Essays Archives

મંદિરોનો ઉદગમ

‘Necessity is the mother of invention.’ જરૂરિયાત એ શોધની જનની છે. આ શાશ્વત સિદ્ધાંત છે. સમાજને જ્યારે શિક્ષણની જરૂર પડી ત્યારે ગુરુકુળો અને શાળાઓની વ્યવસ્થા શોધાઈ. સમાજને જ્યારે મનોરંજનની જરૂર પડી ત્યારે બાગબગીચા અને મનોરંજનનાં વિવિધ પ્રકારનાં સ્થાનો રચાયાં. સમાજને જ્યારે આરોગ્યની જરૂર પડી ત્યારે દવાખાનાંઓ બનાવ્યાં. સમાજને જ્યારે શાશ્વત શાંતિ અને જીવનને ઉચ્ચ ભૂમિકા ઉપર લઈ જાય તેવા સ્થાનની જરૂર લાગી, ત્યારે મંદિરોનું નિર્માણ થયું. આપણા ૠષિમુનિઓ આર્ષદ્રષ્ટા હતા. તેમણે વિચાર્યું કે સમાજના આધ્યાત્મિક અને સર્વાંગી ઉત્કર્ષ માટે બધી જ પ્રકારની આવશ્યકતાઓની પૂર્તિ મંદિર દ્વારા થઈ શકે છે.
મંદિર-નિર્માણની પ્રવૃત્તિ કેવી રીતે થઈ તે ઇતિહાસ જોઈએ.
સૃષ્ટિની શરૂઆતનો માનવ પ્રકૃતિ સાથે તાદાત્મ્ય અનુભવતો. ઘરમાં કે અન્ય સ્થળે નવરાશની પળોમાં તે વિચારતો કે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ આ બધાં ન હોત તો મારું જીવન કેવી રીતે ચાલત ?! તેને આ પંચમહાભૂતો તરફથી શાંતિ અને સહાય મળતાં. તેથી તે તેમને જ દેવતા માનતો અને તેમની જ પૂજા કરતો.
વેદોમાં ઉષા, વરુણ, સૂર્ય, ઇન્દ્ર, અગ્નિ, પૃથ્વી વગેરેની ઉપાસના લખેલી છે. ‘શાકુંતલમ્’ નાટકના મંગળાચરણમાં કવિ કાલિદાસે પણ પૃથ્વી, જળ, તેજ... વગેરે આઠ પ્રાકૃતિક અંગોને ભગવાન શિવની પ્રત્યક્ષ મૂર્તિ રૂપે વર્ણવ્યાં છે.
કોઈ વાર માનવ ગિરિશિખરો ઉપર કે ગિરિગુહાઓમાં બેસી ઊંડા વિચારમાં ઊતરતો કે આ પંચભૂતરૂપી પ્રકૃતિનો પ્રેરક કોણ હશે? પવનનો પ્રેરનાર, વરસાદનો વરસાવનાર, આકાશનો આધાર કોણ હશે? આ વિચારધારામાંથી તો કેનોપનિષદ થયું. ભગવાને જ તેની આ જિજ્ઞાસા જાણી અને તેમની પ્રેરણાથી માણસને પ્રકૃતિના પાલવમાં છુપાયેલા પ્રભુની પ્રતીતિ આવી. આખી સૃષ્ટિ તેને પ્રભુમય લાગી. તે ભાવવિભોર બની ગાવા લાગ્યો :

‘ज्योतींषि विष्णुर्भुवनानिविष्णु र्वनानि विष्णुर्गिरयो दिशश्च।
नद्यः समुद्राश्च स एव सर्वं यदस्ति यन्नास्ति च विप्रवर्य॥’

હે વિપ્રશ્રેષ્ઠ ! આ આકાશી ચાંદની, ભુવનો, અરણ્યો, પર્વતો, દિશાઓ, નદીઓ, સમુદ્રો જે કંઈ અસ્તિત્વ ધરાવે છે તે બધું પ્રભુમય છે. કવિ કલાપીએ આ જ ભાવને જુદા શબ્દોમાં રજૂ કર્યો છે :

‘જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી છે આપની;
જ્યાં જ્યાં ગુલો જ્યાં જ્યાં ચમન, ત્યાં ત્યાં નિશાની આપની.’

શિખર કે ગુફામાં ઉદ્ભવેલા આ વિચારોમાં તેને શાંતિ મળી. આ શાંતિની અનુભૂતિ ગામમાં રહ્યા થકા પણ થાય એટલે માનવે ગામમાં મંદિરો રચવાનું વિચાર્યું.
વેદી, પીઠિકા કે બાજોઠ ઉપર કેળના ચાર સ્તંભ કે શેરડીના ચાર સાંઠા જોડી એને ઉપરના ભાગે એક કરીને બાંધ્યા. મંદિરનું આ મૂળ સ્વરૂપ. ગિરિશિખર અને ગુફામાંની શાંતિનો એને અનુભવ હતો એટલે તેણે મંદિરોનો આકાર તેવો કર્યો. વળી, ભારતીય સંસ્કૃતિ યજ્ઞીય સંસ્કૃતિ છે. તેથી મંદિરોનાં શિખરોનો આકાર યજ્ઞવેદીની જ્વાળાઓ જેવો કર્યો એમ પણ કહી શકાય. કેળ અને શેરડી સમય જતાં કરમાઈ જાય એટલે વધુ ટકે તેવા કાષ્ટમંડપો બનાવ્યા. કાળક્રમે પછી ઇંટો અને પાષાણનો ઉપયોગ થવા લાગ્યો. શિખર અને ગર્ભ-ગૃહ(ગુફા)વાળાં મંદિરો બનાવ્યાં.
મંદિરોમાં શિખર અને ગર્ભગૃહ સાથે દર્શનાર્થીઓ માટે ગૂઢ મંડપ જોડાયો. ત્રણ દિશાથી પ્રવેશવા માટે મુખ-મંડપો મુકાયા. નૃત્ય માટે નૃત્યમંડપ કે રંગમંડપ ઉમેરાયા. પછી ભિન્ન ભિન્ન પ્રકારના સ્તંભો, મંડોવર, ઝરૂખા, ઘુમ્મટ, ઘુમ્મટીઓ, તોરણ, છત, મંડોવરમાં દિક્પાલો અને દેવીદેવતાનાં વિભિન્ન સ્વરૂપો, ઘુમ્મટમાં દેવતાનાં સ્વરૂપો, મંડોવરના કલાત્મક સ્વરૂપો, પછી શિખરની શરૂઆત, ચારે બાજુની રેખાઓ ત્રાંસમાં આગળ વધે અને ઉપર એક વર્તુળમાં મળે છે. આ વર્તુળ એટલે આમલક (આમલસારો). શિખર ઉપર કળશ અને ધ્વજદંડ. સૌથી ઉપર ધજા. મંદિરો એક શિખરનાં અને એકથી વધુ શિખરનાં થાય છે.
સનાતન હિંદુપરંપરામાં મંદિરને દેવસ્વરૂપ માનવામાં આવ્યું છે. મંદિરના સ્થાપત્યનાં વિવિધ અંગોની ભગવાનનાં વિવિધ અંગો સાથે એકરૂપતા સ્થાપીને ભારતીય ૠષિઓએ તેનો ખૂબ મહિમા કહ્યો છે. આથી દેવસ્વરૂપ મંદિર તેમજ ગર્ભગૃહમાં બિરાજતા ભગવાન પ્રત્યે ભક્તિથી સૌ છલકાય છે. ભારતીય મનીષીઓ પંચરાત્રાદિ શાસ્ત્રોના આધારે માનતા કે ધાતુ, પાષાણ, કાષ્ટ, ચિત્ર, લેપન, સ્ફટિક, વેળુ અને મનોમય આ આઠ પ્રકારની મૂર્તિઓ પ્રભુનું સ્વરૂપ છે. તેથી મનોમય સિવાયની અર્ચાસ્વરૂપ પ્રભુની મૂર્તિઓ મંદિરોમાં પધરાવાય છે.

મંદિરોની આવશ્યકતા

મંદિર એટલે કેવળ દેવઘર નહિ. તેમાં કેવળ આરતી, પૂજા અને થાળ થતાં હોય અને ઘંટ, ઝાલર અને નગારાં વાગતાં હોય એવું નહિ, પણ મંદિર એટલે જ્યાં સમય અટકે અને આત્માને શાંતિ મળે. મંદિર એ પ્રેમ, શાન્તિ અને સંવાદિતાનું સ્થાન છે. મંદિર જો સર્વાંગ સુંદર બને, તો વિશ્વ પણ સર્વાંગ સુંદર બને.

‘मानं धाम्नस्तु सम्पूर्णं जगत् संपूर्णता भवेत्।’
(मयमत् २२/९२)

પૂર્વે મંદિરનાં સ્થાન અને માપ ઉપરથી સમગ્ર શહેરની અન્ય ઇમારતો અને સંસ્થાઓ બંધાતી. મંદિર આખા શહેરનું નિયમન કરતું. કંબોડિયા(પૂર્વે કંભોજ)માં અંગકોરવાટ શહેરમાં વિશ્વનું મોટામાં મોટું હિન્દુ મંદિર છે. 25 ચો.કિ.મી.નો તેનો વિસ્તાર છે. ઇન્ડોનેશિયામાં બોરૂબુદુરમાં બૌદ્ધોનું ભવ્ય અને વિશાળ મંદિર છે. ભારતમાં ત્રિચિનાપલ્લીમાં શ્રીરંગજીનું મંદિર પણ ત્રણેક કિ.મી.ના વિસ્તારમાં બનેલું છે. પૂર્વે ગુજરાતનાં સોમનાથ વગેરે મંદિરો પણ અતિ વિશાળ હતાં.
શહેરના એટલે કે શહેરવાસીઓના કેન્દ્રસ્થાને મંદિર એટલે કે ભગવાન હોવા જોઈએ. જેથી જીવનની બધી પ્રવૃત્તિઓ શુભફળવાળી થાય. તમિળમાં માન્યતા છે કે જે ગામમાં મંદિર ન હોય, તે ગામમાં રહેવું નહીં. વિદેશોમાં ખ્રિસ્તીઓ ટાઉન-પ્લાનિંગમાં સૌપ્રથમ ચર્ચની જગ્યા મુકરર કરે છે. ગામ વચ્ચે જળાશય જોઈએ જેથી શહેરની ગરમ હવા જળાશય શોષી લે. તેમ જીવની ગરમી શોષી લે તેવાં મંદિરો પણ ગામ વચ્ચે જોઈએ. લંડનમાં પાર્લામેન્ટ હાઉસ નીચે ચેપલ (દેવસ્થાન) રાખ્યું છે. બધા જ પક્ષના સભ્યો ત્યાં પ્રાર્થના કરીને જ પછી સંસદમાં જાય છે. તેઓની પ્રાર્થના છે : ‘O God ! You are the ruler of this world. Please give us wisdom to be able to rule with justice.’ ‘હે ભગવાન, તમે જ આ વિશ્વના શાસક છો. કૃપા કરીને અમને એવી બુદ્ધિ આપો કે જેથી અમે ન્યાયપુરઃસર રાજકાર્ય કરી શકીએ.’ બધા આવી પ્રાર્થના સાથે સંસદભવનમાં જાય ત્યારે ત્યાં ચર્ચાની ગરમાગરમીમાં એકબીજા સામે જોડાં ફેંકવાં, એક-બીજાંનાં કપડાં ફાડી નાંખવાં કે છૂટા હાથની મારામારી કરવી વગેરે અસભ્ય પ્રસંગો ન બને.
મંદિર જીવનનું મધ્યબિંદુ છે. મંદિર એટલે ભગવાન. મંદિરને એટલે કે ભગવાનને મધ્યમાં રાખી જીવનની પ્રદક્ષિણા કરીએ તો ભવના ફેરા ટળી જાય. મંદિર આધ્યાત્મિક, નૈતિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, સામાજિક, ધાર્મિક વગેરે પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. ટૂંકમાં, જીવનનાં બધાં અંગોને પોષે તે મંદિર. મંદિરનું નિર્માણ આપણે કરીએ અને મંદિર આપણું સાંસ્કૃતિક નિર્માણ કરે.
શિલ્પ રત્નાકર ગ્રંથમાં દેવપ્રાસાદ મંદિરની રચનાના સુંદર હેતુઓ દર્શાવ્યા છે.

‘नगराणां भूषणार्थं च, देवानां निलयाय च
लोकानां धर्महेत्वर्थं, क्रीडार्थं सुरयोषिताम्।
आलयं सर्वभूतानां विजयाय जितात्मनाम्
धर्मार्थकाममोक्षाणां प्राप्तिहेतुश्च कामदः॥’

નગરની શોભા માટે, દેવોના નિવાસ માટે, લોકોના ધર્મનાં કાર્યો સિદ્ધ કરવા માટે, સુરવનિતાઓની ક્રીડા માટે, સર્વ લોકોના માટે, આત્મદર્શીઓના વિજય માટે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ માટે મંદિરો છે.


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS