કળિયુગમાં ભગવાન અને શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ સંત થકી જ મોક્ષ છે
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલ મેન ગણાતા ડૉ. કલામ તો મળ્યા ત્યારથી સ્વામીબાપાના મિત્ર બની ગયા, તેવી જ રીતે અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટન પણ પ્રમુખસ્વામી મહારાજને મળીને અભિભૂત થઈ ગયા હતા.
સ્વામીશ્રી સાથે કોલકાતાના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના નિર્માણ અંગેની એક મીટિંગ ચાલી રહી હતી. તે દરમ્યાન સ્વામીશ્રીએ પ્રશ્ન પૂછ્યો કે આપણા મંદિરની આગળથી જે નાનો રોડ જાય છે એ મોટો થવાનો?
મેં કહ્યું કે રસ્તો મોટો થવાનું નક્કી થઈ ગયું હતું, પણ આજુબાજુના લોકો એકમત થતા નથી અને વાત નક્કી થતી નથી.
એ વાત પરથી વિવેકસાગર સ્વામીએ આધુનિક સમાજનું ચિત્રાત્મક વર્ણન કર્યું. અંધાધૂંધી, અરાજકતા, ખૂન-ખરાબી, અવિશ્વાસ, છૂટાછેડા, વ્યસનો, ઝઘડા, કંકાસ... વગેરેનું એવું વર્ણન કર્યું કે વાતાવરણ ગમગીન થઈ ગયું. પછી તેમણે જ જાતે સમાધાન કરી કહ્યું કે, ‘શું થાય? આ તો હળાહળ કળિયુગ છે. તે આવું જ રહેવાનું.’
એ દરમ્યાન દુઃખી સ્વરે મેં અચાનક સ્વામીશ્રીને કહ્યું કે, ‘બાપા! મને એમ લાગે છે કે હું કળિયુગમાં ખોટો જન્મ્યો... હું સતયુગમાં જન્મ્યો હોત તો સારું...’
પળનાય વિલંબ વગર સ્વામીશ્રી બોલ્યા, ‘તો મોક્ષ થાત નહીં.’
એકદમ હું સ્તબ્ધ બની ગયો. વાતને વળી આગળ લઈ જતાં સ્વામીશ્રી કહે, ‘તો ક્યારેય મોક્ષ થાત નહીં.’ અને પછી હસતાં હસતાં કહે, ‘કળિયુગમાં આ પરિસ્થિતિમાં વારંવાર ભગવાન યાદ આવે અને સત્પુરુષ કહે એમ કરીએ તો મોક્ષ થાય. નહીં તો મોક્ષ ન થાય.’
ઘણીવાર આપણા મનમાં ભ્રમણા હોય છે કે યુગ, વાતાવરણ અને પરિસ્થિતિના આધારે ભજન, ભક્તિ અને કલ્યાણ થતાં હોય છે, પણ હકીકતમાં ભગવાન અને સંતથી જ મોક્ષ છે, તેથી ગમે તેવો કળિયુગ પણ આપણા માટે સતયુગથીય અધિક જ છે.
તા. ૩૧-૮-૨૦૧૧ના દિવસે અમેરિકામાં નિર્માણ પામનારા અક્ષરધામનો શિલાપૂજનવિધિ સ્વામીશ્રીના હસ્તે સંપન્ન થયો હતો. એના બીજે દિવસે સવારે ૧૦-૩૦ વાગે એક કાર્ય માટે સ્વામીશ્રી ઈશ્વરચરણ સ્વામી અને હું ત્રણ જણા બેઠા હતા.
મેં કહ્યું, ‘બાપા! બે દિવસથી મને ખૂબ આનંદ છે.’
સ્વામીશ્રીએ પૂછ્યું, ‘કેમ?’
‘કારણ કે, વર્ષોથી જે અમે આપને એક પ્રશ્ન પૂછીએ છીએ તેનો જવાબ મળી ગયો!’ મેં કહ્યું.
‘કયો?’ સ્વામીશ્રીએ પૂછ્યું.
‘આપનો આગવો સંકલ્પ! આપને જ્યારે પૂછીએ ત્યારે આપ આપનું દરેક કાર્ય યોગીબાપાના સંકલ્પ તરીકે ગણાવી દો છો. એ આપની ગુરુભક્તિ છે! લંડનના મંદિર અંગે આપ તેમ કહો તે સમજાય! ગાંધીનગરનું અક્ષરધામ કહો તે સમજાય, દિલ્હીનું અક્ષરધામ યમુનાના કિનારે હોવાના કારણે યોગીબાપાનો સંકલ્પ ગણાવી શકાય... પણ... અમેરિકાનું અક્ષરધામ એ તો આપનો સ્વતંત્ર સંકલ્પ કહેવાય! એમાં યોગીબાપાનો સંકલ્પ ન કહેવાય!’
એકદમ ઠાવકાઈથી... અદબ વાળી આછું આછું સ્મિત રેલાવતાં સ્વામીશ્રી કહે, ‘કેમ ન કહેવાય? તેં યોગીબાપાને સંકલ્પ કરતાં જોયા છે? ઈશ્વરચરણ સ્વામીએ જોયા છે! કેમ ઈશ્વર સ્વામી?’
ઈશ્વરચરણ સ્વામી કહે, ‘હા બાપા!’
સ્વામીશ્રી કહે, ‘યોગીબાપા રોજ સંકલ્પ કરતા, ધૂન કરતા... સાધુ વધો... સત્સંગ વધો... મંદિરો વધો... સાધુ વધો... મંદિરો વધો...’ એટલું કહીને મારી સામે ઝીણી આંખો કરી પૂછ્યું: ‘એનો અર્થ શું થયો? મંદિરો વધો એટલે બધાં મંદિરો આવી ગયાં... દેશનાં... પરદેશનાં... તમામ મંદિરો બધાં જ આ સંકલ્પના પેટા સંકલ્પ કહેવાય! તો દેશમાં જે નવાં મંદિરો થાય, વિલાયતમાં જે નવાં મંદિરો થાય... અને છેક ચંદ્ર પર થાય, તે બધાં જ યોગીબાપાના જ સંકલ્પ કહેવાય! મંદિરો વધો... તેમાં આજના અને ભવિષ્યનાં બધાં જ મંદિરો આવી ગયાં!’
ઈશ્વરચરણ સ્વામી મને સંબોધીને કહે, ‘પણ ત્રણે સ્વરૂપ એક જ છે ને! શાસ્ત્રીજી મહારાજ સંકલ્પ કરે, યોગીબાપા સંકલ્પ કરે કે સ્વામીબાપા સંકલ્પ કરે એ બધા એક જ છે!’
સ્વામીશ્રી કહે, ‘એ તો બરાબર છે, ઈશ્વર સ્વામી...! પણ હું જે રીતે કહું છું તે પણ બરાબર છે...’
હું એકદમ અવાક થઈ ગયો. સ્વામીશ્રીની જે ગુરુભક્તિ છે તે ઉપરછલ્લી નથી. તેમાં ઊંડો વિચાર છે.
ઘણીવાર તેઓ અમને કહે છે અથવા લખે છે કે ‘તમે યોગીબાપાના સંકલ્પે સાધુ થયા છો...’ ભલે અમે યોગીજી મહારાજને મળ્યા પણ ન હોઈએ, પણ સ્વામીશ્રીના મતે ‘સાધુ વધો’માં અમે યોગીજી મહારાજના સંકલ્પમાં આવી ગયા! સ્પષ્ટ શ્રદ્ધા, ભક્તિ અને તર્ક આધારિત આ સમજણ છે.
સ્વામીશ્રીએ પોતાનાં ભવિષ્યનાં તમામ કાર્યો યોગીબાપાને અર્પણ કરી દીધાં અને પરમેનન્ટ પેટન્ટ્સ રાઇટ્સ આપી દીધા.
આમ, આજે એક વિશ્વના અગ્રણી વિજ્ઞાની જ્યારે એક ધર્મગુરુ ઉપર પુસ્તક લખે છે ત્યારે પણ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની અહંકારશૂન્યતાનાં દર્શન થાય છે. વિશ્વભરમાં સૌથી વધુ મંદિરો બાંધવાથી માંડીને માનવ કલ્યાણનાં 100થી વધુ કાર્યો હોય, છતાં પણ ક્યાંય લેશમાત્ર પણ મારા થકી થાય છે તેવો અહોભાવ પણ મુખમુદ્રા પર જોવા મળતો નથી. બધું જ ગુરુકૃપાથી થાય છે - આવી ભક્તિ આપણે પણ પામીએ એ જ આજનો મોટો સંકલ્પ કહેવાશે અને ત્યારે જ આપણે પણ ‘પરાત્પર’ની સ્થિતિના માર્ગે જવા માટે લાયક બની શકીશું.