અત્યાચાર વચ્ચેય નૈતિક્તાનું નૂર
હિન્દુઓની નૈતિકતાની ભરપૂર પ્રશંસા કર્યા પછી, વિદેશી વિદ્વાનો સામે એ પ્રશ્ન પણ સામે ઊભો હતો કે શું બધા જ હિન્દુઓ પ્રામાણિક જ હોય છે ? ખરેખર બધા જ હિન્દુઓ નિષ્ઠાપૂર્વક નૈતિકતાનું પાલન કરતા હોય છે ?
તે વાતમાં પણ તથ્ય છે કે હિન્દુઓમાં બધા જ લોકો પાસેથી નિર્દોષતા, પ્રામાણિકતા, સત્યનિષ્ઠાની અપેક્ષા રાખવી તે વધારે પડતું છે, પરંતુ તેમ છતાં એવા ખૂબ ઓછા પ્રમાણને તમે સાર્વત્રિક રીતે બધા જ હિન્દુઓ માટે લાગુ પાડી દો તે પણ યોગ્ય તો નથી જ ને ! - એમ કહીને પ્રો. મેક્સમૂલર સરસ તર્ક કરે છે : ‘ભારતમાં એક કહેવત છે કે તમે ડાંગરના આખા ખેતરનું મૂલ્યાંકન ચોખાના બે દાણા પરથી કરી શકો, પરંતુ એ જ સિદ્ધાંત જો માનવજાતિમાં લગાડવા જઈએ તો કેવો ગોટાળો થાય ! જેમ કે એક અંગ્રેજ પાદરીએ જહાજમાં એક ફ્રેન્ચ બાળકને ખ્રિસ્તી દીક્ષા આપી હતી, પરંતુ આખી જિંદગીમાં તે એક માત્ર ફ્રેન્ચ બાળકને મળ્યા પછી એ પાદરી જિંદગીભર એમ જ માનતો રહ્યો હતો કે બધા જ ફ્રેન્ચ બાળકોને લાંબું નાક જ હોય છે !’(Hindu Superiority, p. 44)
ટૂંકમાં, બધા જ પ્રામાણિક ન હોય, કોઈક અપ્રામાણિક પણ હોય તો તેના ચારિત્ર્યનો દોષ બધા જ હિન્દુઓ પર લાગુ ન પાડી શકાય. અને આમ છતાં હિન્દુઓમાં જે કાંઈ થોડીક માત્રામાં અપ્રામાણિકતા દેખાય છે તેનું કારણ તો તપાસો ! મેક્સમૂલર જાણે હિન્દુઓનો અવાજ વ્યક્ત કરે છે. હિન્દુઓ પર આક્રમણોનો કેવો ત્રાસ અને કેટલાં વર્ષોની અસહ્ય ગુલામીનાં બંધનો ! માણસ આવા સંજોગોમાં પોતાનાં નૈતિક ધોરણો કેટલાંક ટકાવી શકે ?
પ્રો. મેક્સમૂલર લખે છે : ‘વિદેશી આક્રમણકારો અને શાસકોના શાસનમાં હિન્દુઓ પર થયેલાં અત્યાચારો અને થરથરાવતા ત્રાસનાં વર્ણનો વાંચ્યા પછી હું માત્ર એટલું જ કહી શકું કે આવા સંજોગો વચ્ચેય ખૂબ મોટી માત્રામાં હિન્દુઓનાં સદ્ગુણો અને સત્યનિષ્ઠા-પ્રામાણિકતા ટકી રહ્યાં છે, એ જ મને તો એક મોટી અજાયબી લાગે છે !... વિદેશી આક્રમણકારોએ છેક સુધી જે અમાનુષી અત્યાચારો કર્યા છે, તેનાં વર્ણનો વાંચો ત્યારે તમને ચોક્કસ લાગે કે આવા સંજોગોમાં, આપણી માનવજાતિના સર્વ સામાન્ય વિશાળ સિદ્ધાંતો તો માત્ર ભારતમાં જ ટકી શકે ! મને તો એ જ અજાયબી લાગે છે કે આવા નર્ક વચ્ચે, કોઈ પણ દેશ, પોતાની જાતને રાક્ષસ બનાવ્યા વિના કઈ રીતે રહી શકે ?!’(F. Max Muller, p. 72, 54)
અનેક વિપરીત સંજોગોમાં પણ, પ્રાણાન્તે પણ હિન્દુઓ નૈતિકતામાં ટસના મસ નથી થતા - એ નિરીક્ષણે આ બ્રિટિશ વિદ્વાનોનાં મસ્તક વારંવાર ઝુકાવ્યા હતાં, એટલું જ નહીં, એ જિજ્ઞાસાએ એમને અકળાવ્યા પણ હતા કે હિન્દુઓની આ અવિચલ પ્રામાણિકતાનાં મૂળ કેટલાં ઊંડાં છે, કયા નક્કર આધાર પર રોપાયાં છે !
