Essays Archives

સ્થિતપ્રજ્ઞ મહાપુરુષની ઓળખ :

દુઃખમાં જેનું મન ઉદ્વેગ પામતું નથી...

અધ્યાય - ૨

જિંદગી એટલે ઊંટ પર સવારી. આવતી કાલે આવનાર હેલા વિષે આપણે કાંઈ જાણતા નથી. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે? પ્રાચીન કાળથી ચાલ્યું આવતું આ ત્રિકાલાબાધિત સત્ય છે. નિત્ય નવા પડકારોને ઝાલવા તૈયાર રહેવાનું છે. નિત્યનવી ઊઠતી સમસ્યાઓનો સામનો કરવાની તાકાત જરૂરી છે. સ્થિતપ્રજ્ઞતા એ તાકાતનું રહસ્ય છે.

અર્જુન અત્યારે એવા હેલામાંથી પસાર થઈ રહ્યો છે. બાહ્યશત્રુઓના સ્થાને પહેલા તો તેને અંતઃશત્રુઓએ જ અહીં પડકાર્યો છે. અણધાર્યો પડકાર છે. ઝાલ્યા વગર હવે છૂટકો નથી. ઝઝુમ્યા વગર છૂટકો નથી અને જીત્યા વગર પણ છૂટકો નથી. ગીતા પાર્થને પડકારો ઝાલતાં શીખવે છે. તેની સામે ઝઝુમતાં રહેવાની યુક્તિ બતાવે છે. તેના પર વિજય પ્રાપ્ત કરે તેવો તાકતવર બનાવે છે. ભગવાન શ્રીકૃષ્ણ સ્થિતપ્રજ્ઞતાનો ઉપદેશ કરી તેને શક્તિશાળી બનાવી રહ્યા છે.

दुःखेषु अनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः - ન દુઃખમાં ઉદ્વેગ, ન સુખમાં સ્પૃહા

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે -

‘दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः।
वीतरागभयक्रोघः स्थितघीर्मुनिरुत्व्यते॥’

'દુઃખોની પ્રાપ્તિ થવા છતાં જેનું મન ઉદ્વેગ નથી પામતું, સુખોની પ્રાપ્તિ થવા છતાં જે નિઃસ્પૃહી રહે છે તથા જેના રાગ, ભય અને ક્રોધ નાશ પામ્યા છે, એવો મુનિ સ્થિરબુદ્ધિવાળો કહેવાય છે.' (ગીતા ૨-૫૬)
બુદ્ધિની સ્થિરતા એટલે હૈયાની સ્વસ્થતા. રોજબરોજ થતા સુખદુઃખના અનુભવો સાથે તેનો ખાસ સંબંધ છે. કેટલાકે જીવનને સુખ-દુઃખનો સરવાળો કહ્યો છે. 'સંસાર છે સુખ-દુઃખનો દરિયો' એમ આપણા સંતોનું તારણ છે. સુખ અને દુઃખ! બંને ભારે પ્રભાવક છે. આપણી રોજિંદી ક્રિયાઓ પર તેની ખૂબ ઊંડી અસર હોય છે. કોઈ કાર્ય કરવામાં ક્યારેક ઉત્સાહ અને ક્યારેક ઉદ્વેગ. ક્યારેક તાજગી તો ક્યારેક કંટાળો. સુખ-દુઃખનાં હડસેલાથી ઊઠેલા આ તરંગો છે. તરંગમય જીવનની આ ક્ષણોને શાંત સરોવર બનાવી શકાય, જો આપણે સુખ-દુઃખને પેલે પાર જતા રહીએ તો. સ્થિતપ્રજ્ઞતા એવો પ્રદેશ છે. ત્યાં લૌકિક સુખ-દુઃખના હડસેલા નથી. આથી જ કોઈ તરંગો નથી. ખળભળાટ નથી. શાંતિ છે. પરમ શાંતિ. પરમાત્માની પરમ શાંતિ.

दुःखेष्वनुद्विग्नमनाः - ન દુઃખમાં ઉદ્વેગ

દુઃખ કોઈને ગમતું નથી. પણ તે આવ્યા વગર રહેતું પણ નથી. દુઃખ પણ અનેક પ્રકારનાં છે. કાંઈ જોઈતું હોય ને ન મળે. મળે તો જેવું-તેવું મળે. માંડ મળ્યું હોય તેમાં કોઈ ચોરી જાય. કાંઈક તૂટે. કોઈ લીધેલું પાછુ ન આપે. ખાવાનાં સાંસાં પડતાં હોય. ખાવાનું મળે તો તેમાં સ્વાદનું ઠેકાણું ન હોય. આર્થિક કટોકટી સર્જાઈ જાય. ઘર-સંસાર ચલાવવાની ચિંતાઓ અટકવાનું નામ ન લેતી હોય. વળી, અણગમતી વ્યક્તિ સાથે જ જિંદગી ગુજારવાની નોબત આવી પડે. ગમતી વ્યક્તિઓ સાથે રહેવાનો મેળ જ ન ખાય. કુટુંબમાં આપણું કોઈ સ્થાન ન હોય. આપણને કોઈ પ્રેમ ન કરે. સંભાળ ન રાખે. રાખે તોય લાગણી વગરની. જેટલો કાંઈ સંબંધ રાખતા હોય તેમાં સ્વાર્થની પાકી ગણતરી હોય. આપણી ચિંતાનો ઢોંગ કરાતો હોય. પ્રેમનો ઢોંગ કરાતો હોય. આપણી ઉપસ્થિતિમાં વખાણ થાય ને પાછળથી વાટવામાં પાછુ વાળીને જોવામાં ન આવતું હોય. ઘણાં બોલીને બગાડતા ન હોય, પણ આંતરિક પૂર્વગ્રહોમાં પર્વતપ્રાય થઈ બેઠા હોય. બોલા-બોલી, અબોલાં, કજિયા-કંકાસ કે પછી શારીરિક તાડનની ઘટનાઓ વારંવાર બનતી હોય. એનો અંત દેખાતો ન હોય. સાથેની વ્યક્તિ વિશ્વાસઘાત કરે. શરીર પણ સાથ આપતું ન હોય. તબિયત સુધરવાનું નામ ન લેતી હોય. વારંવાર કોઈ ને કોઈ રોગ આવ્યા જ કરતા હોય. દવા જ ખોરાક થઈ ગયો હોય. દવા લાગુ ન પડતી હોય. તેના ખર્ચા ક્યાં જઈ અટકશે એ સમજાતું ન હોય.  
સમાજમાં આપણું કોઈ સ્થાન ન હોય. નિર્ધનતાને લઈને તરછોડાવું પડે. આવડતના અભાવે તરછોડાવું પડે. સતત કોઈનાથી દબાઈને જીવવાના દિવસો આવે. માનસિક શોષણે અડ્ડો જમાવી દીધો હોય. આપણા ઉપરીઓ કે સાથેના આપણી વાસ્તવિકતાને સમજતા ન હોય. અવળું સમજતા હોય. સત્તાની રૂએ આપણું જેમ તેમ બોલતાં અચકાતા ન હોય. આપણે સત્ય સમજાવવા હજાર પ્રયત્નો કરીએ છતાં સામેવાળાના વિચારોએ જડતા પકડી લીધી હોય. તેઓ અમુકનું કહેલું તરત માની લેતા હોય, ભલે ને તે સાવ જુઠ્ઠાણું હોય સામે આપણને સદાય શંકાની નજરે જ જોતા હોય. વિશ્વાસનું નામ ન હોય. નીચ અને અધર્મીઓમાં વધુ વિશ્વાસ રાખતા હોય.
બીજાના સાવ સામાન્ય કાર્યની પણ ઘણી કદર થાય અને આપણે કાંઈક કર્યું હોય, સાવ સામાન્ય કરતાં ઘણું સારું કર્યું હોય, સારી ભાવનાથી કર્યું હોય, ખરેખર ઉપકાર કર્યો હોય છતાં તેની નોંધ ન લેવાય. એમાં શું મોટી ધાડ મારી? એમ કહી તેને દબાવી દેવામાં આવે. પક્ષપાત કરતા હોય.
આપણું કોઈ માને નહીં. અમુક નિર્ણયોમાં આપણને ભેળવે નહીં. આપણને સન્માનની નજરે ન જુએ. અપમાનિત કરવામાં આવે. 'તમને કાંઈ ખબર ન પડે' એમ કહી પાંચની વચ્ચે આપણને પાછા પાડવામાં આવે... ઇત્યાદિ.
જીવનમાં અનુભવાતાં દુઃખોની આ યાદી છે. આ યાદીને હજુ આપણે વધારી શકીએ તેમ છીએ.
હા, એક વાતની સ્પષ્ટતા કરી લઈએ કે, ઉપરોક્ત બાબતો કેવળ આપણને લાગતી હોય એમ નહી, પરંતુ હકીકતે બનતી હોય. ખરેખર એમ જ હોય. તેવી પરિસ્થિતિમાં પણ મનને ઉદ્વેગ વગરનું રાખવાનો અહીં ઉપદેશ છે.
પીડા અને દુઃખને જરા જુદી રીતે સમજીશું તો અહીંનું તાત્પર્ય વધુ સ્પષ્ટ થશે. જેમ કે અકસ્માત થાય તો હાથ-પગ ભાંગે કે મૂંઢમાર વાગે. શરીરને નુકસાન થાય. પીડા પણ થાય. આ પીડાને દુઃખ ન કહેવાય. કારણ એ પીડા તો શારીરિક ઘટના છે, પરંતુ એ પીડાને કારણે મનમાં જે ઉદ્વેગ ઉત્પન્ન થાય છે, તે દુઃખ છે. તાવ આવે તો શરીર તૂટે પણ તેને દુઃખ ન કહેવાય, પરંતુ તાવમાં બેબાકળા થઈ જવું ને હવે મારું શું થશે, હું તો મરી ગયો... વગેરે જે મનના પ્રતિભાવો છે તેને દુઃખ કહેવાય. અચાનક નોકરી છૂટી જાય, કે પછી ધંધામાં ખોટ આવે તેથી સંસાર-વ્યવહારમાં મુશ્કેલી જરૂર આવે, પરંતુ તેને દુઃખ ન કહેવાય. એવા પ્રસંગોમાં મનમાં જે ઉદ્વેગના ઊભરા આવે છે તે દુઃખ છે.

 


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS