોંચી જાય એવી પ્રાર્થના કરાવી, કારણ વસિયતનામું લખાવી લીધું હતું! પ્રાર્થનાના મૂળમાં શું હતું? પિતૃપ્રેમ નહીં, પુત્રનો સ્વાર્થ. નિ:સ્વાર્થ પ્રેમ મળવો એ ઘણો અઘરો છે.
નિ:સ્વાર્થ પ્રેમની ઘણી બધી વ્યાખ્યા જગતમાં છે, પણ મારા અનુભવ પ્રમાણે નિ:સ્વાર્થ પ્રેમની જો કોઈ સુંદરતમ્ વ્યાખ્યા કોઈએ કરી હોય તો આપણા ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે કરી છે. વચનામૃત ગઢડા પ્રથમ ૬૭માં તેઓ કહે છે, ‘‘કોઈ સત્પુરુષ છે તેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી અને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિશે વાસના છે. અને જે તેનો સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે જે, ‘આ મારો સંગી છે તેને આ સંસારની વાસના તૂટી જાય ને ભગવાનને વિશે પ્રીતિ થાય તો ઘણું સારું છે.’ અને જેટલું કાંઈ જતન કરે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ગયા કેડે સુખ આપે એવું જ કરે પણ દેહના સુખને અર્થએ તો કાંઈ ક્રિયા કરે જ નહીં.’’
સાચા સત્પુરુષને લૌકિક સુખ-સમૃદ્ધિ કે સિદ્ધિમાં પ્રીતિ જ નથી. તેઓ સંપૂર્ણ નિ:સ્વાર્થી અને નિસ્પૃહી હોય છે. તેઓ જગતથી પર જીવે છે. આપણને જે જોઈએ છે એ એમને જોઈતું નથી. આપણે જે માંગીએ છીએ, એ તેઓ માંગતા નથી. તમે એમને જે આપવા માંગો છે, એ તેમને ખપતું નથી. નિ:સ્વાર્થ એટલે આ લોકમાં સહેજ પણ સ્વાર્થ નથી અને એવા સત્પુરુષ પ્રમુખસ્વામી મહારાજ છે, એવી વ્યાખ્યા ભગવાન સ્વામિનારાયણે કરી છે. નિ:સ્વાર્થ એટલે કોઈ સ્વાર્થ નહીં, કોઈ ઇચ્છા નહીં, કોઈ માંગણી નહીં, કોઈ અપેક્ષા નહીં... ફક્ત પ્રેમ, શુદ્ધ પ્રેમ ‘When somebody loves you like his life and when somebody loves you more than his life.’ એટલે કે કોઈ પોતાના જીવની જેમ આપણને ચાહે અને કોઈ પોતાના જીવ કરતાં પણ વધુ આપણને ચાહે એ નિ:સ્વાર્થ પ્રેમ.
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના આપણે સૌ સાક્ષી છીએ કે સમગ્ર જીવનમાં એકપણ દિવસ અથવા એકપણ ક્ષણ પોતા માટે ફાળવી નથી. સવારે જાગે ત્યારથી રાત્રે સૂએ ત્યાં સુધી ઠાકોરજી આગળ પૂજા કરતાં, ભજન-ભક્તિ કરતાં કે લોકોની સેવા કરતાં સતત પ્રાર્થના કરે છે - બીજા માટે. તેમણે ૯૫ વર્ષની અંદર એક પણ પ્રાર્થના પોતાના માટે કરી નથી, એવા છે પ્રમુખસ્વામી મહારાજ.
ભરૂચના હરિભક્ત લાલજીભાઈ, તેમને ત્યાં દીકરો નહોતો અને પ્રમુખસ્વામી મહારાજને પ્રાર્થના કરતા હતા અને તે એક દિવસ સમાચાર લઈને આવ્યા કે મારા ઘરે દીકરાનો જન્મ થયો છે ત્યારે પ્રમુખસ્વામી મહારાજે તેને કહ્યું, ‘લાલજી! છેલ્લા સાત વર્ષથી દરરોજ પૂજામાં એક માળા તારા માટે કરતો હતો ત્યારે આજે ભગવાને સંકલ્પ પૂરો કર્યો.’
નાનામાં નાનું કામ હોય અથવા મોટામાં મોટું કામ હોય તોપણ સત્પુરુષ પોતાના જીવનની ક્ષણે-ક્ષણ તમારા અને મારા માટે વાપરે છે - આ છે, નિ:સ્વાર્થ પ્રેમ.