7-7-1998ના રોજ સ્વામીશ્રીના હૃદયની તપાસ અમેરિકામાં ન્યૂયોર્કમાં મેનહટનમાં આવેલી ‘લેનોક્સહિલ’ હૉસ્પિટલમાં ડૉક્ટરોએ કરી. ડૉ. જેફરી મોસેસ અને ડૉ. શ્વોટ્ર્ઝે એન્જિયોગ્રાફી કરી. તેમણે તરત નિદાન કરી કહ્યું: ‘સ્વામીશ્રીની ડાબી બાજુની મુખ્ય આર્ટરીમાં બ્લોકેજ છે. અન્ય પાંચ બ્લોકેજ છે. તત્કાળ બાયપાસ સર્જરી કરાવવી અનિવાર્ય છે. વિલંબ લેશપણ કરી શકાય તેમ નથી.’ તે જ દિવસે નિષ્ણાત હાર્ટસર્જન ડૉ. સુબ્રહ્મણ્યમ્ હાજર હતા. તેમણે પણ એ જ અભિપ્રાય આપ્યો.
સ્વામીશ્રીની ભગવન્મયતાનું દર્શન આ અવસરે થયું. ઓપરેશનનો સમય 11-00 વાગે નિશ્ચિત થયો. સ્વામીશ્રી કહેઃ ‘બપોરે ત્રણ વાગ્યા પછી રાખો.’
જીવન-મરણની આ ક્ષણે સ્વામીશ્રી મોડું કરવાનું કેમ કહી રહ્યા હતા? સૌને પ્રશ્ન હતો. પરંતુ પાછળથી જાણ થઈ કે સ્વામીશ્રીને પોતાના પ્રાણપ્રિય હરિકૃષ્ણ મહારાજને ઓપરેશન થિયેટરમાં સાથે લઈ જવા હતા અને 11 વાગે આૅપરેશનમાં જાય તો ઠાકોરજીના બપોરના થાળ-આરામના સમય સચવાય તેમ નહોતા. આથી, ઠાકોરજીની થાળ-આરામ ઉત્થાપનની સેવા થઈ ગયા પછી સ્વામીશ્રી ઠાકોરજી સાથે ઓપરેશન થિયેટરમાં પધાર્યા! સૌ અનુભવી શક્યા કે ઠાકોરજી સ્વામીશ્રીના હૃદયના પ્રાણ છે.
22મી જાન્યુઆરી, 2007ના રોજ સ્વામીશ્રી ગોંડલ પધાર્યા. ઉપર દર્શને જવા નવી લિફ્ટ બનાવી હતી. લિફ્ટમાં આવતાંવેંત સ્વામીશ્રી કહે : ‘ઠાકોરજી ક્યાં છે?’
હરિકૃષ્ણ મહારાજ આવ્યા ત્યાં સુધી સ્વામીશ્રી ઊભા રહ્યા. પ્રથમ હરિકૃષ્ણ મહારાજને અંદર પધરાવ્યા પછી જ તેઓ લિફ્ટમાં બેઠા !
1977ની પાંચમી જૂને મુંબઈથી વહેલી સવારે સ્વામીશ્રીની વિદેશયાત્રા પ્રારંભાતી હતી. રાત્રે 1-25 વાગે ઍરઇન્ડિયાના ‘સમ્રાટ અશોક’માં લંડન જઈ રહ્યા હતા. ઍરપૉર્ર્ટ પર ભક્તોની મેદની ઊમટી હતી. પ્લેનનો સમય થતાં ઍરપૉર્ટ મેનેજર તથા કૅપ્ટન સ્વામીશ્રીને પ્લેનની સીડી સુધી દોરી ગયા. પગથિયાં ચઢવાને બદલે સ્વામીશ્રી ઊભા રહ્યા. મૅનેજર અને કૅપ્ટને પગથિયાં ચઢવા વિનંતી કરી. પરંતુ સ્વામીશ્રીએ જેમના હાથમાં શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ હતી એ સેવકને પ્લેનમાં પ્રથમ ચઢવા જણાવ્યું. હરિકૃષ્ણ મહારાજ પ્લેનમાં બિરાજ્યા પછી જ પોતે બિરાજ્યા! જેઓ સ્વામીશ્રીની વી.આઈ.પી. તરીકે સેવા-શુશ્રૂષા કરી રહ્યા હતા, તેમને લાગ્યું કે આ સંતના વી.આઈ.પી. સાક્ષાત્ પરમાત્મા છે. તેઓએ ફરી સ્વામીશ્રીને વંદન કર્યાં તે કંઈક જુદાં જ હતાં.
‘નૈરોબી સિટી કાઉન્સિલ’ તરફથી તા. 13મી મે, 1980ના રોજ સ્વામીશ્રીનું ભવ્ય સન્માન યોજાયું હતું. સ્વામીશ્રી ‘મેયર પાર્લર’ પાસે આવી ઊભા. પ્રથમ ઠાકોરજીએ પ્રવેશ કર્યો, પછી પોતે પ્રવેશ્યા.
સ્વામીશ્રીને જે ક્રેસ્ટ અર્પવાનું હતું તેના પર ‘સત્યમેવ જયતે’ લખ્યું હતું. ‘મૅયરશ્રી સ્વામીશ્રીને ક્રેસ્ટ અર્પણ કરશે’ એવી જાહેરાત થઈ કે તરત સ્વામીશ્રી મેયરને ઠાકોરજી પાસે લઈ ગયા ને ક્રેસ્ટ ઠાકોરજીનાં ચરણોમાં ધરાવ્યું. પછી જ તેને સ્વામીશ્રીએ સ્વીકાર્યું ! આ માન-સન્માન એ ભગવાનનાં છે, આપણે એમના દાસ છીએ - આ ભાવ સ્વામીશ્રીના અંતરપટ પર અંકિત થઈ ગયેલો સૌએ અનુભવ્યો.
સન 2007માં સ્વામીશ્રીના 87મા જન્મદિને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ તરફથી સ્વામીશ્રીનું બહુમાન કરવાનું હતું. લાખોની જનમેદની વચ્ચે જાહેર કરવામાં આવ્યું કે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના સંપાદક અને મેનેજિંગ કમિટિના સદસ્ય શ્રી માઈકલ વીટી સ્વામીશ્રીને બહુમાન અર્પશે. પરંતુ તેઓ સ્વામીશ્રીને બહુમાન આપવા આવ્યા ત્યારે પણ સ્વામીશ્રીએ એ સન્માન પોતે ન સ્વીકાર્યું. ઠાકોરજીને અર્પણ કરાવ્યું!
શ્રીમદ્ ભાગવતના તૃતીય સ્કંધમાં કપિલજી કહે છેઃ ‘જેનું ચિત્ત એકમાત્ર ભગવાનમાં જ પરોવાયેલું છે, એવા ભક્તની ઇન્દ્રિયોની સ્વાભાવિક પ્રવૃત્તિ શ્રીહરિ પ્રત્યે રહે છે, તે જ ભગવાનની નિર્હેતુક ભક્તિ છે. મુક્તિ કરતાં પણ આવી ભક્તિ ઉત્તમ છે.’
સ્વામીશ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિને જીવંત માનીને સાક્ષાત્ભાવથી પૂજે. તેઓ ઠાકોરજીને થાળ ધરે ત્યારે આંખોની કીકીનું દર્શન કરતાં માલૂમ પડે કે તેમાં કેટકેટલી આરજૂ ઊભરી રહી છે... ‘મહારાજ ! અંગીકાર કરો...’ વારંવાર આદરપૂર્વક મનુવાર કરે, મનાવે. અન્નકૂટમાં બધા થાળ ગવડાવે. પોતે પણ સાથે ગાય. ઠાકોરજીની સેવામાં કસૂર થાય તો તત્કાળ પ્રાયશ્ચિત્ત કરી લે... દંડવત્ કરવા લાગે. વીનવે. ગદ્ગદ બની જાય. આંખો ભીની થઈ જાય. મુખના ભાવ પલટાઈ જાય.
પોતાના નાનાં કે મોટાં તમામ કાર્યો અને સિદ્ધિઓનો યશ તેઓ ઠાકોરજીને જ આપે. જે કાંઈ મહાન કાર્ય થયું છે તે ઠાકોરજીએ જ કર્યું છે, એવો દાસત્વભાવ!
પોતાના થકી કોઈને કંઈ ચમત્કાર થયો હોય તોપણ કદી માથે ન લે. ‘શ્રીજીમહારાજ કરી ગયા... તમારી ભક્તિ ભાવના ફળી... તમે ભજન કર્યું તેનો પ્રતાપ છે...’ સ્વામીશ્રીની સમક્ષ એમની અનેક સિદ્ધિઓ અને કાર્યોની મહાનતા વિશે દેશ-વિદેશના ધુરંધરો કે સામાન્ય બાળક પણ વાતો કરે, ત્યારે તેઓ સઘળું શ્રીહરિ ચરણે ધરી દેતા અને પોતે નિત્ય-નિરંતર હળવાફૂલ બની રહેતા!