ભક્તિપુરુષ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજને શતાબ્દીએ વંદના...
છેલ્લાં સો વર્ષના ઇતિહાસના સમયપટ પર કેટલાંય વહેણ વહી ગયાં છે - ધાર્મિક, સામાજિક, રાજકીય અને બીજી અનેક બાબતોનાં.
આ છેલ્લાં સો વર્ષોને વિશ્વ અનેક બાબતો માટે યાદ રાખશે.
પરંતુ તેમાં જેની નોંધ કાયમ આદરપૂર્વક લેવાતી રહેશે એવી એક પવિત્ર બાબત બની હતી -
ગુજરાતના એક નાનકડા ખૂણે લપાયેલા ચાણસદ જેવા નાનકડા ગામમાં એક યુગવિભૂતિનો જન્મ.
યુગવિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો જન્મ. તા. 7 ડિસેમ્બર, 1921, સવારના 8 વાગે.
પાટીદાર કુળમાં જન્મેલા પ્રમુખસ્વામી મહારાજ એટલે એક એવું વિરાટ વડલા સમાન શીતળ વ્યક્તિત્વ, જે સ્વામિનારાયણ સંપ્રદાય જ નહીં, ગુજરાત જ નહીં, ભારત જ નહીં, પરંતુ તમામ સીમાડાઓથી પર, સૌ કોઈને પોતાના લાગે. જેના ખોળે માથું મૂકી દેવાનું સૌને સ્હેજે મન થઈ જાય એવા સૌના આત્મીય સ્વજન.
જ્યાં સૌ કોઈને શાંતિ અનુભવાય.
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય જીવનનું આ એકસોમું વર્ષ આરંભાયું છે ત્યારે, સૌનાં ભલા માટે પોતાની જાતને જીવનભર હોમી દેનાર એ મહાપુરુષને કેવી રીતે શતાબ્દી-અંજલિ અર્પવી? એ માટે સૌ કોઈ થનગને છે.
ઠેર ઠેર અનેકવિધ ભક્તિપૂર્ણ ભાવોની ભરતી ઊઠી છે. લાખો હૈયે પ્રમુખસ્વામી મહારાજનાં અપાર ઉપકારો અને સંસ્મરણોના દીવડા ઝળહળે છે.
કેવી રીતે પ્રમુખસ્વામી મહારાજના વિરાટ વ્યક્તિત્વનો આસ્વાદ કરાવી શકાય?
મંથન કર્યું અને પહેલી બાબત ઊભરી આવી તે છે - એક અજોડ ભક્તિપુરુષ તરીકેની પ્રમુખસ્વામી મહારાજની આગવી ઓળખ.
શું છે આ ભક્તિનું તત્ત્વ?
જીવન મ્હોરે છે, પ્રેમમાંથી.
એટલે જ વ્યક્તિમાત્રને જીવનભરની ઝંખના રહે છે, પ્રેમ પામવાની.
પૃથ્વી પર જન્મેલ એક પણ વ્યક્તિ કે પ્રાણી એવું નહીં હોય કે
જેને પ્રેમની ઝંખના ન હોય.
પરંતુ પ્રેમ આપવાની અને પ્રેમ પામવાની એ સ્વાભાવિકતામાં જ્યારે નિશાન બદલાય છે, વ્યક્તિને બદલે પરમાત્માનું નિશાન સંધાય છે, ત્યારે એ પ્રેમ, પ્રેમ મટીને ભક્તિ બની જાય છે. એક આધ્યાત્મિક યાત્રા બની જાય છે. મોક્ષની એક કૂંચી બની જાય છે.
ભારત એવી પ્રેમભક્તિની ભૂમિ છે.
ભારતીય સંસ્કૃતિનો એ પ્રાણ છે.
વૈદિક સમયથી લઈને આજપર્યંત ભક્તિરસે ભારતીય સંસ્કૃતિને પોષી છે, જીવંત રાખી છે. અનેક વિદેશી આક્રમણો વચ્ચે ભક્તિરસના એ પ્રવાહે સંસ્કૃતિને ધબકતી રાખી છે.
ભૂતળ પર ભક્તિનો આરંભ ક્યારથી થયો હશે એનો ઇતિહાસ લખવો તે આભને માપવા બરાબર છે, પરંતુ એટલું ચોક્કસ છે કે જ્યારથી ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ રચાવો શરૂ થયો છે ત્યારથી, આદિ સમયથી, વૈદિક, પૌરાણિક અને આગમ પરંપરામાં ઠેર ઠેર ભક્તિ-ગંગા વહેતી જોવા મળે છે.
ભારતમાં ભક્તિની ભરતી બે સમાંતર પ્રવાહોમાં વહેતી રહી છે. એક પ્રવાહ છે, દક્ષિણમાં આગમ પરંપરાનો. અને બીજો પ્રવાહ છે, ઉત્તરનો નિગમ-વૈદિક પરંપરાનો.
ભક્તિની આ ભારતીય પરંપરામાં શ્રીમદ્ ભાગવત જેવાં પુરાણશાસ્ત્રો પ્રાચીન ભક્તિની એક ચરમસીમા દર્શાવે છે.
ઉત્તર વૈદિક સમયમાં ભાગવત પરંપરાએ ભક્તિને ખૂબ વેગ આપ્યો. એટલી હદે કે સંસ્કૃત વ્યાકરણના જનક ગણાતા વિખ્યાત વ્યાકરણ- શાસ્ત્રી પાણિનિના સમયમાં શ્રીવાસુદેવની ભક્તિ કરનારા ભક્તો ‘ભાગવત’ તરીકે ઓળખાવા લાગ્યા. 2000 વર્ષ પહેલાં થયેલા ગુપ્ત સામ્રાજ્યના સમ્રાટ સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત દ્વિતીય વગેરેને તો ‘પરમ ભાગવત’ તરીકે સંબોધવામાં આવ્યા, જેમના સમયમાં ભક્તિ ખૂબ વ્યાપક બની હતી.
ભારતની ભક્તિપરંપરામાં એવા આદરણીય ‘ભાગવતો’માં ગ્રીક રાજદૂત હેલિયોડોરસ(Heliodorus)નું નામ પણ ખૂબ આદરપૂર્વક લેવામાં આવતું હતું, જે ઇન્ડો-ગ્રીક સમ્રાટ એન્ટિયાલ્સીદસ નિકેફોરસ વતી સમ્રાટ કાશીપુત્ર ભગભદ્રના રાજ્ય ખાતે રાજદૂત તરીકે આવ્યો હતો. તેણે મધ્યપ્રદેશમાં વિદિશા ખાતે વાસુદેવની પ્રતિષ્ઠાવેળાએ પોતાની ભક્તિરૂપે રચાવેલો વાસુદેવનો ગરુડસ્તંભ આજેય તેની ભક્તિની સાક્ષી પૂરે છે. તેના શિલાલેખમાં દર્શાવ્યા મુજબ વિદ્વાનોએ સાબિત કરી બતાવ્યું છે કે અહીં ઈ.સ. પૂર્વે 4થી શતાબ્દીમાં વિષ્ણુ-ભક્તિની સાક્ષી પૂરતું વિશાળ મંદિર હતું.
ભારતની આ ભક્તિ પરંપરાને સતત વહેતી રાખી - તેના વાહક આવા ભાગવત ભક્તોએ. તેમાં દક્ષિણ ભારતના આલવાર ભક્તોને અવશ્ય યાદ કરવા ઘટે. આ આલવાર ભક્તો ગામડે ગામડે ઘૂમીને ભગવાનની લગનીમાં એકતાર થઈ ભક્તિપદો ગાતાં હતાં. સન આઠમી શતાબ્દીથી લઈને બારમી શતાબ્દી સુધી એમણે ભક્તિનું એક મોજું પ્રસરાવ્યું હતું. આ આલવાર ભક્તોનાં ભક્તિપદોએ આમજનતામાં ભક્તિનું એક એવું આંદોલન જગાવ્યું કે એ ભજનોનું નામ જ ‘વૈષ્ણવવેદ’ પડી ગયું.
