મુહૂર્તનો અર્થ થાય છે - સમય. ૠગ્વેદ (3.33.5), તૈત્તિરીય બ્રાહ્મણ (3.10.1.1) અને શતપથ બ્રાહ્મણ (10.4.2.18) વગેરે શાસ્ત્રો મુહૂર્તનો અર્થ કરે છે - સમયનું વિભાજન. તૈત્તિરીય બ્રાહ્મણ અને શતપથ બ્રાહ્મણ જેવા ગ્રંથો એક દિવસના સમયનું વિભાજન કરીને દિવસ અને રાતના પંદર પંદર મુહૂર્ત આપે છે. ટૂંકમાં સમયનું વિભાજન કરીને યોગ્ય સમયે યોગ્ય શુભ કાર્ય કરવાનું એક ગણિત, તેનું નામ મુહૂર્ત.
દા.ત. કેટલાંક કાર્યો બ્રાહ્મમુહૂર્તમાં કરવાની ભલામણ શાસ્ત્રો કરે છે. બ્રાહ્મમુહૂર્તને આયુર્વેદમાં પણ શ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યું છે. વાગ્ભટ્ટ કૃત અષ્ટાંગહૃદય બ્રાહ્મમુહૂર્તને સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્ત્વ આપે છે. આધુનિક વિદ્વાનો કહે છે કે મુહૂર્ત પ્રમાણે, એટલે કે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી અને સૂર્યાસ્તથી લઈને સૂર્યોદય સુધી, અંતરિક્ષમાં બનતી ખગોળીય ઘટનાઓ આપણાં તેમજ સાથેના સૌ કોઈનાં મન, બુદ્ધિ, ચેતના, શરીર પર અલગ અલગ અસર ઉપજાવે છે. આથી, કયા દિવસે, કયું કાર્ય, કેવી રીતે અને કઈ વ્યક્તિએ કરવું જોઈએ તેની સૂક્ષ્મ ગણતરી કરવામાં આવે છે. બધાં જ કામોમાં મુહૂર્તની આવશ્યકતાનો હિન્દુ શાસ્ત્રોએ ક્યારેય બોધ આપ્યો નથી, પરંતુ કેટલાક શુભ સમયનો આગ્રહ અવશ્ય રાખ્યો છે. એનું કારણ એ છે કે આપણે જે નથી જોઈ શકતા એ મન પર થતી અસરોને મુહૂર્ત આપનારા એ મહાપુરુષોને દેખાતી હતી. આજથી શતાબ્દીઓ પહેલાં ભારતનું શ્રેષ્ઠ બુદ્ધિધન જે વિશ્વને પ્રભાવિત કરતું હતું અને જેમના નામે અનેક પ્રાચીન વૈજ્ઞાનિક સંશોધનો નોંધાયેલાં છે એ એ આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, ભાસ્કરાચાર્ય, વરાહમિહિર વગેરે ધુરંધરોએ માનવીની સુખાકારી માટે મુહૂર્તોની જે વાત કરી છે તે હવે આધુનિક વિજ્ઞાનની દૃષ્ટિએ સમજવાની આવશ્યકતા છે. પ્રસિદ્ધ પ્રાચીન ભારતીય વિજ્ઞાની વરાહમિહિર લખે છેઃ ‘જે વનમાં રહે છે એવા સંસાર-ધનથી વિરક્ત સંન્યાસી લોકોએ પણ મુહૂર્ત પ્રમાણે કાર્ય કરવું અને એવું જ્ઞાન આપનાર વિદ્વાન જ્યોતિષી વિના રાજા પણ અંધ છે.’
ઉલ્લેખનીય છે કે ભારતીય મુહૂર્તોની અસર યુરોપના દેશોમાં પણ શતાબ્દીઓ સુધી પ્રભાવ જમાવતી રહી હતી. સમ્રાટ સિકંદરથી લઈને બેબિલોનિયાના રાજાઓ પણ મુહૂર્ત પ્રમાણે કાર્ય કરતા હતા.
યુરોપના પ્રસિદ્ધ વિદ્વાન ટોલેમીનો ‘ટેટ્રાબિબ્લોસ’ નામનો ગ્રંથ લગભગ 1400 વર્ષ સુધી યુરોપમાં જ્યોતિષ અને મુહૂર્તની રીતે પ્રભુત્વ જમાવીને બેઠો રહ્યો હતો.
હિન્દુ ધર્મ પાસે એ બધાના બુદ્ધિગમ્ય જવાબો છે, પણ તેના પર વિશેષ સંશોધન કરવામાં આવ્યું નથી. જો કે બુદ્ધિ બધાના જવાબો નથી આપી શકતી. ક્યાંક એને પણ શ્રદ્ધાથી અટકવું જ પડે છે, એ પણ સ્વીકારવું જ રહ્યું.
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ હંમેશાં ધાર્મિક વિધિ-વિધાનોના આગ્રહ સાથે કહેતા કે ‘ભલે તમને આ વિધિ-વિધાનો કે મંત્રોમાં કાંઈ સમજાય નહીં, પરંતુ તમે શ્રદ્ધાપૂર્વક એ વિધિ કરશો તો ચોક્કસ તેનો લાભ થશે. આપણા ૠષિઓ વિજ્ઞાની હતા. તેમણે જે કાંઈ કર્યું છે તે ખૂબ વિચારી, સંશોધન કરી અને અનુભવથી કર્યું છે.’ પ્રમુખસ્વામી મહારાજ માત્ર આમ કહેતા હતા એટલું જ નહીં, આચરતા પણ હતા. સ્વયં બ્રહ્મસ્વરૂપ ગુણાતીત સંત હોવા છતાં, પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણનો સર્વોપરી નિશ્ચય અને સાક્ષાત્કાર હોવા છતાં, પોતાની સર્વોપરી નિષ્ઠા કે પોતાની બ્રાહ્મી સ્થિતિની ઓથે તેમણે શાસ્ત્રીય વિધિ-વિધાનોની અવગણના કરી નહોતી કે બીજાને પણ કરવા દીધી નહોતી. તેઓ સ્વયં બ્રહ્મસ્વરૂપ હતા એટલે તેમના મુખમાંથી નીકળે એ બ્રહ્મવાક્ય અને તેઓ સમય બતાવે તે શ્રેષ્ઠ મુહૂર્ત. એવી લાખો લોકોને શ્રદ્ધા અને અનુભૂતિ હતી. તેમ છતાં સ્વામીશ્રીએ શાસ્ત્રીય વિધિ-વિધાનો કે મુહૂર્ત પરંપરાનું ન તો ક્યારેય ખંડન કર્યું કે ન તો તેની અવગણના કરી. તેઓ ભારતીય સંસ્કૃતિના અને સનાતન હિન્દુ ધર્મના એક ખરા અર્થમાં પુરસ્કર્તા હતા. આથી, એમણે એ બધાં વિધિ-વિધાનોને પ્રોત્સાહન અને નવજીવન આપ્યું. ‘પ્રકાશ’નો આ અંક એમની શતાબ્દીએ તેમનાં એ જીવન-પાસાંની સહજ સ્મૃતિ કરે છે. ચાતુર્માસ એટલે આવાં અનેક વિધિ-વિધાનોની મોસમ. આવો, આપણે પણ સ્વામીશ્રીનાં પગલે પગલે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક વિધિ-વિધાનોમાં સંલગ્ન થઈએ.