ગરીબની અમીરાઈ નૈતિકતા
મહાન સંતોના આશીર્વાદ નૈતિકતાની સંજીવની બની જાય છે. અનેક લોકોના જીવનમાં મૃતઃપ્રાય બની ગયેલી નૈતિકતા મહાપુરુષોના આશીર્વાદથી, એમના સત્સંગથી પુનઃ જીવંત બન્યાના અગણિત દાખલાઓ સમાજમાં આજેય માઈલસ્ટોનની જેમ આપણી વચ્ચે છે, પરંતુ આપણે તેમની ભાગ્યે જ નોંધ લેતા હોઈએ છીએ. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની છત્રછાયામાં એવી કાયાપલટ પામેલા લાખો લોકોમાંથી એક છે - દક્ષિણ ગુજરાતના નાની વહિયાળ ગામના રસિકભાઈ લલ્લુભાઈ મોહિલા. આદિવાસી વારલી કોમમાં આજે પ્રતિષ્ઠિત બનેલા રસિકભાઈ કહે છે : '16 વર્ષ પહેલાં હું દારૂ-માંસમાં ચકચૂર રહેતો. ગાંઠનું વેચીનેય મારે દારૂ પીવા જોઈએ, પરંતુ 1999માં મહેસાણા એક મજૂરીના કામે ગયો હતો અને ત્યાં સ્વામિનારાયણ મંદિરે સંતોનાં દર્શન કર્યાં, તેમણે મને કંઠી પહેરાવી, ત્યારથી સ્વામિનારાયણના સત્સંગમાં આવ્યો. પ્રમુખસ્વામી મહારાજનાં દર્શન-આશીર્વાદનો લાભ લીધો અને દારૂ-માંસ બધું એકસાથે છોડી દીધું.'
રસિકભાઈ આમ તો મજૂરીકામના માણસ. વાપીના એક જાણીતા મંડપ ડેકોરેટર્સને ત્યાં 20 કરતાં વધુ વર્ષોથી નોકરી કરે. થોડા વખત પહેલાં વાપીમાં ‘માનવ કલ્યાણ’માં એક લગ્ન નિમિત્તે તેઓ મંડપ છોડવાની મજૂરી કરવા ગયા હતા. તેઓ કહે છે :'લગ્ન પૂરાં થયાં પછી રાત્રે 12 વાગ્યે હું એક ખૂણે મંડપ છોડવાનું કામ કરતો હતો ત્યાં મારી નજર એક મોટી થેલી પર પડી. મેં થેલી હાથમાં લઈને અંદર જોયું તો અંદર બીજી બે નાની કોથળી હતી. મને લાગ્યું કે બીજું કોઈ જોશે તો એનું મન લલચાશે. એટલે મેં મારી પથારીની ગોદડીની નીચે ઓશીકાની જેમ મૂકી દીધી. જેમના ઘરનું લગ્ન હતું એ ભાઈ સવારે દોડતા દોડતાં આવ્યા. મેં એમને થેલી આપી. એમાં એક લાખ આઠ હજાર રૂપિયા રોકડા, એક 22,000ની કિંમતની સાડી અને લાખ રૂપિયા ઉપરનું સોનું હતું. એમણે બરાબર તપાસ્યું તો એક પાઈ પણ ઓછી નહોતી. એમને આશ્ચર્ય સમાતું નહોતું.
મેં કહ્યું કે ‘ભાઈ, મારા ઘરે અત્યારે કુલ 100 રૂપિયા પડ્યા છે. મને સુખ થશે તો એમાંથી થશે. તમારા આ પારકા પૈસાથી મને સુખ નહીં થાય. આના પહેલાં પણ મને એક વખત સોનાની ચેઈન મળી હતી, પણ એનો કોઈ માલિક ન મળ્યો એટલે મેં એ રસ્તામાં ફેંકી દીધી હતી. હું એ ઘરમાં નથી લઈ ગયો. કારણ કે પ્રમુખસ્વામી મહારાજ પાસેથી હું શીખ્યો છું કે નીતિમાં સુખ છે, એ પારકા સોનામાં નથી. મેં પહેલાં ખૂબ દુઃખ ભોગવ્યાં છે, પણ પ્રમુખસ્વામી મહારાજનો સત્સંગ થયો છે ત્યારથી સુખી થયો છું. હવે ખોટું પારકું ધન ઘરમાં લઈને દુઃખી નથી થવું. બીજાનું ધન બીજાના કામનું, મારે શું કામનું ? મને તો જાત-મહેનત અને સત્સંગમાં જે મજા છે એ બીજે ક્યાંય નથી દેખાતી.’
પારકું ધનપાપ માનું છું
સંત સદાચારની ગંગા છે. આ ગંગાનું પાન કરનાર સૌ કોઈના રોમરોમમાં સદાચારનું જળ સિંચાય છે. એવા લોકોનાં જીવનમાં નૈતિકતાનું ધોરણ ઊંચું લાવવા માટે કાનૂનની જરૂર નથી પડતી. આપોઆપ જ એમનાં જીવન તો કાનૂનથીયે એક સ્તર ઊંચા સાબિત થાય છે.
વલસાડથી 13-14 કિલોમીટર દૂર આવેલા જેસપોર ગામના ભગુભાઈ મણિભાઈ પટેલ એક આદિવાસી પરિવારમાં જન્મ્યા છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના સત્સંગથી એમના જીવનમાં નૈતિકતા રોમરોમમાં સિંચાઈ છે. છેલ્લા લગભગ 15 વર્ષથી મુંબઈથી દિલ્હી જતી રાજધાની ટ્રેઇનમાં એ.સી. કોચમાં એટેન્ડન્ટ તરીકે નોકરી કરે છે.
થોડા સમય પહેલાં રાજધાની ટ્રેઇન દિલ્હીથી મુંબઈ આવી. દર વખતની જેમ પેસેન્જરો ઝડપથી ઊતરીને જતા રહ્યા. ભગુભાઈએમની ફરજ મુજબ બધું સંકેલવા લાગ્યા. તેમાં એક સીટ પર તેમને એક પેસેન્જરનું જાકીટ મળ્યું. જાકીટના અંદરના ખિસ્સામાં નાની એવી થેલી દેખાતી હતી. નજર કરી તો અંદર સોનાના દાગીના દેખાયા. થોડા રૂપિયા પણ હતા. તેમણે તરત જ ઉપરી સાહેબને ફોન કર્યો કે આવું મળ્યું છે.
બીજી તરફ જેમનું આ જાકીટ હતું તે ભાઈ ઘરે પહોંચ્યા ત્યારે જાકીટ મળ્યું નહીં એટલે ગભરાઈ ગયા. રેલવેની ઓફિસમાં એમણે ફોન કર્યો ત્યારે શોધતાં શોધતાં સાહેબ સુધી પહોંચ્યા. સાહેબે એમને બીજે દિવસે રૂબરૂ બોલાવ્યા. સાહેબે ભગુભાઈને પણ ફોન કરીને બોલાવ્યા. ભગુભાઈએ જાકીટ બતાવ્યું. તેમણે બધું તપાસી જોયું. અંદર લાખો રૂપિયાના ઘરેણાં હતા! તે બધું જેમનું તેમ તેમને મળી ગયું એટલે રાજી રાજી થઈ ગયા.ઓફિસમાં બધા કર્મચારીઓ એ ભાઈને એમ જ કહેવા લાગ્યા કે ‘આ તો સ્વામિનારાયણના ભક્ત છે એટલે તમારી વસ્તુ પાછી મળી ગઈ છે. બાકી...’
ત્યારે ભગુભાઈએ કહ્યું : ‘ભાઈ, મારે તમારા સોનાનું શું કામ છે ? હું તો પ્રમુખસ્વામી મહારાજનો શિષ્ય છું. પારકું ધન મારે માટે પાપ છે. આવા પ્રસંગો તો મારે કેટલીય વાર બન્યા છે. એક વખત સોનાની ચેઈન મળી હતી એ પણ પેસેન્જરને શોધીને આપી દીધી હતી. ભગવાનની કૃપા છે કે પારકી ચીજોમાં મન લલચાતું નથી. સાહેબોએ આવી પ્રામાણિકતા બદલ મને એવૉર્ડ આપ્યા છે. પણ મારે તો સત્સંગનો નિયમ સચવાય એ જ મોટો એવૉર્ડ છે. ઘરે એક એકરની થોડી ખેતી છે. વરસાદ હોય ત્યારે ખેતી થાય છે. બાકી કોઈ આવક નથી. બાકી તો આ રેલવેની નોકરીમાં પ્રામાણિકતાથી મહેનત કરું છું. સુખી છું. છઠ્ઠા ધોરણમાં ભણતી એક દીકરી છે. એને સારા સંસ્કાર મળે એ માટે મહેનત કરું છું અને પ્રમુખસ્વામી મહારાજને રાજી કરવા ભગવાનની ભક્તિ કરું છું.'
સંત થકી સંતત્વ પામેલા ભગુભાઈને એ ભાઈ ભીની આંખે વંદન કરી રહ્યા.
એ ગંગાજળ યુવાનોની નસોમાં વહે છે
રોજબરોજનાં સમાચાર માધ્યમોમાં ભારોભાર ભરેલા ભ્રષ્ટાચારના સમાચારોને વાંચીને લોકો સવાલ કરે છે : હજારો વર્ષોથી ભારતીયોની રગેરગમાં વહેતી પ્રામાણિકતા - નૈતિકતા આજે ક્યાં અદૃશ્ય થઈ ગઈ છે? પરંતુ એમ સવાલ પૂછનારાઓને હજુ તળનો અનુભવ નથી. ક્યારેક સમાચાર માધ્યમોની માત્ર ઉપલી સપાટીની રજૂઆતોને જ આપણે સમગ્ર ચિત્ર માનીએ છીએ. બાકી ભારતીયોના તળમાં આજેય પ્રામાણિકતાનું ગંગાજળ વહે છે, જેની પાછળ ભગીરથ જેવા મહાપુરુષોની સતત તપસ્યાનું બળ અનુભવાય છે.
આજે અહીં એવી પ્રામાણિકતાથી ધબકતી જૂની પેઢીની વાતો નથી કરવી, પરંતુ જેના માટે જાતજાતની શંકાઓ સેવાય છે એવી નવી પેઢીની વાત કરવી છે.
એવો એક વિદ્યાર્થી છે - ગોંડલમાં પ્રાથમિક શિક્ષણ મેળવીને હાલ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિપુલ અરવિંદભાઈ પરમાર. વિપુલને આજેય થોડાં વર્ષ પહેલાંનો દસમા ધોરણની પરીક્ષાનો એ દિવસ બરાબર યાદ છે. તે કહે છે : 'તે દિવસે મારે દસમા ધોરણની ગુજરાત માધ્યમિક બોર્ડની પરીક્ષાનું છેલ્લું પ્રશ્નપત્ર હતું. ત્યારે અમારા કેન્દ્રમાં ચોરીનું વાતાવરણ ખૂબ હતું. ક્યારેક સુપરવાઇઝરપોતે જ વિદ્યાર્થીઓને ચોરી માટે વ્યવસ્થા કરી આપતા, પરંતુ મેં નક્કી જ કર્યું હતું કે ચોરી ન જ કરવી. એ મુજબ મારું ઉત્તરપત્ર પૂરું કરીને હું બેઠો હતો ત્યારે સુપરવાઇઝરે મારી પાસે આવીને કહ્યું : ‘તારું પેપર પાછળવાળા વિદ્યાર્થીને આપી દે.’
હું ત્રીજા ધોરણમાં ભણતો ત્યારથી ગોંડલમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના બાળમંડળમાં જતો. એ વખતે ‘મહેનત કરીને ભણવું, પરીક્ષામાં ચોરી ન કરવી’ - એ બધી વાતો પ્રમુખસ્વામી મહારાજના મુખેથી અને સંતોના મુખેથી અવારનવાર સાંભળતો. તેના પરિણામે હૃદયમાં એક દૃઢતા થઈ હતી : ચોરી ક્યારેય ન જ કરવી.
આથી મેં ખૂબ મક્કમતાપૂર્વક ચોરી કરાવવાની ના પાડી.મેં વિનયપૂર્વક કહ્યું : ‘ચોરી કરાવવામાં હું શા માટે ભાગીદાર થાઉં ?’ મારી મક્કમતા જોઈને તેઓ મને આગળ કાંઈ કહી શક્યા નહીં.
અમે બારમા ધોરણમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ ગુરુકુળમાં ભણતા હતા ત્યારે અમારી સાથે એવા ઘણા વિદ્યાર્થીઓ હતા, જેમણે ખૂબ તક હોવા છતાં ચોરી નહોતી કરી. જેમાંનો એક છે : ધર્મેશ ઘાડિયા. અમારે જે કેન્દ્રમાં પરીક્ષા આપવાની હતી ત્યાંસુપરવાઇઝરે ધર્મેશને છૂટથી ચોરી કરવા માટે સામેથી આગ્રહ કર્યો હતો. છતાં ધર્મેશ અને તેની સાથેના બી.એ.પી.એસ. ગુરુકુળના એ બધા જ વિદ્યાર્થીઓએ સામેથી ચોરી કરવાની ના પાડી, એટલું જ નહીં, આ વિદ્યાર્થીઓએ સુપરવાઇઝરને સમજાવ્યું હતું : ‘અમારે તો ચોરી નથી કરવી, પરંતુ તમારેય કોઈને ચોરી કરાવવી ન જ જોઈએ.’
કપાળમાં તિલક-ચાંદલો ધરાવતા એ યુવાનોની નસોમાં વહેતું પ્રામાણિકતાનું ગંગાજળ જોઈને સુપરવાઇઝરો નતમસ્તક બન્યા હતા.
હા, એ અમારા બી.એ.પી.એસ. ગુરુકુળના પવિત્ર સંસ્કારોની અસર હતી.'