સન 1965માં અચારડા આવેલા સ્વામીશ્રી આ ગામના સ્વામિનારાયણ મંદિરમાં રોકાયેલા. આ મંદિરની ઓસરીમાં વહેલી સવારે સેવક પ્રગટ ભગત નિત્યપૂજા કરી રહેલા. તેઓએ પોતાની નિત્યપૂજામાં સ્વામીશ્રીની મૂર્તિ પણ રાખેલી. તેઓ આજે પૂજા કરી રહેલા ત્યારે જ સ્વામીશ્રીને કંઈક કામકાજ માટે ત્યાંથી નીકળવાનું થયું. તે વખતે તેઓની નજર સેવકની પૂજામાં રહેલી પોતાની મૂર્તિ પર પડી. તે જોતાં જ સ્વામીશ્રી નીચા વળ્યા અને પોતાનો ફોટો જાતે જ ઉપાડીને ફાડીને પાયખાનામાં ફેંકી દીધો! અને ઠપકા સાથે સેવકને કહ્યું પણ ખરું કે ‘યોગીજી મહારાજ બિરાજતા હોય ત્યાં સુધી બીજા કોઈનો ફોટો ન રખાય. એક જ ગુરુ મનાય.’
યોગીજી મહારાજ જ પ્રમુખસ્વામી મહારાજનો અપરંપાર મહિમા અવારનવાર રેલાવતા હોવા છતાં તેઓના અંતરમાં મનાવા-પૂજાવાનો લેશ અંકુર ફૂટ્યો નહોતો અને કોઈનાય હૃદયમાં તેનો ફણગો ફૂટવા દીધો નહોતો. તેઓની ગુરુભક્તિનું અને દાસત્વભક્તિનું આ જાજરમાન પાસું છે.
તેનો ઉજાસ તા. 27-10-94ની સવારે રાજકોટમાં અનેરી રીતે રેલાઈ રહ્યો. આ દિવસે કેટલાક હરિભક્તો સાથે યોજાયેલી એક બેઠકમાં સ્વામીશ્રીના હૈયેથી પ્રસંગોપાત વાક્પ્રવાહ વહી છૂટેલો કે “જોગી બાપા (યોગીજી મહારાજ) ગૌણ થાય એવું મારા જીવનમાં મેં ક્યારેય કરવા દીધું નથી. શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા પછી ઘણા જૂના હરિભક્તો એવા હતા, જે મને કહેતાઃ
‘શાસ્ત્રીજી મહારાજે સત્તા તમને સોંપી છે. ગાદી ઉપર તમારે બેસવું જોઈએ. તમને ચાદર ઓઢાડી ત્યારે શાસ્ત્રીજી મહારાજે જાતે જ લખાવેલું કે, ‘આ નારણદા’ મારે ઠેકાણે છે.’
પરંતુ મેં કહ્યું: ‘તમારું એ બધું સાચું પણ મારે મન જોગી મહારાજ એટલે જોગી મહારાજ. મારી સત્તા જોગી મહારાજ માટે નથી.’ મારી પૂજામાં કોઈ આવે તો એનેય હું કાઢી મૂકતો. લોકો મને ગમે એ કહે, પણ મને તો પાકું જ હતું કે, ‘મારે જોગીબાપાના સેવક થઈને જ રહેવાનું છે.’
હું સમજતો હતો કે, ‘હું જોગીબાપાના સેવક તરીકે છું.’ લોકો કહેતા કે, ‘જોગીબાપા કરતાં તમારી ગાદી ઊંચી જોઈએ.’ પણ સમજવાનું તો મારે હતું ને કે, ‘હું તો દાસ છું, હું તો નાનો છું.
શાસ્ત્રીજી મહારાજની દયાથી ગાદીએ બેઠો છું.’ જોગીબાપાને મુખ્ય રાખીને જ મેં કાર્ય કર્યું છે. હું આ રીતે વર્ત્યો તો અત્યારે મને શાંતિ છે.”
ગુરુ વિષેના આવા અપાર દાસભાવ અને દિવ્યભાવની સાથે સ્વામીશ્રીને શાસ્ત્રીજી મહારાજ તથા યોગીજી મહારાજ વિષે ‘गुरुः साक्षात् परं ब्रह्म’નો ભાવ હતો.
તા. 5-3-87ની રાત્રે પુરુષોત્તમપુરામાં યોજાયેલી એક પ્રેરક પ્રશ્નોત્તરી દરમ્યાન સંતોએ પ્રમુખસ્વામી મહારાજને પૂછેલું કે, ‘સ્વામી! આપ અને શાસ્ત્રીજી મહારાજનો સંબંધ કેવો હતો? પરસ્પર મિત્ર જેવો કે ગુરુ-શિષ્ય જેવો, ભક્ત-ભગવાન જેવો કે માતા-પુત્ર જેવો?’
ત્યારે સ્વામીશ્રીએ જણાવેલું કે ‘શાસ્ત્રીજી મહારાજ તો સાક્ષાત્ ભગવાનનું સ્વરૂપ હતા. એટલે આપણા માટે તો ભક્ત-ભગવાનનો સંબંધ કહેવાય. ભગવાનનું સ્વરૂપ માનીને આશરે આવેલા એટલે ભક્ત-ભગવાનનો સંબંધ રાખીએ તો આપણને સુખ અનુભવાય.’
એ જ રીતે તા. 18-6-02ના રોજ તીથલ મુકામે યોજાયેલી કિશોર શિબિરમાં એક કિશોરે સ્વામીશ્રીને પૂછેલું કે ‘બાપા! આપને શાસ્ત્રીજી મહારાજની ઓળખાણ લખીને આપવાની કહી હોય તો આપ શું લખો?’
‘ભગવાનનું સ્વરૂપ છે. લખી નાખ.’ સ્વામીશ્રી તત્ક્ષણ બોલેલા. આ જ વાત આલેખતાં તેઓએ હસ્તાક્ષર પણ પાડી આપેલા કે ‘શાસ્ત્રીજી મહારાજ ભગવાન શ્રીજીમહારાજના ધારક અને સાક્ષાત્ સ્વરૂપ હતા. તેવી દૃઢતા થાય તો જ મહારાજનો આનંદ ને કેફ રહે.’
શ્વેતાશ્વતર ઉપનિષદ કહે છે કે ‘यस्य देवे पराभक्तिर्यथा देवे तथा गुरौ, तस्यैते कथिता ह्यर्थाः प्रकाशन्ते महात्मनः।’ અર્થાત્ ભગવાનને વિષે જેવી ભક્તિ છે એવી જ જો ગુરુને વિષે થાય તો તેને સર્વે અર્થ સિદ્ધ થાય છે.
આ સિદ્ધાંત સ્વામીશ્રીના જીવનમાં મૂર્તિમાન જોવા મળતો. ગુરુ વિષે આવી ભક્તિને કારણે સ્વામીશ્રી સદા પૂર્ણકામ જણાતા.
તેઓ એકવાર સારંગપુરમાં બોલેલા કે “મને બધા કહે છે, ‘તમને નોબલ પ્રાઇઝ(પારિતોષિક) અપાવવું છે.’ મેં કહ્યું, મને નોબલ પ્રાઇઝના પ્રાઇઝના પ્રાઇઝ મળી ગયા. શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજ બે મળ્યા મને. પછી મને બીજા કોના ઍવૉર્ડ જોઈએ છે? આપણને શાસ્ત્રીજી મહારાજ-જોગી મહારાજના આશીર્વાદ મળી ગયા. એથી મોટો શું લાભ છે આ દુનિયામાં?”