Essays Archives

બ્રહ્મવિદ્યાનું લક્ષણ - येनाऽक्षरं पुरुषं वेद


વિદ્યાના બે પ્રકાર કહ્યા. તેમાં હવે પરા વિદ્યા કહેતાં બ્રહ્મવિદ્યાનું લક્ષણ દર્શાવે છે. મહર્ષિ અંગિરાએ કહ્યું, ‘येनाऽक्षरं पुरुषं वेद सत्यं प्रोवाच तां तत्त्वतो ब्रह्मविद्याम्।’ (મુંડક ઉપનિષદ - ૧/૨/૧૩) ''જેના વડે ‘अक्षरम्’ કહેતાં અક્ષરબ્રહ્મને અને ‘पुरुषम्’ કહેતાં પુરુષોત્તમને એમ બન્નેને તત્ત્વે કરીને જાણે તેને બ્રહ્મવિદ્યા કહેવાય.''
અહીં બ્રહ્મવિદ્યામાં પરબ્રહ્મ એકલા જ નહીં પરંતુ બ્રહ્મ અને પરબ્રહ્મ કહેતાં અક્ષર અને પુરુષોત્તમ એવાં બે દિવ્ય તત્ત્વોને જાણવાનો સિદ્ધાંત કર્યો છે. આનો અર્થ એ થયો કે જો કોઈ કેવળ પરમાત્માના સ્વરૂપને જ જાણે કે પછી કેવળ અક્ષરબ્રહ્મના સ્વરૂપને જ જાણે તો બ્રહ્મવિદ્યા સંપૂર્ણ ન કહેવાય. બન્નેને જાણવાં પડે. અને તે પણ તત્ત્વે કરીને એટલે કે સાક્ષાત્કારપણે. તો જ તે બ્રહ્મવિદ્યા પૂર્ણતાને પામી કહેવાય.


હા, એટલે જ તૈત્તિરીય શાખાના ૠષિએ કહ્યું, ‘असन्नेव स भवति। असद् ब्रह्मेति वेद चेत्। अस्ति ब्रह्मेति चेद् वेद। सन्तमेनं ततो विदुः।’ (તૈત્તિરીય આનંદવલ્લી - ૬) અર્થાત્ જો કોઈ અક્ષરબ્રહ્મના અસ્તિત્વને ન જાણે તે પોતે જ પોતાનું અસ્તિત્વ ગુમાવી બેઠો છે. અને જો કોઈ અક્ષરબ્રહ્મના અસ્તિત્વને જાણે તો તે સાચું અસ્તિત્વ પામ્યો છે. આવી જ કાંઈક વાત બૃહદારણ્યક ઉપનિષદમાં મહર્ષિ યાજ્ઞવલ્ક્યએ ગાર્ગીને સમજાવી છે - ‘यो वा एतदक्षरं गार्ग्यविदित्वाऽस्मिंल्लोके जुहोति यजते तपस्तप्यते बहूनि वर्षसहस्राण्यन्तवदेवास्य तद् भवति।’ (બૃહદારણ્યક ઉપનિષદ - ૩/૮/૧૦) અર્થાત્ હે ગાર્ગી! જો કોઈ વ્યક્તિ આ અક્ષરબ્રહ્મને જાણ્યા વગર ભલેને યજ્ઞો કરે, હજારો વર્ષો સુધી તપ કરે, છતાં પણ તે નાશવંત ફળને જ પામશે. કહેતાં અવિનાશી ફળને નહીં પામે. વળી, ‘यो वा एतदक्षरं गार्ग्यविदित्वाऽस्माँल्लोकात् प्रैति स कृपणः।’ (બૃહદારણ્યક ઉપનિષદ - ૩/૮/૧૦) હે ગાર્ગી! જે આ અક્ષરબ્રહ્મને જાણ્યા વગર મૃત્યુ પામે છે તે બીચારો ખરેખર દયનીય છે, હીન છે. (કારણ એને ફરી જન્મ લેવો પડશે.)


એ જ રીતે પરમાત્માને પણ જાણ્યા સિવાય મોક્ષની કોઈ શક્યતા નથી તે પણ એટલું જ સ્પષ્ટ છે. જેમ કે યજુર્વેદમાં કહ્યું, ‘तमेव विदित्वाऽतिमृत्युमेति नान्यः पन्थाः विद्यतेऽयनाय’ બ્રહ્મવિદ્યાની આવી વિશિષ્ટ વ્યાખ્યા પાછળનું તાત્પર્ય પણ આવાં શાસ્ત્રોએ જ આપણને સમજાવ્યું છે. ભગવદ્ગીતામાં કહ્યું, ‘ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काङ्क्षति। समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम्॥’ (ગીતા - ૧૮/૫૪) જે બ્રહ્મરૂપ, કહેતાં અક્ષરરૂપ થાય તેને જ પુરુષોત્તમની ભક્તિનો લાભ થાય છે. તૈત્તિરીય ઉપનિષદ પણ કહે છે, ‘ब्रह्मविदाप्नोति परम्।’ જે બ્રહ્મને, કહેતાં અક્ષરને જાણે, અર્થાત્ બ્રહ્મરૂપ થાય તેને જ પરમાત્મા મળે. આમ આત્યંતિક કલ્યાણ માટે પુરુષોત્તમ પરબ્રહ્મને અવશ્યપણે જાણવા પડે, તેમની ઉપાસના-ભક્તિ કરવી જ પડે. અને એ જ્ઞાન, ઉપાસના કે ભક્તિને યથાર્થપણે સિદ્ધ કરવા અક્ષરબ્રહ્મને પણ જાણવા જ પડે, અક્ષરરૂપ થવું જ પડે તે સ્પષ્ટ થાય છે.


આ રીતે, બ્રહ્મરૂપ થઈ માહાત્મ્ય સહિત પરબ્રહ્મની ભક્તિ-ઉપાસના કરવી એ બ્રહ્મવિદ્યાનો પરમ મર્મ છે. અને બ્રહ્મ અને પરબ્રહ્મ એ બે દિવ્ય તત્ત્વો અનિવાર્યપણે જાણવાથી જ, બીજા શબ્દોમાં કહીએ તો 'અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંત'ને આત્માસાત્ કરવાથી જ બ્રહ્મવિદ્યાનો એ પરમ મર્મ પૂર્ણપણે આપણામાં ખીલી ઊઠે છે તે ફલિત થયું.

 

હવે આ બ્રહ્મવિદ્યાનું રહસ્ય અહીં જે રીતે પ્રકાશિત થયું છે તે જાણીએ.


પરાવિદ્યાનો ઉપક્રમ - अथ परा


‘अथ परा’ (મુંડક ઉપનિષદ - ૧/૧/૫) 'શૌનક! હવે હું તને પરા વિદ્યા શું કહેવાય તે સમજાવું છુ _. આ પરા વિદ્યાના અર્થાત્ બ્રહ્મવિદ્યાના નિરૂપણની પ્રતિજ્ઞા છે. અહીંથી શરૂ કરીને આ ઉપનિષદ પૂરું થાય ત્યાં સુધી હવે બ્રહ્મવિદ્યાનો જ ઉપદેશ વિસ્તારવામાં આવ્યો છે.


પ્રથમ અક્ષરનો ઉદ્ઘોષ! - अक्षरम् अघिगम्यते


આ બ્રહ્મવિદ્યામાં પુરુષોત્તમનો ઉપદેશ કરતા પહેલાં પ્રથમ અક્ષર તત્ત્વના ઉદ્ઘોષથી જ મહર્ષિ અંગિરાએ બ્રહ્મવિદ્યાનું મંડાણ કર્યું. ‘यया तदक्षरमघिगम्यते’ (મુંડક ઉપનિષદ - ૧/૧/૫) જેના વડે અક્ષરનો અર્થાત્ અક્ષરબ્રહ્મનો 'અધિગમ' થાય એટલે કે તત્ત્વે કરીને જ્ઞાન થાય, સાક્ષાત્કાર થાય. 'તત્ત્વે કરીને જાણવું' એટલું કહીને મહર્ષિ અંગિરા અટકી નથી ગયા. આ અક્ષરબ્રહ્મને તત્ત્વતઃ સારી રીતે જાણી શકાય તે માટે તે અક્ષરબ્રહ્મના દિવ્ય સ્વરૂપનું નિરૂપણ પણ તેમણે કર્યું છે. તેઓ કહે છે, હે શિષ્ય! તે અક્ષર કેવું છે? તો ‘यत् तदद्रेश्यमग्राह्यमगोत्रमवर्णमचक्षुःश्रोत्रं तदपाणिपादम्। नित्यं विभुं सर्वगतं सुसूक्ष्मं तदव्ययं यद्भूतयोनिं परिपश्यन्ति घीराः॥’ (મુંડક ઉપનિષદ - ૧/૧/૬) આ અક્ષર લૌકિક ઇન્દ્રિયોથી ગ્રહણ નથી કરી શકાતું. જેને લૌકિક કોઈ ગોત્ર, વર્ણ કે કરચરણ વગેરે નથી. જે નિત્ય છે. જે બધું કરવા સમર્થ છે. જે સર્વવ્યાપક છે. અતિસૂક્ષ્મ છે. જે અવિનાશી છે. સર્વ કારણ છે. અને જેને મુક્તદશા પામેલ ધીરપુરુષો જોઈ શકે છે. આવું આ અક્ષરબ્રહ્મ છે.


આમ ટૂંકમાં અક્ષરનું સ્વરૂપ સમજાવી હવે તેને જ છણાવટ સાથે વિસ્તારથી સમજાવે છે.


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS