Essays Archives

'कामान्‌' એટલે કામના. કામના એટલે ઇચ્છા. વાસનાયુક્ત સંકલ્પો. તેના ત્યાગની અહીં વાત છે. કામનાઓનું વિસર્જન! જ્યાં સુધી કામનાઓ રહેશે ત્યાં સુધી જીવનમાં સ્થિરતાની અનુભૂતિ નહીં થાય. આ કામનાનો પ્રભાવ જેવો તેવો નથી. માનવી તો ઠીક, પણ આ કામનાઓનું સામ્રાજ્ય તો પશુ-પક્ષીઓ સુધી વિસ્તરેલું જોવા મળે છે. ક્યારેક પશુ-પક્ષીઓની જીવનક્રિયાઓ શાંતિથી નિહાળી વિચાર કરવા જેવો છે. આકાશમાં ઊડતાં પક્ષીઓ ગમતાં સ્થળે જવા કેટલાં તત્પર હોય છે! સ્વાદિષ્ટ વસ્તુ ખાવા કેવાં પાછા દોડી આવે છે! ન ભાવે તો કેવી અનાસક્તિ બતાવે છે! સારંગપુરમાં એક મોર છે. પહેલાં બધું ખાતો હતો. હવે જેવું તેવું ખાતો નથી. સિલેક્શન કરે છે. કામનાની આ કમાલ છે.
એક વાર એક સાપમાં પણ આ નજરે જોવા મળેલું. ચોમાસાની બપોર હતી. એક સાપે દેડકો પકડ્યો. ગળી જાય તે પહેલાં એક સંત તે જોઈ ગયા. તેમણે તાળી પાડી મોટેથી અવાજ કર્યો. સાપે દેડકાને મૂકી દીધો અને ત્યાંથી જતો રહ્યો. સંતો ન ગયા. હવે શું થશે તેવા કુતૂહલથી સંતાઈ રહ્યા. થોડો સમય વીત્યો હશે ત્યાં એક આશ્ચર્ય જોયું. જે જગ્યાએ દેડકાને સાપે છોડયો હતો તે સ્થળે તે પાછો આવ્યો, દેડકાને શોધવા લાગ્યો. કામનાનું આ સામ્રાજ્ય છે.
હવે આપણી વાત કરીએ. નવજાત શિશુથી માંડીને વૃદ્ધા-વસ્થાએ પહોંચેલા પ્રત્યેક માનવી કામનારૂપી શૃંખલાથી જકડાયેલો જોવા મળશે. આપણે નાના હતા ત્યારે ઇચ્છાઓ કરતા હતા. નાનપણ ગયું પણ ઇચ્છાઓ ન ગઈ. આ જોયું ને હવે આ જોવું છે, આ ખાધું ને હવે આ ખાવું છે, આ લીધું ને હવે આ લેવું છે, અહીં જવું છે, આને મળવું છે... આમને આમ મનમાં ઇચ્છાઓના તરંગો ચાલ્યા જ કરે છે. જંપીને બેસાતું જ નથી. ઇચ્છાઓ જંપવા દેતી નથી. અજંપો વધતો જ જાય છે. વળી, એક નિર્ણય ઉપર આવી શકાતું નથી. નવી ને નવી ઇચ્છાઓ જન્મ્યા જ કરે છે. આવું ને આવું ચાલ્યા કરે એટલે બૌદ્ધિક અસ્થિરતા અડ્ડો જમાવે. પરિણામે અશાંતિ, અપૂર્ણતા અને ખાલીપાના ભોગ બનીએ છીએ.
આથી જ ગીતા આપણને લૌકિક કામના પર વિજય પ્રાપ્ત કરવા પ્રેરે છે.
અહીં બીજી એક વાત પણ વિચારવા જેવી છે. શ્રીકૃષ્ણ અહીં કેવળ 'कामान्‌' એમ નહીં કહેતા 'सर्वान्‌ कामान्‌' એવો શબ્દપ્રયોગ કરે છે. 'सर्वान्‌ कामान्‌' એટલે બધી જ કામનાઓ. લૌકિક બધી જ કામનાઓનો ત્યાગ કરે ત્યારે સ્થિતપ્રજ્ઞતા મળે. દુનિયાની કોઈ એકાદ-બે વસ્તુઓની કામના છોડવી સહેલી છે. જેને જે ન ભાવતું હોય, ન ફાવતું હોય તેને તેની કામના ત્યજવામાં કોઈ પરિશ્રમ પડતો નથી. પરંતુ બે-પાંચ કામનાઓ ન હોય એટલે તેને સંપૂર્ણ નિષ્કામી ન કહેવાય. તે માટે તો લૌકિક સર્વ વાસનાઓને ટાળવી પડે. આમ કામના-ત્યાગને સ્થિતપ્રજ્ઞતાનું પ્રથમ લક્ષણ કહ્યું. હવે બીજું લક્ષણ દર્શાવે છે.

'आत्मन्येवात्मना तुष्टः' - પરમાત્માથી જ સંતુષ્ટ

'आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोत्व्यते'  'આત્મામાં રહેલા પરમાત્મા વડે જ જ્યારે સંતુષ્ટ રહેતો હોય ત્યારે તે મનુષ્ય સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.'
સંતોષ! સંતોષી નર સદા સુખી એમ લોકમાં કહેવત છે. કેમ સુખી? કામના ન હોય એટલે. અપૂર્ણતા કે અસંતોષ જ કામનાનું ઉદ્‌ગમ છે. અસંતુષ્ટને કામના જાગે. અસંતોષીઓ જ રઘવાયા થઈને આમ-તેમ દોડ્યા કરે છે. અસંતોષ તેમને ઠરીને ઠામ થવા દેતો નથી. પૂર્ણ સંતોષ કામનાઓનું પૂર્ણવિરામ છે.
એ ખરું કે પૂર્ણ સંતોષની સૌ કોઈને ઝંખના છે. પરંતુ માનવી તે સંતોષ પામવા પૂર્ણને પ્રાપ્ત નહીં કરીને અલ્પ વસ્તુઓની કામના રાખે છે. અલ્પને આશરે જાય છે. પરંતુ પરિમિત વસ્તુઓ અપરિમિત સંતોષ ન આપી શકે. વળી, પરિમિત સંતોષના લાભ પણ પરિમિત હોય તેથી પરિપૂર્ણતાનો અહેસાસ થાય નહીં. સર્વોપરી વસ્તુનો લાભ થાય તો જ પરમ સંતોષ મળે. પરમાત્મા સંપૂર્ણ છે. સર્વોપરી છે. તેને પ્રાપ્ત કરી લે, તેનો અચળ નિશ્ચય થઈ જાય એટલે પરમ સંતોષના ઓઘ વળે. પૂર્ણકામપણું મનાય. બુદ્ધિમાં લૌકિક કામનાના કંપનો ન રહે. અંતઃકરણ નિર્મળ, સ્થિર અને પ્રશાંત સરોવર જેવું બની જાય. આ જ સ્થિતપ્રજ્ઞતા છે એમ ગીતાનું કહેવું છે.
સત્પુરુષોનાં જીવન આવી સ્થિતપ્રજ્ઞતાનાં પ્રતિબિંબ જેવાં હોય છે. ગુરુહરિ શ્રીપ્રમુખસ્વામી મહારાજના દૈનિક અહેવાલમાં એક પ્રસંગ નોંધાયો છે. તા. ૪ જુલાઈ ૨૦૦૪ના દિવસે પરમ પૂજ્ય સ્વામીશ્રી અમેરિકા દેશમાં આવેલ ઓર્લાન્ડો શહેરમાં વિરાજમાન હતા. વૃદ્ધાવસ્થા, શારીરિક તકલીફો અને વિચરણનો ભીડો વગેરે જોઈને રાજનભાઈ નામના એક ભક્તે પોતાની મનોભાવના રજૂ કરતાં તેઓશ્રીને કહ્યું, 'બાપા! આપે આ ઉંમરે પણ ખૂબ ભીડા વેઠ્યા છે. હવે અમારે મન તો એક જ ઇચ્છા છે કે આપ આનંદમાં જ રહો.' પરમ પૂજ્ય સ્વામીશ્રી તેમની વાત સાંભળતાં જ બોલી ઊઠ્યા - 'ભલા માણસ, અમે અક્ષરધામમાં જ છીએ. મહારાજ મળ્યા (પરબ્રહ્મ શ્રીસ્વામિનારાયણ ભગવાન મળ્યા), ગુરુ મળ્યા એ કેફ હોય તો આનંદ આનંદ જ રહે.' કાયા ક્ષીણ હતી, તથાપિ પૂર્ણ પ્રાપ્તિના પરમ સંતોષથી છલકાતી સ્થિતપ્રજ્ઞતાની ભર જુવાનીનો વૈભવ તેમના શબ્દોમાં અનુભવી શકાતો હતો.
એક વાર કોઈએ પોતાની અભિલાષા અભિવ્યક્ત કરતાં પરમ પૂજ્ય સ્વામીશ્રીને કહ્યું હતું - 'આપનાં સર્વહિતનાં વૈશ્વિક કાર્યો જોતાં એવું લાગે છે કે આપને નોબેલ પ્રાઇઝ  મળવું જોઈએ.' આ વાતનો પ્રત્યુત્તર વાળતાં તેમણે કહ્યું - 'મને તો નોબેલ પ્રાઇઝ નાં પ્રાઇઝ નાં પ્રાઇઝ  મળી ગયા છે. ભગવાન શ્રીજીમહારાજ અને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ બે મળ્યા છે. આપણે શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજના આશીર્વાદ મળી ગયા. આવી સેવા મળી ગઈ. આવા ભગવાન, આવા સંતો, આવા હરિભક્તો મળી ગયા એથી મોટો શું લાભ છે આ દુનિયામાં?'
લૌકિક મોટપની કામનાઓની રાખ કરી બેઠેલા પરમાત્મ-સંતુષ્ટનો આ તેજસ્વી મિજાજ છે. આવી રીતે વર્તનારની  પ્રજ્ઞાને ક્યારેય પણ, કોઈ પણ વિચલિત ન જ કરી શકે.
આથી શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે, 'હે પાર્થ! આ રીતે જ્યારે તું પણ સર્વ લૌકિક કામનાઓને ત્યજી દઈશ અને પરમાત્મા વડે જ સંતોષ પામીશ ત્યારે તું પણ સ્થિતપ્રજ્ઞ કહેવાઈશ.'


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS