અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ એક માર્મિક વાત કહી છેઃ
‘ભગવાનની દયા તો અપાર છે. ને સર્વ ઠેકાણે ત્યાંથી જ દયા આવી છે...’ (સ્વા.વા. 1/175)
દયા એ પરમાત્માનો અપરિમિત ગુણ છે. ભગવાન શ્રીરામને સંબોધીને અયોધ્યાના નગરવાસીઓ ઉચ્ચારે છેઃ
‘હેતુરહિત જગ જુગ ઉપકારી...’
એટલે કે હે પ્રભુ! જેઓ કારણ વિના નિઃસ્વાર્થ ઉપકાર કરે છે એવા તો આપ અને આપના સંત છો.
દયા કે પરોપકારનું મહત્ત્વ આંકતાં વિદ્વાનો વ્યાસજીએ લખેલાં અઢાર પુરાણોનો સાર આમ ઉચ્ચારે છેઃ
‘અષ્ટાદશપુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ્,
પરોપકારઃ પુણ્યાય પાપાય પરપીડનમ્।
અર્થાત્ વ્યાસજીએ રચેલાં અઢારે પુરાણોનો સાર માત્ર આ બે વચનોમાં આવી જાય છેઃ પુણ્ય માટે પરોપકાર કરવો અને પાપ માટે બીજાને પીડા આપવી.
તુલસીદાસજી રામચરિતમાનસમાં ભગવાન શ્રીરામના મુખમાં આ શબ્દો મૂકે છેઃ પરહિત સરિસ ધરમ નહીં ભાઈ! (ઉત્તરકાંડ, 46)
તુલસીદાસજી એક ચોપાઈમાં દયાને ધર્મનું મૂળ કહે છેઃ ‘દયા ધરમકા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન.’
દયા-પ્રેમ-કરુણાનાં એવાં અનેક ઉદાહરણો ભારતીય સંસ્કૃતિએ જગતને પૂરાં પાડ્યાં છે.
શ્રીમદ્ ભાગવતના નવમા સ્કંધમાં વર્ણવાયેલું રંતિદેવ રાજાનું આખ્યાન દયા અને કરુણાનું એક ઉન્નત શિખર દર્શાવે છે. રંતિદેવ એક દાનેશ્વરી અને દયાળુ રાજા હતા. લોકોનાં દુઃખ દૂર કરવા માટે એમણે પોતાની બધી જ રાજ્યસંપત્તિ સમર્પિત કરી દીધી અને અંતે બેહાલ બનીને પરિવાર સાથે વનમાં ભટકી રહ્યા હતા. એક એવો સમય આવ્યો કે તેમને સતત 48 દિવસ સુધી ખાવા-પીવાનું ન મળ્યું. 49મા દિવસે તેમને થોડીક ખીર અને જળ મળ્યાં, પરંતુ એ જ વખતે અતિથિ રૂપે એક બ્રાહ્મણ ભોજનની આહ્લેક લગાવતો આવ્યો. તેમણે બ્રાહ્મણને ભોજન કરાવી દીધું. વધેલાં અન્નમાંથી તેઓ પરિવારમાં વહેંચીને ભોજન માટે મંડાણ કરતા હતા ત્યાં જ એક શૂદ્ર અતિથિ આવ્યો. વધેલાં અન્નમાંથી થોડો ભાગ રંતિદેવે તેને દાનમાં આપી દીધો. એટલામાં કૂતરા સાથે ત્રીજો અતિથિ આવ્યો. તેને પણ ભોજનની અપેક્ષા હતી. રંતિદેવે બાકી બચેલું બધું અન્ન તેને આપી દીધું. એટલું જ નહીં, રંતિદેવે એવા સમયે તેમના પર પ્રસન્ન થયેલા ભગવાન પાસે એટલું જ માંગ્યું કે મારે રાજ્યસંપત્તિ કે મુક્તિ પણ નથી જોઈતાં, મારે તો એટલું જ જોઈએ છે કે સૌનાં દુઃખ દૂર થાય.
આવાં ઉદાહરણો વિશ્વમાં દુર્લભ છે. જ્યારે વ્યક્તિના હૃદયમાં સાચા અર્થમાં દયા, કરુણા, પરોપકાર કે સહાનુભૂતિની લાગણી જન્મે છે, ત્યારે તે બીજાની નિઃસ્વાર્થ ભાવે સેવા કરી શકે છે. સત્તા કે સંપત્તિથી નહીં, પરંતુ હૃદયમાં દયા ધારીને બીજાની એવી નિઃસ્વાર્થ સેવા કરવાથી જ વ્યક્તિ મહાન બને છે.
અમેરિકન ધર્મગુરુ અને અમેરિકાની રાજનીતિમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર લોકનેતા માર્ટિન લ્યૂથર કિંગ (જુનિયર) કહે છેઃ
‘દરેક વ્યક્તિ મહાન બની શકે છે, જો તે બીજાની સેવા કરી શકે તેમ હોય.
દયાની ભાવનાથી બીજાને મદદ કરવાના કૉલેજના પ્રમાણપત્રની કોઈ જરૂર નથી, વ્યાકરણનું જ્ઞાન મેળવવાની પણ કોઈ જરૂર નથી. એ માટે તમારી પાસે બે જ ચીજ હોવી જોઈએ - કૃતજ્ઞતાથી ભરેલું હૃદય અને પ્રેમથી છલકાતો આત્મા.’
ટૂંકમાં, દયા એ પૃથ્વી પર વસતા માનવીઓ માટેનો એક અનિવાર્ય ગુણ છે. દયા જ આ ધરતી પર સૌને સુખ અને શાંતિનો અનુભવ કરાવી શકે છે.
દયા, કરુણા, પરોપકાર, પરહિત, પરસુખ વગેરે એકબીજાના પર્યાય છે. પરંતુ તેનો સાચો પર્યાય એટલે ભગવાન અને સંત!
જીવ-પ્રાણીમાત્રમાં થોડાઘણા અંશે દયાનો ભાવ રહેલો જ હોય છે, પરંતુ દયા કે કરુણાનો ગુણ તો પૂર્ણપણે અને સોળે કળાએ ત્યાં જ ખીલેલો જોવા મળે જ્યાં સ્વયં ભગવાન હોય અથવા તેમના અખંડ ધારક સંત હોય.
ભગવાન શ્રી સ્વામિનારાયણ દયા અને કરુણાની સાક્ષાત્ પ્રતિમૂર્તિ હતા. હકીકતે તો આ પૃથ્વી પરનું તેઓનું પ્રાગટ્ય એ જ તેમની સૌથી મોટી કરુણાનું ઉદાહરણ છે.
માત્ર 21 વર્ષની ઉંમરે સંપ્રદાયની ધર્મધુરા એમણે સંભાળી ત્યારે તેઓએ રામાનંદ સ્વામી પાસે જે પ્રાર્થના ઉચ્ચારી હતી તેમાં એમની દયા-કરુણાનો પૂર્ણ પરિચય થાય છે. તેઓએ માંગ્યું હતું:
‘ભક્તના ભાગ્યમાં એક વીંછી કરડ્યાની વેદના લખી હોય તો ભક્તને બદલે એ પીડા મને રુંવાડે રુંવાડે કરોડગણી થાય, પરંતુ ભક્તને કોઈ પીડા ન થાય. અને ભક્તના ભાગ્યમાં રામપાત્ર માંગી ખાવાનું લખ્યું હોય તો એ રામપાત્ર મારા ભાગ્યમાં આવે, પણ એ ભક્તને અન્ન-વસ્ત્રે કરીને કોઈ દુઃખ ન રહે.’
ભક્ત તો બરાબર, પરંતુ વનસ્પતિના એક છોડને પણ દુઃખ ન થાય તે માટે ભગવાન સ્વામિનારાયણે જગન્નાથપુરીમાં કેટલી મોટી આપત્તિ વહોરી લીધી હતી! ત્યારે તેમની ઉંમર હતી માત્ર 15-16 વર્ષની!
નીલકંઠ વર્ણી વેશે જગન્નાથપુરીમાં ઇન્દ્રદ્યુમ્ન સરોવરની પાસે તેઓ નિવાસ કરીને રહ્યા હતા ત્યારે કેટલાક વૈરાગી બાવાઓએ તેમને ભાજી તોડી લાવવાનું કહ્યું, તેનો ઉલ્લેખ કરતાં વચનામૃતમાં તેઓ કહે છેઃ
“એક સમે નાગડા બેરાગીની જમાત ભેળો હતો. તે મને સર્વે બેરાગીએ કહ્યું જે, ‘તાંદળજાની લીલી ભાજી તોડો.’ ત્યારે મેં કહ્યું જે, ‘એમાં તો જીવ છે તે અમે નહીં તોડીએ.’
પછી એક જણે તલવાર ઉઘાડી કરીને ડારો કર્યો તો પણ અમે લીલી ભાજી ન તોડી, એવો અમારો દયાવાળો સ્વભાવ છે.” (ગઢડા મધ્ય 60)
આવી દયાના કારણે જ 15-16 વર્ષના એ બાળયોગી નીલકંઠે એક અજાણ્યા બીમાર સાધુ સેવકરામની સેવાનું કેવું આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેઓ વચનામૃતમાં કહે છેઃ