‘ભગત! આ દારિદ્રય ટાળવું નથી...’
નિષ્કામ ભક્તિથી રાજીપો...
લૌકિક ઈચ્છાઓ વિના માત્ર ભગવાન અને સંતને પ્રસન્ન કરવા થતી ભક્તિ એટલે નિષ્કામ ભક્તિ.
એવા નિષ્કામ ભક્તિમાં શિખરે બેઠેલા ભક્તો માટે શ્રીહરિ કહે છે : ‘તે ભક્તને કોઈ કર્મયોગે શૂળી પર ચઢાવ્યો હોય અને અમે તેની બાજુમાં ઊભા હોઈએ તો પણ તે ભક્તને એમ મનમાં ઘાટ ન થાય કે આ ભગવાન મને શૂળીના કષ્ટ થકી મુકાવે !!’ એવા હજારો ભક્તોનો સમુદાય ભગવાન સ્વામિનારાયણે તૈયાર કર્યો હતો. એવા એક ભક્તની સ્મૃતિ, જેના પર શ્રીહરિની પ્રસન્નતા ઢળી હતી...
માથે ફાટી તૂટી પાઘડી, ટૂંકી પોતડી, જળાંજળાં બંડી, ઉપર ફાટલું તૂટલું પંચિયું, ઘરે ઘરે લોટ માંગીને ગુજરાન કરતા જાદવજી વિપ્રનું દારિદ્રય આજુબાજુના ભાલ પંથકમાં સૌ કોઈ જાણતું હતું. ભાલમાં આવેલ પચ્છમ ગામ એમનું વતન.
આ પચ્છમમાં આજે અનેરો ઉત્સવ ઊજવાયો. અનેરો એટલા માટે કે આ ઉત્સવમાં નો’તાં તોરણો, નો’તા માંડવા, નો’તા કોઈ નાચ-ગાન. અરે ! ઉત્સવમાં રેલાતા હોય તેવા વાદ્યસૂરો પણ અહીં રેલાતા નો’તા. તોયે ઉત્સવ !?
વાત એમ હતી કે ભગવાન સ્વામિનારાયણ ભીમ એકાદશીનો ઉત્સવ કરવા વરતાલ જઈ રહ્યા હતા. માર્ગમાં પચ્છમનું પાદર આવ્યું. શ્રીહરિની માણકી અહીં જ થંભી ગઈ. કોણ જાણે કેમ પણ શ્રીહરિને કોઈ સાદ કરી રહ્યું હતું. વરતાલની વાટ પડતી મૂકી શ્રીહરિની માણકી પચ્છમ ગામ તરફ વળી. સાથેનો સંઘ પણ મહારાજની પાછળ વળ્યો. નાનું ગામ એટલે વાત વહેતી થઈ કે ‘જાદવજીના ભગવાન એનું દારિદ્રય ટાળવા પધારે છે.’
ઔદીચ્ય જ્ઞાતિના આ વિપ્ર જાદવજી શ્રીહરિના પરમ નિષ્ઠાવાન ભક્ત હતા. શ્રીહરિની સ્મૃતિમાં ગુલતાન રહેતા. ભગવાનની પ્રસન્નતાનો વિચાર જ તેમની પ્રત્યેક ક્રિયાને ભક્તિસભર બનાવતો. તેમના મનમાં એક જ તાન અખંડ રહેતું કે શ્રીહરિ રાજી કેમ થાય ? ઘરમાં ટાંચાં સાધનો છતાં અંતરની ભક્તિ-અમીરાત જોઈ આજ શ્રીહરિ ખેંચાઈ આવ્યા હતા.
શ્રીહરિ જાદવજી સુધી પહોંચે તે પહેલાં તો શ્રીહરિના આગમનની વાત જાદવજી સુધી પહોંચી, વાત સાંભળતાં જ જાદવજીના અંતરમાં ઉત્સવનો મંગલ આરંભ થયો. જેને રાજી કરવાની હૈયે હામ છે તે રાજેશ્વર આજ સાક્ષાત્ પધાર્યા. જાદવજીના રોમેરોમમાં આનંદની હેલી ચડી.
મહારાજ સાથે સંતો-ભક્તોનો સંઘ પણ હતો. ગામને પાદરે જઈ જાદવજીએ શ્રીહરિને આવકાર્ર્યા.
