Essays Archives

ઐતરેય ઉપનિષદ : પરિચય

ઐતરેય ઉપનિષદ ૠગ્વેદમાં આવેલું છે. ૠગ્વેદના 'ઐતરેય' નામના આરણ્યકમાં સમાયેલું હોવાથી આ ઉપનિષદને 'ઐતરેય' એવી સંજ્ઞા આપવામાં આવી છે. આ ઉપનિષદ ત્રણ અધ્યાયોમાં વહેંચાયેલું છે. તેમાં પ્રથમ અધ્યાયમાં ત્રણ ખંડો છે અને બીજા બે અધ્યાયો એક એક ખંડ ધરાવે છે. તાત્ત્વિક વિષયોની વિશિષ્ટ છણાવટથી તત્ત્વજ્ઞાનનાં ક્ષેત્રમાં આ ઉપનિષદ વિશેષ પ્રસિદ્ધિ પામ્યું છે.

પ્રથમ અધ્યાય

સકળલોકના સ્રષ્ટા - स र्इक्षत लोकान्नु सृजा इति।
સકળ સૃષ્ટિનું કારણ કોણ? કર્તા કોણ? નિયામક કોણ? પોષક કોણ? વગેરે જિજ્ઞાસાઓનું અહીં નિર્ણયાત્મક સમાધાન છે. 'स र्इक्षत लोकान्नु सृजा इति।' (ઐતરેય ઉપનિષદ-૧/૧) એમ કહીને પરબ્રહ્મ સકલ સૃષ્ટિના કારણ, કર્તા, નિયામક અને પોષક છે તે અહીં સ્પષ્ટ રીતે દર્શાવાયું છે. 'र्इक्षत' એટલે સંકલ્પ કર્યો. પ્રલય અવસ્થામાં જ્યારે આ સૃષ્ટિરૂપે દેખાતા જગતનું અસ્તિત્વ જ ન હોય, બધું જ સૂક્ષ્મરૂપે મહામાયામાં પ્રલીનભાવને પામેલું હોય ત્યારે પરબ્રહ્મ પોતે કૃપા કરીને 'लोकान्नु सृजा इति।' (ઐતરેય ઉપનિષદ-૧/૧) 'હું આ જીવ-ઈશ્વરોનાં કર્મફળના ઉપભોગને અનુકૂળ વિવિધ પ્રકારના લોકોનું નિર્માણ કરું' એવો દિવ્ય સંકલ્પ કરે છે. અને ત્યાર પછી 'स इमान् लोकान् असृजत।' (ઐતરેય ઉપનિષદ-૧/૧) તે પરબ્રહ્મ આ વિવિધ લોકોનું એટલે કે ભોગસ્થાનોનું માયામાંથી સર્જન કરે. આમ સકળ લોકના સ્રષ્ટા પરમાત્માનો મહિમા અહીં ગવાયો છે.

લોકપાલકોના સ્રષ્ટા - लोकपालान्नु सृजा इति।

'स इक्षत। इमे नु लोका लोकपालान्नु सृजा इति।' (ઐતરેય ઉપનિષદ-૧/૧) જે રીતે વિવિધ લોકોનું સર્જન પરમાત્મા કરે છે તે જ રીતે તે તે લોકનું નિયમન કરી શકે, પાલન કરી શકે એવા લોકપાલકોનું પણ નિર્માણ પરમાત્મા કરે છે, કહેતાં તે તે સ્થાનોનું નિયમન કરી શકે તેવા સામર્થ્ય યુક્ત દેહ તેઓને આપે છે. તે વાત અહીં સમજાવવામાં આવી છે. તેમાં પણ તે લોકપાલકોના શરીર, ઇંદ્રિયો વગેરેની ઉત્પત્તિ તથા તેમાં તે તે ઇંદ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓનો પ્રવેશ વગેરેનું ખૂબ ઊંડાણથી વર્ણન કરવામાં આવ્યું છે.

લોકપાલકોનો અન્નદાતા - अन्नमेभ्यः सृजा इति।

દયાળુ પરમાત્માએ વિવિધ સ્થાનો રચ્યાં અને તે તે સ્થાનોની સાચવણી માટે લોકપાલકોનું નિર્માણ પણ કર્યું. હવે તેઓના આજીવન ભરણ-પોષણની ચિંતા પણ તેઓ જ કરી રહ્યા છે તે જણાવતાં આ ઉપનિષદમાં કહ્યું કે 'स र्इक्षतेमे नु लोकाश्र्च लोकपालाश्र्चाऽन्नमेभ्यः सृजा इति।' (ઐતરેય ઉપનિષદ–૧/૩) તે પરમાત્માએ સંકલ્પ કર્યો કે આ સર્વ લોકો એટલે કે સ્થાનો તથા તે લોકપાલકોનું આગળ ભરણ-પોષણ થતું રહે તે માટે હું તેઓ માટે અન્ન નિર્માણ કરું. અને એ સંકલ્પ પ્રમાણે અન્નનું સર્જન થયું. અન્ન જમવાથી સર્વનું પોષણ થાય.

આ રીતે પ્રથમ અધ્યાયમાં પરમાત્મા જીવ, ઈશ્વરોના કર્મફળને અનુકૂળ સ્થાનોનું નિર્માણ કરે છે, તે સ્થાનોના પાલકોનું નિર્માણ કરે છે અને તેમના આજીવન ભરણ-પોષણ માટે અન્નનું પણ નિર્માણ તેઓ જ કરે છે વગેરે બાબતો મુખ્યત્વે સમજાવવામાં આવી છે. 


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS