દેવતા-યક્ષ સંવાદ
એક સમયે દેવતા અને અસુરોનું યુદ્ધ થયું. પરમાત્માની કૃપાથી દેવતાઓને શક્તિ મળી અને યુદ્ધમાં તેઓનો વિજય થયો, પરંતુ દેવોને અભિમાન આવ્યું. વિજયના નશામાં પરમાત્માની કૃપા, કર્તાપણું બધું ભુલાઈ ગયું. તેઓ આડંબર કરવા લાગ્યા કે, ‘अस्माकमेवायं विजयोऽस्माकमेवायं महिमेति’ 'આ વિજય અમારા જ પૌરુષ અને બાહુબળથી પ્રાપ્ત થયો છે. આ અમારો જ મહિમા છે.' (કેન ઉપનિષદ - ૩/૧) દયાળુ પરમાત્માને થયું, 'અસુરો થકી તો મેં વિજય અપાવ્યો, પણ બીચારા દેવો! પાછા આસુરીભાવથી તો પરાજય જ પામ્યા! 'હું જ કરું છુ _' એવું અભિમાન તો આસુરી ભાવ છે. આ અભિમાન વધશે તો અસુરો પર થયેલો તેમનો વિજય પણ અંતે તો દુઃખ જ ઉપજાવશે. સાચો આનંદ મેળવવા સકળ શક્તિનો મૂળ સ્રોત કોણ છે એવું જ્ઞાન આ દેવતાઓને થવું જોઈએ.' આમ વિચારી પરમાત્માએ એક વિચિત્ર યક્ષનું રૂપ ધારણ કર્યું અને પ્રગટ થયા. દેવતાઓએ આ યક્ષને જોયો પણ 'તેઓ ઓળખી ન શક્યા કે આ શું છે?' (કેન ઉપનિષદ - ૩/૨) તે યક્ષની માહિતી મેળવવા દેવતાઓમાંથી અગ્નિદેવને મોકલવામાં આવ્યા. અગ્નિ દેવ યક્ષ પાસે પહોંચ્યા. ત્યાં અગ્નિદેવ કાંઈ પૂછે તે પહેલાં જ યક્ષે અગ્નિદેવને પૂછ્યું - 'આપ કોણ છો?' અગ્નિદેવ બોલ્યા - ‘अग्निर्वा अहमस्मीति। जातवेदा वा अहमस्मीति।’ 'હું અગ્નિ છુ _ અને લોકમાં હું ‘जातवेदाः’ નામથી પ્રસિદ્ધિ પામ્યો છુ _.' (કેન ઉપનિષદ - ૩/૪) ફરી યક્ષે પૂછ્યું - ‘तस्मिंस्त्वयि किं वीर्यम्?’ 'આપનામાં શી શક્તિ છે?' (કેન ઉપનિષદ - ૩/૫) અગ્નિ દેવ કહે - ‘अपीदं सर्वं दहेयं यदिदं पृथिव्यामिति’ 'પૃથ્વી પર જેટલી પણ વસ્તુઓ છે તેને હું બાળી શકું.' (કેન ઉપનિષદ - ૩/૫) આ સાંભળી યક્ષે તેની સામે એક તણખલું મૂક્યું અને કહ્યું - ‘एतद् दहेति’ 'આ તણખલાને બાળો.' (કેન ઉપનિષદ - ૩/૬) ત્યારે અગ્નિદેવે તેની સમીપ જઈને પૂરેપૂરા વેગથી બધા જ પ્રયાસ કરી જોયા પણ - ‘तन्न शशाक दग्घुम्’ 'તે તણખલાને બાળી ન શક્યા.' (કેન ઉપનિષદ - ૩/૬) તેથી અભિમાનથી લજ્જિત અને હતાશ થઈ અગ્નિદેવ 'આ યક્ષ કોણ છે?' એમ જાણ્યા વગર જ પાછા ફર્યા અને દેવતાઓને કહ્યું - ‘नैतदशकं विज्ञातुं यदेतद् यक्षमिति’ 'આ યક્ષ ખરેખર કોણ છે તે મને સમજાતું નથી.' (કેન ઉપનિષદ - ૩/૬)
પછી વાયુદેવને મોકલવામાં આવ્યા. તેમની સાથે પણ ઉપર પ્રમાણે જ વાર્તાલાપ થયો. 'તમારી અંદર શી શક્તિ છે?' યક્ષે પૂછ્યું. 'પૃથ્વી પર જેટલા પદાર્થો છે તે બધાને ઉડાડી દેવાની!' વાયુદેવે જવાબ વાળ્યો. યક્ષે તેની સામે પણ તણખલું મૂક્યું અને કહે, 'આને ઉડાડ.' વાયુદેવે ઉડાડવા પ્રયત્ન કર્યો. તણખલું ન ઊડ્યું. હતો એટલો વેગ અને પ્રયાસ ભેગા કર્યા. તણખલું હલ્યું પણ નહીં! અભિમાનના ચૂરા થઈ ગયા. લજ્જા અને હતાશા સાથે 'આ યક્ષ કોણ છે?' એમ જાણવાનું પણ ભાન ન રહ્યું અને પાછા ફર્યા.