આલવારો પછી આચાર્યોની શ્રૃંખલા શરૂ થઈ જેમણે ભક્તિ અને તત્ત્વજ્ઞાનને સાથે જોડ્યાં. જેમાં ‘શ્રીકૃષ્ણ ભવતુ મમ અક્ષિવિષયઃ’ અને ‘ભજ ગોવિંદમ્’ ગાનારા શંકરાચાર્ય પણ હતા. રામાનુજ, નિમ્બાર્ક, મધ્વ, વલ્લભ, ચૈતન્ય વગેરે મહાન આચાર્યો પણ એ ભક્તિ- પરંપરાના પરમ પ્રવર્તકો બની રહ્યા. એ સૌ આચાર્યોએ પોતાની વિદ્વત્તા, ભક્તિ અને તર્કશક્તિ દ્વારા વિશિષ્ટ ભક્તિપરંપરાઓ શરૂ કરી, જેને અનુસરનારા પણ ભક્તિના છડીદારો બની રહ્યા.
12મી શતાબ્દીમાં ગીતગોવિંદના રચયિતા જયદેવે ભક્તિની એવી ઉચ્ચ રચનાઓ પ્રસ્તુત કરી કે જે આજે પણ તેની આગવી ઓળખ જાળવી રાખે છે. બીજી તરફ બંગાળમાં ચંડીદાસ જેવા મહાન ભક્તકવિઓ પાક્યા, જેમણે રચેલાં ભક્તિકીર્તનોનો ગુંજારવ સમગ્ર બંગાળમાં ફેલાઈ ગયો. ચંડીદાસની પરંપરામાં ચૈતન્ય મહાપ્રભુએ ભાવુકતા સભર ભક્તિની લહેર પ્રસરાવી દીધી. એક વિદ્વાન સંન્યાસી હોવા છતાં, શ્રી ચૈતન્ય પોતાના પ્રિય પરમાત્માની ભક્તિ કરવામાં એવા પ્રેમમય બની જતા કે પોતાની જાતની સૂધબૂધ પણ ખોઈ બેસતા. તેમને ભક્તિની સાક્ષાત્ મૂર્તિ તરીકે સૌ ઓળખવા લાગ્યા! તો ઉત્તરમાં સૂરદાસ અને અષ્ટકવિઓ, તુલસીદાસ વગેરેએ પણ ભક્તિની અનોખી આબોહવા વહેતી કરી હતી. આમ, દક્ષિણ, પૂર્વ, ઉત્તરમાં વિસ્તરેલાં ભક્તિ-આંદોલનો 16મી શતાબ્દીમાં પશ્ચિમ ભારતમાં રાજસ્થાન અને ગુજરાતમાં પણ પ્રવેશી ચૂક્યાં હતાં. ગુજરાત અને રાજસ્થાન આવે એટલે નરસિંહ મહેતા અને મીરાં સહેજે હૃદયપટ પર ઊભરી આવે. ‘મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ...’ કે ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ...’ જેવાં પ્રેમભક્તિમય પદોેની અસર આજે પણ એવી ને એવી તાજગીસભર અનુભવાય છે. 18મી સદીના અંતમાં અને 19મી સદીના પ્રારંભે ગુજરાતમાં પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણે ભક્તિનું જે અનોખું આંદોલન જગાવ્યું તે ગુજરાતના સાંસ્કૃતિક ઘડતરમાં બહુ જ મોટું યોગદાનરૂપ બની રહ્યું. મુક્તાનંદ, બ્રહ્માનંદ, પ્રેમાનંદ, નિષ્કુળાનંદ વગેરે મહાન સ્વામિનારાયણીય સંતકવિઓની ભક્તિ-રચનાઓ ગાંધીજીથી લઈને ગામડાંઓમાં ઘૂમતા ભરથરીઓ સુધી સૌ કોઈને ભક્તિની પ્રેરણા આપતાં રહ્યાં છે.
સનાતન હિન્દુ ધર્મની આ ભવ્ય ભક્તિ પરંપરા એ માત્ર લાગણીનો વિષય નથી. તેની પાછળ ઊંડું ચિંતન, યુગોની સાધના અને અનુભવની તાકાત છે.