પ્રો. મેક્સમૂલર કહે છે કે ‘There must be ground for this...’
હિન્દુ નૈતિકતાનો આધાર
અનેક વિપરીત સંજોગોમાં પણ, મહદ્ અંશે હિન્દુઓ નૈતિકતામાં અટલ હતા - એ નિરીક્ષણે આ બ્રિટિશ વિદ્વાનોનાં મસ્તક વારંવાર ઝુકાવ્યા હતાં, એટલું જ નહીં, એ જિજ્ઞાસાએ એમને અકળાવ્યા પણ હતા કે હિન્દુઓની આ અવિચલ પ્રામાણિકતાનાં મૂળ કેટલાં ઊંડાં છે, કયા નક્કર આધાર પર રોપાયાં છે !
પ્રો. મેક્સમૂલર કહે છે કે ‘There must be ground for this...’
આજથી 200 વર્ષ પહેલાં ઇંગ્લૅન્ડથી પ્રકાશિત થયેલા ગ્રંથ ‘History, Literature and religion of the Hindus’ ના વિદ્વાન બ્રિટિશ લેખક શ્રીમાન વોર્ડ જાણે પૂછે છે : હિન્દુઓ સભ્ય નથી, પ્રામાણિક નથી - એવું બોલતાં પહેલાં તમે હિન્દુઓનું જરા બેકગ્રાઉન્ડ તો જુઓ !
શ્રીમાન વોર્ડ લખે છે : ‘વિવેક બુદ્ધિ ધરાવનાર કોઈ પણ વ્યક્તિ પૂર્વેના હિન્દુઓના ગુણગાનનો ઇન્કાર નહીં કરી શકે. હિન્દુઓના ગ્રંથો પુરવાર કરે છે કે મોટે ભાગે બધા જ પ્રકારના વિજ્ઞાનનો ઉદ્ભવ ત્યાં થયો હતો. અને જે રીતે તેઓ આ વિષયોનું નિરૂપણ કરે છે, તે સાબિત કરે છે કે હિન્દુ વિદ્વાનોએ જે જ્ઞાન હસ્તગત કર્યું હતું, તે બીજી કોઈ પણ પ્રાચીન પ્રજા પાસે ભાગ્યે જ હશે. જેમ જેમ તેમના તત્ત્વજ્ઞાન અને ધાર્મિક નિયમોના ગ્રંથોનો અભ્યાસ કરવામાં આવે તેમ તેમ અભ્યાસ કરનારને તે ગ્રંથો રચનારના જ્ઞાનના ઊંડાણ માટે દૃઢ પ્રતીતિ થવા લાગે છે...’(View of the History, Literature, and Riligion of the Hindus, Ward, vol. i, pp. 595-596)
‘અને એમ કબૂલ કરવું જ રહ્યું કે હિન્દુ રાજદરબારો પ્રકાંડ વિદ્વાનોથી છલકાતા હતા. તેઓ વિજ્ઞાનની એ દરેક શાખામાં ગૌરવ લઈ શકે તેમ હતા, જેનું જ્ઞાન અન્ય જગતને તો ખૂબ પાછળથી લાધ્યું. જે લોકો વેદો અને દર્શનશાસ્ત્રો જેવા તત્ત્વજ્ઞાનના ગ્રંથોનું સર્જન કરી શકે છે, નાગરિક અને ધાર્મિક નીતિનિયમોનાં સ્મૃતિશાસ્ત્રો રચી શકે છે, જેના કવિઓ મહાભારત, રામાયણ અને શ્રીમદ્ ભાગવતનું સર્જન કરવાનું સામર્થ્ય ધરાવે છે, જેમના ગ્રંથાગાર ભાષા-અંતરિક્ષ વિજ્ઞાન-કલા વગેરે વિષયોના ગ્રંથોથી ભરેલા છે, જેમના વિદ્યાલયો પ્રખર વિદ્વાનો અને વિદ્યાર્થીઓથી ઊભરાય છે, એ હિન્દુઓને કોઈ પણ રીતે અસભ્ય કે અપ્રામાણિક કહી શકાય જ કેવી રીતે !’ (Transactions of The Literary Society of Bombay, vol. III, London, 1823, p. 156)
હિન્દુઓનો ઇતિહાસ કેવા ગૌરવવંતા પવિત્ર કાર્યોથી શોભે છે! હિન્દુઓના એ પવિત્ર કાર્યો અને તેની પાછળ રહેલા પવિત્ર વિચારોનું બળ ક્યાંથી વહેતું ચાલ્યું આવે છે? હિન્દુઓની પવિત્રતા, પ્રામાણિકતા, ચારિત્ર્ય નિષ્ઠાનું બળ રાજકીય કે શાસકીય નહોતું. એ હતું એમની આધ્યાત્મિકતાનું બળ. એમની પેઢી દર પેઢીથી આચરણમાં મૂકાયેલી ફિલોસોફીનું બળ.
ગળથૂથીમાંથી નૈતિકતાના સંસ્કાર
હિન્દુઓની પર્વતપ્રાય નૈતિકતા પાછળ કોઈ શાસકીય કારણ નથી, પરંતુ ઊંડી સનાતન ફિલોસૉફી છે - એ વાત તો ગોરા અંગ્રેજોને સતત અચંબો પમાડતી હતી.
સન 1830માં લંડનથી પ્રકાશિત થયેલ ‘એશિયાટિક જર્નલ’ હિન્દુઓની પ્રામાણિકતાનું ફિલોસૉફિકલ કારણ આપતાં લખે છે :
‘આ પૃથ્વીના પટ પર સૌથી વધુ નીતિપૂર્ણ લોકો હોય તો તે હિન્દુઓ છે. કારણ કે તેમને ગળથૂથીમાં જ શીખવવામાં આવે છે કે આ જિંદગી કે મૃત્યુ પછીની જિંદગીના સુખનો સંપૂર્ણ આધાર, તમે જે પરિસ્થિતિમાં જન્મ્યા છો ત્યાં તમારો ધર્મ કેવી રીતે નિભાવો છો, તમે કેવું સદ્ગુણી અને ઉદાત્ત-પવિત્ર જીવન જીવો છો તેના પર છે. તેઓ કોઈ અંધશ્રદ્ધામાં માનવાને બદલે, ભગવાનના અસ્તિત્વના સરળ અને સાદા સિદ્ધાંતમાં માને છે, આત્માની અમરતા અને દિવ્યતામાં માને છે, કર્મોના ભાવિફળ અને સજામાં માને છે. ખૂબ પરિશ્રમ કરતી આ પ્રજાને એક દૃઢતા છે કે હંમેશાં તેમનાં સારાં કર્મો પર જ તેમનાં સુખ અને દુઃખનો આધાર છે.’(The Asiatic Journal, vol. ii- new series, May-August, 1830, London pp. 54-55)
હિન્દુઓની આ ફિલોસૉફી પાછળ હજારો વર્ષોથી ચાલી આવતી સ્મૃતિશાસ્ત્રોની પરંપરા છે. પરાશર સ્મૃતિ, યાજ્ઞવલ્કય સ્મૃતિ, મનુસ્મૃતિ, વગેરે સ્મૃતિશાસ્ત્રોથી બ્રિટિશરો કેટલા અંજાયા હતા ! ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ જેને ‘Book of Laws’ તરીકે આદર આપતા હતા એ સ્મૃતિગ્રંથોનું તો તેમણે ખાસ ભાષાંતર કરાવ્યું હતું. સાથે સાથે શ્રીમદ્ભગવદ્ ગીતાનું પણ ! અને પત્રો ભરી ભરીને આ ગ્રંથોના અમૂલ્ય નૈતિક-આધ્યાત્મિક વૈભવનો તેણે પોતાની પત્નીને પરિચય કરાવ્યો હતો.
હા, હિન્દુઓના રાષ્ટ્રીય ચારિત્ર્યની ફિલસૂફી ઘડવામાં આ સ્મૃતિશાસ્ત્રોનું ખૂબ મોટું પ્રદાન રહ્યું છે. હિન્દુઓ પાસે કેટલાં બધાં નીતિશાસ્ત્રો કે સ્મૃતિશાસ્ત્રો છે ! જેમાં જીવનના પ્રત્યેક નૈતિક-અનૈતિક કાર્યની ફિલોસૉફી છે, ઊંડી સમજ છે.
પરંતુ ગ્રંથોમાં ભરેલી આ ફિલોસૉફી, માત્ર ફિલોસૉફી જ ન બની રહે, માણસના લોહીનો લય બની જાય, તે કાંઈ ઘાંસ-મૂળા ઉગાડવા જેવી સરળ બાબત છે ? નૈતિકતા શું કાંઈ જંગલી ઘાસની જેમ મન ફાવે તેમ ફૂટી નીકળે છે ? તો પછી, હજારો વર્ષોથી ચાલી આવેલી, પેઢીઓની પેઢીઓથી ઊતરી આવેલી હિન્દુઓની આ પ્રામાણિકતા આટલા બધા યુગો સુધી કેવી રીતે પોષાતી રહી હશે ? માત્ર શાસ્ત્રો દ્વારા ? બ્રિટિશ શાસકો અને યુરોપિયનોને માટે આ બાબત સૌથી મોટો મંથનનો વિષય હતો. (ક્રમશઃ)