Essay Archives

દિવાળી. બેસતું વરસ. દિલમાં ઉમંગ છલકાવી દેતા બે શબ્દો!
નવા વરસે નવું શું હોય છે? કેલેન્ડરના નવા પાનાંથી શરૂ કરીને નવાં કપડાં-ઘરેણાં, મીઠાઈ, ફટાકડા... અને હા, વરસમાં એક જ વાર બોલાતું ‘સાલ મુબારક‘. આ બધું નવું. અને આપણે? આપણે તો ભાઈ એના એ જ ! એ જ આપણું વર્તન, એ જ આપણા સ્વભાવો, એ જ આપણા પ્રશ્નો અને એ જ આપણી અશાંતિ. લાખ વાર બેસતું વરસ ઉજવ્યા પછી પણ આમ જ થવાનું હોય તો બેસતું વરસ ઉજવવાનો કોઈ અર્થ ખરો? પણ ના, સબૂર કરજો. બેસતા વરસના દિવસની નિંદા ન કરતા. એના બદલે એ દિવસને અને નવા વરસના બધાય દિવસોને આનંદમય બનાવવાની કોશિષ ન કરીએ?
સંસારીઓ જ્યાંથી સુખ મેળવવા મથે છે એ સંસારને ત્યાગી દેનારા ભૂમાનંદ સ્વામી (સ્વામિનારાયણ ભગવાનના પરમહંસ) ‘રાજ મારે દિન દિન દિવાળી રે‘- એટલે કે નિત્ય આનંદ પામવાનું સચોટ માર્ગદર્શન આપતાં કહે છે-
એ જ દિવાળી રે, દેહ મનુષ્યનો રે.....
તેને તું કરજે રે મંદિર મહારાજનું રે,
દયા શીલ સંતોષે શણગાર....
ઘર અને શરીરને શણગારવાની સાથે સાથે આપણે જો અંત:કરણને સદગુણોથી શણગારી શકીશું તો આખું વરસ આનંદમાં જશે. જીવનભર કોઈ ઘરેણાંનો સ્પર્શ ન કરનાર પ્રમુખસ્વામી મહારાજ સદગુણોનો શણગાર ૨૪ કલાક ધરી રાખતા, જેની આભામાં આપણું જીવન ઉજળું કરવાની તાકાત હતી. દિવાળી-બેસતા વરસના દિવસથી શરૂ કરી દરરોજ આ આભા આ રીતે ઝળહળી ઉઠતી.
તા.૧૫-૧૧-૨૦૦૧ના બેસતા વરસે અમદાવાદના યુવકો પાસપોર્ટ આકારના પ્રસાદના બોક્સ સાથે એમ્બેસીના અધિકારીઓના સ્વાંગમાં ઉપસ્થિત થયા હતા. એમણે પ્રમુખસ્વામીને વિશિષ્ટ રીતે સલામી આપી, જેના પ્રતિસાદમાં સ્વામીશ્રીએ હાથ જોડી મસ્તક નમાવ્યું. બંકિમ કહે ‘સ્વામીબાપા, અમે અક્ષરધામના વીઝા લેવા આવ્યા છીએ.‘ સ્વામીશ્રીએ ફરી હાથ જોડી નમન કરી કહ્યું ‘આમ કરશો (નમ્ર રહેશો) તો મળશે.‘ આમ એમણે નવા વરસે પહેલો પાઠ નમ્રતાનો આપ્યો.
તા.૧૬-૧૧-૮૨ના બેસતા વરસે સવારે ગોંડલમાં તેઓ મંદિરેથી ઉતારે આવી રહ્યા હતા. ત્યારે એક ભક્ત પ્રેમવશ સ્વામીશ્રી તરફ દોડી આવવા ગયા, પરંતુ સ્વયંસેવકે એમને રોક્યા. આમ કરવામાં પેલા ભક્તનું ચંપલ ફંગોળાઈ ગયું. આ ઝીણી બાબત હજારોની ગિરદીમાં સ્વામીશ્રીની નજરમાંથી ચસકી નહીં. એમણે તરત જ પેલા સ્વયંસેવકને કહ્યું ‘આમ ધક્કો ન મારવો.‘ પછી પોતે ત્યાં જ ઊભા રહી ગયા અને પેલા હરિભક્તનું ચંપલ શોધાવ્યું, એમને આશીર્વાદ આપ્યા અને પછી આગળ વધ્યા. આમ નવા વરસે એમણે વ્યવસ્થા અને વ્યક્તિ બંનેને સાચવવાની રીત શીખવી.
૧૯૬૮ની સાલનાં દિવાળી-અન્નકૂટ એમણે સારંગપુરમાં ઉજવેલાં. ત્યાં તુરખા ગામનો યુવક જયરામ સેવા કરવા આવેલો. મોહનથાળ ભરેલી તાસક લઈને એ ઠાકોરજીના ખંડ તરફ જતો હતો ત્યારે સરતચૂકથી તે થાળી હાથમાંથી છટકી. સ્વામીશ્રી એ વખતે એ બાજુ જ આવી રહેલા. એમણે થાળી ભરીને મીઠાઈ ધૂળધાણી થતી જોઈ. જયરામનો જીવ અઘ્ધર થઈ ગયો, કારણકે સ્વામીશ્રીની પ્રકૃતિ એવી ધીર-ગંભીર હતી કે તેઓ ભારોભાર નમ્ર હોવા છતાં શિસ્તના કડક આગ્રહી જણાતા. જયરામ તો ઠપકો મળવાની ખાત્રી સાથે ત્યાં જ ભૂમિ ઉપર ખોડાઈ ગયો. પણ બન્યું ધાર્યા કરતાં સાવ જુદું જ! સ્વામીશ્રી હસતાં હસતાં ‘ઠાકોરજીએ પહેલેથી જ કીડી-મંકોડીનો ભાગ કાઢી નાંખ્યો.‘- એમ બોલતાં સહજતાથી આગળ વધી ગયા. નવા વરસે સકારાત્મક વલણ રાખવાનો આ સહજ પાઠ હતો.
નવા વરસે નવા શણગાર સજવાનો ધારો છે. પરંતુ સ્વામીશ્રીએ એમાં પણ નવો ચીલો ચાતર્યો. તાજેતરમાં જ કરેલી વિદેશોની ધર્મયાત્રામાં અનેરી નામના કમાયા પછી એમની જીવનશૈલીમાં કોઈ ફેરફાર આવ્યો નહોતો. સંતોના સર્વસામાન્ય નિયમ મુજબ તેઓ માત્ર બે જોડી ધોતિયાંથી જ નિર્વાહ કરતા. એમાંથી એક ધોતિયું ફાટ્યું હતું. સ્વામીશ્રીએ નવું ધોતિયું કાઢવાને બદલે જૂનાને સંધાવી લાવવા જણાવેલું. પણ તા.૩૧-૧૦-૭૮એ દિવાળી આવેલી જોઈને સેવકોએ નવું ધોતિયું પહેરવા આપ્યું. સ્વામીશ્રીએ જૂનું જ સંધાવીને લાવવા કહ્યું. ત્યારે સેવકોએ વિનંતી કરી કે ‘નવા વર્ષના બે દિવસ દરમ્યાન નવાં ધોતિયાં પહેરો. મહેમાનો આવ્યાં હોય તો નવાં સારાં લાગે. પછી જૂનાં જ આપીશું.‘ પણ સ્વામીશ્રીએ જૂનાં પહેરવા માટે આગ્રહ જારી રાખ્યો. આ બાજુ સેવકો સારા દિવસોમાં સ્વામીશ્રી નવાં જ ધોતિયાં પહેરે એ માટે મક્કમ રહ્યા. છેવટે શુભ દિવસોમાં સેવકોનું મન ન દુ:ખાય એ માટે સ્વામીશ્રી નવાં વસ્ત્રો ધારણ કરવા લાગ્યા, પણ તે પહેરતાં પહેરતાં એમની આંખોમાં આંસુ ઊભરાઈ આવ્યાં. નવા વસ્ત્રનો પહેલો ઉપયોગ એ આંસુ લૂછવામાં થયો! નિયમપાલનના તેલથી પુરાયેલાં એ વરસના દિવા શીલના તેજે ઝળહળી રહ્યા.
તા.૧૦-૧૧-૭૪ના તેઓ જ્હોનિસબર્ગ હતા ત્યારે સંતોએ નૂતન વર્ષ નિમિત્તે ભારતમાં રહેતા સંતો ઉપર પત્ર લખ્યો હતો. તેમાં સ્વામીશ્રીને હસ્તાક્ષર કરવા કરવા કહ્યું ત્યારે તેઓએ લખ્યું ‘મને નવા વર્ષના આશીર્વાદ આપશો જેથી સત્સંગની સેવા જે થાય છે તેથી વધારે થાય. નવા વર્ષના દંડવત્ સહ પ્રણામ.‘ આવા હતા સર્વોચ્ચ પદે બિરાજમાન ગુરુના આશીર્વાદ !
દિવાળી-બેસતા વર્ષની સજાવટ સદ્વિચારો અને સદ્ગુણોનું તેજ ઝીલી લે તો માત્ર બેસતા વરસનો દિવસ જ નહીં, પણ વરસનો એકેએક દિવસ ‘દિન દિન દિવાળી‘ બની જાય.

© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS