સન 1971માં યોગીજી મહારાજનો અક્ષરવાસ થતાં તેમના સ્થાને ગુરુપદે પ્રમુખસ્વામી મહારાજ બિરાજમાન થયા. તેના થોડા જ સમય પછી નડિયાદમાં સ્વામીશ્રીની ભવ્ય નગરયાત્રા અને સ્વાગત સભા યોજાઈ હતી. નગરયાત્રા શરૂ થઈ. સ્વામીશ્રી એક સુશોભિત રથમાં બિરાજી ગયા હતા. સાંજે ચાર-સાડાચારનો સમય હતો. તડકાને કારણે સડકો તપી ગઈ હતી, મારી પાસે પગરખાં ન હતાં, તેથી હું પગે દાઝતો હતો છતાં સાથે સાથે ચાલતો હતો. અચાનક સ્વામીશ્રીની દૃષ્ટિ મારા પર પડી. પગ ઉઘાડા જોયા એટલે ઉપર રહ્યાં રહ્યાં જ એમણે પોતાની મોજડી નીચે નાખી, ને મને કહેઃ ‘પહેરી લો! ઉઘાડા પગે ન રહેવું. આંખો દઝાય, આંખોનું તેજ ઘટી જાય.’
મેં તો મોજડી પહેરી લીધી. મને શું ખબર કે એ સ્વામીશ્રીની પોતાની જ હશે? બેચાર મિનિટ પછી મને અણસાર આવ્યો કે આ તો સ્વામીશ્રીની મોજડી છે! એટલે તરત કાઢી નાખી અને હાથમાં ઝાલી લીધી. સ્વામીશ્રી ઉપર રહ્યા થકા જોઈ રહ્યા હતા. તેથી ફરી કહેઃ ‘પહેરી લો! એ કાંઈ હાથમાં ઝાલવા આપી છે?’
આવી આત્મીયતા તો અનેક વખત અનેક પ્રસંગોમાં અનુભવાઈ છે!
સન 1975થી સ્વામીશ્રીએ મને દક્ષિણ ગુજરાતના પછાત વિસ્તારોમાં વિચરણ કરવાની આજ્ઞા કરી હતી. તે સમયે યોગીજી મહારાજે જ્યાં પગલાં કર્યાં હોય કે મંડળો શરૂ કરાવ્યાં હોય તેવાં પણ કેટલાંક કેન્દ્રો હતાં. મોટા ભાગનો આ જંગલ વિસ્તાર સોનગઢ (વ્યારા) થી દોણજા (વલસાડ) સુધીનો હતો. દાદરા નગર-હવેલીના સેલવાસની આજુબાજુના પછાત વિસ્તારોનો પણ તેમાં સમાવેશ થઈ જતો. સ્વામીશ્રીની આજ્ઞાથી અમે 1975થી 1979 સુધી આ વિસ્તારોમાં વિચરણ કરતા રહ્યા. સ્વામીશ્રી અને સંતોના વિચરણથી સાંકરી, નવસારી, વ્યારા, ઉકાઈ, મઢી, કરચેલિયા, દોણજા, સેલવાસ, કોસંબા ભાગડા, રાન્ધ્રા વગેરે વિસ્તારોનાં નાનાં નાનાં ગામો સુધી સત્સંગ-સંસ્કાર પ્રવૃત્તિ શરૂ થઈ. સ્વામીશ્રી પણ અવારનવાર આ પછાત ગામડાંઓમાં પછાત લોકો વચ્ચે કષ્ટો વેઠીને પધારતા.
સ્વામીશ્રી એકવાર 1979ના જૂનમાં મહુવા તાલુકામાં વિચરણ કરી રહ્યા હતા. તદ્દન પછાત આદિવાસી ગામોમાં પધારવાનું થયું હતું. તે સમયે કેટલાંય ગામો સુધી રસ્તા જ નહોતા, અને ક્યાંક રસ્તા તૈયાર થઈ રહ્યા હતા. તેથી માટી, પથ્થર, કપચી, મેટલ જેમ તેમ પડ્યું રહેતું, ક્યારેક તો ગાડી લઈ જવાની પણ મુશ્કેલી પડતી, કેમકે પંક્ચર પડી જવાનો સંપૂર્ણ ભય. જો ચાલવા માંડે તો દૂર દૂર આવેલાં ઝૂંપડાંઓ સુધી સમયમાં રહીને પહોંચી શકાય નહીં. અધૂરામાં પૂરું વરસાદ શરૂ થયો.
મેં કહ્યું: ‘બાપા! આપણે રહેવા દઈએ. અહીં તો આપને બહુ તકલીફ પડે છે!’
સ્વામીશ્રી એકદમ બોલી ઊઠ્યા, ‘ચાલવામાં ને વરસાદમાં કાંઈ ઘસાઈ નહીં જાઉં! અહીં ભક્તો આવી વિકટ પરિસ્થિતિમાં રહે છે. તમે સંતો પણ મચ્છર, માંકડ, ચાંચડ, આવી ખાવા-પીવા-સૂવાની મુશ્કેલીમાં અહીં ફરો છો, તો મને શું વાંધો આવી જવાનો છે?’
અમે તો બોલતા જ બંધ થઈ ગયા. સ્વામીશ્રીનું સ્વાસ્થ્ય તે વર્ષોમાં એટલું તંદુરસ્ત હતું કે અમે જવાનિયા તેમની સાથે ચાલવામાં થાકી જતા. સાંજ પડે લોથ થઈ જવાતું. પણ સ્વામીશ્રીની સ્ફૂર્તિ, ઝડપ અને ખાસ તો સૌને રાજી કરવા દેહ ઘસી નાખવાની ભાવના પ્રતિદિન વધતી જતી જોઈ છે.
કેટલાક પ્રસંગો એવા છે કે જેનું વર્ણન પણ શબ્દોમાં શક્ય નથી.
વ્યારા પાસેના લોટરવા ગામે સ્વામીશ્રી ત્રણ ત્રણ વખત પધાર્યા છે. ઉદા ભગતો અને પછાત જાતિના લોકો પણ અહીં વસે છે. ત્યાં જવા માટે કોઈ વાહનની સગવડ નહીં. ચાલીને જવું પડે. ભક્તોએ ગાડું તો મંગાવ્યું હતું, પણ સ્વામીશ્રી કહે, ‘આપણે ચાલીને જવું છે.’
મેં કહ્યું, ‘માથે તાપ છે. અને આ ખેતરોમાં થઈને ચાલતાં ચાલતાં જવાનું છે, એટલે અહીંની ચીકણી માટીની ધાર પગમાં ખૂબ વાગશે.’
પરંતુ સ્વામીશ્રી પોતે ગાડામાં બેસે અને અમે સૌ ચાલીએ એ કદાચ એમને પસંદ નહોતું. એટલે અમારી સાથે તેમણે ચાલવાનું જ પસંદ કર્યું હતું. તેઓ કહે, ‘આપણે ચાલીએ.’
અને અમે ચાલવાનું શરૂ કર્યું. સીતારામબાપા, ગોકળભાઈ વગેરે સ્થાનિક લોકો સાથે હતા. તેઓ કહેઃ ‘બહુ દૂર નથી, પેલી તાડી દેખાય એટલું જ દૂર છે.’ એમ કરતાં કરતા ચાર કિલોમીટર ચાલ્યા. સારા રસ્તે ચાર કિલોમીટર ચાલીએ અને આવા ખેતરાળ ઢેફાંના રસ્તે એક કિલોમીટર ચાલીએ એ સરખું! પરંતુ સ્વામીશ્રીના મોં પર આ કષ્ટો વેઠ્યાનો લેશ માત્ર ભાવ નહોતો. તેઓ તો લોટરવાના ગરીબ ભક્તોને મળીને આનંદમાં હતા.
સન 1979માં સ્વામીશ્રી લોટરવા પધાર્યા, ત્યારે તો ચોમાસાનો વરસાદ ચાલુ હતો. તે વખતે અમારી પાસે સ્વામીશ્રીના મસ્તકે ધરવાની છત્રી પણ નહોતી! પલળતાં પલળતાં સ્વામીશ્રી અહીં પધાર્યા હતા!
આ જ રીતે ઢેફાંવાળી જમીનમાં છ કિલોમીટર ચાલીને સ્વામીશ્રી ધામોદલા પધાર્યા હતા. તે વખતે ખેતરના મચ્છરો ઊડી ઊડીને મોં પર વળગે. પરંતુ સ્વામીશ્રીએ એવી તકલીફોને ગણકારી નહોતી. બિલખડી વગેરે કેટલાંય ગામોમાં તો છૂટાછવાયા ટેકરા છે. સૌના ભાવને સ્વીકારીને સ્વામીશ્રી ટેકરે ટેકરે ચઢીને ઝૂંપડે ઝૂંપડે ફરે અને સૌને રાજી કરે.