Essay Archives

સાચી ગુરુભક્તિ દ્વારા આપણામાં સત્પુરુષના દિવ્ય સદ્‌ગુણો પ્રગટ થશે

‘ભગવાન છે’ અને ‘ભગવાન જ કર્તા છે’ એવું દૃઢપણે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું જીવન આપણને શીખવે છે. સ્વામીશ્રીના જીવનમાંથી જે નવમો અને સૌથી અગત્યનો બોધપાઠ શીખવાનો છે, તે એ છે કે —
‘God is here and now’ - ભગવાન અહીં અને અત્યારે છે - ભગવાન પ્રગટ અને પ્રત્યક્ષ છે.
કોઈ એવું પૂછે કે ભગવાન છે? ક્યાં છે? આકાશમાં છે? તો દૃઢતાથી કહેવું કે ક્યાં નથી? ભગવાન બધે જ છે. પૃથ્વીમાં છે, આકાશમાં છે, મનુષ્યમાં છે, પશુ-પંખીમાં પણ છે, પૃથ્વીના કણેકણમાં છે, દરેક જીવાત્મામાં છે અને સમગ્ર સૃષ્ટિમાં છે. એ જ સમજણે ભગવાન મંદિરમાં પણ છે અને મૂર્તિમાં પણ છે, છતાં સંપૂર્ણ, સમ્યક્ રીતે જો ક્યાંય પ્રગટરૂપે બિરાજમાન હોય તો પ્રગટ ગુરુહરિ રૂપમાં છે. ભગવાન બ્રહ્મસ્વરૂપ સત્પુરુષ દ્વારા પૃથ્વી ઉપર સદાય પ્રગટ છે. આ વેદ-ઉપનિષદની સમજણ આપણા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જીવંત છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં ડગલે ને પગલે આપણે ગુરુ મહિમા જોઈ શકીએ છીએ.
શાસ્ત્રો પણ લખે છે કે ‘ગુરુ ગોવિંદ દોનો ખડે કિસ કો લાગું પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય.’ એટલે કે ગુરુ અને ગોવિંદ બંને હોય તો ગુરુને નમસ્કાર કરું, જેમણે ગોવિંદનાં દર્શન કરાવી દીધાં, જેમણે ભગવાનની ઓળખાણ આપી. વેદ-ઉપનિષદથી લઈ રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભાગવત, શ્રીમદ્ ભગવદ્ગીતા એવાં તમામ સદ્શાસ્ત્રોમાં આદર્શ ગુરુ ભગવાનનું સ્વરૂપ છે તેવો નિર્દેશ કરેલો છે.
ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં ગઢડા પ્રથમ ૨૭માં દીવા જેવું સ્પષ્ટ કહ્યું છે કે, ‘‘જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે... જે એમ સમજતો હોય જે, ‘આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે ને ડોલાવી ડોલે છે તથા આ તારામંડળ જેનું રાખ્યું અધ્ધર રહ્યું છે તથા જેના વરસાવ્યા મેઘ વર્ષે છે તથા જેની આજ્ઞાએ કરીને સૂર્ય-ચંદ્ર ઉદય-અસ્તપણાને પામે છે તથા ચંદ્રમાની કળા વધે-ઘટે છે તથા પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે... તથા આકાશને વિશે અધ્ધર જળ રાખી મૂક્યું છે અને તેમાં ગાજવીજ થાય છે,’ એમ સમજે, પણ પ્રગટ પ્રમાણ જે ભગવાન તે વિના બીજો કોઈ એ આશ્ચર્યનો કરનારો છે એમ માને નહીં. પૂર્વ જે જે અનંત પ્રકારનાં આશ્ચર્ય થઈ ગયાં છે તથા હમણાં જે થાય છે તથા આગળ જે થશે તે સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે’... એના નેત્રમાં ભગવાન જોનારા છે... અને એના પગમાં ચાલનારા ભગવાન છે... એમ એ સંતની સર્વ ઇંદ્રિયોમાં ભગવાન રહ્યા છે, તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોની ઇંદ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. માટે એ સંત તો સર્વ જગતના આધારરૂપ છે.’’
ભગવાન સ્વામિનારાયણ ગુણાતીત સંતનો વિશેષ મહિમા કહેતાં વચનામૃતમાં ગઢડા પ્રથમ ૩૭માં કહે છે, ‘‘એવી નિષ્ઠાવાળો જે સંત છે તેના પગની રજને તો અમે પણ માથે ચઢાવીએ છીએ અને તેને દુખવતા થકા મનમાં બીએ છીએ, અને તેનાં દર્શનને પણ ઇચ્છીએ છીએ... તેનું દર્શન તો ભગવાનના દર્શનતુલ્ય છે, અને એનાં દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે.’’
એવા પવિત્ર સંતની ચરણરજ જો ભગવાન સ્વામિનારાયણ પોતે માથે ચડાવતા હોય તો મારે અને તમારે પણ ચડાવવવી જોઈએ. આવા સંતનાં દર્શન ભગવાન પોતે ઇચ્છતા હોય તો આપણે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ જેવા સંતનાં દર્શન કરવા તે મોટાં ભાગ્ય છે. પોતાના ગુરુનો આવો મહિમા સમજીને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજને સેવ્યા છે. કેવી અદ્ભુત ગુરુભક્તિ? પોતાનું સર્વસ્વ, પોતાનું સમગ્ર અસ્તિત્વ ગુરુને સમર્પિત કરી દીધેલું.
આવી એક સત્ય ઘટનાનું સ્મરણ કરીએ. અમદાવાદમાં એક હોસ્પિટલ બનાવવાનું નક્કી થયું. વડીલ સંતો, હરિભક્તોની ઉપસ્થિતિમાં તે બી.એ.પી.એસ. હોસ્પિટલનું નામ સર્વાનુમતે ‘બી.એ.પી.એસ. પ્રમુખસ્વામી મહારાજ હોસ્પિટલ’ રાખવાનું નક્કી થઈ ગયું. સંતો અને કાર્યકરોએ ખૂબ મહેનત કરીને ઘણીબધી જુદી-જુદી પરવાનગી લઈને વહીવટી કામગીરી પૂર્ણ કરી. નિષ્ણાત ડૉક્ટરો અને અદ્યતન સાધનોથી સજ્જ એવી 100 બેડની હોસ્પિટલ તૈયાર થઈ. એલોપથી ઉપરાંત આયુર્વેદ, પંચકર્મ અને ઓલ્ટરનેટિવ મેડિસિનની ટ્રીટમેન્ટ પૂરી પાડે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી. સરકારી ચોપડે પણ હોસ્પિટલનું નામકરણ ‘બી.એ.પી.એસ. પ્રમુખસ્વામી મહારાજ હોસ્પિટલ’ થઈ ગયું. હોસ્પિટલનું સોફ્ટ ઓપનિંગ પણ થયું. દર્દીઓ પણ આવવા લાગ્યા. એ અરસામાં અમારે મુંબઈ જવાનું થયું.
તે સમયે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ બીમાર હતા અને પલંગમાં સૂતા હતા. તેમની સાથેની વાતચીતમાં સ્વામીશ્રીએ એકદમ મને પૂછ્યું કે, અમદાવાદમાં જે હોસ્પિટલ શરૂ કરી તેનું નામ શું રાખ્યું?
મેં કહ્યું, ‘‘સ્વામીશ્રી! ‘બી.એ.પી.એસ. પ્રમુખસ્વામી મહારાજ હોસ્પિટલ’ એવું નામ રાખ્યું છે.’’
આ સાંભળીને સ્વામીશ્રીને તે ગમ્યું નહીં. તેમની મુખમુદ્રા ઉપર અણગમો પ્રસરી ગયો. તરત જ સ્વામીશ્રી કહે, ‘આવું કેમ કર્યું?’
