પરમ પૂજ્ય યોગીજી મહારાજ સન ૧૯૬૭માં ફાગણના ફૂલદોલ ઉત્સવ પછી ગઢડા પધાર્યા હતા. ત્યાં એક મિત્ર સાથે હું તેઓનાં દર્શને ગયો હતો. તે પ્રસંગે તેઓ એક દિવસ સહસ્ર ધરે સ્નાન કરવા પધાર્યા. તે વખતે તેઓએ અમારા બંનેના માથે પ્રસાદીનું જળ નાંખ્યું ને કહે 'આપણે સાધુ થવાનું છે. બોલો થઈશ.' અમે કહ્યું, થઈશું. ખૂબ રાજી થઈને તેમણે ધબ્બા આપ્યા.
તેઓના આદેશનું પાલન કરવાનો એ અવસર આવી ગયો. ૧૯૬૮માં નડિયાદમાં યોગીજી મહારાજની ૭૭મી જન્મજયંતીનો પ્રસંગ હતો. મારે સાધુ થવાનું હોવાથી ત્યાં ગયો હતો. બીજે દિવસે ઈશ્વરભાઈના બંગલે સવારે પ્રમુખસ્વામી મહારાજ પૂજા કરીને બેઠા હતા. હું ત્યાં ગયો. એક સંતે મારો પરિચય આપ્યો. હું દંડવત્ પ્રણામ કરીને પગે લાગ્યો, પાસે બેઠો અને પરિવારની-અભ્યાસની બધી વિગત કહી. પછી તેઓ સહજતાથી પ્રેમપૂર્વક મને બોધ આપવા લાગ્યા : 'આપણે યોગીબાપાને રાજી કરવા સાધુ થવાનું છે. આ બધું આપણા કલ્યાણ માટે છે. આપણું એક જ નિશાન યોગીબાપા છે. તે એક જ રાખવું. એમની જે આજ્ઞા થાય એમ કરવું. સેવા કરવી, સંસ્કૃત ભણવું, કથાવાર્તા કરવી-સાંભળવી, વાંચવું વગેરે પણ યોગીબાપા રાજી થાય એમ કરવું અને સાધુતા નિભાવવી.' લગભગ ૨૫ મિનિટ સુધી તેઓએ આપેલો એ બોધ મારા જીવનની પ્રથમ દીક્ષા હતી. એમનો મારા પરનો નિઃસ્વાર્થ સ્નેહ અને યોગીજી મહારાજ પ્રત્યેની એમની નિષ્ઠા મને સ્પર્શી ગઈ.
ત્યારબાદ બે-ત્રણ દિવસોમાં જ નડિયાદમાં યોગીજી મહારાજ મારા સહિત પાંચ યુવકોને પાર્ષદની દીક્ષા આપી. બીજે દિવસે ૭૭મી જન્મજયંતી ઊજવીને બાજુ ના એક ગામના હરિમંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠા કરવા પધાર્યા. અમે સાથે હતા. બીજે દિવસે અમારે મુંબઈ જવાનું હતું. મુંબઈના સંતો સાથે વડોદરા જવા માટે સાંજે પાંચ વાગે સંતોને લેવા બસ આવી. જવાવાળા સંતોને 'હાલો બસમાં' એમ હાકલ કરીને યોગીજી મહારાજ કંડક્ટરની બેઠક પર બેસી ગયા અને જે જે સંતો બસમાં ચડે તેનો હાથ પકડીને નામ પૂછે ને આશીર્વાદ આપે. એ રીતે મારો હાથ પકડ્યો. મને કહે, 'શું નામ?' મેં મારું દીક્ષાનું નવું નામ કહ્યું : 'નારાયણ ભગત.' સાંભળીને હસી પડ્યા ને કહેઃ 'મુંબઈ જાઓ છો તો પ્રમુખસ્વામીની આજ્ઞામાં રહેજો. એ કહે તેમ કરજો. ત્યાં કથા, સેવા, ભણવાનું કરવું - બધી સેવા કરવી. સારું થયું. આવી ગયા ને ત્યાગી થઈ ગયા. પ્રમુખસ્વામીની આજ્ઞા પ્રમાણે કરવાનું રાખશો તો સુખી થશો, જાવ.' કહીને ત્રણ ધબ્બા આશીર્વાદના આપ્યા. ત્યારબાદ સન ૧૯૬૮ની શરદપૂનમે ગોંડલ ખાતે યજ્ઞમાં સાધુની દીક્ષા આપીને નામ પાડતી વેળાએ કહ્યું: 'પ્રમુખસ્વામીને રાજી કર્યા ને?' મેં કહ્યું: 'હા બાપા.' પછી 'યોગીસ્વરૂપ' નામ આપીને હસવા લાગ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ તરીકે મારો હજુ પ્રવેશ જ થઈ રહ્યો હતો. પરંતુ મને યોગીજી મહારાજે એટલું દૃઢ કરાવી દીધું : મારે માટે સાધુતાની દિશા એટલે પ્રમુખસ્વામીને રાજી કરવા.
૧૯૭૧ના જાન્યુઆરીમાં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજને તેઓની અંતિમ બીમારી સમયે મુંબઈની ભાટિયા હૉસ્પિટલમાં સારવાર અપાતી હતી. અમને નાના નાના સંતોને યોગીબાપાની તબિયત કેવી છે, સારું થઈ જશે કે નહીં? કેવી રીતે દવાઓ અપાય છે ? કોણ ડૉક્ટરો છે તે જાણવાની સહજ જિજ્ઞાસા હોય જ; તેથી સ્વામીશ્રી અમને રોજ રાત્રે હૉસ્પિટલમાં શું બન્યું, કઈ દવા કોણે-કેવી રીતે આપી, અને યોગીબાપાને ઘણું જ સારું છે એ પ્રકારના સમાચાર આપતા રહેતા. એકવાર સ્વામીશ્રી બોલ્યા હતા કે 'યોગી-બાપાની તબિયત સારી થાય તે માટે સૌએ રોજ એક માળા ફેરવવી.' આ પછી મેં એ માળા શરૂ કરી. પછી તો યોગીબાપા ધામમાં ગયા. ત્યાર પછી પણ મેં એ માળા ચાલુ રાખી હતી.
૧૯૭૨ના ડિસેમ્બરમાં સ્વામીશ્રી સાથે સ્પેશિયલ ટ્રેનમાં અમે યાત્રાએ નીકળ્યા હતા. આ દરમ્યાન એક દિવસ દિલ્હી રેલવેસ્ટેશન પર પ્લૅટફોર્મ ઉપર જ સ્વામીશ્રી સભા કરીને બિરાજમાન થયા હતા. તે સમયે મારી તુલસીની માળા પ્રસાદીની થાય તે હેતુથી મેં તેઓને આપી. સ્વામીશ્રીએ તે ફેરવી અને લગભગ અડધા કલાકે સભા પૂરી થઈ ત્યારે હું માળા લેવા તેઓની પાસે પહોંચ્યો. તો મારા હાથમાં માળા મૂકતાં કહેઃ 'રોજ એક માળા કરો છો ને?'
હું દિગ્મૂઢ બની ગયો! મેં કહ્યું : 'હા સ્વામી, યોગીબાપા પછી આજે પણ એ માળા કરું છુ _.' જોકે મેં કોઈને તે કહ્યું નહોતું. છતાં સામેથી સ્વામીશ્રીએ અંતર્યામીપણે તે જાણીને મારા પર ખૂબ રાજીપો દર્શાવ્યો.
૧૯૭૪માં સ્વામીશ્રી વિદેશયાત્રા પૂર્વે મુંબઈ રોકાયા હતા. તે સમયે એકવાર સવારે દસેક વાગે બાથરૂમમાંથી બહાર આવી સંતોના રૂમનાં બારણાં પાસે ઊભા રહ્યા. હાથમાં રૂમાલ હતો. ને લૂછતાં લૂછતાં અંદર દૃષ્ટિ કરી. હું એકદમ ઊભો થઈ ગયો ને સ્વામીશ્રીને ચરણ સ્પર્શ કર્યો.
સ્વામીશ્રી કહે : 'યોગી, જય સ્વામિનારાયણ.'
'બાપા ! યોગી તો આપ છો.' મેં કહ્યું.
સ્વામીશ્રી કહે : 'કેમ ? તમે યોગી નહીં?'
સૌમાં યોગીજી મહારાજને નીરખવાની તેમની એ દૃષ્ટિથી હું ક્ષણભર કંઈ બોલી ન શક્યો. પરંતુ વળી યાદ આવ્યું એટલે કહ્યું, 'ના બાપા ! આપ યોગીબાપાનું સ્વરૂપ છો, આપ યોગી છો.'
સ્વામીશ્રી કહે : 'તમારું નામ પણ યોગીસ્વરૂપ ખરું કે નહીં?'
મેં કહ્યું : 'એ ખરું. પણ યોગીના સ્વરૂપ તો આપ જ છો !'
સ્વામીશ્રી સંમતિદર્શક સ્મિત કરતાં ઉતારે પધાર્યા.
કેટલી નાની વાત! કેટલી અનુપમ દૃષ્ટિ !
એકવાર આ જ દિવસો દરમ્યાન મુંબઈમાં પવઈની અક્ષરવાડીએ સંતસભાનો કાર્યક્રમ હતો. વાડીમાં નાહવા - ધોવાની કોઈ વ્યવસ્થા નહોતી. બે જાજરૂ હતાં. તેમાં એક બંધ હતું. અને બીજુ _ એટલું ગંદું હતું કે સફાઈ-કર્મચારીને જ બોલાવવા પડે. વાડી સંભાળતા કરમશીભાઈએ કહેલું કે માણસ આવી જશે. એટલે અમે નચિંત હતા. પણ બપોર સુધી સફાઈ થઈ નહીં. સાડા ત્રણ-ચાર વાગે તો સ્વામીશ્રી નાહવા પધારે. એટલે બપોરે જમીને સ્વામીશ્રી આરામમાં પધાર્યા ત્યારે હું ગાભો બાંધેલી લાકડી લઈને સાફ કરવા લાગ્યો. બીજાં કોઈ સાધનો હતાં પણ નહીં. મેં મેલું ઉખાડવા જરા દબાણ કર્યું તો લાકડી છટકી ને મેલું ઊડીને સીધું મારા શરીર પર આવ્યું ! મને એટલી બધી સૂગ ચડી કે હાથ-મોં-શરીર ફરી ફરીને ધોયા. પછી તો એક સળિયો લઈને મંડ્યો. તે પણ છટક્યો ને આખો હાથ મળના કાદવમાં ખૂંચી ગયો. ગંધ આવવા લાગી. ઊલટી જેવું થવા લાગ્યું. એટલે થાય તેટલું જલદીથી સાફ કરી આઠ-દસ વાર ઘસી ઘસીને નહાયો. ૩-૪૫ વાગ્યા હતા. એટલામાં આરામમાંથી જાગીને સ્વામીશ્રી આવ્યા. સ્વામીશ્રીએ મેં સાફ કરેલા જાજરૂમાં એક પગ અંદર અને એક પગ બહાર રાખી બારણું હાથથી પકડેલું ને મારી સામું જોયું. અમારી ચાર આંખ ભેગી થઈ એટલે કરુણાથી સ્મિત કરતાં કહે : 'સેવા થઈ ગઈ!!'
મને ખૂબ આશ્ચર્ય થયું. મારી સેવા સ્વામીશ્રી સુધી પહોંચી ગઈ હતી. સ્વામીશ્રીની આ દૃષ્ટિ પછી ક્યારેય આવી સેવામાં ગમે તેટલું જોડાવું પડે પણ ક્યારેય સૂગ ચડી નથી ને સેવામાં આનંદ જ આવ્યો છે ! અણુમપ્યતુલં હિ મન્યતે, સહજાનંદગુરું ભજે સદા !