બંને દેવો આ રીતે નિષ્ફળ ગયા એટલે દેવરાજ ઇન્દ્ર પોતે તૈયાર થયા. પરંતુ ઇન્દ્રને તો યક્ષે મુલાકાત પણ ન આપી. ઇન્દ્ર આવ્યા ને યક્ષરૂપી પરમાત્મા અદૃશ્ય થઈ ગયા. તેમના સ્થાને ઇન્દ્રને એક સુંદર સ્ત્રી દેખાઈ. તે હૈમવતી ઉમા હતાં. ઇન્દ્રે તે સ્ત્રીને યક્ષ અંગે પ્રશ્ન કર્યો. ત્યારે 'એ તો પરમાત્મા હતા' એમ તેણીએ ખુલાસો કર્યો. વળી, એમ પણ કહ્યું, 'તેમને લીધે જ તમને વિજય મળ્યો છે અને મહત્તા પામ્યા છો.' આ સાંભળી ઇન્દ્રને જ્ઞાન થયું કે આપણે ખોટું અભિમાન કરતા હતા પણ સાચો યશ તો પરમાત્માનો જ છે કારણ તેઓ જ કર્તા છે. પછી ઇન્દ્રે નમ્રતાથી વિદાય લીધી અને સ્ત્રી પણ અદૃશ્ય થઈ ગઈ. આ વાત ઇન્દ્રે પછી દેવતાઓને જણાવી. આમ દેવતાઓમાં ઇન્દ્રને સર્વ પ્રથમ ભગવાનના કર્તાપણાનું જ્ઞાન પ્રાપ્ત થયું હોઈ તે બધા દેવોમાં શ્રેષ્ઠ મનાયા.
આ ઉપાખ્યાનોનો સાર એ જ છે કે પરમાત્માની કૃપાથી જ આસુરી ભાવો પર વિજય મેળવી શકાય છે. એમની શક્તિના સંચાર વગર આ સંસારમાં એક તણખલાને પણ આઘું-પાછુ _ કરી શકાતું નથી. તો પછી બીજું તો શું કહેવું? માટે ક્યાંય અહંકાર કરવા જેવો નથી.
હવે આ કર્તાપણાના રહસ્યને પામવા માટેનો અદ્ભુત ઉપાય આ ઉપનિષદમાં દર્શાવ્યો છે તેને સમજીએ.
प्रतिबोघविदितं मतम्
‘प्रतिबोघविदितं मतम्’ 'પ્રતિબોધ દ્વારા આ વાત સમજાય છે.'(કેન ઉપનિષદ - ૨/૪) પરમાત્માના સ્વરૂપને, તેમના ગુણોને સમજવા ગુરુ પાસેથી ગ્રહણ કરવામાં આવતા ઉપદેશને પ્રતિબોધ કહેવામાં આવે છે. प्रतिबुद्ध्यते ज्ञायते गुरोः सकाशात् परमात्मस्वरूपगुणाद्यनेनेति प्रतिबोघो ह्युपदेशः।
પરમાત્માના કર્તાપણાની સમજણ ગુરુહરિના જીવનમાં સહજપણે ઘૂંટાયેલી હોય છે. તેથી તેઓ આ સમજણને જીવીને અને કહીને એમ બંને રીતના ઉપદેશ દ્વારા આપણા જીવનમાં દૃઢાવે છે.
સને ૧૯૭૦ની સાલમાં મુંબઈમાં બોટાદના ભક્તરાજ ભગા દોશીના કુટુંબના કેટલાક હરિભક્તો યોગીજી મહારાજને મળવા આવ્યા. મુલાકાત દરમ્યાન તેઓ કહેવા લાગ્યા, 'સ્વામી! આપે તો ભારે ડંકો માર્યો. મહારાજના વખતમાં પણ જે ન થયું તે આપે કર્યું. આપણો સત્સંગ ગુજરાતની બહાર છેક લંડન સુધી આપે ફેલાવ્યો.' આ સાંભળી યોગીજી મહારાજ બોલી ઊઠ્યા, 'આ શું બોલો છો? આવું ન બોલાય. શ્રીજીમહારાજ સર્વકર્તા છે. એમની દૃષ્ટિથી બધો સત્સંગ વધે છે. આપણે કોણ? ગાડા નીચે કૂતરું ચાલ્યું જાય ને જાણે હું ગાડું હંકારું છુ _! એમ ન થાય. મહારાજ જ બધું કરે છે. એમની દૃષ્ટિથી ડંકો વાગ્યો છે.'
પ્રગટ ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજે એક વાર કહેલું - 'પડદા પાછળ રહીને કઠપૂતળીઓને નચાવનારની જેમ પરમાત્મા શ્રીહરિના હાથમાં સર્વનો દોરીસંચાર છે. તેમની મહાન શક્તિ આપણી અંદર રહી છે. તેથી જ બધી ક્રિયા કરી શકીએ છીએ. અને બહાર દુનિયામાં પણ બધે એમની જ શક્તિથી કાર્ય થાય છે. એટલે બધો યશ એમનો જ છે એ યાદ રાખવું જોઈએ.'
આવો પ્રતિબોધ અર્થાત્ નક્કર ઉપદેશોને આપણે વારંવાર ઘૂંટવા જોઈએ.\
જે મનુષ્ય ગુરુહરિના ઉપદેશ દ્વારા આવી અલૌકિક સમજણને પોતાના જીવનમાં આત્મસાત્ કરે છે તે તેવી જ અલૌકિક ફળની ભેટ પામે છે. જે આ ઉપનિષદમાં દર્શાવ્યું છે. હવે તે જોઈએ.