Essays Archives

એકવાર મોતીભાઈ, આશાભાઈ અને ઈશ્વરભાઈની સહિયારી જમીનનું સરકારી મહેસૂલ ચઢી ગયું હતું. કલેક્ટર જમીન જપ્ત કરી લે તેવી તેમને નોટિસ મળી હતી. દુષ્કાળનો સમય અને જમીન ઉપર બીજું દેવું હોવાથી, આટલી રકમ કોઈ ઠેકાણેથી મેળવવી મુશ્કેલ હતી. છેવટે મોતીભાઈએ શાસ્ત્રીજી મહારાજને પત્ર લખ્યો અને સાથે બે કીર્તનો બનાવી મોકલ્યાં. મોતીભાઈનો આ પત્ર નિર્ગુણદાસ સ્વામીએ શાસ્ત્રીજી મહારાજને વાંચવા આપ્યો. પરંતુ તેઓએ પત્ર એમ ને એમ નિર્ગુણદાસ સ્વામીને પાછો આપી દીધો અને કહ્યું : ‘મારે નથી વાંચવો.’
નિર્ગુણદાસ સ્વામી જાણતા હતા કે શાસ્ત્રીજી મહારાજની આ ઉપેક્ષા ઉપર ઉપરની છે; અંદરથી તો તેમને આ ભક્તો માટે અપૂર્વ મમતા અને ભાવ છે. આથી, તેમણે કહ્યું : ‘મોતીભાઈ આવા કઠણ દેશ-કાળમાં પણ કેવાં નિષ્ઠાનાં કીર્તનો બનાવી મોકલે છે !’
શાસ્ત્રીજી મહારાજે કહ્યું : ‘વાંચો જોઈએ.’
અને નિર્ગુણદાસ સ્વામીએ મોતીભાઈએ લખી મોકલેલું કીર્તન ઉપાડ્યું :

‘હરિવર શોધવા ચાલો આપણ સર્વે સખીઓ સંચરીએ,
દોષ રહિત ને ગુણ સુખ સંપન્ન એવા વરને તો વરીએ.
વર કાજે વરમાળા ગૂંથવા, ફૂલડાં લાવોને સખીઓ,
વિણગુણ હાર બનાવી લઈએ, પૂજ્યપાદની કાજે તો.’

પછી તો સખીઓએ ગઢડા પ્રથમ પ્રકરણના 62મા વચનામૃતમાં કહ્યાં તે સત્ય, શૌચ, દયા, ક્ષાન્તિ, ત્યાગ, સંતોષ, આર્જવ આદિ ભગવાનના ગુણરૂપી ફૂલડાં શોધીને હાર ગૂંથ્યો. પરંતુ તે હાર પહેરાવવો કોને ? કવિએ તે શોધી કાઢ્યું અને બતાવ્યું :

પ્રથમ સત્તાવીશ છેલ્લું છવ્વીસ, વર્તન જોવાને આવો;
શ્રીજીબાગમાં કલ્પ ગુણાતીત વિના મળે નહીં એ માવો.

અને પછી ગુણાતીત બાગમાં એવા વિણગુણ હારના અધિકારી મળી ગયા :

એવા તો એક યજ્ઞપુરુષ, જે ભગતજીના શિષ્ય કહાવે;
વિણગુણ હારના અધિકારી એ પહેરાવો હરખે ભાવે.

હારના અધિકારી તો મળ્યા, પરંતુ કાંઈ એમ ને એમ એકલો હાર પહેરાવી દેવાય ? ધૂપ, દીપ, ચંદન, અક્ષત, કુંકુમ વગેરે લાવી, પ્રથમ તો શાસ્ત્રીજી મહારાજની પૂજા કરી, ચંદનની અર્ચા કરી, કુંકુમનો ચાંદલો કર્યો; માંહી અક્ષત ચોઢ્યા; ધૂપ, દીપ તૈયાર કરી આરતી કરવાની તૈયારી કરી. પ્રેમાધીન સ્વામીશ્રી તો આ ભાવ જોઈ સામે ઊભા રહ્યા :

પ્રેમાધીન છે પ્રાણપતિ તે અમૃત દૃષ્ટિથી જોતા;
કુશળતા પૂછીને પછીથી ગદ્‌ગદ કંઠે તો હોતા.

પછી ?

સ્વામિનારાયણ જય બોલાવી હાર હરિને પહેરાવ્યો;
કરોડ કલ્પના સુકૃત ફળતાં, તેથી આ અવસર આવ્યો.
નજરે નિહાળી મરમાળી નખશિખ મૂર્તિને ધારી;
નિમિષ ન્યારા નહીં મૂકું હું ગુણવંતા મમ ગિરધારી.

મોતીભાઈની એ અદ્‌ભુત રચનાને આગવી હલકથી ગાતાં નિર્ગુણદાસ સ્વામી પણ હર્ષાશ્રુથી છલકાઈ ઊઠ્યા હતા. પત્રમાં આમ તો મુશ્કેલીઓ માટે આશીર્વાદની અરજી હતી. પરંતુ તેના કરતાં આ કીર્તનની ભાવસરવાણી અતિ પ્રબળ હતી. શાસ્ત્રીજી મહારાજ અત્યંત રાજી થઈ ગયા અને કહ્યું : ‘મોતીભાઈને કાગળ લખી અહીં બોલાવો.’
આ આજ્ઞા થતાં જ નિર્ગુણદાસ સ્વામીએ મોતીભાઈને કાગળ લખી દીધો. કાગળ મળતાં જ મોતીભાઈ મુંબઈ આવી પહોંચ્યા. શાસ્ત્રીજી મહારાજનાં દર્શનથી જ મોતીભાઈ ઉપાધિની વાત કહેવાનું પણ વીસરી ગયા ! ગુરુહરિની અદ્‌ભુત રસ-ભરપૂર મૂર્તિનું સુખ લેવા લાગ્યા. શાસ્ત્રીજી મહારાજે સામેથી તેમની ચિંતા કરીને નિર્ગુણદાસ સ્વામીને તેમની સમસ્યા નિવારવા કહ્યું. હરિભક્તોના પક્ષથી સદા રસાયેલા નિર્ગુણદાસ સ્વામી આવા પડકારને ઉઠાવી લેતા. શાસ્ત્રીજી મહારાજની પ્રેરણાથી નિર્ગુણદાસ સ્વામીએ આભ અને જમીન એક કરી, ભગીરથ પ્રયત્નો કરી, મહેસૂલ ગમે ત્યાંથી ભરાવી દીધું.
નિર્ગુણદાસ સ્વામી તો અસંખ્ય વખત મોતીભાઈની વાત લઈને શાસ્ત્રીજી મહારાજ પાસે પહોંચી જતા : ‘તમે આને આશીર્વાદ કેમ આપતા નથી ? બીચારાને માથે જેટલા વાળ છે, તેટલું દેવું છે. હવે કોઈ પણ રીતે એના દેશકાળ સારા થાય તેને માટે આશીર્વાદ આપો...’
શાસ્ત્રીજી મહારાજ હસીને કહેતા : ‘સ્વામી, તમે એને જ પૂછોને ! એને કાંઈ દુઃખ છે ?’
મોતીભાઈ હાથ જોડીને કહેતા, ‘સ્વામી, હું તો તમારા સુખે સુખિયો છું. દેશકાળ અને પૈસા તો આવે ને જાય, મારે તો આપના રાજીપાએ રાજીપો છે !’ સામાન્ય માણસને દુઃખના ડુંગર જેવાં જણાતાં સંકટોને આ ભક્તો ગુરુહરિના સંબંધથી તૃણવત્‌ ગણતા.
આણંદમાં એક વખત શાસ્ત્રીજી મહારાજ સાંજે સૌ હરિભક્તો સાથે સભામાં બિરાજમાન હતા. તેવામાં મોતીભાઈના નામની બૂમો પડવા લાગી. શાસ્ત્રીજી મહારાજના આદેશથી મોતીભાઈ ગયા ત્યારે ખબર મળી કે તેમનાં ઘર સળગ્યાં છે, શ્વાસભેર દોડતાં ખળી તરફ આવ્યા. સદ્‌ભાગ્યે થોડી વારે આગ કાબૂમાં આવી ગઈ. થોડુંઘણું નુકસાન થયું હતું. જરૂરી વ્યવસ્થા કરાવી મોતીભાઈ શાસ્ત્રીજી મહારાજ પાસે રાત્રે લગભગ બાર વાગ્યે આવ્યા. તેઓ તો એ વખતે પોઢી ગયા હતા. મોતીભાઈ આવ્યા એટલે તેમણે બેઠા થઈ પોતાના હાથ બતાવી કહ્યું : ‘મોતીભાઈ ! તમારું ઘર ઓલવતાં અમે બહુ દાઝી ગયા છીએ.’ મોતીભાઈએ સ્વામીશ્રીના બંને હાથ જોયા તો કોણી સુધી દાઝી ગયા હતા ! ત્યારે મોતીભાઈ સહિત સૌને અનુભવ થયો કે શાસ્ત્રીજી મહારાજ સદાય તેમની રક્ષામાં રહ્યા છે.
મોતીભાઈના સમર્પણનાં અનેક પાસાંઓ છે. તેમણે આણંદમાં મંદિર કરવા માટે પોતાનું ઘર શાસ્ત્રીજી મહારાજને અર્પણ કરી દીધું હતું. વળી, બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની પ્રાગટ્ય ભૂમિ મહેળાવમાં ભવ્ય મંદિર કરીને તેમાં અક્ષર-પુરુષોત્તમ મહારાજને પધરાવવાની પણ મોતીભાઈને અનન્ય ઝંખના હતી. સન 1946માં મહેળાવમાં 25 વિઘાં જમીનમાં ભવ્ય મંદિર કરવામાં મોતીભાઈ ભગવાનદાસે પોતાના હસ્તે જ લખણી શરૂ કરી હતી. જ્યાં વર્ષો પહેલાં શ્રીજીમહારાજ અને સંતોનું અપમાન થયું હતું તે આણંદની બજારમાં ટાવર પાસે અક્ષરપુરુષોત્તમ મહારાજ ને શાસ્ત્રીજી મહારાજનું સન્માન થાય તેવું પણ મોતીભાઈએ શાસ્ત્રીજી મહારાજ પાસે માગેલું. શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદથી તેમના એ બધા જ સંકલ્પો પૂર્ણ થયા.
શાસ્ત્રીજી મહારાજના આ લાડીલા ભક્તરાજ, શાસ્ત્રીજી મહારાજના અક્ષરવાસ પછી ગુરુહરિનાં કાર્યોમાં છેક સુધી સમર્પિત રહ્યા. 1960માં તેઓ બીમાર હતા ત્યારે તેમને મળવા યોગીજી મહારાજ આણંદ ખાતે તેમના ઘરે આવ્યા હતા. તેમના ઘેર પધારી, તેમને બેઠા કરાવડાવી, યોગીજી મહારાજે ભીના કપડા વડે તેમનું શરીર લૂછ્યું. ગળામાં ફૂલનો હાર પહેરાવ્યો અને ખોળામાં ઠાકોરજી મૂક્યા. યોગીજી મહારાજે તેમને અંતિમ ઇચ્છા જણાવવા કહ્યું. ત્યારે તેઓ બોલ્યા : ‘ગઢડે જવું છે.’
‘શાસ્ત્રીજી મહારાજની સાથે રહીને તમારું કાર્ય પૂરું થયું છે. અને દશમના દિવસે મહારાજ-સ્વામી તમને ધામમાં લઈ જશે.’ એમ યોગીજી મહારાજે તેમને આશીર્વાદ આપ્યા. મોતીભાઈના મસ્તકે હાથ મૂકી, લાંભવેલ હનુમાનજી તરફ વિદાય થયા. લાંભવેલ ગામમાં તેઓએ હરિભક્તોને કહ્યું : ‘મોતીભાઈ બહુ બીમાર છે. તેમનાં દર્શન કરી આવજો. અને તેમને કહેજો કે દશમના દિવસે નહીં, પણ અગિયારસના દિવસે મહારાજ-સ્વામી ધામમાં લઈ જશે.’
મોતીભાઈ યોગીજી મહારાજનાં એ વચન પ્રમાણે બરોબર 13 ડિસેમ્બર, 1960 અગિયારસના પવિત્ર દિવસે 75 વર્ષની ઉંમરે અક્ષરનિવાસી થયા.
પ્રખર જ્ઞાની, પ્રેમભક્તિથી નખશિખ રસાયેલા, સમર્પણના મેરુ અને અનન્ય નિષ્ઠાના સદાના આદર્શ સમા મોતીભાઈ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના શૌર્યગીતના સરદાર તરીકે અમર સ્થાન પામી ગયા છે. વીરતાભર્યા અવાજે, હોંકારા-પડકારા કરીને, આંખના તેજસ્વી ચમકારા અને વહેતી અશ્રુધારા સાથે ખુમારી સાથે કીર્તનો લલકારતા મોતીભાઈની આ પંક્તિઓ આવનારી અનેક સદીઓ સુધી બી.એ.પી.એસ. સંસ્થાની પેઢીઓ ગાયા કરશે, અને તેમાંથી સમર્પણની પવિત્ર ઊર્જા મેળવ્યા જ કરશે.

‘અમે સૌ સ્વામીના બાળક, મરીશું સ્વામીને માટે...’


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS