દિવાળીના દિવસોમાં દિશા બદલીએ, હકારાત્મકતાનાં અજવાળાં પાથરીએ
વિશ્વવંદનીય સંત, પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી નિ:સ્વાર્થ પ્રેમ આપવાના નવ બોધપાઠમાંથી જે ચાર આપણે શીખ્યા, તે છે: Love Others - બીજાને ચાહો જે અંતર્ગત: ૧. Understand others - બીજાને સમજો, ૨. Forgive others - બીજાને ક્ષમા આપો, ૩. Serve others - બીજાની સેવા કરો, Love Self - સ્વયંને ચાહો જે અંતર્ગત: ૪. Be Pure - પવિત્ર બનો અને પાંચમો બોધપાઠ છે, Be Positive - હકારાત્મક બનો.
આ દુનિયામાં કોઈ તમારું કાંઈ બગાડી શકે એમ નથી. શ્રીમદ્ ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયના પાંચમા શ્લોકમાં કહેવાયું છે કે आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मन:। જેનો ભાવાર્થ થાય છે કે તમે જ તમારા મિત્ર છો અને તમે જ તમારા શત્રુ છો.
જો તમારું મન હકારાત્મક હશે તો તમારું મન ક્યારેય પાછું પડશે નહીં. એક વાત તમે ખાસ યાદ રાખજો કે પ્રશંસા અથવા ગુણગાનમાં પણ તમે નકારાત્મકતા લાવશો નહીં.
આવો જ એક પ્રસંગ વર્ષ-૨૦૦૫નો દિલ્હી-અક્ષરધામના ઉદ્ઘાટનના સમયનો છે. તે સમયે ગુજરાતના જાણીતા પત્રકાર-તંત્રી, અજય ઉમટે એવી હેડલાઇન આપી હતી કે ‘તાજને ટક્કર મારે એવું અક્ષરધામ’. આવી હેડલાઇન વાંચીને સામાન્ય લોકો તો રાજી થઈ જાય, પરંતુ બીજા દિવસે પ્રમુખસ્વામી મહારાજે તેમને કહ્યું કે, ‘અજયભાઈ! આ તમારી હેડલાઇન જેવી અમારી સહેજ પણ ભાવના નથી. અમે કોઈપણ કામ, ક્યારેય કોઈને ટક્કર મારવાની ભાવનાથી કરતા જ નથી. સારું કામ કરવું એ જ અમારી ભાવના છે.’
એ જ રીતે બીજો પ્રસંગ અક્ષરધામ-દિલ્હીના ઉદ્ઘાટન પછીનો છે. જ્યારે વિશિષ્ટ મહાનુભાવો પણ આ અક્ષરધામની મુલાકાતે આવતા હતા. એ સમયે આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા, શ્રી શ્રી રવિશંકરજી પણ દિલ્હીનું અક્ષરધામ જોવા આવ્યા હતા. તેઓ આ અક્ષરધામને જોયા બાદ, પ્રમુખસ્વામી મહારાજનાં ચરણોમાં નમીને બોલ્યા કે, ‘સ્વામીજી! અત્યાર સુધીમાં ભારતનાં જેટલાં મંદિરો નષ્ટ થયાં છે, તે સર્વેનો જવાબ આપે આ એક જ મંદિરનું નિર્માણ કરીને આપી દીધો છે.’
આ સાંભળીને પ્રમુખસ્વામી મહારાજ બમણા નમીને કહે છે ‘યોગીજી મહારાજના સંકલ્પે આ અક્ષરધામનું નિર્માણ થયું છે. કોઈને જવાબ આપવા કંઈ કરતા જ નથી.’
આ બંને પ્રસંગો સૂચવે છે કે ગુણગાનમાં પણ નકારાત્મકતા પ્રમુખસ્વામી મહારાજને પોસાતી નથી.
જો તમારે જીવનને ઉન્નત બનાવવું હોય તો – ‘Be Positive’ (હકારાત્મક બનો). ઘરમાં પણ હકારાત્મક વલણ અપનાવો. શા માટે કોઈની નિંદા કરવી?
ઘણા એવું બોલતા હોય છે કે મારો દીકરો ડફોળ છે. હવે આમાં તો મેન્યુફેક્ચરિંગ ફોલ્ટ છે. તમે પરિવાર માટે ક્યારેય સમય ફાળવ્યો છે? ઘણા તો દીકરા-દીકરીના ઉછેર માટે પણ આઉટસોર્સિંગ અપનાવે છે. ભણાવે બીજા, જમાડે બીજા, રમાડે બીજા, સાચવે બીજા... complete babysitting!
અમે બધા સંતો એક વાર હિમાલયની યાત્રા કરીને પરત આવી રહ્યા હતા, માર્ગમાં જંગલ આવ્યું. તે સમયે કાર ઊભી રાખી ત્યારે ત્યાં વાંદરાઓનું ટોળું હતું. મેં કારની બારી થોડી ખોલી. એક વાંદરું આવ્યું તેણે એક હાથે, ધીરેથી મારો હાથ પકડ્યો અને બીજા હાથે મેં જે સિંગ રાખી હતી તે ખાધી અને પછી ચિચિયારી કરી. એટલે નાનાં બચ્ચાંઓ પણ આવ્યાં. એક બચ્ચું આવ્યું, તેણે મારો હાથ હળવેથી પકડી એક સિંગ ખાધી, બીજું બચ્ચું આવ્યું, તે પણ સિંગ લઈને ગયું, ત્રીજું પણ ગયું. ચોથું બચ્ચું આવ્યું તેણે એક વાર સિંગ લીધી અને પછી બીજીવાર સિંગ લેવા ગયું ત્યારે તે જે મોટો વાંદરો હતો તેણે તે બચ્ચાને થપાટ મારી. વાંદરા પણ પોતાના બચ્ચાને સંસ્કાર પોતે જાતે આપે છે. Outsourcing કરતા નથી.
આ ઘટના સ્પષ્ટ સૂચવે છે કે સંતાનના વ્યક્તિત્વનિર્માણની જવાબદારી મા-બાપની છે. આ દુનિયામાં નકારાત્મકતાથી કોઈ સુધરતું નથી. આપણને એમ હોય કે અમે હોશિયાર છીએ, urbanized છીએ, civilized છીએ, ભણેલા છીએ, ધનવાન છીએ, છતાં ક્યારેક કોઈ આદિવાસી પ્રજા આપણને જીવનના પાઠ શીખવી જાય છે.
હું આપને વાત કરી રહ્યો છું, સાઉથ આફ્રિકામાં નાના ગામડામાં રહેતી એક આદિવાસી પ્રજાની. તેમના ગામમાં એક પ્રથા છે. કોઈ ભૂલ કરે તેની સજા અનોખી છે. પછી તે કોઈ યુવાન હોય અને તેણે ચોરી કરી હોય અથવા માતા-પિતાની સામે થયો હોય. તેની સજા શું છે? ભૂલ કરનાર વ્યક્તિને એક થાંભલાની મધ્યે બાંધી દે. બે દિવસ અને બે રાત તેણે જમવાનું નહીં અને સૂવાનું નહીં. ગામના દરેક જણ વારા રાખે. એ યુવાનને થાંભલે બાંધ્યો હોય ત્યારે બધા તેને વારાફરતી કહે કે ‘અરે! તું કેટલો ડાહ્યો છે. એકલા હાથે તે સિંહને માર્યો હતો. તેં એકલા હાથે તારા પિતાની સેવા કરી છે. આખા ગામમાં તારા જેવો કોઈ સંસ્કારી અને ડાહ્યો નથી. તું ધારે તો આપણા ગામનો નેતા બની શકે છે.’ – એમ બે દિવસ અને બે રાત સતત તેનાં ગુણગાન ગાવા એ તેની સજા છે.
હકારાત્મક વલણથી માણસ સુધરે છે. આ પ્રથા છે, ઉબુન્ટુ – Ubuntu – જેનો અર્થ થાય human kindness - માનવકરુણા. જેના ઉપરથી ૨૦૦૪માં કમ્પ્યૂટરની નવી ઓપરેટિંગ સિસ્ટમ નીકળી છે - ઉબુન્ટુ; જે દરેક પ્લેટફોર્મમાં ચાલે - ફોન, સ્માર્ટફોન, ટેબ્લેટ, ફેબ્લેટ, કમ્પ્યૂટર અને ક્લાઉડ.
દુનિયામાં આપણે - દરેક સાથે હળીમળીને આ રીતે સર્વે સાથે કરુણાનું વર્તન કરીશું અને સ્વજન કે પરિવારજનની કોઈ ભૂલ થઈ હોય તો તેના ગુના માફ કરી ગુણો જ ગ્રહણ કરીશું તો સમાજ એક દિવસ સુધરશે.
કોઈ સંત કે હરિભક્તને પ્રમુખસ્વામી મહારાજે ક્યારેય એવું નથી કહ્યું કે ‘તું ભૂલભરેલો છે.’ એક પ્રસંગ છે જ્યારે એક વ્યક્તિની ફરિયાદ લઈને હું પ્રમુખસ્વામી મહારાજ પાસે પહોંચ્યો હતો. જેમાં, પ્રમુખસ્વામી મહારાજની ભલામણથી તે વ્યક્તિ પરદેશ ફરવા ગઈ હતી અને હરિભક્તના ઘરમાં રોકાઈ હતી. જે ઘરમાં તેઓ રોકાયા હતા ત્યાં તેનું વર્તન ઠીક નહોતું. તે ઘરના લોકોએ પણ મને કહ્યું. આ વ્યક્તિ જ્યાં નોકરી કરતી હતી ત્યાં પણ તપાસ કરી તો ખબર પડી કે તેનું જીવન અને વર્તન ઠીક નથી.
મેં પ્રમુખસ્વામી મહારાજને કહ્યું કે ‘સ્વામીશ્રી! જે ભાઈની આપે ભલામણ કરી છે, તેનું વર્તન ઠીક નથી. માટે તેનું શું કરીશું?’ ત્યારે પ્રમુખસ્વામી મહારાજે તરત જ કહ્યું કે, ‘બ્રહ્મવિહારી! આખું બ્રહ્માંડ ભૂલથી ભરેલું છે, છતાંય આપણે એમ માનવું કે બધાય સારા છે, એમ સમજીને સેવા કરવી.’ આ પ્રમુખસ્વામી મહારાજનો સિદ્ધાંત છે અને આ સિદ્ધાંત આપણે દિવાળીના નવા વર્ષે પણ આપણા જીવનમાં ઉતારીએ તો હકારાત્મકતાનાં અજવાળાં પથરાશે.