‘એમનાં ચરણ ધોઈને પીએ તો પણ ઓછું છે.’ - પરમ ભગવદીય શ્રી હર્ષદભાઈ માટે યોગીજી મહારાજે એક પ્રસંગે ઉચ્ચારેલા આ શબ્દોમાં નથી મહિમાનો અતિરેક કે નથી ખુશામતીનો ભાવ. તેમાં છે કેવળ તેમની ઉચ્ચ સ્થિતિ અને તેમણે આજીવન હરેક ક્ષેત્રમાં કરેલી અપૂર્વ સેવાની મુલવણી! અને આવા ગુણાતીત સત્પુરુષ જ્યારે કોઈની સેવાને આ હદે મૂલવે ત્યારે જીવન ધન્ય બને છે.
એમનું આખું નામ હર્ષદરાય ત્રિભોવનદાસ દવે.
સપ્રમાણ શરીર, મધ્યમ ઊંચાઈ, ગૌરવર્ણ, શ્યામ ઝાંયનાં ચશ્માં, શ્વેત ધોતિયું, ઝભ્ભો અને અણિયાળી ટોપી; એક હાથમાં કોઈ કાગળ, ફાઇલ કે પુસ્તક; અને સ્ફુર્તિલી ચાલ સાથે સભા કે મંદિરમાં પ્રવેશતા, સૌના ‘જય સ્વામિનારાયણ’ ઝીલતા શ્રી હર્ષદરાય દવેને કોઈ પહેલીવાર મળે અને કાયમી તેમનો એક પ્રભાવ હૈયે છવાઈ જાય. તેમનો ધ્યાનમંત્ર હતો : ‘અક્ષરપુરુષોત્તમ ઉપાસના દૃઢ કરો ને કરાવો.’ બસ આ જ ધ્યેયની સિદ્ધિ માટે તેમણે જીવન સમર્પી દીધું. ‘આજીવન ૠષિ’ સમ જીવન જીવ્યા. તેમનું સમર્પણ એવું સંપૂર્ણ હતું કે સૌને શ્રીજીમહારાજના સમયના દાદાખાચર જેવા ભક્તોની સ્મૃતિ સહેજે થાય.
સન 1913માં 25 સપ્ટેમ્બરને દિવસે ભાવનગર પાસે ત્રાપજ પાસેના દિહોર ગામમાં હર્ષદરાયનો જન્મ થયો. માતા મણિબા અને પિતા ત્રિભોવનદાસ ભાઈશંકર દવે. સાત વર્ષની વયે માતાની છત્રછાયા ગુમાવી. ત્યારપછી એક વર્ષ ભાઈશંકરદાદાએ દિહોરમાં પોતાની પાસે રાખ્યા. તેઓ કહેતા કે એમણે આપેલા સંસ્કાર જ આજે ઉદય પામ્યા છે.
તેમને સ્વામિનારાયણીય સત્સંગના સંસ્કાર તો વારસામાં મળ્યા હતા, પણ કોલેજકાળ દરમ્યાન એ લુપ્ત થયા. શાળાનું શિક્ષણ પૂરું કરી શામળદાસ કૉલેજમાં એક વર્ષ ભણ્યા. પછી મુંબઈ આવી સીડનહામ કૉલેજમાંથી બી.કોમ. કર્યું.
યુવાન ઉંમરથી જ તેમનામાં ધગશ ને તરવરાટ. પહેલેથી સાહિત્યનો શોખ. તે વખતે પણ તેઓ તે વખતના પ્રસિદ્ધ સામયિકોમાં લેખો લખતા. સિનેમાની સ્ક્રિપ્ટ લખવાની પણ આગવી ફાવટ હતી. વળી, સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને રાજપુરુષ શ્રી કનૈયાલાલ મુનશીના અંગત સચિવ તરીકે કામ કર્યું. આથી તેમનો સાહિત્ય-રસ પોષાયો અને વહીવટી અનુભવ પણ મળ્યો. તે પછી તેમણે પોતાનો સ્વતંત્ર ધંધો ટાઇલ્સનું કારખાનું નાખી શરૂ કર્યો. અને એ દરમ્યાન સન 1939માં બ્રહ્મસ્વરૂપ સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજના યોગમાં આવતાં જ પૂર્વના સંસ્કારો જાગ્રત થયા. હર્ષદભાઈના અન્ય ત્રણેય ભાઈઓ - શ્રી મહિપતરાય, શ્રી નાનુભાઈ, શ્રી ભગવતરાય અને તેમનાં સંતાનો સહિત સૌ પણ સત્સંગના રંગે રંગાઈ ગયાં.
