Essay Archives

પવિત્રતમ સંતોના જીવનને જોઈએ ત્યારે લાગે કે ભગવાન અહીં જ છે

આધ્યાત્મિક માર્ગમાં સામાન્ય રીતે સૌ કોઈ શ્રદ્ધાળુ એક વાત વારંવાર કહે છે કે, ગુરુજનોમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખો, પરંતુ ભારતના રાષ્ટ્રપતિ ડૉ. કલામ જેવા મહાન વૈજ્ઞાનિક પોતે કહે ત્યારે આ વિધાનનું વજન વધી જાય છે. આવા વિચારવાન, ગુણવાન અને સત્યવાન મહાપુરુષો પોતાના સ્વયંના સંશય દૂર થાય અને અંતરમાં શાંતિ થાય ત્યારે જ તર્કની ઉપરવટ જઈ શ્રદ્ધાનો સ્વીકાર કરે છે. આવું જ કાંઈક ડૉ. કલામ સહિત અનેક વ્યક્તિઓને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના પવિત્ર જીવનમાં ભગવાનની શક્તિ અને ભગવાનના સાતત્યનો અનુભવ થયો. તેથી જ ગુરુજનોમાં ભગવાનની અનુભૂતિ થાય છે તે વાત ચોક્કસપણે સ્વીકારવી પડે.
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં નાનપણથી જ પોતાના ગુરુમાં વિશ્વાસ, શ્રદ્ધા અને અહોભાવ જોવા મળે છે. પ્રસંગ છે, તા. ૨૧ મે ૧૯૫૦નો. અમદાવાદની આંબલીવાળી પોળ કે જે અત્યારે યજ્ઞપુરુષ પોળ તરીકે ઓળખાય છે. આ પોળમાં ગણ્યાં-ગાંઠ્યા હરિભક્તો અને થોડા સંતો હાજર હતા. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને નાનકડા શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસ (પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ) માટે એટલો બધો પ્રેમ હતો કે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પત્ર લખીને કહ્યું હતું કે, ‘અમારી ઇચ્છા છે કે તમે સંસ્થાના પ્રમુખ થાવ.’ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે વિનંતી કરી એટલે ગુરુનું વચન સ્વીકારી, માત્ર ૨૮ વર્ષની વયે, શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસે પ્રમુખ થવાની હા પાડી દીધી અને આંબલીવાળી પોળમાં પાંચ હરિભક્તોની હાજરીમાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પોતાની ઓઢેલી ચાદર શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસને ઓઢાડી અને આખી સંસ્થાના પ્રમુખ બનાવ્યા. આ સમયે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે હરિભક્તોનાં એઠાં વાસણ ઊટક્યાં એ પ્રસંગ પણ બધાને ખબર છે. એ સમયે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે પ્રતિજ્ઞા લીધી હતી કે, ‘દેહના અંત સુધી હું વફાદારી અને અંતઃકરણપૂર્વક સંતો અને હરિભક્તોની સેવા કરીશ.’ એ વચનના વેણે તેમણે અત્યાર સુધી બધાની સેવા કરી છે.
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સ્વયં કહેતા કે તે સમયે તેમની એવી આવડત પણ નહીં અને તેમની વય નાની એટલે કેટલાક હરિભક્તો ને પણ મનમાં પ્રશ્ન થયો કે આટલી નાની વયના સંતને સંસ્થાના પ્રમુખ બનાવ્યા?
૬૦ દાયકા પછીનો બીજો પ્રસંગ જોઈએ. એક વાર અમે સંતો સુરતમાં હતા. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સાથે મીટિંગ ચાલતી હતી અને સ્વામીશ્રીને ઊભા થવાનો સમય થયો એટલે સેવક સંત રૂમમાં આવ્યા અને મને પૂછ્યું કે ‘કામ પતી ગયું?’ મેં કહ્યું, ‘હા.’ એટલે સ્વામીશ્રી ખડખડાટ હસવા લાગ્યા અને બોલ્યા કે, ‘આજનું પૂરું, કાલનું નવું! પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાનાં કામ પૂરા થશે નહીં.’
તે સમયે અમે પૂછ્યું કે, ‘સ્વામીશ્રી તમે થાક્તા જ નથી. મને આશ્વર્ય થાય છે કે આ ઉંમરે તમને સંસ્થાનાં કામ, સેવા કરવામાં જરાય કંટાળો આવતો જ નથી. જરા પણ થાક વગર આપ આ બધું કેવી રીતે કરી શકો છો?’
તે સમયે સેવક સંત બોલ્યા કે, ‘સ્વામીશ્રી ખરું આશ્વર્ય તો એ થાય છે કે અર્જુને જેમ ત્રાજવામાં પગ મૂક્યા હતા, એમ તમે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાનું સંતુલન રાખીને સંચાલન કરો છો, એ વાતનું આશ્વર્ય છે.
ત્યારે મેં ઉપરનો પ્રસંગ ટાંકીને કહ્યું કે ‘સ્વામીશ્રી! ૧૯૫૦ની સાલમાં જ્યારે આપને યુવાનવયે પ્રમુખ બનાવ્યા ત્યારે હરિભક્તો પૂછતા હતા કે આ નાનકડા સ્વામી સંસ્થાનું સંચાલન કઈ રીતે કરી શકશે? તે સમયે શંકા હતી. અને આજે એ જ હરિભક્તો પૂછે છે કે ૯૦ વર્ષની વયે પણ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સંસ્થાનું સંચાલન કઈ રીતે કરે છે?’ પ્રશ્ન તો એનો એ જ છે, માત્ર શંકામાંથી આશ્વર્યમાં પરિવર્તિત થઈ ગયો છે.’
ત્યારે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે કહ્યું કે ‘આપણે ક્યાં કંઈ કરીએ છીએ કે કંઈ ચલાવીએ છીએ? આ તો શ્રીજીમહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ ચલાવે છે. આપણે તો શું છીએ? ગુરુ પ્રગટ છે, ગુરુમાં ભગવાન સાક્ષાત્ બિરાજમાન છે.’
હકીકતમાં, આ ભગવાન અને ગુરુમાં અફર શ્રદ્ધાના કારણે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની નજીક જે કોઈપણ વ્યક્તિઓ આવી તેમને પણ એ જ ભગવાનપણાનો સદ્પુરુષની પવિત્રતામાંથી અનુભવ થાય છે.
જાણીતા મિસાઇલમેન અને વિશ્વ વિખ્યાત વિજ્ઞાની, ડૉ. અબ્દુલ કલામ સાહેબે ‘Trancendence’ (પરાત્પર) પુસ્તક કેમ લખ્યું? વિશ્વપ્રસિદ્ધ અક્ષરધામ જોયું એટલે? સ્વામીશ્રીની સેવા પ્રવૃત્તિઓ નિહાળી એટલે? સ્વામીશ્રી સાથે વાર્તાલાપ કર્યો એટલે? તો જવાબ છે, ‘ના.’ પરંતુ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે ડૉ. કલામના બધા પ્રશ્ન-સંશય દૂર કર્યા અને અહમ્-મમત્વ દૂર કર્યા એટલે આ પુસ્તક લખ્યું છે.
ડૉ. કલામ સાહેબ વારંવાર જે વાત કહેતા તે વાત આપની સમક્ષ દોહરાવું છું કે ‘હું મારા જીવનમાં અનેક મહાપુરુષો પાસેથી અનેક ગુણો શીખ્યો છું. સોક્રેટિસ પાસેથી હું તર્કશક્તિ (reasoning) શીખ્યો છું, ગેલેલિયો પાસેથી હું સત્ય (truth) શીખ્યો, લિંકન પાસેથી હું સમાનતા (Equality) શીખ્યો. ગાંધીજી પાસેથી હું અહિંસા (Non-violence) શીખ્યો છું. બુદ્ધ પાસેથી હું કરુણા (Compassion) શીખ્યો. કોઈ મહાત્મા પાસેથી કૌટુંબિક મૂલ્યો શીખ્યો, સહન કરતાં શીખ્યો, સમર્પણ કરતાં શીખ્યો, પરંતુ જો કોઈની પાસેથી ભગવાનમાં શ્રદ્ધા (Faith in God) રાખવાનું શીખ્યો હોઉં તો તે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ પાસેથી, કારણ કે તેમનામાં ભગવાન સ્વયં બિરાજમાન છે.’
