બ્રાહ્મી સ્થિતિ યોગ
અધ્યાય - ૨
આપણાં દુઃખોનો અંત કેમ આવતો નથી? શાશ્વત સુખની અનુભૂતિ કેમ થતી નથી?
જવાબ છે - કેટલીક પાયાની સમજણોની દરિદ્રતા.
જે ખરેખર સમજવા જેવું છે તે બાબતનું જ અજ્ઞાન હજુ આપણામાં ઘર કરી બેઠું છે. જેમ કે નશ્વરતા અને શાશ્વતતાનો ભેદ સમજાતો નથી. આદિ અને અનાદિનો વિવેક સમજાતો નથી કે પછી સાન્ત અને અનંતને પારખી શકાતાં નથી.
જેટલું કાંઈ જાણીએ છીએ તેમાં પણ ઘણું ખરું તો અધૂરું જ્ઞાન જ હોય છે. સરખી રીતે અને પૂરે પૂરું સમજતા નથી. સામાન્ય માહિતી મેળવીને સંપૂર્ણ-જ્ઞાની થયાનો અભિનિવેષ થઈ જાય છે. સંપૂર્ણ-જ્ઞાની થવા સુધીની ધીરજ પણ રહેતી નથી.
આ તો ઠીક પરંતુ કેટલુંક તો વળી અવળું જ્ઞાન જ સવળું સમજાઈ ગયું હોય છે. જેમ કે અનાત્માને આત્મા માની બેઠા છીએ. દુઃખદાયી જ સુખદાયી લાગવા મંડ્યું છે. સાચા સુખના પ્રદેશો સાવ અજાણ્યા થઈ ગયા છે. અસ્થિરમાં અનુરાગ થઈ ગયો છે. હવે તેમાં જ સ્થિર થઈ જવાની ઇચ્છા રહ્યા કરે છે. નાશવંતને શાશ્વત માની લીધું છે. અને જે શાશ્વત છે તેની શાશ્વતતા બુદ્ધિમાં બેસતી નથી. દેહનું સુખ બુદ્ધિમાં બેસે છે. તર્કથી પેલે પાર જવાતું નથી. જઈ ન શકાય એવું પાછુ _ દૃઢપણે ઠસી ગયું છે. પરિણામે દેહમાં રચ્યા-પચ્યા રહીએ છીએ. રહેવાનું ફાવી ગયું છે. હવે તેમાંથી નીકળવું ગમતું નથી. નીકળવાનો જાણે વિચાર પણ નથી. દેહના નશ્વરપણાની વાતો નિરર્થક લાગે છે.
આમ આપણું અજ્ઞાન, આપણું અપૂર્ણ જ્ઞાન અને આપણું અવળું જ્ઞાન જ આપણાં દુઃખોનાં મૂળ બની રહ્યાં છે તે ખ્યાલમાં આવતું નથી અને પાછા કહેતાં ફરીએ છીએ કે મારાં દુઃખોનો અંત જ આવતો નથી. મારે તો ઉપાધિઓનાં વાદળ ફાટ્યાં છે! આ આપણી વર્તમાન સમસ્યાઓ છે. આમ છતાં આ સમસ્યાઓ શાશ્વત નથી. તેને ટાળી શકાય છે એ વાત પણ એટલી જ હકીકત છે. ભગવદ્-ગીતાનાં હવેનાં ઉપદેશવાક્યોનું ચિંતન કરવાથી તે અનુભવાશે.
સાંખ્યજ્ઞાન
‘क्लैब्यं मा स्म गमः पार्थ’ હે પાર્થ! તું કાયરતાને ન પામીશ. (ગીતા ૨/૩) એમ સર્વપ્રથમ પાર્થને પાર્થસારથિએ હિંમતનું ઓસડ પાયું હતું. પરંતુ સમજણ વિના એકલી હિંમતની વાતોથી કાંઈ જંગ જીતી ન જવાય. સમજણથી પરિપક્વ થયેલી બુદ્ધિથી જ હિંમતમાં પોતાનો પ્રભાવ પાથરવાનું સાચું કૌવત પ્રગટે છે. એટલે અધ્યાત્મના મોરચાઓ સર કરવા કેટલાક જરૂરી પાયાના સિદ્ધાંતોની સમજ શ્રીકૃષ્ણ હવે આપવાના છે.
આ સમજણને અહીં સાંખ્યજ્ઞાન તરીકે ઓળખાવી છે. સાંખ્ય એટલે સાચું અને સંપૂર્ણ જ્ઞાન. અહીં અર્જુન સમક્ષ આત્મા અને અનાત્માના યથાર્થ પ્રકાશન દ્વારા સાંખ્યજ્ઞાનની અભિવ્યક્તિ થઈ છે.
દેહ-આત્માની વિક્તિ
'તું કોણ છે?' એક બાળકને સ્વામિનારાયણ ભગવાને પૂછ્યું.
'હરિજન.' જ્ઞાતિએ હરિજન હોઈ બાળકે જવાબ આપ્યો.
'ના, તું હરિજન નથી, તું તો આત્મા છે. માટે બોલ, હું આત્મા છુ.' મહારાજે સાચી ઓળખ સમજાવી.
બાળક બોલ્યો, 'હું આત્મા છુ.'
મહારાજ પ્રસન્ન થયા. છતાં ખાતરી કરવા પૂછ્યું, 'બોલ, તું કોણ છે?'
'હરિજન.'
મહારાજ કહે, 'ના, હરિજન નહીં, તું તો આત્મા છે. માટે બોલ હું આત્મા છુ.'
બાળક તેમ બોલ્યો.
'હવે બોલ, તું કોણ છે?' મહારાજે પૂછ્યું.
જવાબ આવ્યો - 'હરિજન.'
પછી તો મહારાજે સો વખત તે બાળક પાસે બોલાવડાવ્યું કે હું આત્મા છુ. બાળકને પણ હવે આ વાક્ય ગોખાઈ ગયું હતું. અંતે મહારાજે પૂછ્યું, 'હવે બોલ, તું કોણ છે?' ત્યારે બાળક કહે, 'મહારાજ! આપ કહો છો એટલે કહું છુ કે હું આત્મા છુ, પણ હકીકતમાં છુ તો હરિજન જ.'
બસ, દેહાત્મભાવનું આ પરિણામ છે.
ઘરમાં રહેનાર ઘરથી જુદો છે એ સમજાવવું નથી પડતું. રથ અને રથના માલિકને કોઈ એક ન કહે. પંખીડાં અને પીંજરાંની જુદાઈ પ્રસિદ્ધ છે. એવું જ આ દેહ અને આત્માનું છે. પણ એ સમજવું અઘરું પડી જાય છે. કેમ? કારણ છે આ દેહાત્મભાવ.
દેહાત્મભાવ અજ્ઞાનોનો રાજા છે. આ દેહ તે જ આત્મા છે, એમ શરીરને જ આત્મા સમજી બેસવું એને દેહાત્મભાવ કહેવાય. ઘરમાં રહેનારો પોતાને ઘર માનવા લાગે એવું આ ગાંડપણ છે. પંખીડું પોતાને પીંજરું માને એવી આ કરુણતા છે. આને જ વિપરીત ભાવના થઈ કહેવાય. અનાદિ કાળથી આ વિપરીત ભાવનાએ આપણી ઉપર એવી તો જડબેસલાક સત્તા જમાવી દીધી છે કે હવે તેની ગુલામી સિવાય બીજો કોઈ વિચાર જ નથી આવતો.
અને એટલે જ હવે આજની આપણી તાતી જરૂરિયાત છે - સત્તાપરિવર્તનની. હવે શૂરવીર થયા વગર નહીં ચાલે. દેહભાવની સત્તાને ફંગોળી દઈ આત્મજ્ઞાનનો રાજ્યાભિષેક કર્યા વગર છૂટકો નથી. એમાં કંગાલિયત કે કાયરતા ન પોસાય. ગીતામાંથી આ આત્મજ્ઞાનની રાજનીતિ સરળતાથી શીખવા મળે છે.
અર્જુન આમ તો શૂરવીર છે, પરંતુ દેહભાવમાંથી જન્મેલી કાયરતાએ તેની પર આક્રમણ કર્યું છે. તેથી પાછો પડ્યો છે, મૂંઝાયો છે. એટલે શ્રીકૃષ્ણ ભગવાન હવે તેને આત્મસત્તાને સ્થાપિત કરવાની રાજનીતિ ભણાવે છે. તેમાં સૌપ્રથમ દેહ અને આત્મા પરસ્પર એક બીજાથી સ્વરૂપ-સ્વભાવે જુદા જ છે એ સિદ્ધાંતને સુંદર દાખલાઓ આપીને અહીં સમજાવે છે.
શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું -
'देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा।
तथा देहान्तरप्राप्तिर्घीरस्तत्र न मुह्यति॥'
અર્થાત્ 'જેમ દેહના અધિષ્ઠાતા એવા આત્માને આ દેહમાં કૌમારાવસ્થા, યુવાની કે પછી ઘડપણ પ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણે બીજા દેહની પ્રાપ્તિ થાય છે. એ બાબતમાં ધીર પુરુષ મોહિત થતો નથી.' (ગીતા ૨/૧૩)
અહીં 'देहिनोऽस्मिन् यथा देहे' એમ દેહ અને દેહીનો સ્પષ્ટ નિર્દેશ કર્યો છે. તેથી દેહ અને આત્મા પરસ્પર એક બીજાથી જુદા છે એ સાબિત થાય છે. દેહો તો બદલાયા કરે, આત્મા ક્યારેય બદલાતો નથી. પુનર્જન્મના સિદ્ધાંતનો ઉપયોગ કરી આ જુદાપણું અહીં સમજાવ્યું છે. દૃષ્ટાંત આપણા શરીરમાં બદલાતી અવસ્થાઓનું જ આપ્યું. શરીરનો જન્મ થાય અને અવસ્થાઓની ઉદય-અસ્ત ઘટમાળ આરંભાય. બાળ અવસ્થા ઊગે ને ધીમે ધીમે યુવાની આવતાં અસ્ત પામે. યુવાનીનો ઉદય થાય. ખબરેય ન પડે ને યુવાનીનો તપતો સૂર્ય પણ ઘડપણ આવતાં પોતાનું તેજ સંકેલી ઢળી જાય. અંતે ઘડપણને ગળતું સ્વયં મૃત્યુ ઊગી નીકળે. અને પછી આ પરિવર્તનનું ચક્ર ચાલ્યા કરે. પરિવર્તનના આ ચક્રમાં આત્મસ્વરૂપમાં કોઈ પરિવર્તન નથી. પુનર્જન્મ થતાં નવો આત્મા જન્મતો નથી પણ પૂર્વશરીરમાં રહેલો આત્મા જ નવું શરીર પ્રાપ્ત કરે.
માટે હે અર્જુન! જેટલી સાહજિકતાથી આ બાળ-યૌવન કે ઘડપણ જેવી બદલાતી અવસ્થાઓને આપણે આ દેહમાં પ્રાપ્ત કરીએ છીએ, પુનર્જન્મ એટલો સાહજિક છે. તેથી તું વીર તો છે જ, પણ હવે ધીર થા. યુદ્ધમાં તારી સામે ઊભેલા આ તારા સંબંધીઓના દેહોને પડતાં જોઈને તું શોક ન કર. એમ શ્રીકૃષ્ણનું કહેવાનું તાત્પર્ય છે.
હવે બીજો દાખલો આપી સમજાવે છે -
'वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि।
तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देही॥'
અર્થાત્ જેમ મનુષ્ય જીર્ણ વસ્ત્રોને ત્યજીને બીજાં નવાં વસ્ત્રો ગ્રહણ કરે છે, તેમ આ દેહી, કહેતાં દેહમાં રહેનારો આત્મા જૂનાં શરીરો ત્યજીને બીજાં નૂતન શરીરો ધારણ કરે છે. (ગીતા ૨/૨૨)
કપડાં દરરોજ પહેરીએ ને દરરોજ કાઢીએ એટલે તેનો જ દાખલો દઈ દીધો. કપડાં પહેરનાર કોઈ પોતાને કપડાં ન માને. જે માને તેને પાગલ કહેવાય. એમ આ શરીર તો કપડાં છે. અને આત્મા તો એ કપડાંથી જુદો, કપડાંનો પહેરનાર છે. એમ દેહ-આત્માનો વિવેક સમજાવ્યો.
વળી, શબ્દશાસ્ત્રની દૃષ્ટિએ પણ અહીંના શબ્દો વિચારવા જેવા છે. नरः અને देही આ બંને શબ્દો એકવચનમાં મૂક્યા છે. જ્યારે वासांसि અને शरीराणि આ બે શબ્દોને બહુવચન આપ્યું છે. આથી એક જ આત્મા અનેક જન્મોમાં જુદાં જુદાં અનેક શરીરો પ્રાપ્ત કરે છે એવું ફલિત થાય છે.
પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રીસ્વામિનારાયણ ભગવાને તેમનાં ઉપદેશવચનોમાં આ જ વાત કંઈક જુદા દૃષ્ટિકોણથી નિરૂપી છે. ગામ વસોના વિપ્ર વાલા ધ્રુવે શ્રીસ્વામિનારાયણ ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે, 'હે મહારાજ! દેહ અને દેહના સંબંધીને વિષે અહં-મમત્વપણાના ઘાટ થાય છે તે કેમ ટળે?' ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે - 'એ તો એ જીવને વિપરીત ભાવના થઈ છે જે પોતાને દેહથી પૃથક્ જે જીવાત્મા તે રૂપે નથી માનતો ને દેહરૂપે માને છે. અને એ જીવાત્માને વિષે દેહ તો કેવી રીતે વળગ્યો છે? તો જેમ કોઈક પુરુષ હોય તેણે દરજીને ઘેર જઈને ડગલો સિવડાવીને પહેર્યો, ત્યારે તે એમ માને જે, દરજી તે મારો બાપ છે ને દરજણ તે મારી મા છે. એમ જે માને તે મૂર્ખ કહેવાય. તેમ આ જીવને આ દેહરૂપ જે ડગલો તે ક્યારેક તો બ્રાહ્મણ ને બ્રાહ્મણી થકી ઉત્પન્ન થાય છે અને ક્યારેક તો નીચ જાતિમાંથી ઉત્પન્ન થાય છે તથા ચોરાશી લાખ જાતિ થકી દેહ ઉત્પન્ન થાય છે, તે દેહને વિષે પોતાપણું માને અને દેહનાં મા-બાપને પોતાનાં મા-બાપ માને તે મૂર્ખ કહેવાય...અને જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે ત્યાં સુધી એની સર્વે સમજણ વૃથા છે.' (વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ૪૪)