અધ્યાય - ૨
સ્થિતપ્રજ્ઞની ઓળખ શી?
અનુસંધાન - 'श्रुतिविप्रतिपन्ना ते यदा स्थास्यति निश्र्चला। समाघावचला बुद्धिस्तदा योगमवाप्स्यसि॥'
'જાત-જાતના શબ્દો સાંભળવાને લીધે વિચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે નિશ્ચલ થશે, સમાધિમાં સ્થિર થશે, ત્યારે તું યોગને પામીશ.'(ગીતા ૨/૫૩) એમ શ્રીકૃષ્ણ ભગવાને પાર્થને કહ્યું હતું. ત્યાર પછી પાર્થે જે પૂછ્યું તે હવે જાણીએ.
'स्थितप्रज्ञस्य का भाषा' - સ્થિતપ્રજ્ઞની ઓળખ શી?
અર્જુને પૂછ્યું -
'स्थितप्रज्ञस्य का भाषा समाघिस्थस्य केशव।
स्थितघीः किं प्रभाषेत किमासीत व्रजेत किम्॥'
'હે કેશવ! સમાધિમાં સ્થિત સ્થિર બુદ્ધિવાળા મનુષ્યનું લક્ષણ શું છે, તે સ્થિર બુદ્ધિવાળો કઈ રીતે બોલે કઈ રીતે બેસે અને કઈ રીતે ચાલે.' (ગીતા ૨/૫૪)
'स्थितप्रज्ञस्य का भाषा!' પાર્થની આ આરજૂ છે, આર્તનાદ છે, પ્રાર્થના છે. પૂછવા ખાતર પુછાયેલો પ્રશ્ન નથી. ઘણાને પ્રશ્નો પૂછવાની આદત હોય છે. અર્જુનને એવી આદત નથી. ઘણાને નવું નવું જાણવાનો અને માહિતીના ભંડારો ભરવાનો શોખ હોય છે તેથી પ્રશ્નો પૂછી પૂછીને પોતાના જ્ઞાનભંડારને સમૃદ્ધ બનાવતા હોય છે. અર્જુનમાં એવું પણ નથી. તે કેવળ જિજ્ઞાસુ નથી, મુમુક્ષુ છે. રોગમુક્તિને ઝંખતો દર્દી નિરામયતા માટે તલસે તેમ અર્જુનનો અહીં તલસાટ દેખાય છે. બૌદ્ધિક અસ્થિરતાનો ત્રાસ તે અત્યારે અનુભવી રહ્યો છે. તેને ત્રાસમુક્ત થવાની તીવ્ર ઝંખના છે. વળી, આ પૂર્વેના શ્લોકમાં શ્રીકૃષ્ણ ભગવાને પરમાત્માના સ્વરૂપમાં બુદ્ધિને નિશ્ચળ કરવાનો ઉપદેશ આપ્યો હતો. યોગી થવા કહ્યું હતું. પરમાત્મસ્વરૂપમાં સમાધિ સાધવાની વાત કરી હતી. અર્જુન તેવો યોગી થવા ઇચ્છે છે. સમાધિનિષ્ઠ થવા ઇચ્છે છે તેથી સહેજે જ ઉપરોક્ત ઉદ્ગારો તેના મુખમાંથી પ્રશ્ન રૂપે સરી પડે છે.
'स्थिता प्रज्ञा यस्य सः इति स्थितप्रज्ञः' એમ વ્યાકરણશાસ્ત્ર પ્રમાણે આ શબ્દની વ્યુત્પત્તિ થાય છે. 'સ્થિર છે બુદ્ધિ જેની' એ એનો અર્થ થાય છે. 'समाघौ तिष्ठति इति समाघिस्थः' એમ 'समाघिस्थः' શબ્દની વ્યુત્પત્તિ છે. 'સમાધિમાં સ્થિત રહેનાર' એમ તેનો અર્થ થાય છે. 'घीः' એટલે બુદ્ધિ. 'स्थिता घीः यस्य सः इति स्थितघीः' એમ 'स्थितघीः' શબ્દની વ્યુત્પત્તિ છે. સ્થિતપ્રજ્ઞ શબ્દનો આ પર્યાય છે.
'स्थितघीः किं प्रभाषेत' - સ્થિતપ્રજ્ઞ કેવું બોલે ?
સ્થિતપ્રજ્ઞનાં લક્ષણની સાથે સાથે તેના બોલવા, બેસવા કે ચાલવા અંગેનો પ્રશ્ન પૂછીને અર્જુને જીવનશિક્ષાની એક સચોટ પદ્ધતિને અપનાવી છે. તેણે જીવંત ચરિત્રો દ્વારા આ વાતને સમજવા ઇચ્છા કરી. કોઈ પણ ગુણ આત્મસાત્ કરવા તેનો આદર્શ નજર સામે જીવંત હોવો જોઈએ. વિદ્યાને આત્મસાત્ કરવા ઇચ્છતો વિદ્યાર્થી તે વિદ્યાને આત્મસાત્ કરી હોય તેવી વ્યક્તિને પોતાની નજર સમક્ષ રાખે છે. રમત-ગમતમાં પ્રગતિ કરવા ઇચ્છતો યુવાન કોઈ જીવંત રમતવીરને વારંવાર નિહાળ્યા કરે છે. તેની પ્રત્યેક ક્રિયાનું ઝીણવટથી અવલોકન કર્યા કરે છે. તેના મનનમાં તન્મય બની જાય છે. પરિણામે પોતે પણ સફળતાનાં શિખરો સર કરી શકે છે. પાર્થના મનમાં એવી જ અપેક્ષા છે. મહાપુરુષોની બોલવા, બેસવા કે ચાલવા જેવી સામાન્ય ક્રિયાઓમાં પણ બૌદ્ધિક સ્થિરતાનાં દર્શન કરવાની કળા તે જાણવા માગે છે.
સ્થિતપ્રજ્ઞતાને સમજવા બોલવા, બેસવા કે ચાલવા જેવી શારીરિક ક્રિયાઓ વિષેના પાર્થના પ્રશ્નમાં બીજી પણ એક વિશેષતા દેખાય છે. પાર્થ શારીરિક ભાષાનું મહત્ત્વ સમજે છે. શારીરિક ભાષા એટલે ક્રિયાઓની ભાષા. આચરણની ભાષા. બોલવા, બેસવા, ને ચાલવા જેવી બાહ્ય ક્રિયાઓ દ્વારા અભિવ્યક્ત થતું માનવીનું આચરણ તેના આંતરિક વ્યક્તિત્વની સાચી ભાષા છે. માણસ બોલે તે પરથી તેના વિચારોની ખબર પડે છે. કેટલાકની વાણી સાંભળતાં વેંત જ તેમની વૈચારિક સ્થિરતા અનુભવાય છે. અસ્થિર મગજના માણસો શું બોલતા હોય છે તેની ઘણી વાર તેઓને પોતાનેય ખબર નથી હોતી. આવું બેસવા-ચાલવા જેવી દરેક ક્રિયામાં સમજી શકાય છે. પાર્થ બાહ્ય આચરણોમાં પડઘાતી આંતરિક સ્થિરતાને જાણવા ઇચ્છે છે.
આમ પાર્થની આ પ્રાર્થના યોગના તત્ત્વને જીવન સાથે એકરસ કરે છે. તત્ત્વજ્ઞાન કેવળ શુષ્ક ચર્ચાઓનો વિષય નથી. તે કેવળ કોરા વિચારોનું મંથન જ નથી. કેવળ બૌદ્ધિક આનંદ મેળવવા માટેની કસરત જ નથી. કે પછી કેવળ કાલ્પનિક ઊંચા ધ્યેયોને બાંધી આપનારી વિચારધારા માત્ર નથી. તત્ત્વજ્ઞાન તો વાસ્તવિક મંજિલ સુધી પહોંચાડનાર રાજમાર્ગ છે. વસ્તુઓના અસ્તિત્વનો વાસ્તવિક અનુભવ છે. જીવનશૈલીનો મહત્ત્વનો ભાગ છે. જે જીવન સાથે એકરસ ન થઈ શકે તેને તત્ત્વજ્ઞાન ન કહેવાય. અર્જુનની પ્રશ્નપ્રાર્થના આ બાબત સ્પષ્ટ કરી આપે છે.
'प्रजहाति यदा कामान्' - કામનાનો ત્યાગી
શ્રીકૃષ્ણ ભગવાને ઉત્તર આપતાં કહ્યું -
'प्रजहाति यदा कामान् सर्वान् पार्थ मनोगतान्।
आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोत्व्यते॥'
'હે પાર્થ! મનુષ્ય જ્યારે મનમાં રહેલી સઘળી કામનાઓને ત્યજી દે અને પોતાના આત્મામાં રહેલા પરમાત્મા વડે જ સંતુષ્ટ રહે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.' (ગીતા - ૨/૫૫)
'प्रजहाति' એટલે ત્યાગ કરવો. ત્યાગથી આરંભ થયો. ત્યાગ સ્થિતપ્રજ્ઞતાનું પ્રથમ સોપાન છે. કરતા હોય તેમ કરતા રહીએ ને સ્થિતપ્રજ્ઞ થવાની ઇચ્છા રાખીએ એ ક્યારેય બનવાનું નથી. ત્યાગને અપનાવ્યા વગર છૂટકો નથી. આથી પ્રથમ લક્ષણમાં જ ત્યાગને મૂક્યો.