‘પ્રભુ ! અચાનક પધાર્યા ! હવે તો થાળ જમીને જ જવું પડશે.’ ગદ્ગદ ભાવે જાદવજીએ પ્રાર્થના કરી અને શ્રીહરિએ સંમતિ આપી. જેમ શ્રીકૃષ્ણે સ્વયં સામે ચાલીને સુદામાની ઝૂંપડી પાવન કરી હતી, એ જ રીતે પૂર્ણ પુરુષોત્તમ શ્રીહરિ આજ એક ગરીબ ભક્તની ભક્તિને વશ થઈને પધાર્યા હતા. ભલે તેમની સ્થિતિ સામાન્ય હતી, પણ ભાવ ને ભક્તિ અસામાન્ય હતાં.
જાદવજી તો ઘાંઘાપાંઘા થતાં ઘરે પહોંચ્યા અને ઝટપટ યજમાન ગૃહેથી સીધું ભેગું કરીને ચૂલે આંધણ મુકાવ્યાં. ઘરે જે કાંઈ લોટ હતો તે સઘળો વાપરી નાખ્યો. જાદવજીની ‘કસળી’ માસીએ મહારાજ માટે થાળ તૈયાર કર્યો. મહારાજ પણ આજ ભક્તનો ભાવ જમવા અધીરા થયા હતા. મહારાજ ભાવથી જમ્યા.
શ્રીહરિ કહે, ‘જાદવજી ! તારી સેવા જોઈ અમે પ્રસન્ન થયા છીએ, માટે કાંઈક માગ, આજે જે માગે તે તને આપવું.’
આજે તો જાણે જાદવજીનાં ભાગ્યકમાડ ઊઘડી ગયાં. હજાર હાથવાળો ધણી આજ સામેથી રાજી થયો છે, પરંતુ જાદવજી કોઈ જુદી માટીના હતા. તેમને મન તો આ જગમાં શ્રીહરિની પ્રસન્નતાથી અધિક કંઈ હતું જ નહિ. તેમણે હાથ જોડી કહ્યું, ‘પ્રભુ, આપ મારે ઘેર પધાર્યા એ જ મોટી કૃપા. આવી ને આવી કૃપા સદા રાખજો અને આ મૂર્તિ અંતરમાં કાયમ રહે તેવી દયા કરજો.’
આવી નિષ્કામ પ્રાર્થના સાંભળી શ્રીહરિનું હૈયું ડોલી ઊઠ્યું. કરુણાસાગર શ્રીહરિએ સામેથી કહ્યું, ‘ભગત ! પણ પહેલું આ દારિદ્રય ટાળવું નથી ?’
‘મહારાજ આપ તો દરિદ્રોના બેલી છો, દારિદ્રય ટળશે તો આપ અમારા બેલી મટી જશો, માટે જે છે તે સારું છે. મારે મન તો આપ મારી ઉપર સદા પ્રસન્ન રહો એ જ મહામૂલું વરદાન છે.’
જાદવજીના શબ્દો પૂરા થતાં જ શ્રીહરિ જાદવજીને ભેટી પડ્યા. તેમણે પોતાના એક વર્ષના દીકરા મહાશંકરને શ્રીહરિનાં ચરણોમાં ધર્યો. મહારાજે તેને વર્તમાન ધરાવી આશીર્વાદ આપતાં કહ્યું કે ‘જાદવજી ! આ તો મુક્ત છે. સંસારમાં નહીં રહે, ત્યાગી થઈ જશે.’ જાદવજી આ સાંભળતાં તો જાણે હર્ષઘેલા થઈ ગયા અને કહ્યું, ‘મહારાજ ! ત્યાગી થઈ આપની સેવા કરે તે તો મારાં અહોભાગ્ય કહેવાય.’
તેઓ શ્રીહરિને વળાવવા પાદર સુધી આવ્યા. વેગળી થતી વહાલસોયાની મૂર્તિને તે અંતરમાં ઉતારતા રહ્યા. આજ તેમને શ્રીહરિની પ્રસન્નતારૂપી જાણે ખજાનો મળી ગયો હતો ! સંઘજનો પણ સૌ શ્રીહરિની પ્રસન્નતાની વર્ષામાં ભીંજાતા જાદવજીની નિષ્કામ ભક્તિને વંદી રહ્યા.