અસ્મિતા હોય તો પૂર્ણકામપણું - કલ્યાણની પ્રતીતિ અનુભવાય
સને 1950-60ના દાયકામાં થોમસ હેરિસ નામના લેખકનું પુસ્તક પ્રકાશિત થયેલું: ‘I am OK, You are OK.’
આ પુસ્તકમાં લેખકે જીવનમાં સાર્થકતા કેવી રીતે અનુભવી શકાય તેનાં સૂચનો પોતાની બુદ્ઘિ અનુસારે લખેલા. આ પુસ્તક બહાર પડ્યાના થોડા સમયમાં જ તેની 50-60 લાખ નકલો ચપોચપ વેચાઈ ગઈ. મહિનાઓ સુધી સૌથી વધુ વેચાતાં પુસ્તકોની યાદીમાં તે મોખરાના ક્રમે રહ્યું. અમેરિકા, ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ જેવા સમૃદ્ઘ દેશોના ધનકુબેરોએ તેને વાંચવા આટલી પડાપડી કરી મૂકી ત્યારે સૌને સમજાયું કે અઢળક ધન કે પાર વિનાની પ્રસિદ્ઘિ મેળવ્યા પછીયે જીવનમાં કેવો ખાલીપો ખખડતો હોય છે ! અન્યથા સત્તા, સંપત્તિ, સુંદરીથી જીવન કૃતાર્થ થયું છે તેવું અનુભવાતું હોય તો આ પુસ્તક વાંચવામાં આટલી ઉત્કંઠા રહે જ કેવી રીતે ? ભરપેટ ખાઈને બેઠેલો ખાવા માટે દોડાદોડી કરે ખરો ?
ટૂંકમાં, જીવનમાં પૂર્ણકામપણું અનુભવવું એ સંપત્તિ ભેગી કરવી, ઉચ્ચ હોદ્દા મેળવવા, વિખ્યાત પારિતોષિકો પ્રાપ્ત કરવાં વગેરેથી અલગ, અઘરી અને અતિ ઉત્તમ બાબત છે.
વિશ્વવિખ્યાત હેન્રી ફૉર્ડ બોલ્યા છે : ‘આજે મારી પાસે અબજો ડૉલર છે. મારા નામની ગાડીઓ રોડ પર દોડે છે. પણ મને મારું જીવન નિરર્થક લાગે છે.’
વીર નર્મદ, કિંગ સોલોમન, માઇકલ જેક્સન જેવાના મુખેથી પણ આવા ઉદ્ગારો નીકળેલા છે. નોબલ પારિતોષિક મેળવ્યા પછી કે આખી દુનિયાને પોતાના તાલે નચાવ્યા પછી પણ આવા ખેરખાંઓએ આપઘાત કર્યા છે. જીવન કેવું દોઝખ બની ગયું હશે ત્યારે આવા અંતિમવાદી પગલાં સુધી તેઓ ધસી ગયા હશે !
આવા સમયે એક કવિની પંક્તિઓ યાદ આવે છે :
‘ઊંચાઈ મળવાથી કાંઈ મંઝીલ મળી જતી નથી;
હું કૈંક વ્યક્તિઓને પર્વત પર રખડતી જોઉં છું.’
જીવનમાં લૌકિક ઉપલબ્ધિઓ મેળવવી અને જીવનમાં પૂર્ણકામપણું અનુભવવું એ બે અલગ આયામો છે. તે જીવનની સંધ્યાએ સમજાય છે, પણ ત્યારે ‘યુ-ટર્ન’ મારવો અઘરો પડી જાય છે. આવું દુર્લભ પૂર્ણકામપણું પ્રાપ્ત થાય છે,
અસ્મિતાના વિચારમાંથી.
ઘાણલાની મૂળી ડોશીના જીવનમાં આ વાત મૂર્તિમાન દેખાય છે. તેઓ પાસે કોઈ લૌકિક મહત્તા નહોતી. સ્થિતિ સાવ સાવ સામાન્ય હતી, પરંતુ શ્રીજીમહારાજની પ્રાપ્તિના મહિમાને કારણે પ્રગટેલી અસ્મિતાથી તેઓને અખંડ કૃતાર્થતા અનુભવાતી. તેઓને મૃત્યુ વેળા નજીક આવી ત્યારે તેઓના પતિએ મૂળીબાઈને કહ્યું કે, ‘તારાં કર્મ તું ગત્યે ઘાલજે ને મારા કર્મ હું ગત્યે ઘાલીશ.’ (એટલે કે તારા કર્મ તું ભોગવજે ને મારા કર્મ હું ભોગવીશ.)
આ સાંભળતાં જ મૂળી ડોશીએ તેના ધણીને કેફથી જવાબ આપતાં કહ્યું : ‘તું શું આ કર્મ ભોગવવાની વાત કરે છે ? જે ઘડીથી મેં શ્રીજીમહારાજની કંઠી પહેરી તે ઘડીથી મારાં તો કર્મ બળી જ ગયા’તાં અને કલ્યાણ નક્કી જ થઈ ગયું’તું; પણ આ હાથથી મેં શ્રીજીમહારાજની સેવા કરી છે ને તેના ઘડેલા રોટલા તેં આખી જિંદગી ખાધા છે, તો તારા કલ્યાણમાં પણ શું બાકી છે ? ચાલ, અત્યારે મારી સાથે તને પણ ધામમાં લઈ જાઉં.’ એમ કહી મૂળી ડોશીએ દેહ મૂકી દીધો.
અંતકાળે નહીં કોઈ વેદના, નહીં કોઈ રોદણાં, નહીં કોઈ અફસોસ ! બસ, કલ્યાણની પ્રાપ્તિના કેફ સાથે તેઓ ધામમાં પધારી ગયાં. દુનિયાના માંધાતાઓ જે પૂર્ણકામપણું, કૃતાર્થતા કે કલ્યાણ મેળવવા ફાંફાં મારે છે તે મળ્યાની પ્રતીતિ તો ગામડાનાં આવાં અભણ ભક્તોને હતી.
આનું કારણ છે અસ્મિતા! તે જીવનમાં આવી જાય તો કોઈ વાતનો ઉધારો જીવનમાં રહે તેમ નથી.
નિષ્કુળાનંદ સ્વામી એ અનુભૂતિમાંથી જ ગાય છે:
‘ભાગ્ય જાગ્યાં રે આજ જાણવાં, કોટિ થયાં કલ્યાણ;
ઉધારો ન રહ્યો એહનો, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ...’
તેઓને પ્રગટ ભગવાનની પ્રાપ્તિની અપાર અસ્મિતા હતી તો છતી દેહે પૂર્ણકામપણું મનાઈ ગયેલું.
ભગવાન સ્વામિનારાયણ વચનામૃત વરતાલ-12માં કહે છે: ‘જેને પરિપૂર્ણ નિશ્ચય હોય તે તો એમ સમજે જે, ‘મને તો ભગવાન મળ્યા તે દિવસથી જ મારું કલ્યાણ થઈ ચૂક્યું છે. અને જે મારું દર્શન કરશે કે મારી વાર્તા સાંભળશે તે જીવ પણ સર્વ પાપ થકી મુકાઈને પરમપદને પામશે. માટે એવી રીતે ભગવાનનો મહિમા સહિત નિશ્ચય રાખીને પોતાને વિષે કૃતાર્થપણું માનવું.’
અહીં શ્રીજીમહારાજે કહેલ પરિપૂર્ણ નિશ્ચય એટલે પ્રાપ્તિની અસ્મિતા. તે હોય તો દેહ છતાં પૂર્ણકામપણું મનાઈ જાય છે. તેને ‘મારું કલ્યાણ થશે કે નહીં ?’ તેવો અણવિશ્વાસ રહે જ નહીં. ‘પારઠ ભેંસનું દૂધ મારે ઘેર જ છે’ - તેમ માની અખંડ આનંદમાં રહે. ‘જનમ સુધાર્યો રે હો મારો’ એ અનુભવ કાયમનો થઈ જાય.
પ્રમુખસ્વામી મહારાજ સમક્ષ ઘણી વાર ઘણા મહાનુભાવો અને સંતો-ભક્તોએ ‘આપને નોબેલ પ્રાઇઝ મળવું જોઈએ’ તે સંદર્ભની વાતો કરી છે, પરંતુ તે વખતે સ્વામીશ્રીનો પ્રતિભાવ હોય છે કે, ‘મને એક નહીં, બે બે નોબેલ પ્રાઇઝ મળ્યા છે. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ - એમ બે નોબેલ પ્રાઇઝ મળ્યા છે... આ સત્સંગ અને હરિભક્તોની સેવા અનેક નોબેલ પ્રાઇઝ કરતાં અધિક છે. હવે બીજા કોઈ નોબેલ પ્રાઇઝની જરૂર નથી.’
સ્વામીશ્રીના અંતરમાં સત્સંગની અસ્મિતા એવી છે કે તેઓને વિશ્વપ્રસિદ્ઘ ઇલકાબો પણ વામણા લાગે છે. ‘સમંદર સભર સભર લહેરાય’ની જેમ તેઓ સદાય પૂર્ણકામ રહે છે. તેમનામાં સદાય શાંતિનો સહજાનંદ સાગર લહેરાય છે.
આમ, અસ્મિતા જાગી જાય તો ‘ઓછપ કેરા ધોખા’ ટળી જાય છે.
ટૂંકમાં, અસ્મિતા અનેક સદ્ગુણોની જનની છે. તે આવે તેટલી જીવનશૈલી બદલાય, અંતરમાં અખંડ આનંદ રહે, સદાય પૂર્ણકામપણું અનુભવાય, સ્પર્ધાના ભાવ ટળી જાય, કાર્યમાં ચીવટ-ચોકસાઈ આવે અને આવા સદ્ગુણોવાળું જીવન બને એટલે સૌનો પ્રેમ-આદર મળે. અને આ વૈભવ એવો છે કે જેની આગળ ધન-કુબેરો પણ ઝાંખા પડી જાય.
આમ, આપણે જે છીએ, આપણને જે મળ્યું છે, આપણે જે કરીએ છીએ, આપણે જેના માટે કરીએ છીએ તેને જાણીને અસ્મિતા પ્રગટ કરવી જરૂરી છે; પરંતુ આજની આપણી મોટામાં મોટી સમસ્યા જ એ છે કે આપણે અસ્મિતાશૂન્ય બની ગયા છીએ. આપણા ભવ્ય વારસાને ભૂલી રહ્યા છીએ.