મંદિરથી મનની શુદ્ધિ થાય છે
કવિ ન્હાનાલાલ કહે છે :
‘સ્વામિનારાયણ સંપ્રદાયનાં મંદિરોમાંનું ધાર્મિક વાતાવરણ એના સંતમંડળનાં સાધુતા ને વૈરાગ્ય, એના સાંપ્રદાયિકોની ઉજળામણ, એના ઉત્સવોમાં ઉત્સાહઓઘ ને પ્રેરણાપૂર, એની વિધિ-નિષેધની સદાવરણીયતા, અન્ય સંપ્રદાયો પ્રત્યેની એની ઉદાર મહાનુભાવિતા, એના પૂજાવિધાનની નિર્મળતા, પાવનકારિતા, એના મઠમાંની શાસ્ત્ર-કથાઓ, પાઠશાળાઓ, જ્ઞાનવાર્તાઓ, એ ઉપરાંત સંપ્રદાયનું સવિશેષ ધર્મરહસ્ય કંઈ છે ? ધર્મનું, ધર્મમંદિરનું પરમ રહસ્ય એ છે કે સંસારના અગ્નિ જ્યાં હોલવાય એ ધર્મમંદિર. દલપતરામ સંસારને સાપ-નોળિયાનો નિત્યસંગ્રામ કહેતા, ધર્મમંદિરને નોળિયાની નોળવેલ કહેતા. સંસાર સંગ્રામે સર્પદંશોનાં ઝેર જેને ચડ્યાં હોય તે ધર્મમંદિરે જઈ નોળવેલ સૂંઘી આવે તો એના સંસારનાં ઝેર ઊતરી જાય. સંસારનાં ઝેર ઉતારે નહીં એ ધર્મ નથી, ધર્મમંદિર નથી. મુંબઈ કે અમદાવાદ જેવી પ્રવૃત્તિપરાયણ નગરીમાંયે ક્યારેક જઈને સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરની ઘુમ્મટ-ઘટા નીચે બેસી આવજો અને ત્યાં તમને લાગે કે અંતરીક્ષમાંથી શીતળતાનાં બુંદ વરસે છે, આત્મા ઠરે છે, અંતરને ટાઢક વળે છે, ઉરનાં અને અંગનાં અગ્નિ શાંત પડે છે.’
પ્રમુખસ્વામી મહારાજે મંદિરની વ્યાખ્યાઓ આપી છે :
-
મનને સ્થિર કરે તે મંદિર. વિશ્વમાં બધું અસ્થિર છે, એક ભગવાન જ સ્થિર છે. તે ભગવાનમાં મન રાખે તો મન સ્થિર થાય.
-
પરમાત્માને પ્રાપ્ત કરવાનું કેન્દ્ર છે મંદિર.
-
પરમ શાંતિ આપે એ મંદિર.
-
ઊર્ધ્વ જીવનની પ્રેરણા આપે તે મંદિર.
-
આપણા સ્વરૂપનું સાચું જ્ઞાન કરાવે તે મંદિર.
મંદિરથી આત્મશુદ્ધિ થાય. મંદિરમાં ભગવાનની મૂર્તિઓને નમીએ એટલે આપણો અહમ્ તૂટે. મંદિર ન હોત તો માણસ અભિમાનમાં અક્કડ જ રહેત. નમનમાં એ ભાવ છે કે જગતના કર્તા તો ભગવાન છે, હું તો તેમની આગળ કાંઈ નથી.
મંદિરમાં મૂર્તિઓનાં દર્શનથી જીવનધ્યેયની દૃઢતા થાય છે. આદર્શ ભક્ત જેવા થઈને પરમાત્માની ભક્તિ કરવી છે, અક્ષર જેવા થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી છે. રોજ મૂર્તિઓનાં દર્શન કરીએ ત્યારે રોજ આ જીવનધ્યેયની સ્મૃતિ રહે અને જીવન તે રીતે ઘડાય.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં મંદિરોની શરૂઆત
ભગવાન સ્વામિનારાયણે ગુજરાતની ધરતી પર પોતાનું અવતારકાર્ય આરંભ્યું ત્યારે શરૂઆતમાં ગુરુ રામાનંદ સ્વામીના સમયથી ચાલી આવતી સદાવ્રત સેવાઓ વિસ્તારી, ત્યારબાદ તેમણે અહિંસક યજ્ઞોની પરંપરા વિસ્તારી અને ત્યારબાદ ઉપાસના માટે મંદિરોનું કાર્ય આરંભ્યું.
મંદિરોમાં શુદ્ધ ઉપાસના
અમદાવાદના કાળુપુર વિસ્તારમાં નવાવાસમાં વિક્રમ સંવત 1878ના ફાગણ સુદ ત્રીજના દિવસે ત્રણ શિખરના મંદિરમાં નર-નારાયણદેવની મૂર્તિઓ શ્રીહરિએ પધરાવી. બધાએ નરનારાયણ દેવનો જયઘોષ કર્યો. દરેક હિંદુ મંદિરમાં ઇષ્ટદેવની મૂર્તિ જ મધ્ય સ્થાનમાં હોય. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાન ઇષ્ટદેવ છે. છતાં અત્રે નરનારાયણ દેવની સ્થાપના થઈ તે પ્રસંગ સમજવા જેવો છે.
કહ્યું છે કે ‘પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે, રમાપતિની રીત.’ જ્યારે ભગવાન મનુષ્યરૂપે પૃથ્વી ઉપર પ્રત્યક્ષ વિચરતા હોય છે, ત્યારે તેમને ઓળખવામાં ભલભલા ગોથાં ખાઈ જાય છે. અત્યારે સીતારામ અને રાધા-કૃષ્ણનાં લાખો મંદિરો છે, પણ જ્યારે રામ ભગવાન પૃથ્વી ઉપર વિચરતા હતા ત્યારે તેમના સમયમાં એક પણ સીતારામનું મંદિર નહોતું. શ્રીકૃષ્ણ ભગવાનના સમયમાં પણ એકે રાધાકૃષ્ણનું મંદિર નહોતું. શ્રીકૃષ્ણ ભગવાને આ અંગે સ્વયં ગીતામાં કહ્યું છે કે-
‘अवजानन्ति मां मूढाः मानुषीं तनुमाश्रितम्।
परं भावमजानन्तो मम भूतमहेश्वरम्॥’
‘મૂઢ લોકો મનુષ્યસ્વરૂપધારી પરમાત્મા એવા મારા, પરભાવને જાણી શકતા નથી.’
ભગવાન સ્વામિનારાયણના સમયમાં પણ તેમને સર્વાવતારી પરબ્રહ્મ જાણવામાં ઘણા ભક્તો પણ ભરમાણા. શ્રીહરિએ સત્સંગમાં સમાધિપ્રકરણ દ્વારા પોતાના સર્વોપરી સ્વરૂપનું દર્શન સર્વેને કરાવ્યું છતાં કેટલાક લોકોને તેમનો પરભાવ સમજાયો નહિ. તેમણે સ્વયં વિક્રમ સંવત 1858થી 1878 સુધી સર્વોપરીપણાની વાતો કરી તો પણ કેટલાક લોકો શ્રીહરિને જેવા છે તેવા સ્વરૂપમાં જાણી શક્યા નહીં. તેમને સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ સમજવું અઘરું પડ્યું. ગઢડા મધ્ય પ્રકરણના 13મા અને અમદાવાદ પ્રકરણના 7માં વચનામૃતમાં તો સ્પષ્ટપણે વાત કરી છતાં સમજાયું નહીં. સત્સંગિજીવનમાં પણ શ્રીહરિને અન્ય અવતાર જેવા કહ્યા. શ્રીહરિએ વિચાર્યું કે અમે ગ્રંથમાં સમાઈએ એવા નથી. ભવિષ્યમાં જેવા છીએ તેવા જણાઈશું. એટલે તેમણે રામ અને કૃષ્ણની જેમ આ વાત સમય ઉપર નાંખીને ભરતખંડના ભોમિયા નરનારાયણદેવને પધરાવી દીધા. પછી બીજાં પાંચ મંદિરોમાં લક્ષ્મીનારાયણ, ગોપીનાથ, મદનમોહન, રાધાકૃષ્ણ, રણછોડરાય-ત્રિકમરાય, સિદ્ધેશ્વર મહાદેવ એવાં સ્વરૂપો પધરાવ્યાં.
પરંતુ તેમણે આ અવતારોને પધરાવ્યા તેનો સંકેત સ્પષ્ટ હતો : જેમ રાધાએ સહિત કૃષ્ણ, નર સહિત નારાયણ, લક્ષ્મી સહિત નારાયણની મૂર્તિઓને અમે સ્થાપી છે, તેમ અમે અમારા ભક્તે સહિત અમે બિરાજીશું. અન્ય અવતારો કરતાં શ્રીહરિની એક વિશેષતા હતી કે વરતાલમાં પોતાની મૂર્તિ છેલ્લા શિખરમાં છેલ્લે સ્થાને પોતાના હસ્તે પધરાવી દીધી ! તેમને ખાતરી હતી કે એક દિવસે આ મૂર્તિ મારા ઉત્તમ ભક્ત અક્ષરબ્રહ્મ સાથે મધ્ય મંદિરમાં બિરાજશે. વચનામૃતમાં તેમણે પૂર્વોક્ત અવતારોને આદર આપવાનો આદેશ આપ્યો, વિવેક શિખવ્યો અને સાથે સાથે પોતાના સર્વોપરિ સ્વરૂપની ઉપાસનાનો માર્ગ સ્પષ્ટ કર્યો. (ગઢડા અંત્ય પ્રકરણ 38)
સર્વોપરિ પરબ્રહ્મ શ્રીહરિના સ્વરૂપને યથાર્થ સમજવામાં અને નિરૂપવામાં એક તરફ મોટા મોટા પરમહંસોની જીભ અચકાતી હતી ત્યારે પાંચસો પરમહંસોમાં મુખ્ય એવા અક્ષરબ્રહ્મ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ શ્રીહરિના સર્વોપરીપણાના પડકારા કરવા માંડ્યા. તેમણે કહ્યું કે પતિવ્રતા સ્ત્રી પતિના સંબંધીઓને રમાડે જમાડે પણ પતિ તરીકેનો સંબંધ તો ફક્ત પોતાના પતિ સાથે જ હોય. પોતાના પતિ જેવા કે અધિક બીજા પુરુષને ન જ માને. બધા પુરુષને જો સરખા માને તો તે નગરવધૂ કહેવાય. લોકમાં પણ કહેવાય છે કે ‘Respect all, follow one and hate none.’ બધાને આદર આપો પણ ઉપાસના તો એકની જ કરો અને કોઈની નિંદા ન કરો. વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણ 38માં ભગવાન સ્વામિનારાયણે ઉચ્ચારેલાં વચનો દૃઢાવતાં સ્વામીએ કહ્યું કે બીજા અવતારો નમસ્કાર કરવા યોગ્ય અને પૂજવા યોગ્ય છે, પણ ઉપાસના કરવા યોગ્ય તો આપણા ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન જ છે.