Essays Archives

'પહેલું સુખ તે જાતે નર્યા.' એ કહેવત મુજબ શરીરની તંદુરસ્તી એ પ્રથમ સુખ ગણ્યું છે. આ તંદુરસ્તી ચોમાસામાં કથળે છે. અને લાંબી માંદગીનો ભોગ બનવું પડે છે. ચોમાસામાં તંદુરસ્તી કેવી રીતે જાળવવી જોઈએ તે અંગે તેમજ રોગ પૂર્વેની જાગૃતિ અંગે આહાર-વિહારને લક્ષ્યમાં રાખીને અહીં પ્રકાશ પાથર્યો છે.

શાસ્ત્રો કહે છે : 'पिण्डे सो ब्रह्माण्डे।' અર્થાતû જે કંઈ બ્રહ્માંડમાં છે તે સઘળું આ શરીરમાં છે. અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી, પાણી બધાં જ તત્ત્વો શરીરમાં છે. પિંડ ને બ્રહ્માંડની એકતા કહી છે. એટલે કે જે પ્રમાણે બ્રહ્માંડમાં ૠતુઓનો પ્રભાવ પથરાય છે તે જ પ્રભાવ શરીરમાં પણ વ્યાપે છે.
વર્ષાૠતુમાં વાદળાં-(વાયુ=વાત), ભાદરવાનો તાપ-(તેજ=પિત્ત), વરસાદ-(જલ=કફ) ત્રણે ચરમસીમાએ હોય છે. આ જ તત્ત્વો શરીરમાં પણ એ જ પ્રભાવ જણાવે છે.
વર્ષાૠતુમાં શરીરમાં ત્રિદોષ કોપે છે તેનું કારણ પિંડ-બ્રહ્માંડની એકતા છે. શરીર આ ૠતુમાં કચરો કાઢવાની પ્રક્રિયા કરે છે. એને વિસર્ગકાલ કહે છે. આ ચાર માસ દરમ્યાન શરીર અંદરની મરામત કરવા ઇચ્છે છે. એટલે કે વધુ આહાર ન લેવાનું સૂચવે છે.
અષાઢ બેસે છે ત્યારે વરસાદનું પાણી તપી ગયેલી ધરતી પર પડે છે. ત્યારે એમાંથી વરાળ છૂટે છે. શરીરમાં પણ જળનો અમ્લવિપાક થવાથી જઠરાગ્નિ અત્યંત ક્ષીણ થઈ જાય છે. અને જેમ વાયુ વાય છે, વાદળાં ગાજે છે તેમ શરીરમાં પણ વાયુઓ કોપે છે. પરિણામે ઝાડા, મરડો, ખાંસી-દમ, વાતજ્વર, વગેરે રોગો થાય છે. આ જ રીતે પૃથ્વી આખી પાણીથી તર-બતર બને છે તેમ શરીરમાં પણ પાણી છૂટે છે. કફ કોપે છે, શરદી થાય છે, અંગ તૂટે છે. એ જ રીતે પિત્ત પણ કોપે છે ને ઊલટી, દાહ, અમ્લપિત્ત (એસીડીટી) થાય છે, માથું ભમે છે.
આ ત્રણે દોષો વાત, પિત્ત ને કફ ક્રમશ થાય તો એક એકનો ઈલાજ થાય, પરંતુ જો ત્રણે એક સાથે કોપે તો ત્રિદોષ થયો કહેવાય. ને તેમાથી પક્ષાઘાત થાય છે. પછી તેનો ઉપાય કરવો મુશ્કેલ બની જાય છે.
પરંતુ વર્ષાૠતુમાં આહારનું સંયોજન શાસ્ત્રમુજબ અપનાવવામાં આવે તો શરીરનું સ્વાસ્થ્ય જોખમાતું નથી.

આહાર :
વર્ષાૠતુમાં ભારે ખોરાક લેવો ન જોઈએ. અથવા તો જે લાંબે કાળે પચે એવો ખોરાક ન લેવો. વળી અપચો કરે, એવો આહાર પણ ન લેવો. જો એવો આહાર લેવામાં આવે તો ગેસ-ટ્રબલ, એસીડીટી, પેટ ફૂલવું, સાંધા દુખવા, દમ, ગાંઠિયો વા વગેરે રોગ થઈ શકે છે.
આ ૠતુમાં વાસી ખોરાક ન લેવો. તેમજ લૂખો (ઘી-તેલ વિનાનો, અસ્નિગ્ધ) ખોરાક પણ ન લેવો. પિત્ત વધારે એવા ગરમ પદાર્થનું પણ સેવન ન કરવું.
આ ચોમાસાના દિવસોમાં ગાયો-ભેંસો કાચું ઘાસ ખાતી હોવાથી એનું દૂધ દૂષિત રહે છે. માટે શ્રાવણ માસમાં દૂધ અને ભાદરવામાં છાસ પણ ન પીવી જોઈએ. એ જ રીતે શ્રાવણ માસમાં લીલાં પાંદવાળાં શાક-ભાજીનું સેવન પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
આ ૠતુમાં પથ્ય આહાર તો ફોતરીવાળા મગની દાળ છે. આ દાળમાં મસાલા પણ આયુર્વેદિક નાખવા કહ્યું છે - પંચકોલ અર્થાતû સૂંઠ, લીંડીપીંપર, ગંઠોડા, ચિત્રકમૂળ અને ચવ્ય આ પાંચેયનું સમભાગ ચૂર્ણ કરીને એક બાટલીમાં ભરી રાખવું. દાળ બનાવતી વખતે આનો ઉપયોગ એક-બે ચમચી કરી શકાય. આ મોસમમાં પુષ્ટિદાયક કેરી અને મકાઈના ડોડા ગણાય છે. તેમાં પણ મધ્ય ચોમાસે કેરી બગડી જાય છે તેથી ૠતુનું ફળ કેળાં, ભગવાન ઉપલબ્ધ કરી આપે છે. કૂણી દુધિયા મકાઈને શેકી લીંબુ-મરચું-નમક ભભરાવી આહારમાં લેવાય. મકાઈ સારી જ છે પણ જો તે પ્રમાણસર ખૂબ ચાવી-ચાવીને લેવાય તો. મકાઈ જમ્યા પછી તેના પર છાસ પીવામાં આવે તો તે હજમ થઈ જાય છે. વરસાદનું પાણી સીધું કદી ન પીવું. ભૂમિમાં ઊતરે પછી કૂવા કે બોરનું તે લઈ શકાય.
વર્ષાૠતુના અંતિમ દિવસોમાં ખૂñબ તાપ પડે છે. ભાદરવો (સપ્ટેમ્બર)માં પિત્તકારક પદાર્થ લેવાય નહિ. તેમજ તળેલા, તૈલી, ખાટા, ખારા, અને તીખાં તમતમતા આહાર લેવાથી સ્વાસ્થ્ય કથળે છે.
જેમ આગ લાગે ત્યારે વાયુ ભળે તો આગ વધે છે. પણ પાણી નાખવાથી તે હોલવાય છે, તેમ શરીરમાં પિત્તપ્રકોપ થાય ત્યારે વાયુકારક પદાર્થ સિંગ, ચણા, કઠોળ, અડદ, ગવારનું શાક, બટાટા વગેરે ખાવાથી તે પિત્તમાં વધારો કરે છે. પરંતુ જલીય તત્ત્વવાળા કફકારક પદાર્થો જેવા કે સાકર નાખેલું દૂધ, ખીર, કેળાં ખાવાથી તે શમે છે. આમ, પિંડ-બ્રહ્માંડની સમતા નજરમાં રાખીને આહારનું સંયોજન કરવામાં આવે તો વર્ષા ૠતુમાં સ્વાસ્થ્ય જળવાય છે.

ચાતુર્માસની વિશેષતા : વ્રત અને ઉપવાસ
ચાતુર્માસ દરમ્યાન કરાતાં વ્રત-ઉપવાસની વિશેષતામાં આધ્યાત્મિકતા સાથે સ્વાસ્થ્યને પણ સંપૂર્ણ રીતે લક્ષ્ય બનાવ્યું છે. વર્ષાૠતુમાં ભેજને કારણે સ્ફૂર્તિ ઓછી હોય, ઘણીવાર કામ વિના બેસી રહેવું પડે, આરોગ્ય અને પાચન માટે અતિજરૂરી તેજ તત્ત્વ(સૂર્યપ્રકાશ ને જઠરાગ્નિ)નો અભાવ હોય - આવાં કારણોથી આહારનિયમન ઘણું જરૂરી છે.
ચરકસંહિતામાં સૂત્રસ્થાનના છઠ્ઠા અધ્યાયમાં ચરક મુનિ ૠતુચર્યાનું વિવરણ કરતાં વર્ષાૠતુ માટે લખે છે : ‘वर्षास्वग्निबले क्षीणे कुप्यन्ति पवनादयः।’ અર્થાત્‌ વર્ષામાં પૃથ્વીની બાફ વગેરે કારણોથી શરીરના વાયુઓ કોપે છે. ને તે જ રીતે અગ્નિનું બળ મંદ થવાથી વાત-પિત્ત ને કફ ત્રણે દોષનો પ્રકોપ થાય છે. જેમ વસંતમાં કફ, શરદમાં પિત્ત, તેમ વર્ષામાં વાયુ મુખ્યપણે કોપે છે. ચરક મુનિ કહે છે : 'ચોમાસામાં ઘી અથવા પાણીયુક્ત સાથવો, દિવસની ઊંઘ, બરફ, નદીનું પાણી, કસરત, તડકો તથા મૈથુનનો ત્યાગ કરવો જોઈએ. દિવસની નિદ્રા ગ્રીષ્મ સિવાયની બધી ૠતુઓમાં કફ ને પિત્ત કોપાવે છે.'
હોજરીની કામ કરવાની પણ મર્યાદા હોય છે. અમુક વખતે ખાવામાં મર્યાદા ઓળંગાય છે ત્યારે કુદરત જ આપણને અનશનની પ્રેરણાનો સંકેત વિવિધ રીતે કરે છે. અરુચિ, અજીર્ણ, અમ્લપિત્ત વગેરેનો ઉપદ્રવ થાય છે. આ સીધી ચેતવણી છે કે હમણાં ખોરાક બંધ કરો.
એટલે જ ચાતુર્માસ એ ભક્તિનું પર્વ તો ખરું જ પણ શરીરયંત્રની મરામત-માવજતનું પણ પર્વ છે. માંદલા શરીરે ભક્તિમાં બરકત ન આવે. સ્વાસ્થ્ય જાળવવા 'પાણી પહેલા પાળ બાંધવી જોઈએ' એવો સંકેત આ વ્રતો પાછળ સમાયેલો છે. શાસ્ત્રોના આદેશ મુજબ દરેક હિંદુએ ચાતુર્માસમાં વ્રત-નિયમનું પાલન કરવું જોઈએ. શિક્ષાપત્રીભાષ્યમાં શતાનંદમુનિ કહે છે, મનુષ્યમાત્રે અમુક નિયમનું પાલન આજીવન કરવાનું હોય છે, જેમ કે મદ્ય, માંસ, કાંદા, લસણ, તમાકુનું વિવિધ સેવન વગેરેનો આજીવન ત્યાગ કરવો તેવી રીતે ચાતુર્માસ દરમ્યાન પણ અમુક અભક્ષ્ય વસ્તુનો ત્યાગ આવશ્યક છે. જેમ કે શાકમાં રીંગણાં, કંદમાં 'ગૃંજનમ્‌' અર્થાત્‌ શલગમ (સલગમ). (મિતાક્ષરા-યાજ્ઞવલ્કયસ્મૃતિ અનુસાર 'લશુનાનુકારિલોહિતસૂક્ષ્મકન્દમ્‌' કાંદા-લસણના આકાર જેવો રક્ત કંદ. અર્થાત્‌ ગાજર નહીં પરંતુ શલગમ) મૂળમાં શેરડી તથા મૂળા, ફળમાં તડબૂચ-કલિંગર ને આચારમાં બિલાં ને ઊમરાની ચટણી આ વસ્તુઓ ચાતુર્માસ દરમ્યાન ત્યાજ્ય ગણી છે.
ચારે માસમાં જુદા જુદા ખાદ્ય પદાર્થનો ત્યાગ પણ શરીરની તાસીર મુજબ અપનાવવાનો ઉલ્લેખ છે. જેમ કે અષાઢ-શ્રાવણમાં શાકનો, ભાદરવામાં દહીંનો, આસોમાં દૂધનો ને કારતકમાં દ્વિદલ ધાન્યનો ત્યાગ કરી શકાય. દ્વિદલ ધાન્ય એટલે અડદ, મસૂર, ચણા, કળથી, વાલ, મોટા અડદ, તુવેર, વટાણા, મગ વગેરે.
આ ઉપરાંત ચાતુર્માસ દરમ્યાન આમિષનો ત્યાગ કરવાનું વિધાન પરાશર વગેરે મુનિઓએ કરેલું છે. આમિષનો એક અર્થ 'માંસ' થાય છે. તેનો ત્યાગ તો આજીવન કરવાનો છે પણ અમુક દૂષિત અન્ન વગેરે દસ જેટલાં આમિષો કહ્યાં છે - ૧. વાળ પડ્યો હોય એવું ભોજન, ૨. ચામડાના પાત્રમાં રહેલું પાણી, ૩. બિયાંથી ભરપૂર ફળો જેવાં કે અંજીર, ફળ, કલિંગર, જમરૂખ, ઊદુંબર, ઠુમરો, પેપડી આદિ, ૪. મસૂરની દાળ, ૫. બ્રાહ્મણે ખરીદેલાં ઘી-તેલ-દૂધ-દહીં-મધ આદિ રસ. ૬. ભોજનમાં પ્રત્યક્ષપણે લવણનું ભક્ષણ. (મરચું, મરી, જીરું વગેરેમાં ભેળવેલું તથા રસોઈમાં નાખેલું નમક ખાવાનો બાધ નથી.) ૭. ગાળ્યા વગરનું પાણી. ૮. નમક નાખેલું દૂધ, ૯. ગાય, ભેંસ ને બકરીનાં દૂધ સિવાયનાં દૂધમાત્ર, ૧૦. ભગવાનને ધરાવ્યા વગરનું ભોજન - 'એતદ્‌ વર્જ્યં સદા પ્રાજ્ઞૈશ્ચાતુર્માસ્યે વિશેષતઃ।' આટલું પ્રાજ્ઞ પુરુષોએ સદાને માટે છોડી દેવું તો ચાતુર્માસમાં તો લેવાય જ કેમ ? ચાતુર્માસનાં વ્રતોમાં કહેવાયેલી બાબતો સ્વાસ્થ્ય રક્ષા માટે કેટલી સુસંગત અને અનુભવગમ્ય છે !
જેઓ વર્ષાકાળે જ સાવધાન રહ્યા હોય તેઓને પિત્તનો પ્રકોપ શરદ ૠતુમાં ન થાય. ચાતુર્માસના વ્રત દ્વારા વાયુ નિયંત્રિત રહે ને સ્વાસ્થ્ય, તન અને મનનું જળવાઈ રહે. આમ, આ વ્રત-ઉપવાસ દ્વારા 'શતં જીવ શરદઃ'નો વેદધ્વનિ મનુષ્યની શરીરશુદ્ધિ ને આંતરશુદ્ધિનો નિર્દેશ કરે છે.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS