વિશ્વવિખ્યાત ફોર્બ્સ (Forbes) મેગેઝીનના જણાવ્યા મુજબ માનવજાતની ઉત્પત્તિ ૩ લાખ વર્ષ પહેલાં થઈ છે. એટલે કે ૧૩.૮ અબજ વર્ષ પહેલાં થયેલા પ્રચંડ મહાવિસ્ફોટ (Big Bang) પછી અસ્તિત્વમાં આવેલ બ્રહ્માંડના આયુષ્યમાં આપણે માનવજાતે તો ફક્ત ૦.૦૦૨% જેટલો સમય જ જોયો છે! આપણે જેને ઇતિહાસ કહીએ છીએ એની લંબાઈ કેટલી ટૂંકી છે! પરંતુ આ ટૂંકા સમયનો પણ કેટલો લાંબો ઇતિહાસ લખાઈ ગયો! આજ સુધીમાં પૃથ્વીના પટ ઉપરથી જેટલાં મનુષ્યો પસાર થઈ ગયાં એમાંના લગભગ બધાં જ ગયા પછી ઇતિહાસ બની ગયાં. પરંતુ એમાંનાં બહુ જ થોડાં ઇતિહાસ બનાવી ગયાં.
જેના નામથી ઇતિહાસ સર્જાય એવાં મનુષ્યો બહુ જ દુર્લભ હોય છે. મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને ગાંધીજી માટે કહેલું, ‘Generations to come will scarce believe that such a one this ever in flesh & blood walked upon this earth.‘ (ભવિષ્યની પેઢીઓ ભાગ્યે જ માની શકશે કે હાડમાંસનો બનેલો આવો એક માણસ આ પૃથ્વી ઉપર ફરતો હતો.) એ જ રીતે પ્રમુખસ્વામી મહારાજ પણ આપણા જેવા હાડમાંસના બનેલા માણસ જ હતા. તેઓ આપણી માફક જ હવા-પાણી-અનાજ લેતા હતા, પરંતુ સાથે સાથે સમાજને તેઓ જે આપ્યે જતા હતા એની યાદી બનાવવાનું કામ ઇતિહાસકારોને પણ હંફાવે એવું હતું.
કેવો હતો એમના ઐતિહાસિક જીવનનો પ્રવાહ? એમને અઠ્ઠાવીસમા વર્ષે BAPS સંસ્થાનું પ્રમુખપદ સોંપવામાં આવ્યું. એકાવનમા વર્ષે તેઓ સંસ્થાના સર્વોચ્ચ ગુરુપદે બિરાજમાન થયા ત્યારથી તેઓ રાતદિવસ જોયા વિના સેવાર્થે અવિરત વિચરણ કરવા લાગ્યા. એકાણુમા વર્ષે જ્યારે શરીરના કૂચ્ચા નીકળી ગયા અને ન છૂટકે તેમને વિચરણ રોકવું પડ્યું ત્યાં સુધીમાં તો તેઓ ૪૫ દેશોના ૧૭,૫૦૦ જેટલાં ગામોમાં ઘૂમી વળેલા. કદાચ કોઈ વ્યક્તિ એમને ભલે ન ઓળખતી હોય, પરંતુ ગામોગામની ધૂળ એમને ઓળખતી હતી. આ અકિંચન પરિવ્રાજકે લગભગ ૨,૫૦,૦૦૦ ઘરોની રૂબરૂ મુલાકાત દ્વારા તથા અન્ય રીતે લગભગ ૫,૦૦,૦૦૦ મનુષ્યોના વ્યક્તિગત જીવનમાં ઊંડા ઊતરીને એમને માર્ગદર્શન આપ્યું. તો પરોક્ષ રીતે ૭,૦૦,૦૦૦ ઉપરાંત પત્રો લખીને તેમણે જનજનના જીવનમાં સહભાગી થઈને તેમને ઉન્નતિના માર્ગે ચડાવ્યાં. સદાચારવૃદ્ધિ, વ્યસનમુક્તિ, પારિવારિક એકતા વિગેરેનું તો એમણે એવું જબરદસ્ત અભિયાન ચલાવ્યું કે એમણે કેટલાં લોકોનાં વ્યસન-દૂષણ છોડાવ્યાં અને કેટલાં ઘરોમાં ઘરસભા શરૂ કરાવી એના આંકડાઓ મેળવવા માટે કોણજાણે કેટલીયે સર્વે ટીમોને ક્યાં ક્યાં કામે લગાડવી પડે.
એમણે પારખી લીધેલું કે દરેક વ્યક્તિનું જીવન મૂલ્યનિષ્ઠ બને એ જ સાચી વ્યક્તિગત, સામાજીક અને રાષ્ટ્રીય પ્રગતિ છે. આ પ્રગતિના નકશા મુજબ એમણે સમાજને જે ખરેખર જરૂરી હતું એ પીરસીને રૂષ્ટપુષ્ટ કર્યો, આધ્યાત્મિકતા પોષીને. એમણે ૧૧૦૦ થી વધુ મંદિરો અને અક્ષરધામ જેવાં પ્રકલ્પોનાં નિર્માણ કર્યાં. સાચું પથદર્શન કરાવી શકવાને સમર્થ, જ્ઞાની તેમ જ શુદ્ધ વર્તનવાળા, ૧૦૦૦ જેટલાં ત્યાગી સંતો બનાવ્યા અને એમને સેવાયજ્ઞમાં જોડી દીધા. આરોગ્ય, શિક્ષણ, આદિવાસી ઉત્કર્ષ, રાહત કાર્યો, બાળ-યુવા-મહિલા ઉત્કર્ષ, વિગેરે અનેક પ્રકારની લોકસેવાઓ પાછળ દિનરાત પરિશ્રમ કરવામાં એમણે પોતાની જાતને જાણે નીચોવી જ નાખી. એમાં પણ એમની સૌથી મોટી વિશેષતા એ રહી કે તેઓ હંમેશા માન-સન્માનથી દૂર જ રહ્યા અને જીવનમાં ભક્તિ તથા ધર્મનિયમને જ પ્રાધાન્ય આપ્યું.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટનનો આદરભાવ પામનાર તેઓ ડાંગના સિદુમ્બર ગામે વનવાસી સંમેલનમાં આદિવાસી ભાઈઓની વચ્ચે જ મંડળી જમાવી ગોઠડી પણ કરી લેતા હતા. તો ઠીકરીયાના સામાન્ય હરિજન છગન ભગતને પ્રેમથી બાજુમાં ઉભા રાખીને એનું માન બઢાવતા હતા. આવા લોકસેવક લોકહ્રદયસમ્રાટ પ્રમુખસ્વામી મહારાજ સમક્ષ ધુરંધર સાહિત્યકાર પન્નાલાલ પટેલ અમદાવાદમાં તા.૧-૨-૮૪ના રોજ ઉપસ્થિત થયા. એમણે જનસેવામાં જીવન હોમી દેનાર રવિશંકર મહારાજ વિષે દળદાર પુસ્તક લખેલું- ‘જેણે જીવી જાણ્યું‘. આ પુસ્તકના ઉદ્ઘાટન પ્રસંગે આજે એમણે જણાવ્યું “ રવિશંકર મહારાજ વિષેનું આ પુસ્તક કોને અર્પણ કરવું એ પ્રશ્ન હતો, કારણ કે આ પુસ્તકનો ભાર ઝીલે એવો પુરુષ કોણ? પરંતુ પ્રખર ગાંધીવાદી પ્રભુદાસભાઈ પટવારીએ મને માર્ગદર્શન આપ્યું એ મુજબ આ પુસ્તક હું પ્રમુખસ્વામી મહારાજને અર્પણ કરું છું. આ પુસ્તકના અર્પણપાના પર મેં છાપ્યું છે :
આપ છો જાણે ભવાટવીમાં ભૂલા પડેલા ભક્તો માટે દીવાદાંડી સમાન,
તો વળી રવિદાદા સદા દાસ દીન-દુખિયાંની હોડી સમા,
આપને અર્પી દાદાના આ ગુણની ગાથા,
ભગવન્ ! હું ચાહું છું ધન્ય થવા…..”
ભૂતપૂર્વ શંકરાચાર્ય એવા પૂજ્યપાદ સત્યમિત્રાનંદ ગિરિજીએ પ્રમુખસ્વામી મહારાજ માટે કહ્યું હતું, ‘જગદ્ગુરુ શંકરાચાર્યના આસન ઉપર બિરાજમાન થયા વિના મેં જેમનામાં જગદ્ગુરુત્વના દર્શન કર્યાં છે, એ છે પ્રમુખસ્વામી મહારાજ. આદિ શંકરાચાર્ય પછી તેઓ જ એવી વ્યક્તિ છે જેઓ સમાજમાં ઘણું મોટું પરિવર્તન- ઘણી મોટી ક્રાંતિ લઈ આવ્યા છે. માનવજાતને એમણે કેટલું મોટું પ્રદાન કર્યું છે તે ઇતિહાસ કહેશે. પણ ઇતિહાસનું એક પાનું પૂરતું નહીં થાય, એક આખો ગ્રંથ એમના માટે અનામત રાખવો પડશે.‘
કાળની ચોપાટ ઉપર જીવતરની બાજી ખેલી નાખીને ઇતિહાસનાં પ્યાદાં બની જનારાં આપણાં જેવાં કેટલાંય હશે, પરંતુ જો આપણે ઇતિહાસ બનાવનારાંના જીવનમાંથી કાંઈક પ્રેરણા પ્રાપ્ત કરી લઈશું તો આપણું ભવિષ્ય ચોક્કસ ઇતિહાસના પાને લખાય એવું બની જશે.