'આપણા ઇષ્ટદેવ શ્રીજીમહારાજ છે. એમનામાં આપણી શ્રદ્ધા છે. માનસી પૂજા એમની જ કરવાની છે. પણ સંતને ભગવાનનો સીધો સંબંધ છે.
જેમ ગંગાજળનું પૂજન કરવું હોય તો કળશને પૂજીએ છીએ, તેમ સાચા સંતમાં ભગવાન રહ્યા છે, તો તેમને પૂજીએ એટલે ભગવાનની પૂજા થાય છે.'
- પ્રમુખસ્વામી મહારાજ
मन्त्र्यतेऽनेनेति मन्त्रः। જેના વડે મંત્રણા થાય - એટલે કે મહાપુરુષોના મહાન કલ્યાણકારી વિચારો અને ભાવનાઓ બીજા સુધી પહોંચી શકે તેને મંત્ર કહેવાય. વિશેષે કરીને મંત્રનો અર્થ ભગવાનનાં ભજન-આરાધનમાં રૂઢ થયો છે. અર્થાત્ મંત્ર ભક્ત અને ભગવાન વચ્ચે સંબંધ સાધવાનું માધ્યમ છે.
આ સંબંધ કેવળ સ્થૂળ ઉચ્ચારણથી સધાતો નથી પરંતુ મનન દ્વારા સધાય છે. મનથી આપણે ભગવાનના સ્વરૂપ સાથે જોડાવાનું છે. મંત્રોચ્ચારણમાં ભગવાનના સ્વરૂપનું પ્રાધાન્ય છે. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી સમજાવે છેઃ 'નામી વિના નામથી કામ સરતું નથી. નામ તે ફૂલ છે ને નામી તે ફળ છે.' (સ્વા.વાત : ૫/૧૭) ભગવાનના સ્વરૂપનું અનુસંધાન ભળે ત્યારે ભજન સફળ બને છે. ટૂંકમાં, મંત્રમાં દૈવત ત્યારે જ આવે છે જ્યારે તેની સાથે મંત્રના અધિષ્ઠાતા દેવનો સંબંધ જોડાય છે.
પ્રિય વ્યક્તિના નામના ઉચ્ચારણ-શ્રવણ-લેખનથી સહેજે રોમાંચ થાય છે, આનંદ અનુભવાય છે - કારણ કે તેમાં વ્યક્તિ તાદૃશ થાય છે. તેમ ભગવાનના નામરટણથી ભગવાનનો પણ અનુભવ થઈ શકે, જો તે રટણમાં ભગવાનના સ્વરૂપનો અન્વય થાય.
તે સ્વરૂપ એટલે ભગવાનનું પ્રગટ સ્વરૂપ. આ રહસ્ય સ્વામિનારાયણ ભગવાને 'સ્વામિનારાયણ' મહામંત્ર આપતી વખતે જ પ્રગટ કરેલું. રામાનંદ સ્વામીના ધામગમન બાદ, શ્રીજીમહારાજે ૧૩ દિવસ પછી 'સ્વામિનારાયણ' મંત્ર આપ્યો. એ ઐતિહાસિક વર્ણન હરિલીલામૃત(૫/૩/૫૭)માં લખાયું છે.
ચૌદમાથી નવી રીત કરી,
સૌના અંતરમાંહી ઊતરી...
અહીં એક પ્રશ્ન મનમાં સહેજે ઉદ્ભવેઃ તે 'નવી રીત' કઈ? શું આ પૂર્વે ભગવાનનું ભજન થતું જ ન હતું? થતું તો કેવું થતું?
તેના પહેલું ભજન એમ થાતું,
રામ કૃષ્ણ ગોવિંદ ભજાતું;
હરે નારાયણની ઉચ્ચારી,
સઉ કરતાં ભજન નરનારી.
(હરિલીલામૃત : ૫/૩/૫૬)
જો 'સ્વામિનારાયણ' મંત્ર કેવળ 'રામકૃષ્ણ ગોવિંદ'નો પર્યાય જ હોય તો નવા મંત્રનું પ્રયોજન શું? શ્રીજીમહારાજનો નિર્દેશ સ્પષ્ટપણે પ્રગટ સ્વરૂપ તરફ છે. આ પૂર્વે પૂર્વના અવતારોનું ભજન થતું તેથી તેમના સ્વરૂપનું અનુંસંધાન રહેતું. પણ હવે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વાવતારી આ પૃથ્વી પર પ્રગટ વિચરી રહ્યા છે તો તેનું જ નામ-સ્મરણ-ભજન થવું જોઇએ.
કારણ કે તેથી જ જીવની માયાથી મુક્તિ શક્ય બને છે. શ્રીજીમહારાજ વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણના ૩૨માં કહે છે : 'અને વળી જીવનું જે કલ્યાણ થાય અને જીવ માયાને તરીને બ્રહ્મસ્વરૂપ થાય તેનું કારણ તો પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તેના પ્રત્યક્ષ સ્વરૂપનું જ્ઞાન, ધ્યાન, કીર્તન અને કથાદિક એ જ છે.' વળી જીવને મુક્તિ અપાવવી એ જ શ્રીજીમહારાજનો મંત્ર આપવા પાછળનો હેતુ છે.
શ્રી સ્વામિનારાયણ જે કહેશે,
ભાવે કુભાવે પણ મુક્તિ લેશે.
(હરિલીલામૃત ૫/૩/૫૦)
આ સંદર્ભો સમન્વય કરતાં નિઃશંકપણે સિદ્ધ થાય છે કે સ્વામિનારાયણ મહામંત્ર પ્રગટ ભગવાનના સ્વરૂપનું જ ભજન સૂચવે છે.
શ્રીજીમહારાજના સમયમાં પરમહંસો-સંતો-ભક્તો આ મર્મને પામ્યા હતા. તેઓ મંત્રનું રટણ પ્રગટ ઉપાસનાનું રહસ્ય સમજીને કરતા. મુક્તાનંદ સ્વામી ગાય છે :
સ્વામિનારાયણનું સ્મરણ કરતાં, અગમ વાત ઓળખાણી રે,
તે 'અગમ વાત'નો સ્ફોટ કરતાં તેઓ બીજી જ પંક્તિમાં લખે છે :
નિગમ નિરંતર નેતિ કરી ગાવે, પ્રગટને પરમાણી રે.
નિષ્કુળાનંદ સ્વામીએ પણ પ્રગટસ્વરૂપના ભજનનો જ મહિમા તેમના ભક્તિનિધિ ગ્રન્થમાં આલેખ્યો છે :
પ્રગટ પ્રભુની ભક્તિ અતિ સાચીજી,
જેહ ભક્તિને મોટે મોટે જાચીજી;
તેહ વિના બીજી છે સરવે કાચીજી,
તેમાં ન રે'વું કેદિયે રાચીજી.
(ભક્તિનિધિ : ૧૩)
ભક્તિ સરસ સહુ કહે પણ ભક્તિ ભક્તિમાં ભેદ;
ભક્તિ પ્રભુ પ્રગટની એમ વદે છે ચાર વેદ.
(ભક્તિનિધિ : ૧)
આમ, સ્વામિનારાયણ મહામંત્રનું રટણ કરતાં પ્રગટ સ્વામિનારાયણ ભગવાનમાં વૃત્તિ જોડવાનો સિદ્ધાંત સુસ્પષ્ટ થાય છે. પણ તે પ્રગટ સ્વરૂપ એટલે શું?
શ્રીજીમહારાજ મનુષ્યરૂપે પૃથ્વી ઉપર નયનગોચર હોય ત્યારે તો સંતો-ભક્તો માટે તે જ ભગવાનનું પ્રગટ સ્વરૂપ છે. તેઓએ જે મૂર્તિ જોઈ છે-જાણી છે તે મૂર્તિના જ ચરિત્ર-ચેષ્ટા અને ચિહ્નનું ચિંતવન સહિત ભજન તેઓ કરતા. પરંતુ શ્રીજીમહારાજનું પૃથ્વી પરનું દેહધારી સ્વરૂપ અંતર્ધાન થયા પછી ? ભજન કોનું ને સ્મરણ કોનું_? નામ રહ્યું પણ નામી વગર શું કામનું?
આ વાતનો ઉત્તર આપતાં શ્રીજીમહારાજ દૃઢાવે છે કે 'નાસ્તિક મતિવાળા અને અભક્ત જ ભગવાનને વિશે મરણભાવ કલ્પે(વચ.અમ.૪). જે જ્ઞાની છે તે તો એમ જાણે છે જે ભગવાન 'અહીંથી અંતર્ધાન થઈને બીજે ઠેકાણે જણાણા છે(વચ.પં.૭).' અર્થાત્ શ્રીજીમહારાજ ગયા જ નથી. તેઓ આજે પણ સત્સંગમાં પ્રગટ છે - સંતસ્વરૂપે.
અણુ-અણુમાં વ્યાપ્ત એવું શ્રીહરિનું અન્વય સ્વરૂપ પણ આપણી સમક્ષ જ્યારે વ્યતિરેક સ્વરૂપે અથવા સંતસ્વરૂપે પ્રગટ થાય ત્યારે જ કલ્યાણનું કાર્ય સિદ્ધ થાય છે. એક પ્રસંગથી સમજીએ :
થોડાંક વર્ષ પૂર્વે, અમેરિકાની એક ice-factoryમાં આગ લાગી. આખું કારખાનું સં_પૂર્ણ ભસ્મસાત્ થઈ ગયું. આશ્ચર્યની વાત એ છે કે હજારો લિટર પાણી હાજર હોવા છતાં તે પાણી આગ શમાવી શક્યું નહિ - કારણ કે તે બરફના સ્વરૂપમાં હતું. અગ્નિને શમાવવા માટે જરૂર છે પ્રવાહીસ્વરૂપ પાણીની.
દૂધમાં ઘી તો છે - પણ એ ઘી લાડુ બનાવવામાં કામ ન લાગે. તલમાં તેલ તો છે પણ તે તળવામાં ઉપયોગી બનતું નથી. તેમ ભગવાન અણુ-અણુમાં પ્રગટ હોવા છતાં કલ્યાણની પ્રતીતિ માટે મનુષ્યાકાર પ્રગટ સ્વરૂપની જ આવશ્યકતા ઊભી થાય છે.
ભગવાન તો મનુષ્યમાત્રમાં સાક્ષીભાવે કે કર્મફળપ્રદાતા રૂપે પ્રગટ છે. પણ જેમાં ભગવાન સમ્યક્ પ્રકારે પ્રગટ હોય તેનો જ મહિમા કહેવાયો છે. ભક્ત કવિ કબીર લખે છે :
સબ ઘટ મેરા સાંઇયા, સૂની સેજ ન હોય;
બલિહારી તા ઘટકી, જા ઘટ પરગટ હોય.
ભગવાનની અષ્ટ પ્રકારની પ્રતિમામાં પણ ભગવાન સમ્યક્ પ્રકારે વિરાજમાન કહેવાય (વચ.ગ.પ્ર.૬૮). તેમ છતાં શાસ્ત્રો મૂર્તિ કરતાં સંતને જ વિશેષ બતાવે છેઃ
न ह्यम्मयानि तीर्थानि न देवा मृत्व्छिलामयाः।
ते पुनन्त्युरुकालेन दर्शनादेव साघवः॥
(તીર્થના) જળમાં તીર્થત્વ અને (મૂર્તિના) પાષાણમાં દૈવત નથી એમ નથી, પરંતુ તેઓ (તીર્થ અને મૂર્તિ) ઘણે કાળે પવિત્ર કરે છે, જ્યારે સત્પુરુષો તો દર્શનથી જ પવિત્ર કરે છે. (શ્રીમદ્ ભાગવત : ૧૦/૮૪/૧૧)
આ વાતને સમર્થન આપતા અને તેનું રહસ્યનું દર્શાવતાં ગુણાતીતાનંદ સ્વામી કહે છેઃ 'ભગવાન પરોક્ષ હોય ત્યારે કેમ સંબંધ રહે? પછે ઉત્તર કર્યો જે, 'કથા, કીર્તન, વાર્તા, ભજન ને ધ્યાન તેણે કરીને સંબંધ કહેવાય, ને તે કરતાં પણ મોટા સાધુનો સંગ એ તો સાક્ષાત્ ભગવાનનો સંબંધ કહેવાય ને ભગવાનનું સુખ આવે. કેમ જે, તેમાં ભગવાન સર્વ પ્રકારે રહ્યા છે.'... ત્યારે એક સાધુએ કહ્યું જે, 'મૂર્તિયું પ્રત્યક્ષ નહિ?' ત્યારે સ્વામી બોલ્યા જે, 'પ્રત્યક્ષ ભગવાન તથા સંતના ચરિત્રમાં મનુષ્યભાવ આવે તો અમાવાસ્યાના ચંદ્રમાની પેઠે ઘટી જાય છે ને દિવ્યભાવ જાણે તો બીજના ચંદ્રમાની પેઠે વધે છે. તેમ મૂર્તિયું શું ચરિત્ર કરે જે તેનો અવગુણ આવે ને ઘટી જાય? માટે બોલતાં-ચાલતાં જે ભગવાન તે જ પ્રત્યક્ષ કહેવાય ને મોટા સંત હોય તે જ મૂર્તિયુંમાં દૈવત મૂકે છે પણ મૂર્તિયું, શાસ્ત્ર ને તીર્થ ત્રણ મળીને એક સાધુ ન કરે. ને એવા મોટા સંત હોય તો મૂર્તિયું, શાસ્ત્ર ને તીર્થ ત્રણેને કરે. માટે જેમાં ભગવાન સર્વ પ્રકારે રહ્યા હોય એવા જે સંત તે જ પ્રત્યક્ષ ભગવાન છે.' (સ્વા. વાત : ૫/૩૯૫)
શ્રીજીમહારાજ સ્વયં સંતને જ પોતાનું સ્વરૂપ અસંદિગ્ધપણે બતાવે છેઃ
સંત હું ને હું તે વળી સંત રે, એમ શ્રીમુખે કહે ભગવંત રે;
સંત માનજો મારી મૂરતિ રે, એમાં ફેર નથી એક રતિ રે.
(પુરુષોત્તમ પ્રકાશ : ૪૧/૯)
આ જ સિદ્ધાંત નિષ્કુળાનંદ સ્વામીએ પણ ઢાળ્યો છે :
ધન્ય ધન્ય એ સંત સુજાણને,
જેનું ઉલટી પલટ્યું આપ, સંત તે સ્વયં હરિ...
બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે પોતાની જીવનલીલા સંકેલતા પહેલાં છેલ્લી દેવદિવાળી ગોંડલ ઊજવી. ત્યારે સભામાં આ નિષ્કુળાનંદ સ્વામીનું પદ ગવાયું. એમાં 'એવા સંત શિરોમણિ ક્યાં મળે?' એ પંક્તિ આવી. યોગીજી મહારાજે કીર્તન રખાવીને હકાબાપુને પ્રશ્ન પૂછ્યો : 'બાપુ! એવા સંત-શિરોમણિ કોણ?' તેમણે પ્રત્યુત્તર વાળ્યોઃ 'બાપા, એવા સંત શિરોમણિ આપ.' યોગીજી મહારાજે હસતાં હસતાં વેદવાક્ય ઉચ્ચાર્યું : 'એવા સંતશિરોમણિ આપણા પ્રમુખસ્વામી છે!' (યો.મ.જી.ચ. : ૬/૪૬૨)
આજે પ્રમુખસ્વામી એવા સંતશિરોમણિ છે કે જેમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ સાંગોપાંગ પ્રગટ છે.
અહીં ઉલ્લેખ કરવો ઘટે કે સ્વામિનારાયણ મંત્ર દ્વારા તો આપણે સૌ ભક્તો ભગવાન સ્વામિનારાયણનું જ ભજન કરીએ છીએ પણ આપણું ભજન ભગવત્સ્વરૂપ ગુણાતીત સત્પુરુષ દ્વારા શ્રીજીમહારાજ સુધી પહોંચે છે.
તા. ૯-૮-૮૮. સ્વામીશ્રી અમેરિકાના બ્રાયન શહેરમાં બિરાજમાન હતા. ત્યારે ભાવિક ભક્ત ડૉ.સુધીરભાઈએ સ્વામીશ્રીને મહત્ત્વનો પ્રશ્ન પૂછયો : 'સ્વામી! સવારે પૂજા કરીએ છીએ ત્યારે ધ્યાન-માનસીમાં શ્રીજીમહારાજને જોયા નથી એટલે કલ્પનામાં બેસતું નથી. પણ આપને જોયા છે તો માનસી પૂજામાં આપની મૂર્તિ કલ્પી શકાય?' સ્વામીશ્રીએ પ્રથમ ઉપાસનાની શુદ્ધિ દૃઢતા કરાવીઃ 'આપણા ઇષ્ટદેવ શ્રીજીમહારાજ છે. એમનામાં આપણી શ્રદ્ધા છે. માનસી પૂજા એમની જ કરવાની છે.' પછી આગળ સ્પષ્ટતા કરતાં સદૃષ્ટાંત સમજાવ્યું: 'પણ સાક્ષાત્કારવાળા ગુરુ મળ્યા હોય તો ગુરુના યોગે ભગવાન સુધી પહોંચાય. સંતને ભગવાનનો સીધો સંબંધ છે. એમણે ભગવાનને જોયા છે તો એમને યાદ કરવા. ગંગાજળનું પૂજન કરવું હોય તો કળશને પૂજીએ છીએ, કારણ કે કળશમાં ગંગાજળ ભર્યું છે. તેમ સાચા સંતમાં ભગવાન રહ્યા છે, તો તેમને પૂજીએ એટલે ભગવાનની પૂજા થાય છે.'
પ્રમુખસ્વામી મહારાજ જેવા ભગવાનના અખંડ ધારક સંત જ આપણા હૃદયમાં મંત્રનો મહિમા સ્થાપિત કરી શકે છે. અને એ જ સંત મંત્રનો મહિમા વિશ્વના ફલક પર વિસ્તારી શકે છે.
સકલ સ્વામિનારાયણ સંપ્રદાયના આબાલ વૃદ્ધ લાખો હરિભક્તો જ નહિ, પરંતુ વિશ્વભરના મહાનુભાવો કહે છેઃ ઇતિહાસે નોંધ લેવી પડશે કે પ્રમુખસ્વામી મહારાજે જેટલો વ્યાપક અને જે ઊંડાણપૂર્વક આ વૈદિક 'સ્વામિનારાયણ' મહામંત્રનો પ્રસાર કર્યો છે તે ખરેખર અદ્વિતીય છે.
બસો વર્ષ પૂર્વે થોડા ઘણા ભક્તોના સમુદાયમાં ગૂંજેલો આ મહામંત્ર તા. ૨૮-૮-૨૦૦૦ના રોજ 'યુનો'ની વિશ્વશાંતિ પરિષદ દ્વારા દુનિયાભરમાં ગાજી રહ્યો... આ વિશ્વવ્યાપી મંત્રનાદના ઉદ્ઘોષક હતા પ્રમુખસ્વામી મહારાજ.
બિલ ક્લિન્ટન, જ્હોન મેજર અને ટોની બ્લેર જેવા વૈશ્વિક મહાસત્તાઓના ધુરંધરો સુધી 'સ્વામિનારાયણ' મહામંત્રની સુવાસ પહોંચાડનાર પણ એક માત્ર છે - પ્રમુખસ્વામી મહારાજ.
ખ્રિસ્તી ધર્મના નામદાર પોપ જ્હોન પોલ બીજા અને યહૂદી ધર્મના રબાઈ લાઉ તથા રબાઈ બાક્શી ડોરોન જેવા ધર્મનેતાઓ સુધી સ્વામિનારાયણનો સંદેશ પહોંચાડનાર છે - પ્રમુખસ્વામી મહારાજ.
બ્રિટીશ રાજવી કુટુંબના બકીંગહામ પેલેસ અને સેન્ટ જેમ્સ પેલસથી માંડીને બાહરીનના રાજવી શેખના મહેલમાં 'સ્વામિનારાયણ' નામ લઈ જનાર છે - પ્રમુખસ્વામી મહારાજ.
વિશ્વના પાંચેય મહાસાગરના કિનારે-કિનારે ૪૦૦ જેટલા અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરો દ્વારા નવખંડ ધરામાં આજે 'સ્વામિનારાયણ' મહામંત્ર પડઘાઈ રહ્યો છે. એ મંદિરોના વિશ્વકર્મા પણ પ્રમુખસ્વામી મહારાજ છે.
આમ, ભગવાન સ્વામિનારાયણના નામની સત્કીર્તિ આસમુદ્રાન્ત ફેલાવી પ્રમુખસ્વામી મહારાજે લાખોના જીવનમાં 'સ્વામિનારાયણ' મહામંત્રનો મહિમા દૃઢાવ્યો છે. આ તેઓની શ્રીહરિ પ્રત્યેની પરાભક્તિ છે, 'સ્વામિનારાયણ' મહામંત્રના દ્વિશતાબ્દી પર્વ પ્રસંગે અપૂર્વ અંજલિ છે.
અંતમાં, નિષ્કર્ષ એટલો જ સમજવાનો રહ્યો : સ્વામિનારાયણ મહામંત્ર એટલે ભગવાન સ્વામિનારાયણનું વાઙ્મય સ્વરૂપ. એ સ્વરૂપનું ભજન મંત્ર દ્વારા ત્યારે જ યથાર્થ થયું કહેવાય જ્યારે ભગવાન સ્વામિનારાયણ જેમાં સમ્યક્ પ્રકારે પ્રગટ છે એવા ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિ સહિત નામરટન-શ્રવણ-લેખન થાય.
અને જ્યાં આવો પ્રગટ ઉપાસનાનો હાર્દ સમજીને મંત્રસેવન થતું હશે ત્યાં જ મંત્રનું દૈવત પ્રગટ સમજવું. અને ત્યાં જ પ્રેમાનંદ સ્વામીના શબ્દ સાર્થક થશે.
'સ્વામિનારાયણ આજ પ્રગટ મહામત્ર છે.'