અસ્મિતાનું અમૃતફળ
અસ્મિતાના શબ્દાર્થથી લઈને સ્વામિનારાયણીય અસ્મિતાના પાંચ અમૃતકુંભોનું આચમન કર્યું.
પરંતુ અસ્મિતા એ માત્ર ગૌરવની લાગણી જ નહીં,
અનેક સુખદ ફળ આપતું એક મહાવૃક્ષ છે.
અસ્મિતા વિષયે જેમ જેમ ચિંતન વધતું જાય છે તેમ તેમ અનુભવ થાય છે કે
અસ્મિતાનાં ફળ માત્ર ચાખી શકાય છે, ગણી શકાતાં નથી.
તેમ છતાં અસ્મિતાના અહીં અષ્ટ મધુર અમૃતફળોનું એક અલ્પ આચમન છે.
ક્યારેક લાગે છે કે અસ્મિતા એક આધ્યાત્મિક સાધનાનો પથ બની જાય છે.
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થામાં પ્રમુખસ્વામી મહારાજના પવિત્ર સાંનિધ્યમાં,
જ્યાં અસંખ્ય ભક્તોનાં હૈયાંમાં અસ્મિતાનો ધ્વજ ફરફરે છે,
જ્યાં અસંખ્ય ભક્તોનાં અંતરમાં અસ્મિતાનો દીપ ઝળહળે છે,
ત્યાં સૌ કોઈ અસ્મિતાનાં એ સર્વે ફળોનું સહજ દર્શન કરી શકે છે.
વિવેકસાગર સ્વામીની કલમે લખાયેલા આ લેખના સારસંક્ષેપમાં
અસ્મિતાનાં વિવિધ અમૃત-ફળોને માણીએ...
1. અસ્મિતા હોય તો જીવનશૈલી બદલાઈ જાય
માટીના એક પિંડમાંથી ઘડો, કુંજો કે કોડિયું બનાવવાનું કામ પણ કેટલી મહેનત માંગી લે છે ?! પથ્થરના ગચિયામાંથી સુંદર મૂર્તિ ઘડવાનું કામ પણ કેટલી કુશળતાની અપેક્ષા રાખે છે ?! લાકડાના ટુકડામાંથી કમનીય કલાકૃતિ નિપજાવવી તેમાં પણ કેટલી કલા જોઈએ છે ?! નિર્જીવ વસ્તુને ઘડવા માટે પણ આટલો પરિશ્રમ કરવો પડતો હોય તો જીવનનો સુરેખ પિંડ ઘડવા માટે તો કેટલો પરિશ્રમ કરવો પડે તે સમજાય તેવી વાત છે.
જીવનમાં ઘૂસી ગયેલી એક કુટેવ કાઢવી તે હિમાલય ખસેડવા કરતાંય અઘરું પડે એવું કામ છે અને જીવનમાં એક સુટેવ રોપવી તે ચંદ્ર પર ધજારોપણ કરવા કરતાંય અઘરું કામ છે. પરંતુ આ કઠણ કામ સરળ થઈ જાય, જો અંતરમાં અસ્મિતા જાગી જાય તો !
પતંજલિએ ‘યોગસૂત્ર’માં જે કહ્યું છે તેનું ભાષાંતર કરતાં ડૉ. અબ્દુલ કલામે તેઓના પુસ્તક ‘तेजस्वी मन’માં લખ્યું છે કે, ‘जब आप किसी महान उद्देश्य या असाधारण परियोजना से प्रेरित होते हैं तो आपके सभी विचार सीमा तोडकर विराट रूप ले लेते हैं। आपका मस्तिष्क भौतिक सीमाओं को लांघ जाता है, आपकी चेतना का हर दिशा में विस्तार होता है और आप स्वयं को एक महान तथा रोमांचक दुनिया में पाते हैं। तमाम सोयी शक्तियाँ, प्रतिभाएँ और योग्यताएँ जाग जाती हैं तथा आप खुद को इतने बड़े इन्सान के रूप में पाते हैं जितना कि आपने सपने में भी अपने बारे में नहीं सोचा होगा।’
અહીં પતંજલિ ૠષિ સમજાવે છે કે એક ઉત્તમ વિચાર આપણા આખા જીવનને બદલી નાંખવા પૂરતો છે. તે વિચાર અસ્મિતાનો છે.
બહારવટે ચડેલા જોગીદાસ ખુમાણથી એક સ્ત્રીનું રૂપ જોવાઈ ગયું અને તેને વિચાર આવ્યો કે, ‘હું જોગીદાસ કહેવાઉં, જોગીનો દાસ થઈને મેં આ શું જોયું ?’ તરત જ તેણે આંખમાં મરચાં ભરી દંડ દીધો. કેવળ નામની અસ્મિતાને કારણે પણ જીવન કેવું પવિત્ર રહ્યું !
એક વાર શિવાજીના સૈન્યે બેલવડી ગામને માત કરી જીતી લીધું. તેના મદમાં આ ગામની રાણી સાવિત્રી પર બાજીરાવે કુદૃષ્ટિ કરી. આ જાણતાં જ શિવાજીએ બાજીરાવના બંને ડોળા કઢાવી નાંખ્યા અને હાથ કપાવી નાંખ્યા. ધર્મ, કુળ કે સંસ્કૃતિની અસ્મિતા શિવાજીની નસેનસમાં વ્યાપ્ત હતી. તેને કારણે તેઓની જીવનશૈલી આવી નિષ્કલંક ઘડાયેલી.
આમ, જ્યારે અસ્મિતાના તાણાવાણાથી જીવનનું પોત બને છે ત્યારે તે કદી જીર્ણ-શીર્ણ થતું નથી. એ પોતનો પ્રકાશ સદા અજવાળું પાથરતો રહે છે.
ઉપરોક્ત પ્રસંગો પરથી સમજાય છે કે આ લોકની કંઈક અસ્મિતા જાગે છે તોપણ જીવન કેવું રૂપાંતર પામે છે ! તો આપણને આપણા અસલ સ્વરૂપની અસ્મિતા જાગે તો તો બાકી જ શું રહે !
યોગીજી મહારાજ ‘યોગીગીતા’માં કહે છે કે, ‘પોતાના બ્રહ્મસ્વરૂપપણાનો આનંદ ક્ષણ પણ મોળો પડવા દેવો નહીં. રોજ સવારમાં ઊઠીને વિચાર કરવો કે હું અક્ષર છું, બ્રહ્મ છું.’ આ છે આપણા અસલ સ્વરૂપની અસ્મિતા. યોગીજી મહારાજ તે માટે શબ્દ પ્રયોગ કરતા કે, ‘જાતનું બળ રાખવું.’ જાત એટલે આપણું આત્મસ્વરૂપ. તેનું બળ એટલે તેની અસ્મિતા.
પોતાના અક્ષરસ્વરૂપની અસ્મિતા જો જાગે તો જીવદશામાંથી બ્રહ્મદશા પ્રાપ્ત થઈ જાય. આથી મોટું કોઈ પરિવર્તન જીવનમાં નથી. તે પરિવર્તન અસ્મિતાથી આવે છે.