વૈદિક સમયથી ભારતીય સંસ્કૃતિમાં વહી આવતી ગુરુ-શિષ્ય પરંપરાનું એક આદર્શ ઉદાહરણ હતું -
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ. ગુરુવચન એ જ પ્રમુખસ્વામી મહારાજના જીવનની ધડકન.
ગુરુની મરજી એ જ એમની સાધનાનો ધબકાર.
સ્વયં લાખો લોકોના પ્રાણપ્યારા મહાન ગુરુદેવ હોવા છતાં જીવનભર એક આદર્શ ગુરુભક્ત તરીકે જીવન જીવનાર પ્રમુખસ્વામી મહારાજની ગુરુભક્તિની સ્મૃતિઓ અહીં પ્રસ્તુત છે...
તા. 8-12-86ના રોજ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ યુનિવર્સિટીના વિદ્વાન પ્રાધ્યાપક શ્રી બ્રાયન હચિન્સને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજને પૂછેલું કે ‘આપની આધ્યાત્મિક પ્રગતિ કેવી રીતે થઈ?’
‘ગુરુની સેવા, દૃષ્ટિ અને આશીર્વાદ.’ સ્વામીશ્રીએ રહસ્ય ખોલેલું.
તા. 12-3-86ના રોજ પ્રમુખસ્વામી મહારાજની મુલાકાતે આવેલા ‘ગુજરાત સમાચાર’ દૈનિકના પત્રકારે પણ પૂછેલું કે ‘સ્વામીજી! આપના જીવનમાં આનંદની અનુભૂતિ કઈ?’
‘ગુરુની સેવા મળી અને સાચા ગુરુ મળ્યા એ જ આનંદ.’ સ્વામીશ્રીએ જણાવેલું.
તા. 9-8-12ની રાત્રે ટપાલો વાંચી રહેલા પ્રમુખસ્વામી મહારાજ સમક્ષ સંતોએ અહોભાવ વ્યક્ત કરેલો કે ‘સ્વામી! આપે જેટલા પત્રો લખ્યા છે એ ભેગા કરીએ તો મોટી લાઇબ્રેરી ભરાય. આટલું કોઈ લખી ન શકે.’
‘શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની પ્રેરણા.’ સ્વામીશ્રીએ સહજતાથી કહેલું.
તા. 10-1-12ની સવારે ભોજન લઈ રહેલા પ્રમુખસ્વામી મહારાજને સંતોએ પૂછેલું: ‘બાપા! આપનો પ્રિય ગ્રંથ કયો?’
‘ભક્તચિંતામણિ.’ આટલું કહી સ્વામીશ્રીએ ઉમેરેલું: ‘ગુરુ શાસ્ત્રીજી મહારાજ કાયમ વંચાવતા ને!’
તા. 15-7-12ની સાંજે અમદાવાદમાં રવિસભામાંથી ઉતારે પરત પધારેલા સ્વામીશ્રીને સંતોએ પૂછ્યું હતું કે ‘બાપા! આપનાં ઘણાં નામ છે. જેમ કે પૂર્વાશ્રમનું નામ શાંતિલાલ. તે પછી સાધુ થયા ત્યારે ‘નારાયણસ્વરૂપદાસ’ નામ પડ્યું. વળી, પ્રમુખસ્વામી મહારાજ, સ્વામીબાપા, સ્વામીશ્રી એ બધાં નામોથી પણ આપને સૌ સંબોધે છે. વળી, શાસ્ત્રીય રીતે તો આપ અક્ષરબ્રહ્મ છો. પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. કલામ આપને ‘મહાપ્રમુખજી’ કહે છે. આ બધામાંથી આપને કયું નામ ગમે?’
‘ગુરુ શાસ્ત્રીજી મહારાજે આપ્યું એ.’ સ્વામીશ્રી બોલ્યા હતા.
તા. 13-8-86ની રાત્રે અમદાવાદમાં ચાલી રહેલી એક રસપ્રદ પ્રશ્નોત્તરીમાં સ્વામીશ્રીને પ્રશ્ન પૂછાયેલો કે, ‘આપને કઈ ૠતુ ગમે ?’
‘વસંત.’
‘શાથી?’
‘ગુરુ શાસ્ત્રીજી મહારાજ આ ૠતુમાં પ્રગટ થયા એટલે.’ સ્વામીશ્રીએ જણાવેલું.
તા. 13-11-13ના રોજ આવેલી દેવપ્રબોધિની એકાદશીએ સ્વામીશ્રીનો દીક્ષાદિન પણ હતો. આ દિવસે નીકળેલી પ્રાસંગિક વાતોમાં સંતોએ કહેલું: ‘સ્વામી! આપના ગુરુ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજને આપ ક્યારેય ભૂલતા નથી.’
‘ભૂલાય જ નહીં ને એ તો!’ સ્વામીશ્રીનો આ પ્રતિભાવ તરત જ આવેલો.
આવા સેંકડો નહીં, હજારો પ્રસંગો અહીં ટાંકી શકાય તેમ છે. આ એક-એક પ્રસંગમાં સમજાય છે કે પ્રમુખસ્વામી મહારાજના જીવનનું કેન્દ્ર હતા - તેમના પ્રાણપ્યારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ. સફળતાની પ્રાપ્તિ ગણો કે વિશ્વવિક્રમી કાર્યોની પ્રેરણા ગણો, મનપસંદ ૠતુની વાત હોય કે મનપસંદ ગ્રંથની વાત - દરેકમાં સ્વામીશ્રીના પ્રેરકબળ અને પસંદગીના ધોરણમાં ગુરુ જ મુખ્ય રહેતા. એકવાર તેઓ બોલેલાઃ ‘આપણો જન્મ જ ગુરુને રાજી કરવા માટે થયો છે.’
આ ધ્યેયને વરેલા પ્રમુખસ્વામી મહારાજે ગુરુને રાજી કરવા તનનું જતન સાવ વિસારી દીધેલું.