તેની એક સોડમ અનુભવાય છે - પ્રાચીન ભક્તિસૂત્રોમાં. શાંડિલ્ય ભક્તિસૂત્ર, પરાશર ભક્તિસૂત્ર, નારદ ભક્તિસૂત્ર, ગર્ગ ભક્તિસૂત્ર વગેરે ભક્તિસૂત્રોમાં ભક્તિ પર કેટલું ગહન અને અનુભવપૂર્ણ ચિંતન આપવામાં આવ્યું છે, જેનો વિશ્વમાં ક્યાંય જોટો જડી શકે નહીં!
જુઓ, તેમના મતે ભક્તિની વ્યાખ્યાઃ
શ્રી નારદભક્તિસૂત્ર કહે છેઃ
‘સા ત્વસ્મિન્ પરમપ્રેમરૂપા. અમૃત-સ્વરૂપા ચ.’ (ભક્તિસૂત્ર, 2-3)
અર્થાત્ પરમાત્મા પ્રત્યે ભક્તિ પરમ પ્રેમરૂપ છે, અમૃતસ્વરૂપ છે.
ભક્તિસૂત્ર આગળ કહે છેઃ
‘પ્રકાશ્યતે ક્વાપિ પાત્રે.’ (નારદભક્તિસૂત્ર, 53)
અર્થાત્ કોઈક વિરલ સુપાત્રમાં જ એવી અમૃતમયી ભક્તિ પ્રગટ થાય છે.
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું દર્શન કરતાં અનુભવાતું કે તેઓ એવી ભક્તિનું વિરલ સુપાત્ર છે,
શ્રીમદ્ ભાગવત કથિત નવધા ભક્તિનું ગૌરીશિખર છે. નવધા ભક્તિનાં નવ આદર્શ પાત્રોની ગાથાઓ આપણાં પ્રાચીન શાસ્ત્રો ઉમંગે ગાય છે.
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું દર્શન કરીએ ત્યારે તેમના ખોળિયે ધ્રુવ, પ્રહ્લાદ, નારદજી, અંબરીષ કે ઉપરના તમામ આદર્શ ભક્તોની ભક્તિનું સાક્ષાત્ દર્શન અનુભવાતું.
ભક્તિનો સાગર એમના હૈયે અહોરાત્ર લહેરાયા કરતો હતો, પરંતુ ઘુઘવાટ વિના. ભક્તિનો કોઈ દેખાવ કે આડંબર નહીં, પરંતુ સહજ ભક્તિ. શ્વાસેશ્વાસે ભક્તિ. હૈયે અને રોમરોમમાં પરમાત્માને ધારણ કરી રાખવાની ભક્તિ. તેઓ આધ્યાત્મિકતાની સર્વોચ્ચ ગુણાતીત કે બ્રાહ્મી સ્થિતિએ બિરાજતા હોવા છતાં, તેમણે એક આદર્શ ભક્ત તરીકે ભક્તિનું વૈશ્વિક આંદોલન જગાવ્યું, જેમાં લાખો આબાલવૃદ્ધ સ્ત્રી-પુરુષો ધન્ય થયાં.
પ્રમુખસ્વામી મહારાજની શતાબ્દીએ એવી ભક્તિના એકાદ અંશને પણ આપણે આપણા નિત્ય જીવનમાં સાકાર કરી શકીએ તો આપણને ભૌતિક દુઃખો ક્યારેય સ્પર્શી શકશે નહીં અને પરમાનંદની અનુભૂતિ થશે.
કારણ કે જ્યાં ભક્તિ છે ત્યાં આનંદ છે, સુખ છે, શાંતિ છે.
નારદભક્તિસૂત્ર કહે છેઃ
‘શાંતિરૂપાત્ પરમાનંદરૂપાત્ ચ.’ (નારદભક્તિસૂત્ર, 60)
આવી ભક્તિ શાંતિ આપે છે. પરમાનંદ આપે છે.
જ્યારે આપણે ભક્તિની એ સીમાને સ્પર્શીશું ત્યારે ભક્ત કવિ નરસિંહ મહેતાની જેમ આપણે પણ ગાઈ ઊઠીશું:
ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાહીં રે...