શાસ્ત્રીજી મહારાજનો યોગ થતાં જ હર્ષદરાયને જાણે સાચો રાહબર મળી ગયો. જીવનની દિશા પલટાઈ. તેઓ હવે સંતોનાં ચરણોમાં બેસી શાસ્ત્રોનાં ગહન રહસ્યોનો તાગ મેળવવા મંડ્યા. નિર્ગુણદાસ સ્વામી જેવાને તો આવા બુદ્ધિશાળી અને ભણેલા ભક્ત મળતાં જાણે કોઈ પારસમણિ મળી ગયો. તેમની પાસેથી હર્ષદભાઈએ અક્ષરપુરુષોત્તમના સિદ્ધાંતો રાતની રાત જાગી આત્મસાત્ કરી લીધા. શાસ્ત્રીજી મહારાજે તો એમનું હીર પારખી લીધું અને તેમને સત્સંગ-જ્ઞાનનાં પીયૂષ પાયાં. તેઓએ હર્ષદરાયની મુમુક્ષુતા, ધગશ અને શ્રદ્ધા પર વારી જઈ રાતદિવસ તેમને જ્ઞાનની ગહન વાતો કરી અને જ્ઞાનના સૂક્ષ્મ મર્મો સમજાવી દીધા. હર્ષદભાઈ કહેતા : ‘હું જ્યારે શાસ્ત્રીજી મહારાજ પાસે જાઉં ત્યારે રાત્રે તેમની પથારી પાસે બેસારે, ને શ્રીજીના સિદ્ધાંતની અસંખ્ય વાતો કરે, ભગતજી મહારાજના પ્રસંગો કહે. શાસ્ત્રીજી મહારાજે મને આશરે સો વખત ભગતજી મહારાજનું સંપૂર્ણ આખ્યાન કહ્યું છે.’ નિર્ગુણદાસ સ્વામી, યોગીજી મહારાજ, અક્ષરપુરુષ સ્વામી, અક્ષરપુરુષોત્તમ સ્વામી, મહાનત સ્વામી, વાસુદેવ સ્વામી, ભક્તિવલ્લભ સ્વામી, સંતવલ્લભ સ્વામી આદિ સૌ સંતો પણ અનેક માતા એક પુત્ર પર વહાલ વરસાવે તેમ હર્ષદરાયને ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતો સમજાવતા. પરિણામે સત્સંગની સર્વદેશીય સમજણ દ્વારા તેમનું સર્વાંગ સુંદર ઘડતર થયું. શાસ્ત્રીજી મહારાજ સાથે તો એક ગજબનો આત્મીય ભાવ થઈ ગયો. શાસ્ત્રીજી મહારાજ એ જ તેમનું જીવન બની ગયું હતું ! ઘણી વખત શાસ્ત્રીજી મહારાજને કોઈ વાત નિર્ગુણદાસ સ્વામીને કહેવડાવવી હોય તો હર્ષદભાઈ દ્વારા કહેવડાવતા. શાસ્ત્રીજી મહારાજ જ્યાં હોય ત્યાં કે તેમના સાંનિધ્યમાં ઠેર ઠેર યોજાતા પારાયણ-સમૈયાઓમાં હર્ષદભાઈ પહોંચી જાય. સમૈયા-ઉત્સવોમાં શાસ્ત્રીજી મહારાજ તેમને પ્રસન્નતાપૂર્વક પ્રવચન કરવાની આજ્ઞા કરે અને હર્ષદભાઈના પ્રવચનથી રાજી થાય. સત્સંગ થયા પછી સતત બાર વર્ષ સુધી તેમણે શાસ્ત્રીજી મહારાજને યથાર્થ સેવીને તેમને ખૂબ પ્રસન્ન કર્યા.
શાસ્ત્રીજી મહારાજ અને નિર્ગુણદાસ સ્વામીના સ્વધામગમન બાદ સત્સંગનો ભાર યોગીજી મહારાજને શિરે આવ્યો. તેમણે અક્ષરપુરુષોત્તમના તત્ત્વજ્ઞાનનો દેશ-વિદેશમાં વેગથી પ્રસાર કરવાનો સંકલ્પ કર્યો. આ માટે તેમની દૃષ્ટિ શ્રી હર્ષદભાઈ પર ઠરી. 1954માં અટલાદરામાં શ્રી હર્ષદભાઈને ગંભીર માંદગી થઈ અને બચવાની કોઈ આશા ન રહી. સ્વામીશ્રી યોગીજી મહારાજના આશીર્વાદથી તેઓ એ માંદગીમાંથી ઊગરી ગયા. તે પછી યોગીજી મહારાજે તેમને તેમનું શેષ જીવન સત્સંગની સેવામાં સમર્પિત કરવાની આજ્ઞા કરી. જામેલો ધંધો અને આવક છોડી આ આજ્ઞા પાળવી દુષ્કર હતી, પણ તેમણે તે સહર્ષ સ્વીકારી. યોગીજી મહારાજ પણ તેમના આ નિર્ણયથી ખૂબ જ રાજી થયા અને તેમને અંતરના આશીર્વાદ આપ્યા. પછી તેઓ પોતાનો વ્યવહાર તદ્દન ગૌણ કરી આ સંસ્થાની સેવામાં જોડાઈ ગયા. સ્વામીશ્રીની સાથે સત્સંગ પ્રસાર અર્થે વિચરણ કરવું, સમૈયાઓનું આયોજન કરવું, સંસ્થાનાં વહીવટી કામો અંગે અધિકારીઓને મળવું, તેમને સંસ્થાના મહાન ઉદ્દેશો સમજાવવા, ગામોગામ અને દેશ-વિદેશ ફરી સંપ્રદાયમાં શુદ્ધ સમજણ ફેલાવવી ને પ્રગટ સત્પુરુષનો મહિમા કહેવો અને સાથે-સાથે ઊંડું સંશોધન કરી સંપ્રદાયનું અપ્રગટ સાહિત્ય બહાર લાવવું અને બીજા મૌલિક સાહિત્યનું સર્જન કરવું - આ તેમનું મુખ્ય કાર્યક્ષેત્ર બન્યું.
1950ના દાયકામાં હર્ષદભાઈ અને તેમનું સમગ્ર ઘર મુંબઈમાં સત્સંગની ધૂણીથી ધખવા લાગ્યું. માટુંગામાં તેમનું નાનું અમથું ઘર સાધુસંતોથી ભરાઈ જતું. સંતો પધરામણીએ આવે, ક્યારેક ભોજન માટે આવ્યા હોય તો ક્યારેક બે-ત્રણ દિવસનો નિવાસ પણ હોય. ત્યારે હર્ષદભાઈના પત્ની અને નાનાં બાળકો તેમનાં કોઈ સ્નેહી-સ્વજનોને ત્યાં ગોઠવાઈ જાય. હર્ષદભાઈ પોતાની અગવડ-સગવડતાની વાત જણાવા ન દે અને પ્રેમે સંતોની સેવા-સંભાવના કરે. સંતો-ભક્તોને ભાવપૂર્વક જમાડવામાં પણ તેઓ બહુ જ કુશળ. દેશકાળ-પરિસ્થિતિ તે વખતે ભુલાઈ જતાં. નિર્ગુણદાસ સ્વામી કે યોગીજી મહારાજ પધાર્યા હોય એટલે હર્ષદભાઈ એટલા દિવસોની રજા લઈ લે અને તેમની સાથે જ ફરે.
એ અરસામાં યોગીજી મહારાજે આર્ષદૃષ્ટિથી ભવિષ્યના સત્સંગની ખિલવણી માટે યુવાનો પર મીટ માંડી હતી. આથી હર્ષદભાઈને તેમણે આજ્ઞા કરી હતી કે યુવકોને સાધુતાનો મહિમા, સત્સંગનો મહિમા, તત્ત્વજ્ઞાન સંબંધી જ્ઞાનની દૃઢતા કરાવવી. તે મુજબ બ્રાહ્મમુહૂર્તથી કથાવાર્તા થાય. તેમના ઘરે યુવકોના ધામા નંખાતા. ડૉ. રમણભાઈ પટેલ, રણછોડભાઈ પટેલ, નારાયણભાઈ પટણી, અનુપમભાઈ રાઠોડ, નિરંજનભાઈ દવે, કિશોરભાઈ, રમેશભાઈ, મધુભાઈ જસાણી વગેરે યુવકો સવારના છ વાગે તેમના ઘેર પહોંચી જતા. કલાકો સુધી સત્સંગ કથા-વાર્તા ચાલે. અને ૠષિકુળના આશ્રમ જેવું વાતાવરણ સર્જાય. યુવકોને વહેલું-મોડું થાય તો ભોજન પણ હર્ષદભાઈની સાથે જ લે. રાત્રે પણ કથાવાર્તા થાય. બ્રહ્માનંદ રેલાતો. ઘરના સત્સંગમય વાતાવરણમાં સૌને નૈમિષારણ્ય આશ્રમ જેવો અનુભવ થતો.
સાહિત્યપ્રેમ અને વિદ્યાવ્યાસંગતાની સાથે સત્સંગરંગ ભળતાં એક અદ્ભુત ત્રિવેણી સંગમ રચાયો હતો, જેના પરિણામે સંપ્રદાયને તેમની પાસેથી વિપુલ પ્રદાન મળ્યું. હર્ષદભાઈનું સાહિત્ય ક્ષેત્રે પ્રદાન અદ્વિતીય રહ્યું છે. દેશવિદેશમાં સત્સંગ માટે વિવિધ ભાષાઓમાં આપણું સાહિત્ય હોવું જોઈએ એ તેમની દૃઢ માન્યતા હતી. એ માન્યતા મુજબ તેમણે વિપુલ સાહિત્ય રચીને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક અદ્વિતીય પ્રદાન આપ્યું છે. તેમણે સર્જેલા ગ્રંથો દ્વારા તેમની સર્જક તરીકેની, ઇતિહાસકાર તરીકેની, ચરિત્ર-આલેખક તરીકેની, સમાજ-સંસ્કૃતિના અભ્યાસી તરીકેની ને અધ્યાત્મજ્ઞાની તત્ત્વચિંતક તરીકેની અદ્વિતીય પ્રતિભાનાં દર્શન થાય છે.
તેમણે સન 1940થી ‘સ્વામિનારાયણ પ્રકાશ’માં વિદ્વત્તાસભર લેખોની શ્રેણી શરૂ કરી હતી. સન 1954-’55માં ‘તીર્થયાત્રા : ભારતીય સંસ્કૃતિનું દિગ્દર્શન’ અને પાછળથી ‘તીર્થજ્યોતિ-તીર્થામૃત’ નામનું પુસ્તક, બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ સાથેની યાત્રા-પ્રવાસ વિષયક તેમણે લખ્યું. આ ગ્રંથ સાથે જ તેમનામાં રહેલ સત્સંગ-સાહિત્યના અજોડ સાહિત્ય સર્જકનો સૌને પ્રથમ પરિચય થયો. ત્યારબાદ યોગીજી મહારાજની આજ્ઞાથી તેમણે બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજનું અદ્ભુત વિસ્તૃત જીવનચરિત્ર લખીને સાહિત્ય આરાધના શરૂ કરી. તેમની શૈલી સરળ, રોચક અને લોકભોગ્ય છે. જીવનચરિત્રોનાં આલેખન એવાં તો સુંદર કે એક વખત પુસ્તક હાથમાં લીધા પછી મૂકવું જ ન ગમે.
ભગવાન સ્વામિનારાયણનું વિસ્તૃત જીવનચરિત્ર(5 ભાગ), અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનું વિસ્તૃત જીવનચરિત્ર (2 ભાગ), બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્તનું વિસ્તૃત જીવનચરિત્ર, બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનું વિસ્તૃત જીવનચરિત્ર (2 ભાગ), કેવળ આટલા ગ્રંથો ગણીએ તોયે લગભગ 6,000 પૃષ્ઠોમાં, 16,20,000થી વધુ શબ્દોથી તેમણે ગુરુદેવનાં ચરણોમાં ભક્તિભર્યાં પુષ્પો સમર્પ્યાં છે. અનેક નાની પુસ્તિકાઓ, અંગ્રેજી પુસ્તકો અને છૂટક લેખો તો જુદા ! વર્ષો સુધી એમની કલમે ‘સ્વામિનારાયણ પ્રકાશ’માં વિદ્વત્તાસભર મનનીય લેખોની હારમાળા ‘સ્વામિનારાયણ પ્રકાશ’ને સમૃદ્ધ બનાવતી રહી હતી. ‘સ્વામિનારાયણ પ્રકાશ’માં તેમણે અભ્યાસપૂર્ણ લેખમાળા ‘યદક્ષરં વેદવિદો વદન્તિ’ શરૂ કરી અને એમ લાગતું હતું કે આ ગતિએ તો લેખમાળા પ્રકાશિત થતાં બે વર્ષ થશે, પરંતુ એમણે બે-ત્રણ મહિનામાં જ આખું પુસ્તક પૂરું કરી દીધું ! સૌથી વિશેષ તો ભગવાન સ્વામિનારાયણનું વિસ્તૃત અને પ્રમાણભૂત જીવનચરિત્ર અત્યંત શ્રમ લઈ, ઊંડું સંશોધન કરી પાંચ વિશાળ ગ્રંથો રૂપે લખ્યું, એ એમનું અદ્વિતીય પ્રદાન. ભગવાન સ્વામિનારાયણના જીવન અને તત્ત્વજ્ઞાન વિષેનું પુસ્તક Life & Philosophy of Lord Swaminarayan તો વિશ્વભરના તત્ત્વજ્ઞોમાં આદર પામ્યું. ભગવાન સ્વામિનારાયણની પરાવાણી વચનામૃતનું અંગ્રેજીમાં શબ્દશઃ ભાષાંતર કરવું પણ અઘરું છે પણ તેમણે તો વચનામૃતનું ભાષાંતર ભાવાર્થ સાથે કર્યું !
સંપ્રદાયના આ અજોડ સાહિત્યની અદ્વિતીય સેવા પાછળ તેમનુું તપ હતું, તેમનું સમર્પણ હતું, તેમની અનન્ય નિષ્ઠા અને ભક્તિ હતી. સત્સંગ સાહિત્યમાં તેમનું પ્રદાન વિપુલ હતું છતાં એનું અભિમાન તેમને સ્પર્શ્યું ન હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના તત્ત્વજ્ઞાનના પ્રખર પ્રવકતા ગણાય એવું ઊંડું જ્ઞાન, છતાં નાનામાં નાના પાસેથી શીખવાની વૃત્તિ હંમેશાં રાખતા.
સાહિત્યની આરાધના કરતાં પળે પળે તેમને સાક્ષાત્ ભગવાન શ્રી સ્વામિનારાયણની સહાયતાનો અનુભવ થતો. શબ્દો, સંદર્ભો મળી જતા, પ્રશ્નો ઉકેલાઈ જતા. તેઓ ગ્રંથો લખતા ત્યારે સંદર્ભો મેળવવાની પણ એટલી જ ચીવટ. ગીતા, ભાગવત, ઉપનિષદ ઇત્યાદિ વિવિધ પુસ્તકો પાસે રાખે. કોઈક સંદર્ભ શોધવો હોય ત્યારે પુસ્તક ખોલે કે તરત જ એ પૃષ્ઠ આવીને ઊભું રહે. તેઓ સાથે સેવા કરતા સત્યપ્રિયદાસ સ્વામી વગેરે સંતોને કહેતા : ‘જુઓ, શ્રીજીમહારાજ જ બતાવી ગયા, નહીંતર આવડા મોટા ભાગવતમાં શોધવા બેસીએ તો આ શ્લોક એમ જલદી થોડો મળવાનો હતો?’ ભગતજી મહારાજના જીવનચરિત્રનું લેખનકાર્ય તેમણે પૂરું કર્યું તે જ દિવસે બપોરે જાગ્રતમાં શ્રીજી મહારાજે તેમને ભગતજી મહારાજનો સાક્ષાત્કાર થયો તેનું પ્રત્યક્ષ દર્શન કરાવ્યું હતું. જે દ્વારા શ્રીજીમહારાજ, ગુણાતીતાનંદ સ્વામી અને ભગતજી મહારાજનાં તેમને જાગ્રતમાં દિવ્ય દર્શન થયાં હતાં.
વિવેકસાગરદાસ સ્વામી લખે છે : ‘તેમણે ગુજરાતી અને અંગ્રેજીમાં સંપ્રદાયમાં જે પુસ્તકો લખ્યાં છે, તે જોતાં તેમને સંપ્રદાયના ‘વ્યાસ’ની ઉપમા આપી શકાય.’
સાહિત્યપ્રચાર માટે જ તેમણે શ્રી સ્વામિનારાયણ સત્સંગ યુનિવર્સલ સોસાયટીની સ્થાપના કરી અને તે દ્વારા થોડાં પુસ્તકોનું પ્રકાશન પણ થયું. ઘણા સંતો લખતા થયા. કેટલોક વિરોધ થતાં સંપ્રદાયમાં વિચ્છેદ ન થાય તે હેતુથી યોગીજી મહારાજે સોસાયટી બંધ કરવા આજ્ઞા કરી. તેમણે જરા પણ અચકાયા વગર આ આજ્ઞા માથે ચડાવી.
સંપ્રદાયનાં સામયિકો સર્વાંગ સુંદર બને એ માટે તેઓ સતત ઉત્સાહથી થનગનતા હતા. સન 1976માં પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદથી સંપ્રદાયના પ્રથમ અંગ્રેજી સામયિક 'Swaminarayan Bliss'ની શરૂઆત કરી ત્યારથી તેઓ તેની પ્રગતિમાં અત્યંત રસ લેતા. પૂર્ણ પાઠ કરી, સૂચન કરી, સારાને બિરદાવવાનું ચૂકે જ નહીં અને ક્ષતિઓને બે વાત સારી કહી, હળવાશથી રજૂ કરે. તેઓ સૂચન સાથે એક વાત રજૂ કરતા : ‘આ તત્ત્વજ્ઞાન સર્વોપરિ છે. તેને વિશ્વ સમક્ષ મૂકવું છે. તેથી ‘સ્વામિનારાયણ બ્લિસ’ સર્વોપરિ થવું જોઈએ.’ એ જ રીતે સંપ્રદાયના પ્રથમ મહિલા સામયિક ‘પ્રેમવતી’માં પણ એમનું માર્ગદર્શન અમૂલ્ય રહેતું.
શ્રી હર્ષદભાઈને જેવું લેખનમાં પ્રભુત્વ તેવું જ સહજ પ્રભુત્વ વક્તવ્યમાં ! ગંગાના પ્રવાહ જેવી એમની વાણી. સ્પષ્ટ, સુમધુર અને રોચક શૈલી. તર્કબદ્ધ દલીલ અને ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતો પર અદ્ભુત પ્રભુત્વ. કલાકો સુધી સાંભળવા છતાં થાકીએ જ નહીં એવાં તેમનાં પ્રવચનો સાંભળવા એ એક લહાવો હતો. તેમનાં પ્રવચનો અને વચનામૃતનાં નિરૂપણો સાંભળતાં લોકો ધરાતા નહીં. સભામાં તેઓ પ્રવચન કરવા ઊઠે અને તેમનું સત્ત્વ-ગતિશીલ પ્રવચન સાંભળતાં જ તેમના અસ્ખલિત વાણી પ્રવાહની સાથે અતીતમાં આપણે ખોવાઈ જઈએ.
જાણીતા ગીતાજ્ઞાન પ્રવર્તક શ્રી પાંડુરંગ આઠવલેજી કહે છે : ‘શ્રી હર્ષદભાઈની વાણીમાં મોહકતા, પ્રસન્નતા અને સૌજન્ય ઠસોઠસ ભરાયેલાં હતાં. એમની બોલવાની પદ્ધતિ અતિશય પ્રેમાળ હતી. વિવિધ વૃત્તિના, વિવિધ વિચારના લાખો લોકો મારા સંપર્કમાં આવે છે, પરંતુ એમના જેવી પ્રેમાળ વાણી વાપરવાવાળા બહુ જ ઓછા મળે છે. પ્રભુ આવું જીવન જીવનાર લોકોને વારંવાર આ ભૂમિ પર મોકલતા રહો એવી પ્રાર્થના કરું છું અને શ્રી હર્ષદભાઈને વંદન કરું છું. ’