Essay Archives

શુભ ભાવનાથી, સવળું વિચારો તો મુશ્કેલીમાંથી પણ માર્ગ મળશે

પોતાની જાતને ચાહવા માટે આત્મગૌરવ જરૂરી છે, તે માટે Be Pure (પવિત્ર બનો). એ જ રીતે પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી પાંચમો બોધપાઠ જે શીખવાનો છે, તે છે, Be Positive.(હકારાત્મક બનો). પોતાની જાતને ચાહવા માટે સવળું વિચારો. ક્યારેય અવળું વિચારો જ નહીં. નકારાત્મકતાનો નાશ કરો.
અમદાવાદનો જ એક પ્રસંગ છે. ૧૯૮૫માં અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ હતો. સંતોએ સ્વામિનારાયણ નગરનું આયોજન કર્યું. ભક્તોને આવકારવા નગરની શરૂઆતમાં એક ભવ્ય અને વિશાળ પ્રવેશદ્વાર રચવામાં આવ્યું. વાંસ, કંતાન અને માટીના માધ્યમથી અકલ્પ્ય કલા અને આકર્ષણનું કેન્દ્ર, આ પ્રવેશદ્વાર નગરજનો માટે આકર્ષણ બની ગયો હતો. અચાનક ઉત્સવ દરમિયાન અકસ્માત સર્જાયો. એક દિવસ બપોરના સમયે પ્રવેશદ્વારને આગ લાગી. સૌની નજર સમક્ષ દ્વાર ભડકે બળવા લાગ્યું. સમયસૂચકતા વાપરી સ્વયંસેવકોએ પ્રવેશદ્વાર અડધેથી તોડી નાખ્યું, જેથી આગ આગળ પ્રસરતી અટકી જાય, પરંતુ ત્યાં સુધીમાં જમણી બાજુનું અડધું દ્વાર બળી ગયું હતું.
આ કલાત્મક પ્રવેશદ્વારનું નિર્માણ કરવામાં બંગાળી કારીગરોને લગભગ બે મહિનાનો સમય લાગ્યો હતો. હવે, ચાલુ ઉત્સવમાં નવું પ્રવેશદ્વાર કઈ રીતે ઊભું કરવું? સૌ ચિંતામાં ડૂબી ગયા. ફરીથી પ્રવેશદ્વાર બનાવવા બંગાળી કારીગરો લાવવા ક્યાંથી? અને આટલા ઓછા સમયમાં બને કે કેમ? – આવા જુદા-જુદા વિચારો સંતોને આવી રહ્યા હતા. એ સમયે બધાને એક વિચાર એવો પણ આવ્યો કે આ સ્વાગત દ્વાર છે, અડધું બળી ગયું છે અને બાકી બચેલું અડધું દ્વાર કાઢી નાખીએ. તેને બદલે બે કમાન ઊભી કરીને ગાર્ડન જેવું બનાવી દઈએ તો જે મુલાકાતીઓ આવશે, તેમને ખબર પણ નહીં પડે કે અહીં અગાઉ વિશિષ્ટ સ્વાગત-દ્વારનું નિર્માણ થયું હતું. આમ, બધા પોત-પોતાના અભિપ્રાય આપી રહ્યા હતા.
એ જ વખતે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા ગાડીમાં પધાર્યા. તે સમયે સ્વામીશ્રીએ પૂછ્યું નહીં કે આ દ્વાર કઈ રીતે અને કોનાથી બળ્યું? No blame game. (કોઈનેય દોષારોપણ નહીં) સ્વામીશ્રીએ શાંતિ અને સહજતાથી સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કર્યુ.
બધા સંતો તથા સ્વયંસેવકો ચિંતાતુર થઈ કહેવા લાગ્યા કે ‘બાપા! મહામહેનતે તૈયાર થયેલો દરવાજો અડધો જ બચ્યો છે. બીજો અડધો પુનઃ બનાવવો કઈ રીતે? તો હવે અડધો જે બચ્યો છે તેને પણ દૂર કરીએ તો કોઈને ખબર જ નહીં પડે કે નગરમાં પ્રવેશદ્વાર હતું.’
પ્રમુખસ્વામી મહારાજનો પ્રતિસાદ સાંભળવા જેવો છે. સ્વામીશ્રી કહે ‘અડધો તો છે ને!? તેને જોઈ-જોઈને બાકીનો બીજો અડધો દરવાજો બનાવી દો.’
કેટલાકે કહ્યું કે ‘સ્વામીબાપા, બંગાળી કારીગરો ક્યાંથી લાવવા?’ ત્યારે પ્રમુખસ્વામી મહારાજે કહ્યું કે ‘આપણા સંતો, પાર્ષદો અને સ્વયંસેવકો તો છે ને!, તેઓ બનાવી દેશે.’
સ્વામીશ્રીના આ હકારાત્મક વલણના કારણે જે બંગાળી કારીગરોને આવું વિશાળ પ્રવેશદ્વાર બનાવતાં બે મહિના લાગ્યા હતા તે સંતો, પાર્ષદોએ મળીને અઠવાડિયામાં ઊભું કરી દીધું!
આ પ્રસંગ પછી બહુધા બધા જ ઉત્સવ-સમૈયામાં બધું જ ડેકોરેશનનું કાર્ય સંતો-પાર્ષદો કરતાં શીખી ગયા. આમ, એક હકારાત્મક વલણ સંસ્થાની દિશા અને ક્ષમતા બદલી શકે છે.
પ્રમુખસ્વામી મહારાજે ક્યારેય નકારાત્મક વિચારો કર્યા નથી.
બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અક્ષરપુરુષોત્તમ સંપ્રદાય શરૂ કર્યો હતો, તે સમયે પણ કેટલાય વિરોધ કરનારા હતા, વિઘ્ન નાખનારા હતા, તે વખતે પણ શાસ્ત્રીજી મહારાજે ક્યારેય કોઈને અપયશ આપ્યો નથી. કોઈના ઉપર દોષારોપણ કર્યું નથી. Blame game (દોષારોપણની રમત) રમ્યા નથી.
પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે ‘અમને ક્યારેય કોઈનુંય અહિત કરવાનો વિચાર આવ્યો નથી.’ સ્વામીશ્રીએ આવી શુભ ભાવનાથી, હકારાત્મકતાથી કાર્ય કર્યું છે, માટે જ આખી સ્થિતિ બદલાઈ જાય છે. સંકટો-વિઘ્નો-મુશ્કેલીઓમાં પણ માર્ગ મળી જાય છે.
વર્ષ-૨૦૦૪નો પ્રસંગ છે. વાત છે, અમેરિકાના Los Angeles લોસ એન્જેલસ નજીક બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરની. ચિનો હિલ્સ શહેર કે જે ભૂકંપનું કેન્દ્રબિંદુ છે ત્યાં આપણને મંદિરનિર્માણ માટેની જમીન મળી હતી. એ સમયે આખા શહેરની અંદર માત્ર ૪૦ હિંદુ પરિવારો રહેતા હતા. ત્યાંના સ્થાનિકો ખૂબ જ રૂઢિચુસ્ત હતા, કેટલાયના મનમાં રંગભેદ અને પૂર્વગ્રહ હતા.
જ્યારે આપણે આ જમીન ઉપર મંદિરનિર્માણ માટે પરવાનગી લેવા ગયા ત્યારે ત્યાંની લોકલ કાઉન્સિલે મંદિર નિર્માણના વિરુદ્ધમાં મતદાન કર્યું અને યુક્તિ કરીને મંદિરનું નિર્માણ ન થવા દીધું. ત્યાં મંદિરનિર્માણ માટે ૮૨ ફૂટ ઊંચાઈની પરવાનગીની આવશ્યકતા હતી અને જો કાઉન્સિલ મંદિરનિર્માણની ના પાડે તો ધાર્મિક પૂર્વગ્રહ ગણાય એટલે યુક્તિપૂર્વક નિર્ણય આપ્યો કે ‘તમને માત્ર ૪૦ ફૂટ ઊંચાઈની જ પરવાનગી મળશે.’ હવે આ સ્થિતિમાં મંદિર બને તો માત્ર પ્રદક્ષિણા અને ગર્ભગૃહ થાય પણ શિખર તો થાય જ નહીં.
મંદિર માટે આવો નિર્ણય આવ્યો ત્યારે બધા ઉદાસ થઈ ગયા, આવી હારેલી સ્થિતિમાં પણ પ્રમુખસ્વામી મહારાજનું હકારાત્મક વલણ જુઓ.
એક તરફ કાઉન્સિલના આવા અન્યાયિક નિર્ણય સામે જ્યારે શ્રેષ્ઠ વકીલોએ પોતાનો મત વ્યક્ત કરતાં કહ્યું કે ‘આ નિર્ણય સામે ‘legal battle’ (ન્યાયિક લડત) શરૂ કરીએ. જો ધાર્મિક પૂર્વગ્રહ સાથે કેસ દાખલ થશે તો પળવારમાં મંદિર બનાવવાની પરવાનગી મળી જશે.’
આ સમયે પ્રમુખસ્વામી મહારાજનો જવાબ હતો કે ‘પડોશીઓ સાથે લડત કરી, તેના માથા ઉપર પગ મૂકીને મંદિરનિર્માણ કરવું એ યોગ્ય નથી.’
તો કેટલાક સ્થાનિક ભક્તો પ્રમુખસ્વામી મહારાજ પાસે આવીને કહેવા લાગ્યા કે ‘આ લોકો આવું બોલે છે, આપણા લોકો માટે ગમે તેમ વિરોધ કરે છે’ પ્રમુખસ્વામી મહારાજે તરત જ તેઓને અટકાવીને કહ્યું કે ‘સૌ પ્રથમ તમારી ભાષા સુધારો. ‘એ લોકો’ અને ‘આપણા લોકો’ આવું બોલવાનું જ બંધ કરી દો.’
પ્રમુખસ્વામી મહારાજે સૌની ભાષામાંથી ‘વિરોધ’ શબ્દ જ કઢાવી નાખ્યો. આ જ કારણ છે કે બી.એ.પી.એસ.ને વિશ્વમાં લોકો બિરદાવે છે.
પ્રમુખસ્વામી મહારાજે કહ્યું કે ‘આપણે કોર્ટ-કચેરીએ જવું નથી, કોઈની નિંદા કરવી નથી, ભાગલા પાડવા નથી.’ અને તેથી પણ આગળ કે જે લોકો પ્રમુખસ્વામી પાસે ગયા હતા, તેમને જ પ્રશ્ન કર્યો કે ‘હકીકતમાં આપણે મંદિર બનાવીને શું કરવાનું છે?’
સૌએ કહ્યું કે ‘સ્વામી! આપણે મંદિરનું નિર્માણ કરીને સમાજની સેવા કરવાની છે. જેથી આજુબાજુ સદ્ભાવના થાય.’
પ્રમુખસ્વામી મહારાજ કહે કે ‘મંદિરનિર્માણ કરીને જે કરવાનું છે, તે સેવા-સદ્ભાવના મંદિર વગર જ શરૂ કરી દો. મંદિરની રાહ પણ જોતા નહીં’
‘Stop complaining. The moment you complain, you become a victim.’ (ફરિયાદ કરવાનું છોડી દો. જેવા તમે ફરિયાદ કરવાનું શરૂ કરો છો, તમે સ્વયંપીડિત (વિપત્તિગ્રસ્ત) બની જશો.’
મંદિરનિર્માણ માટે યોગ્ય નિર્ણય ન મળવા છતાં પણ પ્રમુખસ્વામી મહારાજના એક વચનને શિરોમાન્ય રાખીને બધા જ સંતો-હરિભક્તોએ સેવા-સદ્ભાવના શરૂ કરી દીધી. પછી તે સ્થાનિકોમાં ઇટાલિયન હોય, ચાઇનીઝ હોય, મેક્સિકન હોય, ખ્રિસ્તી હોય, બૌદ્ધ હોય, નાસ્તિક હોય, તે બધાને બોલાવી સત્કાર કર્યો અને સમજૂતી આપી. સતત સાત વર્ષ સુધી સંપર્ક કરી, સૌની સેવા કરી, નિ:સ્વાર્થ પ્રેમ આપ્યો. પછી વર્ષ-૨૦૧૧માં ફરી વાર મંદિરનિર્માણ માટે કાઉન્સિલમાં મતદાન આપવાનું થયું ત્યારે ૫૦૦ માણસની વચ્ચે એક માણસ પણ વિરોધ કરનાર નહોતો. સમગ્ર શહેરે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના નિર્માણને આવકાર્યું, સમર્થન આપ્યું અને સહકાર આપ્યો.
એ સમયે ત્યાંના Mayor Ed Graham એ જાહેરમાં કહ્યું હતું કે ‘હું આજે નક્કી કરીને આવ્યો હતો કે મારે મંદિર નિર્માણ વિરુદ્ધ જ મતદાન કરવું છે, પરંતુ ૫૦૦ માણસની વચ્ચે એકપણ વ્યક્તિ વિરોધ કરનારો નથી તો હું એક કેમ વિરોધ કરું? માટે મંદિર નિર્માણ થાય અને આ વિસ્તારમાં સૌંદર્ય અને શાંતિ પ્રસરે તેથી પરવાનગી આપું છું.’ સર્વાનુમતે પરવાનગી મળી.
આ છે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની હકારાત્મકતા. એક જ વાક્યે લોકોના વિચાર, વાણી, વર્તન બદલાવી નાખ્યા. ક્યાંય કોઈ વિરોધ નહીં, બસ નિ:સ્વાર્થ પ્રેમ. આ રીતે આપણે પણ આપણા કાર્યમાં શુભ ભાવના, હકારાત્મકતા લાવીશું તો મુશ્કેલીઓમાંથી પણ માર્ગ મળશે.

© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS