શું આપ જાણો છો કે દુનિયાના કયા શાસક ઉપર સૌથી વધુ ફિલ્મો બની છે અને સૌથી વધુ લખાયું છે? હિટલર ઉપર. આપણા શાસ્ત્રોમાં કયા રાજાઓનાં નામ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે? રાવણ અને દુર્યોધનનાં. પરંતુ આ ઉલ્લેખ પ્રેમથી કરવામાં આવ્યાં નથી, ભારોભાર તિરસ્કાર અને ધૃણાથી કરાયાં છે. કારણ કે જે માણસો ઉપર એ લોકો શાસન કરવા માગતા હતા એ જ માણસોને તેઓ ધિક્કારતા હતા. સાફ છે- તમને માણસ ગમે તો માણસને તમે પણ ગમો.
ગઈ સદીમાં માધ્યમિક શાળા સુધી માંડ પહોંચેલા પ્રમુખસ્વામી કરોડોના મનગમતા કેવી રીતે બન્યા? એમને બધાં જ ગમતા એટલે. એક માતાની માફક વગર કહ્યે એમને બધાંની જરૂરિયાતની ખબર પડી જતી, જે પૂરી કરવા માટે તેઓ આકાશ-પાતાળ એક કરતા. તા.૫-૭-૭૬ની દિવસે તેઓ દેવગઢ બારિયામાં હતા. એ વખતે લંડનથી ખાસ સત્સંગ કરવા આવેલ યુવક જીતેશ એકાએક મેલેરિયામાં પટકાયો. અજાણ્યાં માણસો, પોતાની ભાંગીતૂટી ભાષા અને તાવની ઉપાધિ- આથી ગભરાટમાં તે એક ખૂણામાં ગોદડું ઓઢીને સૂઈ ગયો. તાવમાં થરથર ધૃજતાં ચિંતામાં પડી ગયો કે હવે મારું શું થશે? પરંતુ એને કલ્પના નહોતી કે કરોડોના ગુરુપદે બિરાજમાન વિશ્વવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ એવું માતૃહૃદય ધરાવે છે, કે અત્યારે તેઓ મારી જ ચિંતા કરી રહ્યા છે. પ્રમુખસ્વામી બહારથી આવ્યા ત્યારે પોતે જ અતિ શ્રમિત અને બીમાર હતા, પરંતુ પથારી ભેગા થવાને બદલે તેઓ જીતેશની પથારીએ આવીને સીધા જમીન ઉપર જ બેસી ગયા. પોતે તેનું માથું દબાવવા લાગ્યા અને તેના ભોજન સંબંધી સેવકોને સૂચના આપવા લાગ્યા. એટલું જ નહીં, પણ પોતાનું અતિ અગત્યનું કામ- પત્રલેખન- એ કરવા માટે એમણે કાગળ-પેન ત્યાં જ મંગાવ્યાં અને બીમાર સંતાનથી છેટે જતાં માતાનો જીવ ન ચાલે એ રીતે તેઓ એ યુવાનનો તાવ ન ઉતર્યો ત્યાં સુધી ત્યાંથી ઊભા ન થયા.
માર્ચ ૧૯૭૭માં અમદાવાદના રોકાણ દરમ્યાન પ્રમુખસ્વામીએ સંસ્થાના કાર્યકર નિર્મળસિંહ રાણાને બોલાવ્યા. ગામડે-ગામડે ઘૂમીને સત્સંગની સેવા કરતાં આ કાર્યકર માટે તેઓએ મોટરસાયકલની વ્યવસ્થા કરી આપેલી. નિર્મળસિંહ ઓરડામાં આવ્યા ત્યારે સ્વામીશ્રીએ એક સેવક પાસે એક વસ્તુ મંગાવી. એક બોક્સ હાજર થયું. બોક્સના એક પછી એક પડ ખુલતાં ગયાં અને અંદરથી નીકળી માથાપર પહેરવાની હેલ્મેટ. એ જમાનામાં કોઈ હેલ્મેટ પહેરતું જ નહોતું. આથી નિર્મળસિંહ આ વસ્તુને જોઈને આશ્ચર્ય પામ્યા, એવામાં સ્વામીશ્રીના મધુર શબ્દો સંભળાયા,‘ તમે ગામડાં ફરો છો તો અમને ચિંતા રહેતી. તેથી સલામતી માટે આ હેલ્મેટ લાવ્યા છીએ. સાચવીને ચલાવજો.‘ એ હેલ્મેટ સ્વામીશ્રીએ એ યુવાનના માથા પર મૂકાવી અને યુવરાજના શિરે રાજમુકુટ મુકાયો હોય એમ એ જોઈને રાજી થયા. કાર્યકરોને તેઓ પોતાના કાળજાના કટકા માનતા.
આવા જ એક કાર્યકર- હર્ષદભાઈ ચાવડા. સંસ્થાની બાંધકામ પ્રવૃત્તિમાં પોતાનું સર્વસ્વ હોમી દેનાર આ ભક્તને મન સંસ્થા સિવાય બીજી કોઈ દુનિયા નહોતી, તો આ ભક્તનું પણ પ્રમુખસ્વામી પુત્રવત્ પાલન કરતા. આ સેવાકાર્યમાં જતાં રાજસ્થાનમાં એમને ગંભીર અકસ્માત નડ્યો અને એ પથારીવશ થઈ ગયા. પ્રમુખસ્વામી આ સમાચાર જાણીને અતિ દ્રવિત થઈ ગયા અને તાત્કાલિક ફોન કરીને સારામાં સારી સારવાર થાય એ માટે સૂચનાઓનો ધોધ વહાવી દીધો. પરંતુ આટલાથી એમને સંતોષ ન થયો. એમણે હર્ષદભાઈ ઉપર પત્ર લખ્યો,‘ તું અમારા હાથ-પગ જેવો છે તો તારા દુઃખથી અમોને પણ દુઃખ છે. તારા આ દુ:ખમાં મારે સેવા કરવી જોઈએ. તારા માટે જેટલું ન થાય એટલું ઓછું છે. આવા પ્રસંગે મારાથી સેવા ન થાય તે સહેજે દુઃખ રહે છે. તારા માટે લાખો તો શું તેથી વધારે ખર્ચ કરવો પડે તો પણ ઓછો છે.‘ જે પ્રેમનો મેઘમલ્હાર વરસાવતા હોય એના ઉપર લોકો પણ વારી જાય એમાં શી નવાઈ!
એવી એમની પ્રેમગંગા અજાણ્યાને પણ અંગતની માફક જ ભીનાં ભીનાં કરી દેતી. તા.૨૧-૫-૮૬ના દિવસે મૂળ ઉત્તર પ્રદેશથી આવેલ એક મજૂર જેવો માણસ કેરીના કરંડિયાની ડિલિવરી આપવા દાદર-મુંબઈના સ્વામિનારાયણ મંદિરે આવી પહોંચ્યો. લઘુતાગ્રંથિને લીધે અંદર આવવામાં પણ ખચકાતા એ અજાણ્યા ગરીબ ઉપર પ્રમુખસ્વામીની કરુણા વરસવા લાગી. સ્વામી એને પ્રેમથી પૂછવા લાગ્યા ત્યારે એ હોમીઓપેથીનો ડોક્ટર બનેલ યુવાન રડતાં રડતાં બોલવા લાગ્યો,‘ મેરે જૈસા બદકિસ્મત ઔર દુઃખી કોઈ નહીં હૈ.‘ સ્વામીએ એ જ ક્ષણે એનો ઉદ્ધાર કરવાનો નિર્ણય લઈ લીધો. બીજે દિવસે એને એના સર્ટિફિકેટ સહિત બોલાવ્યો અને એક ડોક્ટરને ત્યાં એને નોકરી અપાવી દીધી. ન જાન ન પહેચાન- એવાનું ભલું કરવામાં પણ પ્રમુખસ્વામી પોતાના અંગત માણસ જેટલા જ સક્રીય બની ગયા કારણ કે એ ‘માણસ‘ પ્રત્યે અબાધિત પ્રેમ કરવામાં માનતા હતા.
ઈશાવાસ્યમ્ ઈદમ્ સર્વમ્- ની ઔપનિષદિક ભાવનાથી જે દરેકમાં ભગવાનનો વાસ અનુભવી શકે છે તે દરેકને ચાહી શકે છે. એને બધાં ગમે છે આથી એ બધાંને ગમે છે. એટલે જ આ ભાવનાને જીવી જાણનાર પ્રમુખસ્વામી જેવા સંત બધાંને ગમ્યા છે.