રાજીપાના વિચારથી સાધનામાં એકધારાપણું રહે છે
આધ્યાત્મિક સાધનામાં સૌથી મહત્ત્વની વાત સાતત્ય છે. ‘કડે મન મકોડી થીયે, કડે કેસરી સિંહ’ જેવી પ્રકૃતિવાળો આ માર્ગે વિશેષ કાંઈ ઉકાળી શકતો નથી. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે ‘થોડું જ જ્ઞાન હોય પણ સારધાર દેહપર્યંત રહે તો સારું.’ શ્રીજીમહારાજે પણ વચનામૃત ગઢડા પ્રથમ 23માં કહ્યું છે કે ‘ઘડીક તો એકાગ્ર ચિત્તે બેસીને ભગવાનનું ભજન કરે ને ઘડીકમાં તો ચાળા ચૂંથતો ફરે તેને તો એવી સ્થિતિ થતી નથી. જેમ પાણીનો ઘડો ભરીને એક ઠેકાણે ઢોળી આવીએ, પછી વળી, બીજે દિવસ અથવા ત્રીજે દિવસ તે ઠેકાણે પાણીનો ઘડો ઢોળીએ એણે કરીને ત્યાં પાણીનો ધરો ભરાય નહીં, કાં જે આગલા દિવસનું જળ આગલે દિવસે સુકાઈ જાય ને પાછલા દિવસનું પાછલે દિવસે સુકાઈ જાય. અને જો આંગળી જેવી નાની જ પાણીની સેર્ય અખંડ વહેતી હોય તો મોટો પાણીનો ધરો ભરાઈ જાય.’ આમ, જો સાતત્ય હોય તો થોડું પણ ઝાઝું બની રહે છે અને સાતત્ય નંદવાય તો ઝાઝું પણ થોડું બની રહે છે. માટે સાધનામાં એકધારાપણું મહત્ત્વની બાબત છે.
આ મહત્ત્વની બાબત ગૌણ થાય છે તેમાં એક કારણ હોય તો તે છે માન મેળવવાની ઇચ્છા. શ્રીજીમહારાજ વચનામૃત ગઢડા મધ્ય 41માં કહે છે કે ‘ભક્તિ કરતાં કરતાં પણ માનનો સ્વાદ મૂકી શકાતો નથી.’ જો માન મળે તો ભક્તિમાં ભરતી ચડે. જો કોઈ નોંધ ન લે તો ઓટ આવી જાય. ઘણાને આસપાસ સમુદાય મોટો થાય તેમ સેવા-ભક્તિનો ઉમંગ વધતો જાય. ઘણા કથાકારોના મૂડ શ્રોતાની સંખ્યા પ્રમાણે વધતા-ઘટતા રહે છે. પરંતુ ભક્તિ કરીને ભગવાન અને સંતને રાજી કરવાનો વિચાર હોય તો કોઈ જુએ કે ન જુએ, કોઈ નોંધ લે કે ન લે, કદર-દરકાર થાય કે ન થાય, કોઈ સાથે હોય કે ન હોય - દરેક પરિસ્થિતિમાં સરખો ઉત્સાહ જળવાઈ રહે છે. સાધના તેલની ધાર જેવી ઘટ્ટ અને એકધારી બને છે.
ગુણાતીતાનંદ સ્વામીએ જીવનના છેલ્લા દિવસે પણ છેલ્લા કલાક સુધી પધરામણીઓ કરેલી. 82 વર્ષેય તેઓના ઉત્સાહમાં ઓટ નહોતી આવી. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખસ્વામી મહારાજ અને વર્તમાનકાળે મહંત સ્વામી મહારાજ ચોર્યાશી વર્ષ વટાવી ગયા હોવા છતાં તેઓનાં ધગશ, જોમ, ઉત્સાહ અકબંધ શાથી રહ્યાં છે? બસ, આ જ એક વિચારથી કે, ‘ભગવાન અને ગુરુને રાજી કરવા છે.’ આ વિચાર હોય પછી સોંપેલી સેવા-ભક્તિ પડતી શો મુકાય? આમ, રાજીપાનો વિચાર સતત આપણને ધબકતા રાખે છે. રાજીપાના વિચારવાળા ભક્તને કદી કોઈ અપેક્ષા, કોઈની પાસેથી ન રહેતાં તે ક્યારેય નિરાશ થતો નથી. કહ્યું પણ છે કે -
‘ન રાખ આશ, કદી કોઈની પાસ;
કરી શકે કોણ, પછી તને નિરાશ.’
પ્રમુખસ્વામી મહારાજ ઘણી વાર કહેતા કે ‘જ્યાં સુધી જગતને રીઝવવાનું તાન છે ત્યાં સુધી મૂડ આવશે ને જશે; પણ ભગવાન તથા સંતને રીઝવવાનું તાન થાય તો સદાય એકસરખો મૂડ જળવાઈ રહે છે.’
સાધનાનું સાતત્ય ખંડિત થાય છે એકાંતમાં. જો કોઈ ભૂલને જોનારું ન હોય તો મોટા ભાગના મનુષ્યોને ભૂલ કરવામાં કોઈ વાંધો નથી હોતો. મનુષ્ય ભૂલથી નથી ડરતો એટલો કરેલી ભૂલને કોઈ જાણી જશે તે વિચારથી ડરે છે. તેથી કોઈ જોનારું ન હોય ત્યારે તે અકરાંતિયાની જેમ વિષય ભોગવી લે છે. પરંતુ જેને રાજીપાનો વિચાર હોય તેની સાધના એકાંતમાં પણ ખરડાતી નથી. કારણ કે શ્રીજીમહારાજ કહે છે કે “તે તો એમ સમજે કે ‘હું ધર્મને પાળીશ તો મારી ઉપર ભગવાન બહુ રાજી થશે ને જો મને કોઈ રીતે ધર્મમાંથી કાંઈક ભંગ પડશે તો ભગવાનનો મારી ઉપર બહુ કુરાજીપો થશે.’ એવી રીતે જેના અંતરમાં દૃઢ ગ્રંથિ હોય તે ભક્ત જે તે ધર્મમાંથી કોઈ દિવસ પડે જ નહીં.” (વચ. ગ.અં. 26)
આમ, રાજીપાના વિચારથી સાધના એકધારી રહે છે.
શ્રીજીમહારાજના ભક્તો-સંતો મહારાજથી દૂર રહેવા છતાં ધર્મમાં દૃઢ રહી શકતા તેનું કારણ જણાવતાં મહારાજ સ્વયં કહે છે કે “જુઓને આપણા સત્સંગમાં બાઈ, ભાઈ, પરમહંસ એ સર્વેને અમારી ઉપર હેત છે તો મોટેરી બે-ત્રણ બાઈઓ છે તે બરોબર બીજી સર્વે બાઈઓ વર્તમાન પાળે છે. કેમ જે, એ મનમાં એમ જાણે છે જે, ‘જો અમે ખબડદાર થઈને વર્તમાન નહિ પાળીએ તો મહારાજનું હેત અમારી ઉપર નહિ રહે ને કુરાજી થશે.’ તથા પરમહંસમાં પણ એમ છે તથા બીજા જે સત્સંગી તથા બ્રહ્મચારી તથા પાળા એ સર્વેમાં પણ એમ છે. તથા દેશદેશના હરિભક્ત બાઈ-ભાઈ છેટે રહ્યાં છે તે પણ વર્તમાનમાં ખબડદાર વર્તે છે અને એમ જાણે છે જે, ‘જો આપણે સારી પેઠે નહિ વર્તીએ તો મહારાજ કુરાજી થશે.” (વચ. ગ.અં. 29).
આમ, રાજીપાના વિચારવાળો ભક્ત સોનાના દોરા જેવો બની રહે છે. જેમ સોનાનો દોરો છયે ૠતુમાં એક સરખો રહે તેમ રાજીપાના વિચારયુક્ત ભક્તની ભક્તિ પણ સદાય એકસરખી રહે છે.