અક્ષર - વિશ્વનું કારણ - अक्षरात् सम्भवतीह विश्वम्
પરમાત્મા જ સ્વતંત્રપણે સર્વ જગતનું કારણ છે. એ સનાતન સિદ્ધાંત છે. પરંતુ એ જ પરમાત્માની નિત્ય ઇચ્છાથી અક્ષર પણ તેમને આધીન વર્તતા થકા સમગ્ર જગતનું કારણ બને છે. એ પણ સનાતન સિદ્ધાંત છે. તે વાત અહીં ત્રણ લૌકિક દૃષ્ટાન્તો આપીને ખૂબ જ સરળતાથી સમજાવવામાં આવી છે. તેમાં પ્રથમ દૃષ્ટાન્ત આપતાં અંગિરા કહે છે - ‘यथोर्णनाभिः सृजते गृह्णते च’ (મુંડક ઉપનિષદ - ૧/૧/૭) ઉર્ણનાભિ અર્થાત્ કરોળિયો. હે શિષ્ય! જેમ ઉર્ણનાભિ, કહેતાં કરોળિયો પોતાની લાળમાંથી તન્તુઓ ઉત્પન્ન કરી જાળું રચે અને ઇચ્છા થતાં એને પાછુ _ ગળી જાય તેમ અક્ષરમાંથી આ વિશ્વ ઉત્પન્ન થાય છે.
આ દૃષ્ટાન્ત દ્વારા અંગિરા કહેવા માગે છે કે જેમ કરોળિયો સહેલાઈથી જાળાને પોતામાંથી ઉત્પન્ન કરી શકે છે, તેને પોતામાં સમાવી શકે છે. તેમ અક્ષર પણ વિશ્વની રચના કરી શકે છે.
હવે બીજું દૃષ્ટાંત આપે છે. ‘यथा पृथिव्यामोषघयः सम्भवन्ति’ (મુંડક ઉપનિષદ - ૧/૧/૭) આ દૃષ્ટાંત છે પૃથ્વી પર ઊગી નીકળતી ઔષધિ-વનસ્પતિઓનું. જેમ આ ભૂમિમાં અનેક ઔષધિઓ-વનસ્પતિઓ પોતપોતાના બીજ અનુસાર ઉત્પન્ન થાય છે તેમ, અક્ષરમાંથી આ વિશ્વ ઉત્પન્ન થાય છે. પૃથ્વી ઉપરના વૃક્ષોમાં કોઈ કાંટાળું હોય, કોઈ સૌરભસભર પુષ્પોથી ભરેલું હોય, કોઈ સુમધુર ફળોથી લચાયેલું હોય તો કોઈ કડવું, તૂરું કે તીખું પણ હોય. આ વિચિત્રતાઓનું મૂળ તો એનું બીજ જ છે, પૃથ્વી નથી. એ તો બધાને ઉત્પન્ન કરે, પોષે. પૃથ્વીમાં પક્ષપાત નથી, નિર્દયતા નથી. તેમ અક્ષર જગતની વિચિત્રતામાં પૃથ્વીના સ્થાને છે. જગતમાં દેખાતી વિચિત્રતા તે તો તે તે આત્માઓના પૂર્વકર્મરૂપ બીજને લીધે છે. આમ વિવિધતાસભર સૃષ્ટિનું કારણ હોવા છતાં અક્ષરમાં પક્ષપાત કે નિર્દયતા જેવા દોષો નથી. તે તો દિવ્ય જ છે. એ વાત આ દૃષ્ટાંત દ્વારા સમજાવી.
હવે ત્રીજું દૃષ્ટાન્ત આપે છે. ‘यथा सतः पुरुषात्केशलोमानि तथाऽक्षरात्सम्भवतीह विश्वम्॥’ (મુંડક ઉપનિષદ - ૧/૧/૭) અહીં શરીર પર ઊગતા રોમનો-વાળનો દાખલો આપ્યો છે. જેમ શરીર ઉપર સહેજે સહેજે વાળ, નખ વગેરે ઊગી નીકળે છે. તેમાં શરીરને પ્રયત્ન કરવો પડતો નથી. તેમ અક્ષર માટે સૃષ્ટિની ઉત્પત્તિ શ્રમસાધ્ય નથી. તે તો સહજતાથી જ વિશ્વનું નિર્માણ કરી દે છે.
આમ ત્રણ દૃષ્ટાંતો દ્વારા પુરુષોત્તમના દિવ્ય સંકલ્પને ઝ íલીને અક્ષર પણ કઈ રીતે સૃષ્ટિનું કારણ બને છે તે સમજાવ્યું. હવે ઉત્પન્ન થયેલી આ સૃષ્ટિનો પ્રલય પણ અક્ષરમાં થાય છે તે સમજાવે છે ‘अक्षराद् विविघाः सोम्य भावाः प्रजायन्ते तत्र चैवाऽपियन्ति’ (મુંડક ઉપનિષદ - ૨/૧/૧) હે સોમ્ય! આ અક્ષરમાંથી વિવિધતાસભર ભાવાત્મક પદાર્થો સૃષ્ટિરૂપે ઉત્પન્ન થાય છે અને અંતે પ્રલયકાળે તે અક્ષરના જ એક દેશમાં પાછા લીન થઈ જાય છે.
અક્ષરનું બીજું નામ - 'બ્રહ્મ' - एतद् ब्रह्म
સકળ વિશ્વનું કારણ એવા આ દિવ્ય તત્ત્વ માટે અંગિરા ૠષિએ પ્રથમ 'અક્ષર' શબ્દ પ્રયોજ્યો. હવે આ જ અક્ષર તત્ત્વ 'બ્રહ્મ' શબ્દથી પણ ઓળખવામાં આવે છે તે જણાવવા અંગિરા હવે એ અક્ષર સંકલ્પમાત્રે અન્ન વગેરે સૃષ્ટિ ઉત્પન્ન કરે છે તે સમજાવતાં સમજાવતાં જ અક્ષર શબ્દને બદલે બ્રહ્મ શબ્દનો પ્રયોગ કરે છે. જેમ કે, ‘तपसा चीयते ‘ब्रह्म।’ (મુંડક ઉપનિષદ - ૧/૧/૮), ‘तस्मादेतद् ‘ब्रह्म’ नाम रूपमन्नं च जायते।’ (મુંડક ઉપનિષદ - ૧/૧/૯)
ભગવદ્ગીતા પણ આ વાત દૃઢાવે છે. આઠમા અધ્યાયના પ્રથમ શ્લોકમાં અર્જુને બ્રહ્મ તત્ત્વની જિજ્ઞાસાથી પૂછ્યું, ‘किं तद् ब्रह्म’ (ગીતા - ૮/૧) 'તે બ્રહ્મ શું છે?' ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને બ્રહ્મનો અક્ષર શબ્દથી ઉલ્લેખ કરી જવાબ આપ્યો ‘अक्षरं ब्रह्म परमम्’ (ગીતા - ૮/૩) 'જે જીવ, ઈશ્વર, માયા વગેરેથી પર છે એવું અક્ષર એ જ બ્રહ્મ છે.' ફેર એટલો જ કે આ મુંડક ઉપનિષદમાં અક્ષર શબ્દના સ્થાને બ્રહ્મ શબ્દનો પ્રયોગ થયો અને ભગવદ્ગીતામાં બ્રહ્મ શબ્દના સ્થાને અક્ષર શબ્દનો. આમ અક્ષર અને બ્રહ્મ એક જ તત્ત્વના બે પર્યાય શબ્દો છે એવું ફલિત થાય છે. એટલે જ તો ગીતાના આઠમા અધ્યાયનું નામ આ બંને શબ્દોને ભેગા કરીને 'અક્ષરબ્રહ્મયોગ' રાખવામાં આવ્યું છે. તેથી જ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ આ દિવ્ય તત્ત્વ માટે 'અક્ષરબ્રહ્મ' એવી સંયુક્ત સંજ્ઞાનો પ્રયોગ કરવામાં આવે છે.
અક્ષરબ્રહ્મ - વિશ્વવ્યાપક - सर्वगतं प्रसृतं ब्रह्म
વિશ્વકારણતાની સાથે હવે વિશ્વવ્યાપકતા પણ અક્ષરબ્રહ્મમાં દર્શાવે છે.
જ્યાં કાર્ય હોય ત્યાં કારણ હોય. પરમાત્માની ઇચ્છાથી અક્ષરબ્રહ્મ સર્વનું કારણ છે. સકળ જગત એનું કાર્ય છે. તેથી જ્યાં જગત છે ત્યાં તેનું કારણ અક્ષરબ્રહ્મ પણ છે. આ જ અક્ષરબ્રહ્મની વિશ્વવ્યાપિતા છે. મહર્ષિ અંગિરા કહે છે, આ અક્ષરબ્રહ્મ અંતર્યામી શક્તિ દ્વારા ‘सर्वगतम्’ (મુંડક ઉપનિષદ - ૧/૧/૬) કહેતાં સર્વવ્યાપી છે. વળી, હે શૌનક! સર્વવ્યાપી સાથે બીજી પણ કેટલીક વિશેષતાઓ જોડાયેલી હોય છે. જે આ અક્ષરબ્રહ્મમાં છે. તે તને કહું છુ _ - ‘बृहच्च तद् दिव्यमचिन्त्यरूपं सूक्ष्माच्च तत् सूक्ष्मतरं विभाति। दूरात् सुदूरे तदिहान्तिके च पश्यत्स्विहैव निहितं गुहायाम्॥’ (મુંડક ઉપનિષદ-૩/૧/૭) અર્થાત્ દિવ્ય અને અચિંત્ય એવું તે અક્ષરબ્રહ્મ બૃહદ્, કહેતાં અતિવિશાળ, સર્વથી મોટું છે. (એથી જ તો તેને બ્રહ્મ એવી સંજ્ઞા આપવામાં આવી છે!) તે સૂક્ષ્મ કરતાં પણ વધુ સૂક્ષ્મ છે. તે દૂર કરતાં પણ વધુ દૂર છે અને નજીક પણ છે. (કારણ કે બધે જ છે.) અને જે તેનો સાક્ષાત્કાર પામે છે તે તો તેને પોતાના હૃદયમાં રહેલું અનુભવે છે.
માટે હે સોમ્ય! આ અક્ષરબ્રહ્મની વ્યાપકતા માટે સ્પષ્ટ કહું તો - ‘ब्रह्मैवेदममृतं पुरस्ताद् ब्रह्म पश्र्चाद् ब्रह्म दक्षिणतश्र्चोत्तरेण। अघश्र्चोर्ध्वं च प्रसृतं ब्रह्मैवेदं विश्वमिदं वरिष्ठम्॥’ (મુંડક ઉપનિષદ - ૨/૨/૧૧) ખરેખર, આ અમૃતમય અવિનાશી અક્ષરબ્રહ્મ બધાયની આગળ છે. આ અક્ષરબ્રહ્મ બધાયની પાછળ છે. એ બધાયની દક્ષિણે પણ છે અને ઉત્તરે પણ છે. ઉપર તથા નીચે બધે જ આ વિશ્વમાં અક્ષરબ્રહ્મ ‘प्रसृतम्’ વ્યાપેલું જ છે. તેથી ‘वरिष्ठम्’ કહેતાં શ્રેષ્ઠ છે, અને પ્રાર્થનીય છે.
અક્ષરબ્રહ્મની વ્યાપકતાનું ગાન કર્યા પછી હવે બીજો દિવ્ય ગુણ કહે છે.