આજે વિશ્વમાં ટેલિવિઝન પછી ખૂબ ઝડપથી વિશ્વમાં છવાઈ ગયું હોય તો તે છે ઇન્ટરનેટ ! ઇન્ટરનેટ કમ્પ્યુટર સાથેના જોડાણને લીધે વિશ્વભરમાં ખૂણે ખૂણે રજરજમાં વ્યાપી ગયું છે. એના વ્યાવસાયિક લાભો બે-ત્રણ ટકા છે પરંતુ અન્ય ગેરલાભોની લાંબી વણઝાર ઠેર ઠેર વહી રહી છે. એની ભભૂકતી જ્વાળામાં આગબબુલા થઈને ખાખ થતી ભાવી યુવાપેઢીનો ચિતાર, વિશ્વના જાગ્રત માનવને આવી ગયો છે, પરંતુ એમાંથી બચાવવાની એમની ભુજા વામણી પડી છે, ત્યારે પરમપૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ પોતાના હેતાળ હૈયાની વાત્સલ્ય ગંગા વડે એ જ્વાળાને કેવી રીતે ઠારે છે ! તેનું દૃષ્ટાંત અમેરિકાના સત્સંગી બાળ-કિશોરો છે. આવો સ્વામીશ્રી સાથે પેરી કિશોર શિબિરમાં તા. ૧૦-૮-૨૦૦૦ના રોજ થયેલી પ્રશ્નોત્તરી ને સ્વાનુભવોની એક આછી ઝલક માણીએ !
ઇન્ટરનેટનો ઉપયોગ કેટલે અંશે આપણા માટે જરૂરી છે !' તે વિશે છ કિશોરો ચર્ચા કરી રહ્યા હતા.
એક કિશોરે પોતાનો અનુભવ જણાવ્યો : 'ઈ-મેઇલમાં મેં ચેટલાઇન ચાલુ કરી. કોઈ છોકરીએ મને તેમાં (ચેટલાઇન દ્વારા) જણાવ્યું કે તેં મારા પર રેપ કર્યો હતો. ખરેખર ! હું તો ચોંકી ગયો. મને થયું એની કંઈ ભૂલ થતી લાગે છે. પણ પેલી છોકરીએ ફરી બે-ત્રણ વખત મને એ રીતે જ કહ્યું... મને ખૂબ લાગી આવ્યું. હું એ છોકરીને ઓળખતો નથી. એને કદી જોઈ નથી ને એ આવો આક્ષેપ મારા પર કઈ રીતે મૂકી શકે ?...' પ્રસંગ કહેતાં કહેતાં કિશોર રડી પડ્યો. થોડીવારે જરા સ્વસ્થ થઈને તે કહે : 'મેં એને ખુમારીથી કહ્યું, હું હિન્દુ છું. ચૂસ્ત સ્વામિનારાયણ છું. આવો વિચાર જ મને કેમ આવે ?'
કહેતો કહેતો એ કિશોર ડૂસકાં ભરીને રડવા લાગ્યો.
સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં જાહેરમાં એણે પોતાના અંગત અનુભવની કડવી કથની પ્રામાણિકતાથી-નિખાલસતાથી કહી જે સૌને ખૂબ સ્પર્શી ગઈ. પછી તે કિશોરે કહ્યું : 'સ્વામી બાપા ! આપની કૃપા છે, દયા છે કે હું ઈન્ટરનેટની પક્કડમાં આવ્યો નથી, પરંતુ એના છાંટા જરૂર ઊડ્યા છે. આપે મારી રક્ષા કરી છે, તેમ બધાની પણ રક્ષા કરજો.' તે કિશોરની અડગતા અને અસ્મિતાને સૌએ તાળીઓના નાદથી વધાવી. સ્વામીશ્રીએ કરનું લટકું કરી અભયહસ્ત કર્યો.
કિશોરોની સાથે પ્રશ્નોત્તરી બાદ સંચાલકે કેટલાક પ્રશ્નો સ્વામીશ્રીને પૂછ્યા :
પ્રશ્ન : ઇન્ટરનેટનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ ?
સ્વામીશ્રી : અત્યારે વિજ્ઞાન આગળ વધ્યું છે. આવાં સાધનો પણ થયાં છે. એટલે આ વસ્તુ કેમ વાપરવી એના પર હમણા ચર્ચા થઈ. આપણે સાંભળી. એ ચર્ચા પરથી જ થોડો ઘણો ખ્યાલ તો આવી જ ગયો હશે.
દરેક વસ્તુનો ઉપયોગ કરતાં પહેલાં આપણાં શાસ્ત્રોએ બતાવેલી વિવેકબુદ્ધિ આપણે વાપરવી જોઈએ. આ વિવેકબુદ્ધિ સારા માણસો, સત્પુરુષ અને ભગવાન થકી આવે છે.
ઇન્ટરનેટમાં સારું પણ છે ને ખરાબ પણ છે. અભ્યાસ અને ધંધાકીય રીતે તેમાં ઘણો સારો લાભ મળે છે. પણ અભ્યાસ કરતાં કરતાં એની અંદર રહેલું દૂષણ પણ આપણને વળગી જાય છે. હમણાં એક કિશોરે પોતાના અનુભવની વાત કરી. એવું થવાનો સંભવ ૧૦૦„ છે, કારણ કે આપણે વિવેક ચૂક્યા. અત્યારે આપણા જીવનમાં અભ્યાસ અને સત્સંગ બે જ વસ્તુનું પ્રાધાન્ય હોવું જોઈએ.
ઘણાને એવો વધુ પડતો આત્મવિશ્વાસ હોય છે કે હું જોઈશ તો મને વાંધો આવવાનો નથી પણ ભલભલા એમાં ગબડી પડ્યા છે. આપણા કરતાં પણ જેમનાં મન મજબૂત હતાં એવા આપણા સંપ્રદાયના અને આગળના ૠષિ-મહાત્માઓના દાખલાઓ છે, જેમને વિઘ્ન આવ્યાં છે. એકલશૃંગી ૠષિ કે જેમને સ્ત્રી-પુરુષનું ભાન ન'તું. નાનપણથી પિતાએ તેનું ધ્યાન રાખેલું. મજબૂત મનનો માણસ છતાં સ્ત્રી-સંસર્ગથી વિઘ્ન આવ્યું. એમ આપણને ભલે લાગતું હોય કે મને વાંધો નહીં આવે પણ આ વસ્તુ પ્રલોભન વાળી છે. સહેજે બટન દબાઈ ગયું, જરાક જોવાઈ ગયું. પછી તેમાંથી આગળ શું છે જરા જોઈ લઈએ એવું મન થાય ને પછી આગળ ગયો એટલે ડૂબતો ગયો. જો વિવેક નહીં હોય, તો આપણે બધું ગુમાવી બેસીશું. ભણવાનું જતું રહેશે. અભ્યાસ બગડશે ને આપણું આખું જીવન બગડી જશે.
સંશોધનો થતાં જ રહેશે. પહેલાં ટેલિફોન આવ્યા. તે પછી ટી.વી. આવ્યા, વિડિયો આવ્યા, પછી ઇન્ટરનેટ આવ્યા. વેબસાઇટ આવી ગઈ. હવે કાલે સવારે બીજું પણ આવશે અને એ ઝડપી આવશે. ધ્યાન ન રાખીએ તો આ બધી વસ્તુઓ પતન કરે છે. એનો ઉપયોગ ભગવાન સંબંધી ન હોય તો તે ભગવાનથી વિમુખ કરી દે છે. એટલે જ વિડિયોની અંદર ખરાબ કૅસેટો આવે છે જે આપણે ન જોવી જોઈએ. એવી અશ્લીલ કૅસેટોથી માણસને પૈસા કમાવા છે એટલે બનાવે છે. તમારી ખરાબ વૃત્તિ થાય, સમાજ આખો બગડે, રાષ્ટ્ર આખું ખલાસ થઈ જાય એની સાથે એને સંબંધ નથી. એને પૈસા સાથે સંબંધ છે. સરકારને પણ એવી કંપનીઓ તરફથી ટેક્સ મળે છે એટલે તે બંધ કરાવી નહીં શકે. બંધ કરવાનો એક જ ઉપાય છે - આપણે બરાબર સમજવું. ડ્રગ્સ, ગુટકા વગેરે પણ ઝેર જ છે એમ સમજે તો એનાથી દૂર રહેવાય.
આવાં બધાં દૂષણો પેસવાનું, કારણ વિવેક વગરનું આપણું જીવન જિવાય છે એ છે. આપણું મન મજબૂત હોય કે મારે એનો ઉપયોગ જ નથી કરવો તો એની મેતે ગુટકા, દારૂ વગેરે બંધ થશે. બાકી તો આ રાક્ષસી વસ્તુ છે. રાક્ષસી વસ્તુનું આકર્ષણ એવું હોય કે સ્વાભાવિક આપણે આકર્ષાઈ જઈએ. આપણી અંદર રાગ પડેલા જ છે એટલે તેનો યોગ થતાં વધારે આકર્ષણ થાય. તમે ગમે તેવા હો તો પણ ડગમગી જાઓ. માટે જાણપણું રાખો તો વાંધો નહીં આવે.
વેબસાઈટમાં ખરાબ વસ્તુ છે તેનો ઉપયોગ જ ન થવો જોઈએ એનો ખ્યાલ રાખવો. શ્રીજીમહારાજે વચનામૃત ગઢડા પ્રથમ ૧૮માં કહ્યું છે તેમ એનો યોગ થતાં મન ચલાયમાન થવાનું જ. ઇન્ટરનેટ દેખાય છે સારું પણ સ્લો પોઇઝન છે. જેમ જેમ એનો અનુભવ કરીએ, તેમ તેમ જીવન બગડે છે. આ વાતનો એવો પ્રચાર કરો કે આનાથી બીજા બચે. ડૂબતા માણસને બચાવવો એ આપણી ફરજ છે.
પ્રશ્ન : ઇન્ટરનેટ પર વાર્તાલાપ(ચેટીંગ) અમારાથી થઈ શકે ?
સ્વામીશ્રી : જેટલી જરૂરની વાત હોય, તેટલી વાત કરો. જરૂર વગરની વાત ન કરો. અભ્યાસની ધંધાની વાત કરો. એનો વાંધો નહીં પણ જરૂર વગરની વાત કરવાથી આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈશું. ધર્મની બાબત જાણવી હોય તો ધર્મની વાત તમે બરાબર જાણો. એની જોડે વાર્તાલાપ કરો.
જેની અંદર આપણા સંસ્કાર વધે, આપણી સંસ્કૃતિ વધે, આપણા ધર્મમાં શ્રદ્ધા થાય, ભગવાનમાં શ્રદ્ધા થાય, આપણું જીવન સારું સુવાસવાળું થાય, પરોપકારી બને એવી રીતની વાત જેની જોડે હોય, એ આપણે કરીએ તો બહુ વાંધો નથી, પણ જેનાથી આપણું જીવન બગડે, આપણું કુટુંબ બગડે, સમાજ બગડે એવી બધી વાતો કરવાથી કોઈ ફાયદો નથી. એટલે એવી ખરાબ વાતો આપણે કરવાની નથી અને સાંભળવી પણ નહીં.
પ્રશ્ન : ઇન્ટરનેટ ઉપર અમારે કેટલો ટાઇમ વાપરવો જોઈએ ?
સ્વામીશ્રી : આજે માણસ ઇન્ટરનેટ ઉપર એટલો બધો રસબસ થઈ ગયો છે કે રાતોની રાતો જોયા કરે. એમાંય યુવાન ઉપર એની અસર વધારે છે. આપણે થોડા સમય પૂરતો એનો ઉપયોગ કરવો. જે પ્રશ્ન માટે ચાલું કર્યું હોય, તે પ્રશ્નનો ઉત્તર મળી ગયો એટલે પતી ગયું. એને આગળ વધારવાની વાત નથી. તેમાં અભ્યાસ, સત્સંગ અને ધંધો કરતા હોય તો એનું કામ કરો એ સિવાયનું જરૂર વગરનું કરવામાં સમય ન બગાડવો. 'વ્યર્થકાલો ન નેતવ્યો ભક્તિં ભગવતો વિના.'
તમારા અભ્યાસનું કામ હોય તો તેમાં સંપૂર્ણ ધ્યાન આપો. બીજું ભક્તિમાં અને સત્સંગની અંદર સમય વિતાવો. તો તમારા જીવનનું ઘડતર થશે. તમારા મનનો કંટ્રોલ થશે. એનો લાભ ભવિષ્યમાં તમને મળશે. ભવિષ્યમાં તમારામાં ચંચળતા નહીં આવે. તમને કોઈની (ખરાબ માણસોની) અસર નહીં થાય.
(અભ્યાસ અને સત્સંગ) પછીના ટાઇમમાં તમારાં મા-બાપની સેવા કરો. ઘરનું કામ કરો. આપણે મા-બાપને આદર આપવો જોઈએ. એમની આજ્ઞા પાળીને રાજી કરવાં... પછી રમત-ગમત કરતા હોય એનો પણ વાંધો નથી. વૅકેશનની અંદર કોઈ સારું જ્ઞાન થાય, આપણો ઉત્કર્ષ થાય એવી રીતનો સમય પસાર કરીએ તો વાંધો નથી.
ટૂંકમાં (ઇન્ટરનેટ પાછળ) જેટલી જરૂર છે એટલો જ સમય આપવો. એથી ખોટો સમય વધારે ન જવા દેવો. સારી બાબત હોય ને તેમાં થોડો વધારે સમય જાય એનો વાંધો નથી. અભ્યાસમાં, મંદિરમાં પા કલાક વધારે જાય તો વાંધો નહીં પણ એક મિનિટ ખરાબ (બાબતમાં) જતી હોય તો એ આપણે ન જવા દેવી.'
ત્રણેય પ્રશ્નોના સ્વામીશ્રીએ આપેલા ઉત્તરો એટલા અદ્ભુત અને પ્રતીતિકર હતા કે શિબિરાર્થીઓએ રાજી થઈને ઘણા સમય સુધી તાલીનાદ કર્યે રાખ્યો. વિદેશની ભૂમિ પર સત્સંગી બાળકો-કિશોરોમાં ભાષા-ભૂષા-ભોજન અને ભજન આ ચારેની સુરક્ષા થાય, સત્સંગ અને ભક્તિ પ્રત્યેની અભિરુચિ વિકસે એવું સુંદર માર્ગદર્શન અમેરિકાના કિશોરોને સ્વામીશ્રીએ આપ્યું.