એક વાર ૧૫ ઓક્ટોબરે પોતાના જન્મદિવસે ગોંડલમાં ડૉ. કલામ સાહેબે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને આશીર્વાદ માટે ફોન કર્યો. ત્યારે આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ ડૉ. કલામને કહ્યું કે, ‘યોગીજી મહારાજનો સંકલ્પ હતો અને ગોંડલમાં ૭૦૦ સાધુ થવાનો સંકલ્પ પૂરો થયો.’ ત્યારે ડૉ. કલામે અચાનક કહ્યું, “Will he make me a sadhu?” (પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ મને સાધુ બનાવશે?) વિચાર કરો, જ્યારે આપણા દેશમાં મંદિર-નિર્માણમાં પણ પ્રશ્નો ઊભા થતા હોય ત્યારે રાષ્ટ્રપતિને કોઈ સાધુ બનાવી દે તો શું થાય? હજી તો હું અનુવાદ કરીને સ્વામીશ્રીને કહું એ પહેલાં તો ડૉ. કલામે આગ્રહ કર્યો, Ask him. Ask him. એટલે હું મૂંઝાતો હતો. ત્યારે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે પૂછ્યું કે, ‘સાહેબ શું કહે છે?’ મેં કહ્યું, ‘સ્વામીશ્રી! ડૉ. કલામ સાહેબ તો સાધુ બનવાનો વિચાર કરે છે.’
આ સાંભળીને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે તરત જ કહ્યું કે ‘ડૉ. કલામ સાહેબને કહો કે તમે સાધુ જ છો. વેદકાળના ઋષિઓ લાંબા વાળ રાખતા હતા, વેદકાળના ઋષિઓ વૈજ્ઞાનિક હતા અને વેદકાળના ઋષિઓ બ્રહ્મચર્ય પાળતા હતા. તમે આ ત્રણ ગુણોને અનુસરો છો અને દેશની સેવા કરો છો એટલે તમે સાધુ જ છો.’
તરત જ તર્કબદ્ધ રીતે ડૉ. કલામ સાહેબે કહ્યું, “Will Maha Pramukh Swamiji certify that I am a sadhu?” મેં કહ્યું, ‘બાપા! આ તો સર્ટિફિકેટ માંગે છે.’ સ્વામીશ્રી કહે, ‘લાવો આપણે લખી આપીએ કે તેઓ સાધુ છે.’ ત્યારે કલામ સાહેબ અતિ સંતોષપૂર્વક બોલ્યા કે “A certificate from Maha Pramukh Swamiji is a certificate from God.” (પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ દ્વારા અપાતું સર્ટિફિકેટ એ સ્વયં ભગવાન દ્વારા મળેલું સર્ટિફિકેટ છે.)
આ વાક્ય કોઈ ધાર્મિક પુરુષ નથી કહેતા, પરંતુ વિશ્વના એક મહાન વૈજ્ઞાનિકને જ્યારે અનુભૂતિ થઈ ત્યારે જ કહે છે. કલામ સાહેબ ૧૦૦ ટકા નહીં, ૨૫૦ ટકા પ્રમાણિક હતા. તેમણે ગણિત, વિજ્ઞાનના નિયમો અનુસાર જે જે શોધખોળ કરી - મિસાઇલથી અણુબોમ્બ - તેમાં આખા દેશે વિશ્વાસ રાખ્યો તો વિકાસ થયો. તેમ આધ્યાત્મિક અનુભૂતિના આધારે તેમને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના સ્વરૂપમાં ભગવાનની અનુભૂતિ થઈ તેમાં વિશ્વાસ રાખીએ તો આધ્યાત્મિક વિકાસ થશે. તેથી જ આપણાં શાસ્ત્રોમાં સાચા સત્પુરુષ, પવિત્ર ગુરુજનમાં પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાથી જ પરિપૂર્ણ વિકાસ થશે.

© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS