ભગવદ્ગુણોના વિરલ ધારક પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ
વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને મેનેજમેન્ટ ક્ષેત્રના ખેરખાંઓ નોંધે છે કે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું દરેક કાર્ય એક ‘ટ્રેન્ડ’ અને ‘સ્ટાન્ડર્ડ’ બની જાય છે. તેઓના પ્રત્યેક કાર્યમાં મૌલિક વિચારો, આગવી પ્રસ્તુતિ અને ઉત્તમ ગુણવત્તા સૌને પ્રભાવિત કરે છે. તેઓ કઈ રીતે જાળવી શકે છે, એક ઉત્તમ ગુણવત્તાનું ધોરણ. આવા અનેક સવાલોની વણઝાર ચાલે છે, મન તેનાથી ઊભરાય છે! અને પ્રત્યુત્તરમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની શાંત મનોહર છબી માત્ર એક સ્મિત આપે છે અને સહજતાથી બોલી ઊઠે છે: ‘આપણે ક્યાં કશું કરીએ છીએ? બધું ભગવાન કરે છે, ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ કરે છે. એમની શક્તિથી થાય છે. આપણાથી તો શેકેલો પાપડ પણ ભંગાય તેમ નથી.’
આ જ સંદર્ભમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ અને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો પ્રસંગ જાણીતો છે. ડૉ. કલામ સાહેબે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને કહ્યું કે ‘પાંચ જ વર્ષમાં આવું ભવ્ય સ્થાપત્ય આપના સિવાય કોઈ કરી જ ન શકે. રાષ્ટ્રને આ સૌથી મહાન ભેટ આપે આપી છે. એટલું જ નહીં, આ કાર્ય સમગ્ર રાષ્ટ્રને આત્મવિશ્વાસ પ્રેરશે અને પ્રેરણા આપશે કે કોઈ પણ મહાન કાર્ય જો ધારીએ તો થઈ શકે છે. અક્ષરધામ અને આપનું કાર્ય જોઉં છું ત્યારે મને થાય છે કે આપ આધ્યાત્મિકતાનો સંપૂર્ણ પુંજ છો. તમારામાં આધ્યાત્મિકતા અવતરેલી છે. તમારી પાસે એટલી દિવ્ય શક્તિ છે કે આ કામ જોઈને મને લાગે છે કે આ દુનિયામાં બધું જ શક્ય છે, પરંતુ આપે આપણી સંસ્કૃતિના વારસાનું સર્જન કર્યું છે, એ હજુ સુધી કોઈ કરી શક્યું નથી. માત્ર આપ જ કરી શક્યા છો. આપણા રાષ્ટ્રનું સૌથી મહાન ભલું આપે કર્યું છે. આપે જે કર્યું છે તે કરવા માટે કોઈ શક્તિમાન નથી. હું જાણું છું તે મુજબ, કોઈ વ્યક્તિએ આપણા દેશ માટે કર્યું નથી. કોઈ એક વ્યક્તિ આટલા બધા લોકોનાં મનને અને આટલી ઊર્જાને એકત્રિત કરીને સ્વામિનારાયણ અક્ષરધામ જેવું સર્જન કરી શકે નહીં. સ્વામીજી, આ અક્ષરધામ આપણા દેશને અને માનવસભ્યતાને આપનું સૌથી મોટું પ્રદાન છે.’
આ સાંભળીને પ્રમુખસ્વામી મહારાજે સ્ટાન્ડર્ડ પ્રત્યુત્તર પાઠવ્યો કે ‘આપણે કાંઈ જ નથી કર્યું’
તા. ૧૬ મે, ૨૦૧૧નો સુરતનો પ્રસંગ છે. સંતોએ ભગવદ્ગુણોના વિરલ ધારક એવા બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને વિનમ્રતાપૂર્વક પ્રશ્ન કર્યો કે ૨૮ વર્ષની વયે શાસ્ત્રીજી મહારાજે આપને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ બનાવ્યા ત્યારે હરિભક્તો પૂછતા કે ‘આ યુવાન ૨૮ વર્ષની ઉંમરે સંસ્થા કેવી રીતે ચલાવશે? અને અત્યારે સૌ પૂછે છે કે ૯૦ વર્ષે આટલી મોટી સંસ્થા કેવી રીતે ચલાવે છે?’
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે પળવારનો પણ વિલંબ કર્યા વગર પ્રત્યુત્તર આપ્યો કે ‘પણ આપણે ક્યાં ચલાવીએ છીએ? શ્રીજી મહારાજ ચલાવે છે, શાસ્ત્રીજી મહારાજ, યોગી મહારાજ ચલાવે છે!’ ત્યારપછી તો સતત દલીલોનું જાણે આક્રમણ ચાલ્યું. સૌ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને સમજાવવા માટે દલીલો કરી રહ્યા હતા કે આપે કેટલું બધું કાર્ય કર્યું છે. સૌ દલીલો કરીને થાક્યા, પરંતુ ૯૦ વર્ષીય પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ થાક્યા નહીં. છેલ્લે પ્રમુખસ્વામી મહારાજે કહ્યું કે ‘ભગવાન કર્તા છે, એમ જાણે એમાં જ બધું જ્ઞાન આવી ગયું. જ્ઞાન-વિજ્ઞાન માત્ર આવી ગયું. ભગવાનને કર્તા જાણે તો જ સરવાળો બેસે એમ છે.’
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સૌથી લાંબા સમય સુધી સતત ૬૭ વર્ષ સુધી ‘પ્રમુખ’ તરીકે કાર્ય કર્યુ છતાં અહંશૂન્ય, નિર્માનીપણાને આત્મસાત્ કરીને સરળતા, નિર્મળતા, સાદગી અને દાસત્વભાવ સાથે એક પ્રેરણાદાયી જીવન જીવીને વિશ્વવંદનીય વિભૂતિ બની રહ્યા.
આવા ભગવદ્ગુણોના વિરલ ધારક પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ માટે હૃદયપૂર્વક કહી શકાય કે -
‘એવા સંતની બલિહારી, જેના ગુણે રીઝ્યા ગિરધારી રે.’