અમે કહ્યું, ‘સ્વામી! બધાની ઇચ્છા હતી. આથી આ નામ નક્કી કર્યું!’
સ્વામીશ્રીએ કહ્યું કે ‘બધાની સહમતી હોવી એ એક વાત છે, પણ યોગી-બાપાનું નામ ન રખાય? આપણા ગુરુનું નામ ન રખાય?’
અમે કહ્યું, ‘સ્વામીશ્રી! બધાએ સામૂહિક રીતે નક્કી કર્યું છે.’
તરત જ સ્વામીશ્રી કહે, ‘ભલે સામૂહિક રીતે નક્કી કર્યું હોય, પણ તમે એ હોસ્પિટલનું નામ યોગીબાપાને નામે રાખો, ત્યાંથી મારું નામ કાઢી નાખો.’
આ સમયે વાતવાતમાં મારાથી એવું કહેવાઈ ગયું કે ‘સ્વામીશ્રી! એક જ વ્યક્તિએ આખી હોસ્પિટલનું દાન આપ્યું છે અને એ વ્યક્તિનો આગ્રહ હતો કે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું નામ રાખવામાં આવે.’
આ સાંભળીને મક્કમતાથી સ્વામીશ્રીએ કહ્યું, ‘એ ભાઈનું દાન પાછું આપી દો, પરંતુ મારું નામ રાખશો નહીં.’
હું તો અવાક બની ગયો. આગળ સ્વામીશ્રીએ સ્પષ્ટ કહ્યું, ‘આજે ને આજે તું મુંબઈથી પાછો અમદાવાદ જા. તાત્કાલિક પહોંચ.’ એ વખતે હું સવારે જ કામ અંગે મુંબઈ આવ્યો હતો અને પાછા અમદાવાદ જવાનું નહોતું. છતાં સ્વામીશ્રી કહે, ‘તું અત્યારે જ ગુજરાત મેલમાં બેસી જા અને અમદાવાદ જઈ પૂજ્ય ઈશ્વર સ્વામીને કહેજે કે સવારે બધાને ભેગા કરે અને હોસ્પિટલનું નામ બદલી નાખો.’
એટલે મેં કહ્યું, ‘સ્વામીશ્રી! નામ બદલવાનું સહેલું નથી, તેમાં ખૂબ કાર્યવાહી કરવી પડે.’
તો સ્વામીશ્રી આંગળીનું લટકું કરીને કહે, ‘એ તો સાવ સહેલું છે. ખાલી દીવાલ ઉપરથી અક્ષરો ઉખેડી નાંખવાના છે.’ આપણે જેમ શરીર પરથી વસ્ત્ર ઉતારીએ, હાથનાં મોજાં ઉતારીએ એટલી સાહજિકતાથી પ્રમુખસ્વામીએ પોતાનું નામ કાઢી નાખવાનો આદેશ આપ્યો. વિચાર કરો ગુરુભક્તિની વિનમ્ર પરાકાષ્ટા!
ત્યારબાદ તા. ૧૭ મે, ૨૦૧૨ના રોજ નવા નામકરણ સાથે બી.એ.પી.એસ. યોગીજી મહારાજ હોસ્પિટલનું વિધિવત્ ઉદ્ઘાટન તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું. પછી તા. ૨૨ મે, ૨૦૧૨ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સંસ્થાએ જ બનાવેલી હોસ્પિટલમાં પધરામણી કરી.
જ્યારે આપણે આવી સહજતાથી આપણા વડીલો, ગુરુજનો કે ભગવાનને આપણું સર્વસ્વ અને સંપૂર્ણ અસ્તિત્વ અર્પણ કરી શકીશું ત્યારે જ સાચી ગુરુભક્તિ દ્વારા આપણામાં સત્પુરુષના દિવ્ય ગુણ પ્રગટ થશે અને જીવન અખંડ સુખમય અને શાંતિમય બનશે.

© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS